Archive for the ‘પંચમ શુક્લ’ Category

  • ગઝલ બનતી નથી : પંચમ શુક્લ
  • તરત મને મળી જજે : પંચમ શુક્લ
  • દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ
  • પાથરણું પાથર : પંચમ શુક્લ
  • લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ
  • વસંતનું આંગ્લ-અયન : પંચમ શુક્લ
  • શબ્દ લાઘવ : પંચમ શુક્લ


  • શબ્દ લાઘવ : પંચમ શુક્લ

    Thursday, October 7th, 2010

    .

    શબ્દ લાઘવ આપજે રાઘવ સમું,
    લક્ષ્ય હર આજાનુભુજ-પાંડવ સમું.

    શ્યામરંગી અંગમાં સોહામણું,
    આપજે લાવણ્ય બસ માધવ સમું.

    પંચવિધ, ક્ષણ પૂર્ણ યૌવન આપજે,
    પંચસાયકનાં મુદિત માર્દવ સમું.

    આપજે મન દોડતું મૃગલાં સમું,
    ને ચપળ આ ચિત્ત પણ કૈતવ સમું.

    ના દધીચિ-વજ્ર-ધારીનો વિજય,
    યુદ્ધ દારુણ આપજે દાનવ સમું.

    ક્રોધમાં પણ પૂર્ણ નર્તન આપજે,
    નૃત્ય બસ નટરાજનાં તાંડવ સમું.

    હર તૃષાના અંત પર તત્પર રહી,
    પેય પાજે સોમરસ આસવ સમું.

    સ્વપ્ન બસ એકાદ એવું આપજે,
    ફુલ ગુલાબી ને કૂણાં શૈશવ સમું.

    જીવવાનું આપજે ઝાકળ સમું,
    વસ્ત્ર અંતિમ પુષ્પનાં પાલવ સમું.

    રાખજે મારું મહજ અસ્તિત્વ પણ,
    નીલલોહિતનાં સહજ વૈભવ સમું.

    - પંચમ શુક્લ

    .

    શબ્દાર્થ : આજાનુભુજ-પાંડવ – અર્જુન,   પંચસાયક – કામદેવ ( જેની પાસે સ્પર્શ, રસ, ગંધ,રુપ અને શબ્દ રુપી પાંચ બાણ છે )   મુદિત – આનંદદાયક,   માર્દવ – કોમળતા,   કૈતવ – પારધિ,   દધિચી-વજ્ર-ધારી – ઈન્દ્ર ( ઈન્દ્રનું શસ્ત્ર વજ્ર દધીચિ ૠષિનાં હાડકામાંથી બનેલું )  નીલલોહિત – શંકર. ( જેનું ગળું વિષ પીવાને કારણે નીલા રંગનું છે )

    ઈશ્વર પ્રસન્ન થાય અને કહે, ‘માંગ, માંગ. માંગે તે આપું .’  તો શું માંગવું ?  બસ, આવું જ કંઇક. એક  શબ્દવૈભવી ગઝલ !

    .

    .

    .

    દર્પ ગાળી દઠ બનો : પંચમ શુક્લ

    Thursday, August 5th, 2010

    કઠ ભલે, કર્મઠ બનો,
    નેતિ નેતિ નઠ બનો.

    મત મતાંતર મઠ બનો,
    લીલ લહેરો, લઠ બનો.

    વ્હેણ પોતે તઠ બનો,
    સર્વ ગળતર ગઠ બનો.

    સૌમ્ય, શાલીન સ્વત્વથી,
    જાત સાથે શઠ બનો.

    સિદ્ધિ, બુદ્ધિ અઠ ગ્રહો,
    દર્પ ગાળી દઠ બનો.

    - પંચમ શુક્લ

    વેદજ્ઞાનને આ ગઝલગાનમાં અનોખી રીતે માણી શકાય છે. સંસારમાં કઠણાઇ (કઠ) તો રહેવાની જ છે, પણ કર્મનિષ્ઠ બની, આપણે આપણું કર્મ કરવું જોઇએ. જો આપણું મન વિચલિત થાય તો, થોડું શઠપણું દાખવી, જાતને છેતરી, સમજાવી ફોસલાવીને પણ, વિચલીત મનને સ્થિર કરવા પ્રયત્ન કરી શકાય.  જો અભિમાન ઓગાળી, નિર્બુદ્ધિવાન બનીએ તો અષ્ટસિદ્ધિ પામતાં વાર નથી લાગતી.   ( ગઝલનો રસાસ્વાદ કરાવવા માટે પંચમભાઈને નમ્ર વિનંતી અને વાચકોને પણ … )

    વેદ, ઉપનિષદ કાળથી સાંપ્રત કાળ સુધી , જીવન જીવવાની ઉપરોક્ત કળાને , મુખ્યત્વે ધાર્મિક બનાવી તેનાં આધારે અલગ અલગ સ્વરુપમાં વર્ણવવામાં આવી છે.  પણ ધર્મ એટલે શું ?  હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ …. ?!!   વેદકાલીન ધર્મની વ્યાખ્યા મુજબ, ‘धारयति इति धर्म : ‘  અર્થાત્‌,  જે ધારણ કરીએ છે તે ધર્મ.   અલગ અલગ ધર્મનાં તિલક-ચાંલ્લા, દોરા-ધાગા, વેશ-પરિધાન ધારણ કરીએ એટલે તે ધર્મ ધારણ કરી લીધો ?!!

    ના….. ધારણ તો મનુષ્યત્વ કરી, જીવન જીવવાની કળા આત્મસાત્‌ કરવાની છે  અને મનુષ્ય માત્રનો ‘ધર્મ’ એ જ હોઇ શકે.

    શબ્દાર્થ :  કઠ – કઠણાઇ, કર્મઠ – કર્મનિષ્ઠ, નઠ -  નઠારું (નિર્લજ્જ ) , મઠ -  આશ્રમ,  લઠ - લાઠી, ડંડો,  તઠ - તટ, કિનારો, ગઠ - ગાંઠ, શઠ - ધૂર્ત, લુચ્ચું,  અઠ – આઠ, ગ્રહો – ગ્રહણ કરવું, દર્પ - અભિમાન, દઠ – બુદ્ધિહીન.

    .

    ગઝલ બનતી નથી : પંચમ શુક્લ

    Saturday, April 24th, 2010

     

    બે વિરોધી વાતથી ગઝલ બનતી નથી,
    સ્પંદના ઉત્પાતથી ગઝલ બનતી નથી.

    ખોખલા જઝબાતથી ગઝલ બનતી નથી,
    પાંગળા પરિત્રાતથી ગઝલ બનતી નથી.

    શ્યામ કે અવદાતથી ગઝલ બનતી નથી,
    ઉષ્ણથી કે શાતથી ગઝલ બનતી નથી.

    તુચ્છ તહેકીકાતથી ગઝલ બનતી નથી,
    પારકી પંચાતથી ગઝલ બનતી નથી.

    છંદની બિછાતથી ગઝલ બનતી નથી,
    પ્રાસની તહેનાતથી ગઝલ બનતી નથી.

    શેરની તાકાતથી ગઝલ બનતી નથી,
    બેતની તાદાતથી ગઝલ બનતી નથી.

    મીરની મીરાતથી ગઝલ બનતી નથી,
    ખુદાઈ ખેરાતથી ગઝલ બનતી નથી.

    ખ્યાત કે અખ્યાતથી ગઝલ બનતી નથી,
    જ્ઞાત કે અજ્ઞાતથી ગઝલ બનતી નથી.

    સાથ કે બાકાતથી ગઝલ બનતી નથી,
    એકથી કે વ્રાતથી ગઝલ બનતી નથી.

    અર્થ કે અર્થાત્-થી ગઝલ બનતી નથી,
    તર્કના ઉધમાતથી ગઝલ બનતી નથી.

    કેમ ને કસ્માત્-થી ગઝલ બનતી નથી,
    પ્રશ્નના વરસાતથી ગઝલ બનતી નથી.

    બુદ્ધિના ધણિયાતથી ગઝલ બનતી નથી,
    ઊર્મિની બારાતથી ગઝલ બનતી નથી.

    શબ્દની સોગાતથી ગઝલ બનતી નથી,
    મર્મની ઓકાતથી ગઝલ બનતી નથી.

    એકલા આઘાતથી ગઝલ બનતી નથી,
    રોકડા રળિયાતથી ગઝલ બનતી નથી.

    ધ્યાત કે આધ્યાતથી ગઝલ બનતી નથી,
    ગુહ્યથી યા વ્યાત્ત્-થી ગઝલ બનતી નથી.

    સ્થૂળ યાતાયાતથી ગઝલ બનતી નથી,
    પ્રાયઃ ઇષ્ટ સ્યાત્-થી ગઝલ બનતી નથી.

    એમ કહીએ : જાતથી ગઝલ બનતી નથી,
    એમ નહિં : જગ-તાતથી ગઝલ બનતી નથી !

    - પંચમ શુક્લ

     

    કવિઓ માટે  ગઝલ રચવી એ પણ એક આકસ્મિક ઘટના જ હોય છે.   કાગળ અને કલમ સિવાય દિવ્ય ચેતનાનો સંચાર પણ જરુરી જ છે.   પણ જ્યારે ગઝલ ન રચાય ત્યારે ?  ગઝલ બનતી નથી… તે વિષે જરુર ગઝલ લખી શકાય.   પંચમભાઈની કલમે સંસ્કૃત અને ઉર્દૂ શબ્દોથી સભર એક સુંદર મત્લા ગઝલ તેમનાં જન્મદિને માણીએ.   શબ્દોનો મર્મ , નવા ગઝલકારોને પણ એટલો જ ઉપકારક છે. 

     

    શબ્દાર્થ : ત્રાત -રક્ષણ, બચાવ, અવદાત - શ્વેત, વ્રાત - સંઘ, સમૂહ, કસ્માત્ (સં.) - શાથી, કયા કારણે, વ્યાત્ત્ - ખુલ્લું, ઉઘાડું,  સ્યાત્ -  કોઈ અપેક્ષા, કોઈ માર્ગ. 

     

    .

    વસંતનું આંગ્લ-અયન : પંચમ શુક્લ

    Tuesday, February 23rd, 2010

    daffodils

    ( પીળાશ… ડૅફૉડિલની )

    દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
    આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.

    રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની-
    નાતાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે.

    ગેઈલ વાયુ ત્યાં જ કહે, પ્રાણ હચમચાવતો :
    કલ્પનાની ચીમની છે તો જ કાયનાત છે.

    યાદ કર તું પંચમ કોકિલ સ્વરની સંજ્ઞાઓ,
    ફિન્ચ, સ્પેરો, રોબિનને કંઠ એ જ વાત છે.

    જા ! પીળાશ સરસવની પૉસ્ટમાં મંગાવી લે,
    ડૅફૉડિલની સાથે ટપાલી શા તાલ્લુકાત છે.

    - પંચમ શુક્લ

     

     પરદેશમાં પણ જેમણે હૈયે કોયલનાં ટહુકાઓ અને આંખોમાં આંબાનો મ્હોર સંઘરી રાખ્યો છે, તે સૌની મીઠી મૂંઝવણને રજૂ કરતી એક ગઝલ.  ‘ત્યાં’ ની રીત, ભાત, વેશ બધાં સાથે તાલ મિલાવતાં ‘આપણાં’  લોકો ડૅફૉડિલની પીળાશમાં સરસવ તો રોબિન અને ફિન્ચના ગાનમાં કોયલને પામવાની કોશિશ કરે જ છે.

     શબ્દાર્થ  :  આંગ્લ – અંગ્રેજી , અયન – પ્રયાણ .

     

     .

    પાથરણું પાથર : પંચમ શુક્લ

    Tuesday, January 12th, 2010

     

    કૈંક લખું, તું તરણું પાથર,
    મસ્ત પવન પાથરણું પાથર.

    હોય હવા પણ હોવું શું છે?
    સૂર થઈ સાંભરણું પાથર.

    સ્મિત વદનવત શૈશવ સ્રવતું,
    વારિ અનોખું ઝરણું પાથર.

    ખેંચ ખચીત કૈં ઊર્ધ્વ છલકશે,
    શૂન્ય ગગન પર પરણું પાથર.

    એક અજાયબ બંધ થયેલાં-
    ચિત્ત મહીં ચાંદરણું પાથર.

    - પંચમ શુક્લ
    (૮.૫.૧૯૯૩)

     

    ઊગતો સૂર્ય કે ઢળતી સાંજ, ઊછળતાં દરિયાનાં મોજાં કે શાંત નદીની લહેરો, સૂકાં રણ કે છમ્મલીલાં જંગલો… આપણું તન-મન કુદરતનાં એ જ પાંચ તત્ત્વોનું બનેલું છે અને એટલે જ તે નિસર્ગનાં સાંનિધ્યમાં પોતીકાપણું અનુભવે છે અને પરમાનંદ અનુભવી શકે છે.  આવી જ કોઈક ક્ષણે પરમને પામી  શકાયને ?!!

     

    શબ્દાર્થ :  વારિ – પાણી. ખચીત – અવશ્ય.

     

     

    .

    લહર લહર કિરતાર ચઢો : પંચમ શુક્લ

    Friday, April 24th, 2009

     

    શબદ બિંધ ઉસ પાર ચઢો,
    બિના અશ્વ અસવાર ચઢો.

    બાર બાર ગિરનાર ચઢો,
    ધરો સાર, સંસાર ચઢો.

    ખૂલે સાંસ તપ તાપ તપો,
    અગન પંખ અંગાર ચઢો.

    સકલ તોડ કા જોડ કહાં?
    ડગર એક ટટ્ટાર ચઢો.

    પઢો પાઠ, મન ઘાટ ઘટો,
    સૂની, દેખી, ચમકાર ચઢો.

    હટે નાંહિ જબ નેન લગા,
    કદમ ધાર તલવાર ચઢો.

    ઊઠી લહર કો થામ લિયો,
    લહર લહર કિરતાર ચઢો.

    - પંચમ શુક્લ

     

    પંચમ શુક્લ બ્લૉગ જગતમાં પોતાની અર્થગહ્.ન કૃતિઓથી જાણીતા છે. ‘ બાપુ-ઘરાના’ ( રાજેન્દ્ર શુક્લ ) ની ગઝલો  પરમ તત્ત્વને સમજવા  જેવી જ ગડમથલવાળી સામાન્ય વાચકને લાગે – તેવી જ પંચમભાઈની પણ… તે જ ઘરાનાની ! !  તેમના જ શબ્દોમાં કહીએ તો બિના અશ્વ અસવારની ચઢવા કે તલવારની ધાર પર બઢવા જેવી વાત ……?!!  આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ. 

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME