Archive for the ‘પન્ના નાયક’ Category
આપણે : પન્ના નાયક
Thursday, June 10th, 2010
આપણે
આટલાં નજીક
છતાં ય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યાં છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર.
- પન્ના નાયક
ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં. તેવી જ રીતે, એક જ છત નીચે, એક ’માણસ’ બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?
.
છંદોની છીપમાં ઉઘડે મોતી : પન્ના નાયક
Monday, December 28th, 2009
છંદોની છીપમાં ઉઘડે મોતી અને લયમાં ઝૂલે છે મારું ગીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
મારા આ શબ્દોમાં કોનો છે શ્વાસ અને ધબકે છે કોની આ પ્રીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
અણસારાનાં અહીં ઊડે પતંગિયા, ભમરાઓ ભમતા ભણકારનાં,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય, રાતે અહીં આગિયા રણકારનાં.
મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત,
શબ્દોની સામે માંડી છે મીટ.
પંખીનાં પગલાં આકાશે હોય નહીં, ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં, હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.
તડકો ને ચાંદની બન્ને રેલાય, એને નડતી નથી રે કોઇ ભીંત,
શબ્દોની સામે માંડી છે મીટ.
- પન્ના નાયક
કવિયત્રી પન્ના નાયકનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ, માણીએ તેમનું એક સુંદર, સુમધુર ગીત. પૃથ્વી પર તડકો અને ચાંદની બન્ને રેલાય, પણ આ હઠીલા હાથનો ખોબો પ્રકૃતિને ઝીલી શકે ? એને તો બસ, નયનોમાં ભરી શકાય. પંખીનાં પગલા આકાશમાં મળે ? એ તો ઊડીને જતું રહેશે, હા… એનાં ટહુકાને દિલમાં જરુર સંઘરી શકાય. પણ તેને ઉકેલવા મીટ તો શબ્દો સામે જ માંડવી પડે.
તેમની સાઇટ http://pannanaik.com/ ની મુલાકાત પણ લેશો.
.
સ્ત્રી-સ્વાતંત્ર્ય : પન્ના નાયક
Sunday, March 8th, 2009
બે પગમાંથી
કયો પગ
ઊકળતા પાણીમાં મૂકવો
અને કયો
બરફના ચોસલામાં
એનો
સ્વતંત્ર નિર્ણય લેવા
અપાયેલો અધિકાર
એટલે
સ્ત્રી-સ્વાતંત્ર્ય
- પન્ના નાયક
મિત્રો, આજે ઈન્ટરનેશનલ વીમેન્સ ડે….. જેની સર્વ પ્રથમ ઉજવણી કદાચ રશિયામાં અને પછી અમેરિકામાં થઈ હતી. સ્ત્રી સ્વાતંત્ર્યની વાત કરીએ તો પહેલો સવાલ એ જ ઊઠે કે સ્વતંત્રતા એટલે શું ? – અને પાયાનાં આ પ્રશ્નને પન્નાઆંટીએ બહુ સરસ રીતે ઉઠાવ્યો છે. કારણ સ્ત્રીને તો એક પગ ઊકળતા પાણીમાં અને બીજો પગ બરફના ચોસલામાં – બન્ને પરિસ્થિતિ નોર્મલ તો નથી જ. તો સ્વતંત્રતાની વિભાવના શું ? પ્રાચીનકાળથી જ સ્ત્રીની એક વિભાવના “આર્યપુરુષો” એ નક્કી કરેલી જ હતી.
“कार्येषु मन्त्री करणेषु दासी भोज्येषु माता शयनेषु रम्भा ।
धर्मानुकूला क्षमया धरित्री भार्या च षाड्गुण्यवतीह दुर्लभा ॥”
અર્થાત્ , બાહ્યકાર્યમાં મંત્રી, ગૃહકાર્યમાં દાસી, ભોજનકાર્યમાં માતા, શયનમાં રંભા, ધર્મકાર્યમાં સાનુકૂલ અને ક્ષમા આપવામાં ધરતી સમાન-આ છ ગુણો ધરાવતી પત્ની મળવી મુશ્કેલ છે. વૈદિક કાળથી જ ઉષા ઉપાધ્યાયનાં શબ્દોમાં કહું તો – ” સપ્તર્ષિના બીજા તારાઓ કેવા ઝળહળતા છે પણ અરુંધતીનો તારો આટલો નાનો ને ઝાંખો કેમ છે ?” (અરુંધતી-વસિષ્ઠ ઋષિનાં પત્ની) આગળ ઉષાબેન કહે છે, ” હજુ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. એક નારી તરીકે આ પ્રશ્નના ઉત્તરની શોધ એ મારો પ્રમાણિક અવાજ છે. ” અને આ ખોજનું પરિણામ સ્વરૂપ તેમની કવિતા ‘મુક્તિ’. હા… આજે વીમેન્સ ડે પર કાવ્યત્રયી માણવાનું ના ચૂકશો. તો પન્નાઆંટીએ પોતાની વૅબસાઈટ હમણાં જ લૉન્ચ કરી છે તો તેની મુલાકાત પણ લેશો.
.
ઘાસમાં : પન્ના નાયક
Monday, December 29th, 2008
ઘાસમાં
ઢળેલી
શાંત, અણજાણ સંધ્યાના
ખોળામાંથી
એક આગિયો
પ્રકાશ પ્રસારવા
દોડ્યો
મેં
હાલ્યા વિના
એને જોયો
ત્યારે જ
મારી
વૃદ્ધાવસ્થાનું
મને ભાન થયું.
- પન્ના નાયક
From the lap
of a quiet, innocent evening
reclining in grass
a glow-worm ran
to spread light.
I saw it
without moving,
Had I grown so old ?
- Panna Nayak
Translator : Pradip Khandwala
આગિયો ‘કયો’ પ્રકાશ ફેલાવવા દોડ્યો અને તે વૃદ્ધાવસ્થામાં જ સમજાય છે એવું ઈંગિત થાય છે પણ ગઈકાલે ૨૮મી ડિસેમ્બર પન્ના આંટીનાં જન્મદિને શબ્દોનો પ્રકાશ તેમણે જે ફેલાવ્યો છે જે ક્યારેય વૃદ્ધ નથી થઈ શકવાનો તે આમ જ પ્રકાશતો રહે તેવી શુભેચ્છાઓ…….
.
