Archive for the ‘પ્રદ્યુમ્ન તન્ના’ Category

  • આયો અષાઢ ! : પ્રદ્યુમ્ન તન્ના
  • માંડણાં : પ્રદ્યુમ્ન તન્ના


  • આયો અષાઢ ! : પ્રદ્યુમ્ન તન્ના

    Thursday, July 15th, 2010

     

    vadal

    આયો અષાઢ !
    સઘન ગગન ઘન ગરજ સુણીને, થર થર કંપ્યા પ્હાડ !

    કાજળ ઘેરાં વાદળ છાઈ, દિશા ચૂવે અંધાર,
    ઝબકે સબકે લબકે વીજ, કરી નાગણ શા ફુત્કાર,
    વન વન દંડન ખંડન કરતો સમીરણ પાડે ત્રાડ !

    ઉઘલ ઉઘલ દળવાદળ, પલપલ વરસે મૂશળધાર,
    પ્રકૃતિ રૂઠી ઊઠી, આજે ધરે પ્રલયસિંગાર,
    રંગરંગીલી ઓઢણી છોડી, ઓઢે જળ-ઓછાડ !

    આભ ચીરીને ઊતરે, જાણે વૈતરણીનાં વાર,
    આકુલ જનગણ કંઠે, ઊઠતો ઘેરો એક પુકાર,
    પ્રલયંકર હે શંકર ! એને ઝીલો જટાની આડ.

    - પ્રદ્યુમ્ન તન્ના

     

    વરસાદની હેલી વ્હાલી લાગે પણ, પૂર આવતાં જ વ્હાલો વરસાદ કેવો વેરી બની જાય છે ?!  – કવિ આ ગીતમાં વરસાદનું આવું જ ક્રૂર, બિહામણું સ્વરુપ વર્ણવે છે. વીજળીઓ ઝબકતી હોય, ત્રાડ નાંખતો પવન વને વને ઘૂમતો હોય અને ત્યારે કાળાં ડિબાંગ વાદળોની ગર્જનાઓ સાંભળી પર્વતો પણ થરથર કાંપી ઊઠે છે.  આભ ચીરીને જાણે કે, વૈતરણીનાં પાણી પણ પૃથ્વી પર ઊતરી આવે છે.  અને ત્યારે પ્રકૃતિએ લીલી ઓઢણી નહીં જાણે કે પાણીની ચાદર ઓઢી હોય તેવું લાગે છે.  આખરે ત્રસ્ત માનવ, પ્રલયંકર શંકરને જટાની આડમાં પાણી ઝીલવાની વિનંતી કરે છે.

     

    શબ્દાર્થ : ગરજ – ગર્જના ( અહીં ), સમીરણ – સમીર (પવન) , ઓછાડ – ચાદર, આકુલ – વ્યાકુળ, સિંગાર – શૃંગાર, શણગાર, વાર – વારિ, પાણી. વૈતરણી – હિંદુ માન્યતા મુજબ, મૃત્યુ બાદ આ નદી પાર કરી સ્વર્ગલોકમાં પ્રવેશ મળે છે.

     

    .

    માંડણાં : પ્રદ્યુમ્ન તન્ના

    Wednesday, October 14th, 2009

     

    rangoli 

    વાળી ઝૂડેલ ભોંય લીંપ્યા છે તડકા, ને ભીંત્યુંએ ઘોળ્યાં છે ચાંદણાં !
    ટાંકણું દિવાળીનું આવો મા લખમી, અમ રાંકનાં તે અંજવાળો આંગણાં !

    ઝાઝા ઝળુંબતા લીમડાની હેઠ્ય અહીં, રણઝણતી વેલ્યડીને છોડો,
    ધોરીડા ચાવે ચણ્યા-ચારો ત્યાં માંયઘરે ખાવને તમીંય ઘડી પોરો.
    ઝાંઝર ઝણકારે બિરાજો ફૂલ બેસણે, પાવન પગલ્યાંના દેત માંડણાં !
    ટાંકણું દિવાળીનું આવો મા લખમી, અમ રાંકનાં તે અંજવાળો આંગણાં !

    પારણામાં પુતર ને ગાયું ગભાણમાં કોઠલિયે કોદરાં ને જાર,
    મ્હેરે તમારી મરુભોમમાંયે માણીએ હર્યોભર્યો હાં રે સંસાર,
    આડે દિ’ હોય ભલે ભાણે તે રોટલો આજ મીઠી ખીરનાં છે રાંધણાં !
    ટાંકણું દિવાળીનું આવો મા લખમી, અમ રાંકનાં તે અંજવાળો આંગણાં !

    - પ્રદ્યુમ્ન તન્ના

     

    આજથી દિવાળીનાં શુભ પર્વનો પ્રારંભ… દીવડાં, રંગોળી, ફટાકડાં, મિઠાઈઓ, તો ઘર સુશોભનમાં સાફસૂફીનો અને રસોઈનો થાક ક્યાંય ઊતરી જાય… ! જોકે, ભારતમાં પણ  દિવાળીની વ્યાખ્યા બદલાતી જાય છે. તૈયાર મઠિયાં અને નાસ્તા તો જૂની વાત થઈ ગઈ…. અને રંગોળી તો આવતા વર્ષોમાં દુનિયાની એક અજાયબી જ બની રહેશે તેવું જ લાગે છે. જોકે, કાર્ડપેપરનાં કાણાંઓમાંથી ટપકતી રંગોળીઓ, આપણી નાની કે દાદી જુએ તો તેમની આંખોમાંથી પણ કશુંક ટપકી તો જાય જ… !! મને પણ એવું જ લાગ્યું, તો એમને તો ?!!  આપણી રંગોળી અન્ય રાજ્યોમાં અલ્પના, કોલમ કે માંડણાં તરીકે આંગણાંની શોભા વધારતી જોવા મળે છે.

    આજે દિવાળીનાં ટાણે, પ્રદ્યુમ્ન તન્નાનું તળપદી ભાષામાં (કણબીનાં મોઢે આવી અસલ બોલી સાંભળ્યાનું યાદ આવે છે)  લખાયેલું આ ગીત માંડણાં તેની બોલીને કારણે જરાક વધુ પોતીકું લાગશે જ. આપ સૌને દિપાવલીની તેજોમય,  ઝળહળતી શુભેચ્છાઓ.

     

    તા.ક.  બે મહિના પહેલાં પ્રદ્યુમ્નઅંકલને તેમનાં પરિચય અને નવી રચના માટે મેલ કરેલો પણ તે વખતે જવાબ મળ્યો નહિં. વિપુલઅંકલે (કલ્યાણી) સમાચાર આપ્યાં કે તેઓ બિમાર છે અને થોડાં દિવસ પહેલાં જ હરનીશ અંકલે તેમની ચિરવિદાયનાં સમાચાર આપ્યાં. Guj. lit. and we really miss you.

     

    શબ્દાર્થ : ટાંકણું (ટાણું) – અવસર, પ્રસંગ.  લખમી – લક્ષ્મી.  ધોરીડા -  બળદ, ઢોર.   માંય – મારું.  મ્હેરે – કૃપા. 

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME