Archive for the ‘બાલમુકુન્દ દવે’ Category

  • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે
  • પ્રણયોત્સવ : મનમેળ : બાલમુકુન્દ દવે


  • આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી : બાલમુકુન્દ દવે

    Monday, July 19th, 2010

    zarnu varsaad

    આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી, પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
    આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી, પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

    આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી, પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
    આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી, પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.

    આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી, આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
    આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી, આ હરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

    આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી, એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
    આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી, આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

    આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી, પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
    આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી, પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

    - બાલમુકુન્દ દવે

    આષાઢી અવસરને ઊજવ્યાં બાદ, શ્રાવણની નીતરતી જલધારાને ઝીલવું ગમશેને ?!!    શ્રાવણનાં સોહામણાં દિવસો - એ તો કો’  જતિ - સતીનાં તપનું પુણ્ય.  કપૂર જેવી કાયા તો પળમાં ધૂપ બની ઊડી જશે.   નેવલેથી ટપકતાં આ અમૃતને હૈયે ઝીલી લેજો, એળે ના જવા દેતાં…. !

    .

    પ્રણયોત્સવ : મનમેળ : બાલમુકુન્દ દવે

    Monday, February 16th, 2009

     

     

    કેવા રે મળેલા મનનાં મેળ ?
    હો રુદિયાના રાજા ! કેવા રે મળેલાં મનનાં મેળ ?

    ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
    જેવી માંડવે વીંટાય નાગરવેલ :
    હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !

    તુંબું ને જંતરની વાણી
    કાંઠા ને સરિતાનાં પાણી
    ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
    હો રુદિયાના રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !

    ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
    જવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
    હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !

    સંગનો ઉમંગ માણી,
    જિન્દગીને જીવી જાણી;
    એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
    હો રુદિયાનાં રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !

    જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
    જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
    હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !

    - બાલમુકુન્દ દવે

     

    આ ગીત તો હર પ્રેમીજનને કે સાહિત્યપ્રેમીને હૈયે…… પણ પૂરા શબ્દો સાથે માણવું આપ સૌને ગમશે.  બે મળેલાં મનની વાતને ઉજાગર કરતું પ્રણયગીતની જેમ સૌનાં મનમેળ રહે તેવી શુભેચ્છાઓ સહ !!

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME