Archive for the ‘ભગવતીકુમાર શર્મા’ Category

  • અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા
  • અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા
  • ઉદાસીની ગઝલ : ભગવતીકુમાર શર્મા
  • કરી જો ! : ભગવતીકુમાર શર્મા
  • ગઝલ : ભગવતીકુમાર શર્મા
  • પતંગ – ગીત : ભગવતીકુમાર શર્મા
  • વરસાદમાં : ભગવતીકુમાર શર્મા
  • સતત : ભગવતીકુમાર શર્મા
  • હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા


  • પતંગ – ગીત : ભગવતીકુમાર શર્મા

    Friday, January 14th, 2011

     .

    .

    પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી ;
    વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી !

    પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી ;
    શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
    ઠાગાઠૈયાં, ઠૂમકા, ઝૂમખા હૂંકારે અવિનાશીજી.

    કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી ;
    પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી !
    કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી.

    વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી ;
    ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી !
    આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!

    - ભગવતીકુમાર શર્મા

    .

    આપ સૌ વાચકોને મકરસંક્રાતિની નભઊંચેરી શુભેચ્છાઓ !  અવિનાશીજી ભલે ઠાગાઠૈયાં, ઠૂમકા અને નખરાં કરે, પણ  દોર તેના જ હાથમાં સોંપી દઈએ,  અને આપણો પતંગ પણ આભની ઊંચાઈને સ્પર્શી શકે. 

    .

    .

    .

    .

    વરસાદમાં : ભગવતીકુમાર શર્મા

    Saturday, November 27th, 2010

    .

    યાદ આછી ફરફરે વરસાદમાં,
    આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

    બારીની જળમાં થઈ કાલાપલટ,
    બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

    કેટલી વ્યાકુળ તરસની છે તરસ !
    કૂવાથાળે કરગરે વરસાદમાં.

    મિટ્ટીની ખુશ્બુને પૂરી પામવા,
    આભ હેઠું ઊતરે વરસાદમાં.

    મોરના ટહુકા ને સણકા છાતીના;
    કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

    પાતળો કાગળ લઈ આકાશનો;
    કોઇ હોડી ચીતરે વરસાદમાં.

    આંખ ને નભ સર્વ એકાકાર છે;
    કોણ આવે  ખરખરે વરસાદમાં.

    - ભગવતીકુમાર શર્મા

    .

    .

    વરસાદમાં  પ્રિયજનની યાદ આવે અને સાથે જ, વરસાદની સાથે તાલ મિલાવવા આંખમાંથી ટપકે ઝરમર વરસાદ !  તો, મોરના ટહુકા સાંભળી છાતીમાં પણ ઊપડે સણકા.  બસ પછી તો બારણું પણ ડૂસકાં ભરે…. !

    .

    .

    .

    .

    કરી જો ! : ભગવતીકુમાર શર્મા

    Monday, November 1st, 2010

    .

    આંસુનો અનુવાદ કરી જો !
    દરિયામાં વરસાદ કરી જો !

    ઘેરાયેલું વાદળ ખૂલશે,
    ખુદ સાથે વિખવાદ કરી જો !

    રણ-ડમરી વચ્ચે આંખોના,
    જળને ઝિન્દાબાદ કરી જો !

    જન્મ પુષ્પનો મળ્યો તને તો,
    ઝાકળથી સંવાદ કરી જો !

    મળ્યું હતું તરબોળ પલળવા,
    બંધ નયને યાદ કરી જો !

    સરસ્વતીની પૂજામાંથી,
    મુશાયરાને બાદ કરી જો !

    - ભગવતીકુમાર શર્મા

    .

    .

    શું આપણે પુષ્પ બની ઝાકળ સાથે સંવાદ કરી શકીએ ?  એનો જવાબ તો ‘હા’ જ આવે . પણ આપણે કરીએ છીએ ખરા ? … તો એનો જવાબ ચોક્કસ ‘ના’ જ આવે.  જરુર છે માત્ર ખુદ સાથે વિખવાદ કરવાની …. અને પછી તો જાતને  જિન્દાબાદ કરી જો !!!

    .

    .

    .

    .

    અમે આંધી વચ્ચે તણખલાંના માણસ : ભગવતીકુમાર શર્મા

    Monday, May 31st, 2010

     

    અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;
    પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

    ફટાણાંના માણસ, મરસિયાના માણસ,
    અમે વારસાગત સમસ્યાના માણસ.

    ‘કદી’ થી ‘સદી’ની અનિદ્રાના માણસ,
    પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ.

    અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ,
    સડકવંત ઝિબ્રાતા ટોળાના માણસ.

    શિખર, ખીણ, ધુમ્મસ, સૂરજ  કે કશું નૈં ?
    ‘ટુ બી-નૉટ ટુ બી’ ની ‘હા-ના’ ના માણસ.

    ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું,
    અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

    મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે,
    હતા આપણે મૂળ તડકાના માણસ.

     - ભગવતીકુમાર શર્મા

     

    ભગવતીદાદાનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી અને માનીતી ગઝલ.  જેમ આંધીમાં તણખલું વંટોળે ચઢે એમ આપણે પણ દુન્યવી  વંટોળે ચઢીએ તો છીએ પણ પછી તણખલાંની જેમ પવનની સંગ લહેરાતા નથી આવડતું  અને આવી કંઇક વારસાગત સમસ્યાઓ લઈને જન્મ લેનારાં આપણે આપણને પણ મળી શકતાં નથી.  સડક પર ઝિબ્રા ક્રોસિંગ આવે ને જાય …  એમ સદીઓ વીતી જાય છતાંય માણસ જાતની ‘કદી’ એ પળ આવતી જ નથી કે  ‘ ટુ બી ઓર નૉટ ટુ બી’ માં અટવાયા વિના ખુદને મળી શકે.  ( ઑડિયો : નયનેશ જાની )

     

     

    .

    હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા

    Monday, May 3rd, 2010

     

    હે ધરા ગુર્જરી ! તું અમારા મનોરથ તણી મંજરી !
    તે છતાં, કૂણી તુજ કાયથી, હાય, આ ધાર શોણિત તણી આજ શેં નિર્ઝરી ?

    તું જ નરસિંહનાં ભજનની ભોમકા, તું જ જયસિંહ કેરું પરાક્રમ,
    ત્‍હારામાં વસ્યું નગર નર્મદ તણું, પ્રેમને શૌર્યનો તું જ સંગમ,
    તું જ શ્રી કૃષ્ણના શંખનો નાદ છે, તું જ છે મિષ્ટ મોહન તણી બંસરી !
    હે ધરા ગુર્જરી !

    તું જ ગાંધી તણી જન્મદાત્રી ભૂમિ, તું જ વલ્લભ તણી ધન્ય ધરતી,
    સત્યને શાંતિનાં દિવ્ય સંદેશ સૌ તારી ગરવી ગિરા નિત્ ઉચરતી.
    તે છતાં ચાંદની જેવી તુજ હસ્તી પર, શેં ઝઝુમી ઊઠી શ્યામ આ શર્વરી !
    હે ધરા ગુર્જરી !

    તે છતાં હાથમાં રક્ત લઈને અમે, આજ કરીએ છીએ અડગ નિશ્ચય,
    તારી સેવા અને મુક્તિ માટે સદા, પ્રાણનો પણ કરીશું વિનિમય.
    પ્રેરણા કેરી તું મૂર્તિ છે માવડી ! તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી !
    હે ધરા ગુર્જરી !

    - ભગવતીકુમાર શર્મા

     

    ભારતની આઝાદી વિશે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કદાચ ગુજરાત રાજ્યની સ્થાપના વિશે નથી જાણતાં.  બૃહ્દ મુંબઈની બે ભાષાઓએ બે રાજ્યોને જ્ન્મ આપ્યો.  અને તેમાં પણ વિકસિત મુંબઈ માટેનો વિવાદ કેટલો થયો હશે તેની  પણ કલ્પના કરી જ શકાય. જોકે, ધનિક વેપારીઓ સિવાય સામાન્ય જનતાને મુંબઈ મહારાષ્ટ્રમાં જોડાય તેનો વાંધો ન હતો.  પણ પ્રજાનાં હ્રદયમાં અલગ ગુજરાતનાં મનોરથ રુપી મંજરી  ફૂટી ચૂકેલી હતી.  અને  તેની કૂણી કાયાને રક્તથી સીંચી એટલે કે,  પ્રાણનો વિનિમય કરીને પણ તેની મુક્તિ અને સેવાનો અડગ નિશ્ચય કરે છે.  

    જે કવિ ” તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી ! “  એમ  ગાય છે.  ચાર વર્ષની મહાગુજરાતની ચળવળ બાદ,  ૧ મે, ૧૯૬૦નાં રોજ,  સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે મૂકસેવક રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જ્યારે ગુજરાતની સ્થાપના કરે છે ત્યારે તે સમાચારનું  રીપોર્ટીંગ કરવા ભગવતીદાદા સુરતથી અમદાવાદ આવે છે.   ધરાની મુક્તિનો, નિશ્ચયની પૂર્તિનો  એ આનંદોલ્લાસ આજે પણ તેમનાં મુખ પર જોઇ શકાય છે.   જોકે, તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે,  રીપોર્ટીંગ કરી પાછાં સુરત જતાં, તે જ દિવસથી શરુ થયેલી ગુજરાત એક્સપ્રેસમાં ટિકિટ બુક કરવા જતાં, કાઉન્ટર પરથી જવાબ મળે છે અરે… સાહેબ, બેસી જાઓને હજુ સુધી તો કોઇ બુકીંગ કરવા આવ્યું જ નથી. એટલે કે, ગુજરાત એક્સપ્રેસનાં પહેલાં પ્રવાસી તેઓ જ.  તો ગુજરાતની સ્થાપના થઈ તે જ દિવસે ફાધર વાલેસ ‘વગર ટિકિટે’ મુંબઈથી અમદાવાદ આવેલાં તે પણ સુંદર યોગાનુયોગ નથી !

     

    .

    સતત : ભગવતીકુમાર શર્મા

    Tuesday, August 25th, 2009

     

    ‘કોઈ નથી’ની ભીડમાં ઠેલાઉં છું સતત;
    પથ્થરની શૂન્યતામાં હું ફેલાઉં છું સતત.

    તેજીલો અશ્વ થાકથી રસ્તે ઢળી પડ્યો;
    કોરી ગતિના મુખમાં ફિણોટાઉં છું સતત.

    ભૂલું પડ્યું છે પંખી સમયની ભૂરાશમાં;
    એનાં ખરેલ પિચ્છમાં ચકરાઉં છું સતત.

    જન્માન્તરોની બારીઓ ખુલ્લી રહી ગઈ;
    ‘ક્યારેક’ની ઝડીમાં હું ભીંજાઉં છું સતત.

    કોને ખબર કે ક્યારે હું વરસીશ ધોધમાર ?
    પ્રાગૈતિહાસિક કાળથી તોળાઉં છું સતત.

    ટહુકો ભલે આ નીડ ત્યજી ઓગળી ગયો;
    ટુકડો બનીને નભનો હિલોળાઉં છું સતત.

    પીડાયો છું હંમેશા હું મારા અભાવથી;
    સાંનિધ્યમાં તમારા હું ફણગાઉં છું સતત.

    - ભગવતીકુમાર શર્મા

     

    આજે મોરારિબાપુએ ભગવતીદાદાને ‘ નરસિંહ મહેતા ઍવોર્ડ’  આપવાની ઘોષણા કરી છે.  ભગવતીદાદાને વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ….તો આજે તેમની બે રચનાઓ માણીશું.  કારણકે,  તેમાં વરસાદની વાત …છે એટલે… ના, મને ગમતીલું ગીત છે એટલે. 

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME