Archive for the ‘ભગવતીકુમાર શર્મા’ Category
અઢી અક્ષરનું ચોમાસું : ભગવતીકુમાર શર્મા
Tuesday, August 25th, 2009
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ત્રણ અક્ષરના આકાશે આ બે અક્ષરની વીજ,
બે અક્ષરનો મોર છેડતો સાત અક્ષરની ચીજ.
ચાર અક્ષરની ઝરમર ઝીલતાં રૂંવાડાં સમસમે,
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
ચાર અક્ષરના મેઘમાં છલબલ આપણાં ફળિયાં;
આંખમાં આવ્યાં પાંચ અક્ષરનાં ગળાબૂડ ઝળઝળિયાં!
ત્રણ અક્ષરનું કાળજું કહો ને, ઘાવ કેટલા ખમે ?
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
પાંચ અક્ષરનો મેઘાડંબર, બે અક્ષરનો મેહ,
અઢી અક્ષરના ભાગ્યમાં લખિયો અઢી અક્ષરનો વ્રેહ!
ત્રણ અક્ષરનું માવઠું મુજ સંગ અટકળ અટકળ રમે!
ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે!
- ભગવતીકુમાર શર્મા
કબીરે ગાયું કે, ” પોથી પઢ પઢ જગ મૂઆ, પંડિત ભયો ના કોઈ, ઢાઈ આખર પ્રેમકા, પઢે સો પંડિત હોય.” ભગવતીદાદા કહે છે, અઢી અક્ષરના પ્રેમનું ચોમાસું હોય તો એમાં બે અક્ષરનાં ‘અમે’ એ જ ધોધમાર વરસવું પડે અને તો અડધા અક્ષરની ખોટ તો સજન પૂરી કરે જ. આ રચનામાં દાદાએ શબ્દોનાં અક્ષર ગણતરીમાં લઈ એક સુંદર લયબદ્ધ ગીત રચ્યું છે. તો રાસબિહારી દેસાઈએ તેનું સ્વરાંકન પણ સુંદર રીતે કર્યું છે. ( ઑડિયો )
શબ્દાર્થ : વ્રેહ – વિરહ.
.
ઉદાસીની ગઝલ : ભગવતીકુમાર શર્મા
Sunday, May 31st, 2009

( ઉદાસી આ સૂરજની આંખે ચડી છે )

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે,
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.
મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે.
લખ્યું’તું તમે મારું નામ કદી જ્યાં,
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે.
ઘણાં રૂપ લઇ લઇને જન્મે છે સીતા,
જુઓ, લાગણીઓ ચિતાએ ચઢી છે.
જરા ગણગણી લઉં તમારી સભામાં,
ભૂલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે.
- ભગવતીકુમાર શર્મા
ભગવતીદાદાનો આજે જન્મદિન, તેમનાં જ હસ્તાક્ષરમાં માણીએ તેમની એક ગઝલ, જેમાં એક શેર પણ તેમણે ઉમેર્યો છે. સાંજની ઉદાસી ડૂસકે ચડી છે તો લાગણીઓ ચિતાએ, અને મધુમાલતીના ટેકે પ્રિયજનની યાદો પણ શમણે ચડી છે. દાદાને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…!!
.
ગઝલ : ભગવતીકુમાર શર્મા
Monday, November 17th, 2008
ઉદાસી દિવસ-રાત કોઠે પડી છે ;
તિરાડો ઘણી ઘરની ભીંતે પડી છે.
પરિસ્થિતિ આ રીતે થાળે પડી છે;
ગલીમાં ખુશી ઊંધે માથે પડી છે!
વિધાતાની પગલીનો નકશો તો ન્યારો,
કરચલીઓ ઊંડી કપાળે પડી છે!
ગયું વરસી વાદળ ને સૂરજ ઝળુંબ્યો;
કે મોતીની માળાઓ તડકે પડી છે.
એ આવે ને ઉદ્ધાર એનો કરી દે ;
હયાતી મરણને ભરોસે પડી છે.
- ભગવતીકુમાર શર્મા
સમય જતાં ઘરની ભીંતોમાં પડેલી તિરાડો કરતાંયે મનમાં,સંબંધમાં તિરાડો વધુ ઊંડી અને પહોળી પડતી જતી હોય છે. તો શરીરરૂપી ઘર પણ સમયની ઝાપટો કેટલી ખાઈ શકે છે ? અને દરેક સ્થિતિ અંતે ઉદાસીમાં પરિણમે છે. પરિસ્થિતિ થાળે પાડવા કમને સમાધાન કરવું પડે છે ખુશી ગુમાવીને. પણ આ તારું, આ મારું છોડી જો આપણુંની ભાવના સર્જી સમાધાન કરીએ તો ? વૃદ્ધત્વની કરચલીઓ એ તો વિધાતાએ જીંદગીમાં પાડેલાં તેનાં પગલાંની નિશાની છે, એમ કહી ઈશ્વરની એકહથ્થુ સાર્વત્રિક સત્તાનો સ્વીકાર કરે છે. તો અસ્તિત્વ છે તેનો નાશ છે જ અને આથી જ તો મારો, તમારો નહીં હયાતીનો ઉદ્ધાર કરી દે. અને આમ પણ હયાત તો બસ પરમચેતનરૂપ આત્મા જ રહે તો આત્માનો જ ઉદ્ધાર ઈચ્છીએ જેથી જન્મોજન્મનાં બંધનમાંથી મુક્તિ મળે .
