Archive for the ‘ભાલણ’ Category

  • નાવિક વળતો બોલિયો : ભાલણ
  • શ્રાવણ આવ્યો : ભાલણ


  • શ્રાવણ આવ્યો : ભાલણ

    Friday, August 20th, 2010

    શ્રાવણ આવ્યો, જો રે, રાજની, શૂં કીજે ? નવ્ય જાય રજની.
    શાંમસુંદર તો નાવ્યો રે, બાઈ, લંપટ સાથિ સી રે સગાઈ ?

    તેહને તો ત્યાંહાં ઘણીએ મ્યલશ્યે, હઇડું અહ્‌મારું વિરહે બલશે.
    બાપીડો ‘પીઉ પીઉ’ પોકારે, મનમથ પાંચે બાંણે મારે.

    વીજલડી તણે ચમકારે, માહારા મનડાને અંગારે,
    હોય નહિં જે એહને વારે, કાયા માહારે અમૃત ઠારે.

    મોર બોલે છે એ પાપી, સહલે મ્યલીને હૂં સંતાપી,
    વેલ્ય દેવડાંજાએ જૂઈ ફૂલ તણી ગંધે હૂં મૂઈ.

    સઘલાં વાહાલાં તો લાગે, રમીએ પથ રમતાં તાં આગે,
    વૃંદાવન માંહિ હરિ સાથે ફૂલ વીણીએ વલગી હાથે.

    હરજી હાર ગૂંથી પેહરાવે, તો મુઝ મોર નાચતો ભાવે.
    ફોરાં લાગે, કાયા કાંપે, સુંદરવર રદયા-સું ચાંપે.

    વિરહણીને વરસે તો બલતૂં, ઉહલાનું નવ્ય દીસે વલતૂં.
    વરસાડો વાહાલો તાં તેહને, વશે હોય મન કાંન્યે જેહનેં.

    કો છે જે નંદસુતને લ્યાવે, માહારા રદેનો તાપ સમાવે ?
    અથવા માહારા ચીતને વાલે, પીતાંબર-સું પ્રીત જ ટાલે ?

    તેણે કરી હૂં ઘણૂં વીગૂતી, એકે દિન સુખે નવ્ય સૂતી.
    એ વિરહે મરવું તે વારુ, આસા જૂઠી આવ્યા સારુ.

    ત્યાંહાં તો ચાલી ન જવાએ, એહવાં નીલજ ક્યમ થવાય ?
    ભાલણપ્રભુ રાખે કે ન રાખે, જેહને ચાલતું સીતા પાખે,
    તેહને તો ત્યાંહાં બીજી નોહતી, તેહને છે ઘણીએ પહનોતી.

    - ભાલણ

    ( રાગ : મલ્હાર )

    ભાગવતના દશમસ્કંધનો સારાનુવાદ કરતાં ભાલણે, કૃષ્ણલીલાનાં સુંદર શબ્દચિત્રો આલેખ્યાં છે.  ભાલણની રચનાઓની હસ્તપ્રતમાં ક્યાંક રાધા-કૃષ્ણનાં  રંગચિત્રો પણ જોવાં મળે છે.  કે.કા.શાસ્ત્રીનાં માર્ગદર્શન હેઠળ ધીરુભાઈ દોશીએ નોંધ્યું છે કે, હસ્તપ્રતોમાં પણ, લહિયાએ સમયાનુસાર છૂટ લઇ,  શબ્દોમાં ફેરફાર કરેલો જોવા મળે છે.  આજની આ રચનામાં, જોડણી અને શબ્દો મેં જાણીજોઇને યથાવત્‌  રાખ્યાં છે.  વળી, દરેક પદોમાં રાગનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે, પંદરમી સદીમાં પણ તેઓ કેટલાં કળાકુશળ હતાં. વળી, તેઓએ વ્રજ ભાષામાં પણ પદો લખ્યાં છે.

    .

    .

    .

    નાવિક વળતો બોલિયો : ભાલણ

    Thursday, August 27th, 2009

     

    rama 

    નાવિક વળતો બોલિયો, સાંભળો માહારા સ્વામ,
    સાથ સહુ કો નાવે બેસો, નહિ બેસારું રામ.

    વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણુની અપાર,
    અહલ્યા ત્યાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર.

    આજીવિકા માહારી એહ છે, જુઓ મન વિવેક,
    સ્ત્રી થાતાં વાર ન લાગે, કાષ્ઠ પાષાણ એક.

    આજીવિકા ભાંગે માહારી, આગે એક સ્ત્રી છે ઘેર,
    બે મળીને શું જમે ? શી કરું ત્યાં પેર ?

    હસી વિશ્વામિત્ર બોલિયા, ચરણ રેણે સ્ત્રી થાય,
    તે માટે ગંગાજલ લેઈને પખાલો હરિ પાય.

    હસીને હરિ હેઠા બેઠા, રામ અશરણશર્ણ,
    નાવિકે ગંગાજલ લેઈને, પખાલ્યા ત્યાં ચર્ણ.

    - ભાલણ

     

    વાલ્મિકી સાથે વિહાર કરતાં રામ ગંગાનાં કિનારે આવી ઊભા છે.  ગંગાતટે  ઊભેલો નાવિક રામને ઈશ્વરરુપે ઓળખી જાય છે અને પ્રભુનાં પાદ-પ્રક્ષાલનની ઈચ્છા ધરાવે છે.   રામનાં પાદસ્પર્શે શાપિત અહલ્યા પથ્થરમાંથી  સ્ત્રીરુપ ધારણ કરે છે. તે વાતનો ઉલ્લેખ કરી, નાવ પણ સ્ત્રી ના બની જાય એટલે તેમનાં પગ  ધોવાની વાત કરી, નાવિક રામનાં પગ પખાળવાની ઈચ્છા પૂરી કરે છે.

    ગુજરાતી સાહિત્યના પ્રારંભિક કાળમાં,  મુખ્યત્વે ઈશ્વર કે પૌરાણિક દંતકથાઓ વિષયવસ્તુ રુપે અગ્રીમસ્થાને જોવા મળે છે. વાલ્મિકી કૃત રામાયણમાં આ ઘટનાનો ઉલ્લેખ નથી, પણ તુલસીદાસ કૃત ‘ રામચરિતમાનસ’ માં આ વાતનો ઉલ્લેખ છે.  જેના આધારે આ પદની રચના થઈ હશે.  આ જ વિષયવસ્તુને આધારે દુલા ભાયા કાગની પણ એક રચના  છે.  પગ મુને ધોવા દ્યો ને રઘુરાય….. ! 

     

    શબ્દાર્થ :  રેણુ – રજ, શર્ણ – શરણ, ચર્ણ – ચરણ, પેર – રીત, (અહીં તજવીજ)

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME