Archive for the ‘ભાવેશ ભટ્ટ ‘મન’’ Category

  • ગઝલ : ભાવેશ ભટ્ટ
  • ગઝલ : ભાવેશ ભટ્ટ ‘મન’
  • ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’
  • લઘુકાવ્યો : ભાવેશ ભટ્ટ


  • ગઝલ : ભાવેશ ભટ્ટ

    Wednesday, August 24th, 2011

    .

    શું બીજું- વૃક્ષની ઘટનામાં છે ?
    ડાળ એકેક સકંજામાં છે.

    એ ગમે તે ઘડી આવી ચડશે,
    કંઈ યુગોથી કોઈ રસ્તામાં છે.

    તું ન દેખાય ને હું દેખાઉં,
    ક્યાં ફરક કોઈ તમાશામાં છે ?

    બહુ ખીલ્યા તારી કબર પર ફૂલો,
    તું હજી કોની પ્રતીક્ષામાં છે ?

    પંખીઓ આવી ખભા પર બેઠા,
    ચાડિયો આજ અચંબામાં છે.

    - ભાવેશ ભટ્ટ

    વાત તમાશાની હોય , પ્રતીક્ષાની હોય કે અચંબાની – વૃક્ષની ઘટનામાં જેમ ડાળો સકંજામાં છે એમ, આપણે પણ, માણસની ઘટનામાં – સકંજામાં હોઇએ છીએ.  દરેક શેર એક નવી જ વાત લઈને આવે છે જે ગઝલ અને કવિની ઉત્કૃષ્ટતા દર્શાવે છે.

    ,

    ,

    ,

    ,

    ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’

    Saturday, January 30th, 2010

     

    gandhi1

     

    ઓફિસની સાફસફાઈ કરતાં

    પ્યુનને બોલાવી,

    મેં ગાંધીજીનાં ફોટા પર

    જામી ગયેલી ધૂળ બતાવી,

    અને ધમકાવતાં સ્વરે

    ફોટો નહિં સાફ કરવાનું કારણ પૂછયું.

    ખૂબ જ નિખાલસતાથી

    એણે જવાબ આપ્યો.

    “સાહેબ, હું આ ફોટો

    સાફ નહિં કરું.

    જેટલી વાર સાફ કરવા જઉં છું

    મારો ગાફો ભીનો થઈ જાય છે

    અને પછી સૂકાતો જ નથી.

    - ભાવેશ ભટ્ટ ‘મન’

     

    ગાંધી નિર્વાણ દિને યુગપુરુષને વૅબમહેફિલ તરફથી શબ્દાંજલિ. તેમનાં વ્યક્તિત્ત્વને કોઈ પૂર્વભૂમિકાની જરુર નથી, તેમ આજની રચનાને પણ.   જો તેમનો ફોટો આપણા ઘરમાં હોય તો.. ?!!

     

     

    .

    લઘુકાવ્યો : ભાવેશ ભટ્ટ

    Saturday, October 31st, 2009

     

    ટિકિટ લીધા વગર,

    એક માણસ ટ્રેનનાં પાટા પર સૂઈ ગયો,

    ક્યાંનો ક્યાં પહોંચી ગયો. 

    * * * * *

    કોઈ સારો કૉમ્પ્યુટર એન્જિનીયર

    ધ્યાનમાં હોય તો કહેજો.

    જેટલી વાર માણસ ડૉટ કોમ

    ઍન્ટર કરું છું

    કૉમ્પ્યુટર હેન્ગ થઈ જાય છે.

    * * * * *

    રસ્તા પર બેવડ વળી ગયેલા

    વૃક્ષને જોઈને બાળકે પૂછ્યુ, 

    “કેમ અંગૂઠાં પકડીને ઊભું છે ?

    તેં લેસન ન્હોતું કર્યું ?”

    * * * * *

    જે વૃક્ષની નીચે

    ધમધોકાર ચાની કિટલી ચાલતી

    એ વૃક્ષને રોજ એવો પ્રશ્ન થતો

    ‘કટિંગ’ એટલે શું ?

    -  ભાવેશ ભટ્ટ

     

    ઝાડ નીચે ઊભો ઊભો કટિંગ પીતો એક અમદાવાદી - ભાવેશ ભટ્ટ માણસ ડૉટ કોમ ને વૃક્ષ ડૉટ કોમની સર્ચમાં પણ છે .. !! 

     

     

    .

    ગઝલ : ભાવેશ ભટ્ટ ‘મન’

    Wednesday, October 22nd, 2008

     

    જિંદગીનું કોઈ સંપાદન કરે,
    મોતને પ્રસ્તાવના લખવી પડે!

    એકલો ચોક્કસ નથી હું,કોઈ છે,
    રોજ સાથે કોણ આવે છે બધે?

    આંખમાં રહી આંખ જેવી થઈ ગઈ,
    આ તરસનું નામ બદલું છું હવે.

    અર્થની થોડી ઘણી લાશો સિવાય,
    મૌનના દરિયા કિનારે શું મળે?

    હું કહું છું કે આ સમય એ કોણ છે?
    ચોર છે તો કોઈને ચોરી શકે!

    જાદુની કોઈ જ છડી પાસે ન હોય,
    જો મળે એવી પરી,ક્યાંથી ગમે?

    - ભાવેશ ભટ્ટ ‘મન’

    મત્લાનો શેર આખીય જિંદગીનો સાર બે જ લીટીમાં કહી દે છે. અને જિંદગીનું સંપાદન કરવાની વાત જ – જો કે આપણે તો રોજ જ કરતાં હોઈએ પણ જો ખરેખર ખુદા જ સંપાદન કરે તો ? જન્મ તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે ભલે બીજું બધું જ અનિશ્ચિત !અને આથી જ તે કહે છે પ્રસ્તાવના તો મોતને જ લખવી પડે. આંખની તરસ આંખ જેવી થઈ આંસુ બને છે તેથી જ તરસનું નામ તેણે બદલી નાંખ્યું ! મૌન પણ બોલકું હોય છે જ્યાં ન બોલાયેલાં શબ્દનો અર્થ આપણે આપણી જાતે શોધવો પડે અને અંતે તમામ અર્થની લાશો જ કારણ મૌન ઉકેલી નથી શકાતું અને આપણે જ નિઃશબ્દ બનવું પડે છે. 

    “કોઈ પ્રકરણ ક્યાંક સારું આવશે,
    એક પાનું ફેરવી જો તો ખરો.”  – ભાવેશનો જ શેર . બસ આ એક પાનાની આશાએ જિંદગી નામનું આખું પુસ્તક વાંચી નાંખવું પડે અને અંતે ખબર પડે કે મોતે જ પ્રસ્તાવના લખેલી હોય છે.  

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME