Archive for the ‘મનોજ ખંડેરિયા’ Category

  • ચોમાસું : મનોજ ખંડેરિયા
  • અષાઢમાં : મનોજ ખંડેરિયા
  • આ સફરની વચાળે : મનોજ ખંડેરિયા
  • એક પળ નીકળે : મનોજ ખંડેરિયા
  • કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા
  • કાટ રે ચડેલ કડાં ખર્યાં : મનોજ ખંડેરિયા
  • કોને ? : મનોજ ખંડેરિયા
  • જન્મ-દિવસે : મનોજ ખંડેરિયા
  • ઢળતી રે સાંજ : મનોજ ખંડેરિયા
  • નિસાસો : મનોજ ખંડેરિયા
  • નેવાં : મનોજ ખંડેરિયા
  • વાત : મનોજ ખંડેરિયા
  • વાસંતી વધામણાં : પગલાં વસંતનાં : મનોજ ખંડેરિયા
  • શું ખબર : મનોજ ખંડેરિયા
  • સૂરજમુખી : મનોજ ખંડેરિયા
  • હસ્તપ્રત : મનોજ ખંડેરિયા


  • કરતાલ વાગ્યા કરે છે : મનોજ ખંડેરિયા

    Saturday, August 27th, 2011

    .

    તળેટી જતાં એવું લાગ્યા કરે છે,
    હજી ક્યાંક કરતાલ વાગ્યા કરે છે.

    કિરણ એવું મધરાતે અડક્યું કે આંખો -
    જગત ના દિસે તો યે જાગ્યા કરે છે.

    અમે વેચવા નીકળ્યા મોર-પીંછા,
    છતાં એમ ક્યાં કોઇ માગ્યા કરે છે.

    ભૂતળ મર્મ જેવો પદારથ ન એકે,
    પકડવા જઉં એમ ભાગ્યા કરે છે.

    અહીં આપણે આપણા શબ્દ ગાવા,
    જમાનો તો બીજું ય માગ્યા કરે છે.

    - મનોજ ખંડેરિયા

    .

    .

    ગિરનારની તળેટીમાં જઇએ અને જો કરતાલ ન સંભળાય તો,  ગિરનારની પરિક્રમા સંપન્ન કેમ કહેવાય ? આજે પણ, જાગીને જોઉં તો જગત દિસે નહીં કે ભૂતળ ભક્તિ પદારથ મોટું રે ગાનાર નરસિંહ મહેતાની કરતાલ દામોદર કુંડમાં જાણે કે, વાગ્યા જ કરે છે.  જેમ ત્રીજી આંખ હોય તો જ ઇશ્વર દર્શન થાય એમ ત્રીજો કાન જોઇએ એટલું જ .

    .

    .

    .

    .

    સૂરજમુખી : મનોજ ખંડેરિયા

    Tuesday, February 15th, 2011

    .

    .

    સૂર્યને પીધા કરે સૂરજમુખી,
    ઘૂંટ કિરણોના ભરે સૂરજમુખી.

    પાથરીને પાંખડીઓ મખમલી,
    તેજનું સ્વાગત કરે સૂરજમુખી.

    ઝંખના તારા તરફ ફરતી રહે,
    આંસુઓમાં તરવરે સૂરજમુખી.

    ‘ઓ તિમિરના પર્વતો, થોડા ખસો,’
    રાત આખી કરગરે સૂરજમુખી.

    પાંખડીનો ધોધ સોનેરી વહે,
    કાળને ભીંજ્યા કરે સૂરજમુખી.

    આ ઉદાસી મારી જૂઈ-ફૂલ શી,
    આ વ્યથા જાણે અરે, સૂરજમુખી.

    - મનોજ ખંડેરિયા

    .

    .

    વાત વસંતની હોય ત્યારે ફૂલોને બાકાત કેમ રખાય ?  ફૂલો જ તો વસંતનો ખરો વૈભવ !  તો માણીએ ફૂલોની વાત ?!

    .

    .

    .

    .

    નિસાસો : મનોજ ખંડેરિયા

    Monday, October 18th, 2010

    .

    દિવસરાત બમણો ઊગે નિત નિસાસો,
    બીડ્યાં દ્વાર ખોલે એ ક્યાં છે ખુલાસો.

    છબી  જેમ ભીંતેથી સરકીને  ફૂટ્યો,
    સદીઓથી ટાંગેલ ઘરનો  દિલાસો.

    “મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું”,
    મને કોઈ  મનમાંથી  આપે છે જાસો.

    નથી જીતનો સૂર્ય ઊગવાની આશા,
    અહીંનો  સમય છે શકુનિનો પાસો.

    અવાજોનાં જંગલ ને એકલતા કાળી,
    અહીં કઈ રીતે થઈ શકે રાતવાસો.

    ‘મનોજ’ નામની એક નદીના કિનારે,
    તજે કોઈ પીપળા નીચે બેસી શ્વાસો.

    - મનોજ ખંડેરિયા

    .

    .

    મનનાં વિચારો, સંવેદનાઓ અને ભાવોને શબ્દોમાં રજૂ કરવાં – જરાક કપરું કામ છે.  મનોજ ખંડેરિયા નિત ઊગતો એક  નિસાસો – જેનો કોઇ ખુલાસો પણ નથી કે નથી કોઇ દિલાસો – તેને શબ્દશઃ વાચા આપે છે.

    .

    .

    .

    ઢળતી રે સાંજ : મનોજ ખંડેરિયા

    Wednesday, September 22nd, 2010

    .

    ઢળતી રે સાંજને ભીને અજવાસ, નાનકડાં રાતરાણી ફૂલ જરી ઝૂક્યાં,
    કે કાન મહીં કમખાના મોર ફરી ટહુકયા, ને ફુવારે ફોરતી સુવાસ.

    ઓચિંતો ટહુકાનો લીલેરો વાન, એ તો આડેધડ વગડે વેરાન
    ફરી વળતો શું તડકાની જેવું.
    સળવળતી પાંદડાંની પાંખી બિછાત,એમાં તરવરતી નભની રે ભાત
    જોઇ મનમાં તો થાય કેવું કેવું !
    છલકાતી બે કાંઠે નદિયુંમાં નેતરનાં વન,ઊભાં એવા સઘન કે
    ભૂરા તે નીર તણી તરડાતી જાય રે ભીનાશ.

    ખેતરની કાંટાળી વાડ્યે કાબર જરા ઝૂલી કે ભાન હું તો ભૂલી,
    અતીતની આખીયે વાત રહું ઉખેળી;
    ટેરવામાં ઊગી ગઇ આકાશી આંખ એનાં પોપચામાં- ફફડે રે પંખીની પાંખ,
    મારી અંધારે મ્હેકતી હથેળી !
    વ્હેતા રે વાયુનો રેશમી ઉપરણો તે છાયો કે પોઢેલો પ્રાણ ફરી જાગ્યો
    ને ચાંદરણાં થાય મારાં શ્વાસ.

    - મનોજ ખંડેરિયા

    .

    ઢળતી સાંજનાં અજવાસમાં નભમાં વિધવિધ રંગબેરંગી ભાત રચાય છે અને સાથે જ નાયિકાનાં મનમાં પણ -  સાંજ ઢળતાં જ , શ્વેત રાતરાણીનાં નાનાં પુષ્પોની જેમ એના મનમાં પણ , પિયુ મિલનનું શમણું ખીલી ઊઠે છે.  પ્રકૃતિ અને નાયિકાનાં મનોભાવોને અદ્‌ભૂત રીતે ઝીલીને મનોજ ખંડેરિયા એક સુંદર શબ્દચિત્ર દોરી આપે છે.

    .

    .

    .

    હસ્તપ્રત : મનોજ ખંડેરિયા

    Monday, August 9th, 2010

    કહે તે સ્વીકારું શરત માત્ર એક જ,
    મને મારી ક્ષણ દે પરત માત્ર એક જ.

    ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
    તમે જોયું છે આ જગત માત્ર એક જ.

    નથી દાવ ઊતરી શક્યો જિંદગીભર,
    નહીંતર રમ્યા’તા રમત માત્ર એક જ.

    ભરાયો’તો ક્યારેક મેળો અહીં પણ,
    મને આ જગાની મમત માત્ર એક જ.

    નથી યાદ ને હાથ પણ આજ ક્યાં છે ?
    ગઝલની હતી હસ્તપ્રત માત્ર એક જ.

    - મનોજ ખંડેરિયા

    એક માત્ર ગઝલની જ જેને મમત હતી તેવાં કવિની કલમે એક સર્વાંગ સુંદર ગઝલ… !

    .

    અષાઢમાં : મનોજ ખંડેરિયા

    Saturday, July 17th, 2010

    girnar

    ( ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં…  ફોટો : મિલિન્દ ગઢવી )

    એવા ભર્યાં છે શું ભલા જંતર અષાઢમાં,
    ફૂલોની જેમ ફોરતા પથ્થર અષાઢમાં.

    ભૂરકી છવાઈ જાય છે આંખોમાં એવી કે,
    જે જે નિહાળો તે બધું સુંદર અષાઢમાં.

    કોઈ તરસતી છે જો યુવાની ધરા રુપે,
    કોઈ વરસતું હૈયું છે અંબર, અષાઢમાં.

    જોજે ન લાગે કોઈ વિજોગણનો શાપ ક્યાંક,
    ગિરનાર ! થા ન આટલો સુંદર અષાઢમાં.

    અલકાની યાદ આવી તરત જાય છે ઊરે -
    નેવાં નીચે નિહાળી કબૂતર અષાઢમાં.

    - મનોજ ખંડેરિયા

    आषाढस्य प्रथम दिने - થી આજ સુધી,  અષાઢી અવસરને ઉજવતાં ગીત અને ગઝલોમાં ચોક્કસ ભીંજાયા જ હશો.  ચૈતર-વૈશાખથી તરસતી ધરા પર , અંબરનું હેત અષાઢમાં મન મૂકીને વરસે ત્યારે કોરાં ન રહી જતાં… !

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME