Archive for the ‘મૂકેશ જોશી’ Category
ચાલ ઝાડની ખબર કાઢવા : મૂકેશ જોષી
Sunday, June 6th, 2010
કાલે કોઈ ડાળ તૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા,
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
પાનખરે જે પંખીઓએ ઝાડને હિંમત આપી’તી,
એ પંખીની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
ડાળ તૂટી ને કેટકેટલા પંખીઓના ઘર તૂટી ગયાં,
કોકે શી મિરાત લૂંટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
ઝાડ કુહાડી લાયક હો, તો માણસ શેને લાયક ?
તરણાંઓમાં વાત ફૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
- મૂકેશ જોષી
જો ગઇકાલે એક વૃક્ષ રોપી ના શક્યાં હોઇએ તો આજે કમ સે કમ ઝાડની ખબર કાઢવા તો જઇ જ શકીએ !! પાનખરમાં સૂકાયેલાં ઝાડને તો પંખીઓએ હિંમત આપી, પણ આ ભરવસંતે, તૂટેલી ડાળીઓનો વિયોગ વૃક્ષ કેમ સહન કરી શકે ? અને તેનું દર્દ જોઇ, પંખીઓની હિંમત પણ તૂટી જ જતી હશેને ? તો અંતિમ શેર માટે તો …. છે કોઇ ઉત્તર ??? ( શબ્દ સૌજન્ય : ટહુકો.કોમ )
.
હવે તારામાં રહું ? : મૂકેશ જોશી
Friday, October 2nd, 2009
ખોટું ન લાગે તો વાત એક કહું,
હું થોડા દિવસ હવે તારામાં રહું ?
કામમાં હશે તો હું વાત નહીં માંડું,
મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું,
સમણાંનો કાયદોય હાથમાં ન લઉં. – હું થોડા દિવસ.
કોણ જાણે હિમશી એકલતા જામી,
વૈદો કહે છે : હૂંફની છે ખામી,
કહે છે તારામાં લાગણી છે બહુ. – હું થોડા દિવસ.
રોજ એક ઈચ્છા જો સામે મળે છે,
આંખોમાં ભીનું થઈ નામ ટળવળે છે,
તારામાં તારાથી આગળ નહીં જઉં. – હું થોડા દિવસ.
રસ્તામાં પાથરેલ કાંટા જો મળશે,
મારી હથેળી પછી પગ તારો પડશે,
વેદનાનો ભાર હું એકલો જ સહું. – હું થોડા દિવસ.
કહેણ મોસમનું કોઈ મને ભાવતું નથી,
મને સાચકલે મારામાં ફાવતું નથી,
આમ ટીપાની ધાર બની ક્યાં સુધી વહું ? – હું થોડા દિવસ.
- મૂકેશ જોશી
” મુબારક તને આ જનમદિન મુબારક….!
કદી કોઈ નારંગી સાંજે હવાના સરોવર મહીંથી, સુગંધોના ખોબા ભરી તેં ઉછાળ્યાં,
હવે મોકલું છું આ કાગળની વચ્ચે બે ટીપાં, બે ખોબાં અને એક છાલક. - મુબારક તને આ જનમદિન મુબારક…..! “ – મૂકેશ જોશી
કાગળની વચ્ચે બે ટીપાં નહિં… પણ મોનીટર પર બે શબ્દો ને તે પણ તમારી જ કલમે, અમારા સૌ વતી તમને જન્મદિને મબલખ શુભેચ્છાઓ… !! હું થોડા દિવસ હવે તારામાં રહું ?…..મને સાચકલે મારામાં ફાવતું નથી. કેવી મજાની વાત કવિએ કરી છે. જો કે, કોઇનામાં રહેવા માટે, મૂકેશભાઇ કહે છે એમ, તારામાં તારાથી આગળ નહીં જઉંનો કાયદો જરુરી !!
.
વરસાદ પડે છે : મૂકેશ જોશી
Saturday, July 18th, 2009
પથ્થર જેવા દિવસોને પણ માનભેર બોલાવો કે વરસાદ પડે છે,
‘કૂણી કૂણી સાંજો’ ! મારી આંખે રહેવા આવો કે વરસાદ પડે છે.
વાદળને આકંઠ ભેટવા દોડ્યાં સૂરજ કિરણો કે વરસાદ પડે છે,
મેઘધનુથી ભાગી છૂટ્યાં રંગ ભરેલાં હરણો કે વરસાદ પડે છે.
મૂળ વાત ડાળીને કહેવા મૂળમાંથી સમજાવે કે વરસાદ પડે છે,
નભનું પાણી દરિયાઓનાં પાણીને નવડાવે કે વરસાદ પડે છે.
છત્રીમાં પેસીને વાંચે બંને જળની ભાષા કે વરસાદ પડે છે,
મમ્મી-પપ્પા માની જાશે એવી રાખે આશા કે વરસાદ પડે છે.
ગરમગરમ મરચાંનાં ભજિયાં લારી પર બોલાવે કે વરસાદ પડે છે,
ચટણી હો કે સોસ નહીં તો પાણી સાથે ભાવે કે વરસાદ પડે છે.
યાદ આવતાં ભીની ભીની અમે લખ્યો’તો કાગળ કે વરસાદ પડે છે,
સામેથી ઉત્તર આવ્યો કે મેં જ મોકલ્યાં વાદળ કે વરસાદ પડે છે.
- મૂકેશ જોશી
વરસતાં વરસાદની વાત ભજિયાં વિના તો અધૂરી જ ગણાયને .. ? જેમ કે, છત્રીમાં પેસીને ભીંજાતા બે જણ ( વરસાદથી નહીં, જાલિમ જમાનાથી બચવા ) એમની વાત મમ્મી પપ્પા માની જાય તો જ પૂરી ગણાય … !! મૂકેશ જોશીનું એક હળવું ગઝલનુમા ગીત.
.
લીલાછમ પાંદડાએ : મૂકેશ જોશી
Friday, July 17th, 2009

( ડુંગરાઓ સ્નાન કરે જોઈને… નદીઓ પણ દોડી ગઈ )
લીલાછમ પાંદડાએ મલકાતા મલકાતા માંડી એક અચરજની વાત,
ધરતીને સીમમાં જોઈ એકલી, એને બાઝી પડ્યો રે વરસાદ.
પહેલા ટપાલ જેમ આવેલા વાયરાએ ઘાસના કાનમા દીધી કઈ ફૂંક,
ધરતી તો સાંભળતા સાંભળે એ પહેલા કોયલના કંઠમાંથી નીકળી ગઈ કૂ..ક,
આઠ આઠ મહિને પણ ઓચિંતી આભને આવી ગઈ ધરતીની યાદ.
ડુંગરાઓ ચૂપચાપ સ્નાન કરે જોઈને, નદીઓ પણ દોડી ગઈ દરિયાની પાસે,
એવામાં આભ જરી નીચે ઝૂક્યું અને ધરતીને ચૂમી લીધી એક શ્વાસે,
ધરતી ને તરણાંઓ ફૂટશેના વાવડથી આભલામાં જાગ્યો ઉન્માદ.
- મૂકેશ જોશી
લીલાછમ પાંદડાએ માંડેલી વરસાદની લીલી પંચા..ત મૂકેશભાઈ જોશીની તરબતર કલમે… !! હવે કોયલની કૂ..ક સંભળાય તો સાનમાં સમજી જજો કે …. !! અને આવી જ મનગમતી રચનાઓ માણવાં તેમનાં બ્લૉગની મુલાકાત જરુર લેશો.
.
દરિયો : મૂકેશ જોશી
Monday, May 11th, 2009

કાળમીંઢ પથ્થર પર માથું પછાડતાં,
કોઈએ ખમ્મા કહ્યું જ નહિં હોય ?
લાગે છે દરિયાને મા નહિં હોય …
નહિંતર શું કામ એ વાદળનું રૂપ લઈ, આભ મહીં આમ તેમ રખડે,
‘ ક્યાંય મારી મા નથી ‘ જાણ્યા પછી, એના ડૂસકાંઓ ઝાપટામાં દદડે,
દરિયાને નહિં મળતી માના આશીર્વાદે, આપણને વરસાદી ઋતુ મળી હોય ….. લાગે છે
દૂધ નહિં પાણી પીવડાવી પીવડાવીને, મોટો કરેલ એને કોઈએ
ડૂમો ભરીને કહે રેતીને દરિયો, ‘આપણેય મા હોવી જોઈએ’
સાસુનું દુ:ખ નથી જાણીને, નદીઓએ હોંશભેર એ બાજુ દોટ મૂકી હોય …… લાગે છે
- મૂકેશ જોશી
જલન માતરી તો કહે છે :
“કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.” કદાચ એમને ખબર ન’તી કે એ તો દરિયાને મા નથી એટલે ……!! સાસુ ના હોય એ દીકરીને સાસરે દુ:ખ શું ? પણ દરિયાને તો મા ન હોવાનું દુ:ખ હોયને …. કદાચ એટલે જ તો એ દિવસ-રાત કાળમીંઢ પથ્થરો પર માથું પછાડે છે.
.
ગઝલ : મૂકેશ જોશી
Wednesday, February 4th, 2009
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
- મૂકેશ જોશી
સાવ સીધીને સરળ વાત, કૃષ્ણને પામવા પહેલાં ખુદ રાધા બનવું પડે. કૃષ્ણ ગોકુળ છોડ્યાની રાતે પોતાનામાંથી રાધાને બાદ તો કરી દે છે કિન્તુ રાધાના સાદને છેદવા તો સુદર્શન ધારણ કર્યું છે… એટલે જ તો જિંદગીભર શંખ ફૂંકે છે જો વાંસળી ફૂંકે ને રાધા યાદ આવે તો ?!! આજે પણ રાધાનો નાદ બ્રહ્માંડમાં ગૂંજે છે. તો અંતિમ શેર તો – કૃષ્ણનો સાવ સીધો ને સરળ અનુવાદ રાધા છે તેને જ સમજવા પ્રયત્ન કરી જો પછી તો કૃષ્ણ નામે આખોય ગ્રંથ સમજાય જશે. ગીતામાં પણ કહ્યું છે ને એમ જ ભક્તિ માર્ગ જ સરળ છે … !!
.
