Archive for the ‘મેઘબિંદુ’ Category
કાગળ : મેઘબિંદુ
Wednesday, June 16th, 2010
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?
સુખની ઘટના લખું તમોને, ત્યાં દુઃખ કલમને રોકે,
દુઃખની ઘટના લખવા જાઉં, ત્યાં હૈયું હાથને રોકે;
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યાં,
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યા;
તોય તમારી ઇચ્છા દોડે મુજથી આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ ?
- મેઘબિંદુ
પોતાની સંવેદનાઓને પ્રિયજનને કહેવી ઘણી અશક્ય હોય અને આથી જ આપણે કાગળ અને કલમનો સહારો લઇએ પણ ત્યારે પણ આંખનાં ઝળઝળિયાની ઝાંખપ ક્યાં કશું લખવા દે છે ? ઇન્ટરનેટ યુગમાં e-mail દ્વારા મનની વાતો ફેસબુક કે ઓર્કુટ પર શૅર કરીએ છીએ. પણ જો રુબરુમાં એ જ વાતો કહેવાની હોય તો…. ફરી એ જ વ્યથા !
.
કોણ માંગે છે : મેઘબિંદુ
Tuesday, December 9th, 2008
કોણ માંગે છે અહીં વળતર હવે
લાગણીનું થઈ રહ્યું ગળતર હવે
જિંદગીને સાથ તારો જોઈએ
ઓ સમજ જલદીથી તું અવતર હવે
તું ભરોસે ક્યાં સુધી તો ચાલશે
જીવવા માટે થજે પગભર હવે
ઝાંઝવાં દેખાય છે સંબંધમાં
ઊજવાશે કઈ રીતે અવસર હવે
કોઈ રમવા આવશે ના સાથમાં
ચાલ રમીએ આપણે ઘરઘર હવે
- મેઘબિંદુ
હમણાં લગ્નઋતુ બરાબર જામેલી છે અને કેટલાંય દિવસથી નૅટ અને વાંચનથી દૂર જ થઈ જવાયું છે. પણ આ બધાં બીઝી શિડ્યુલ્સ ને રુટિન્સમાં અચાનક જ કવિશ્રી મેઘબિંદુને મળવાનું થયું એક લગ્નપ્રસંગે ……અને જ્યારે નેટ પર ચાલતા આપણા સાહિત્ય યજ્ઞની વાત થઈ તો તેઓ પણ ઘણાં જ પ્રસન્ન થયાં. આજે તેમના જન્મદિને તેમની એક રચના …. જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ….
