Archive for the ‘રમેશ પારેખ’ Category
વરસાદ ભીંજવે : રમેશ પારેખ
Tuesday, July 19th, 2011.
( મને ભીંજવે તું ….. તને વરસાદ ભીંજવે )
.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે
- રમેશ પારેખ
.
નહીં છાલક, નહીં છાંટા - ભર ઉનાળે ય, સોળે કળાએ ખીલેલા આ ચોમાસામાં માંહ્યલો લથબથ ભીંજાઇ જાય તેવું ગીત !
.
.
.
.
નામ પોતાનું મૂક્યું : રમેશ પારેખ
Monday, September 13th, 2010
.

.
તેણે મારા નામ સામે, નામ પોતાનું મૂક્યું,
વ્હાણની સામે મૂક્યો દરિયો, ને ડૂબવાનું મૂક્યું.
સ્વપ્ન મારાં તોડીને, ફેંકી દીધાં મેં ધૂળમાં,
મારી ભોળી આંખને માટે, મેં જડવાનું મૂક્યું.
સનસનાટી એ જ ઘટના, ચિત્રમાં સર્જાઈ ગઈ,
તેણે પીંછીથી કશું, મારામાં બનવાનું મૂક્યું.
તેણે દ્રશ્યોની અણી પર, મૂક્યું તીણું ખૂંચવું,
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.
તેણે મારા માર્ગમાં, પથ્થર નથી મૂક્યા, ‘રમેશ’
આ મને શિલ્પી ગણી, મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.
ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી,
આળ મારા પર, સહુએ, મારું હોવાનું મૂક્યું.
- રમેશ પારેખ
.
.
જિંદગીમાં અમુક સંજોગોને બાદ કરતાં, કેટલીક પરિસ્થિતિમાં સાપે છછુંદર ગળ્યા જેવું જ બનતું હોય છે. પણ, મંઝિલ પરનાં પથ્થર ન ગણીને, ‘રમેશ’ની જેમ શિલ્પી બની તેમાંથી મૂર્તિઓ ઘડીએ તો ? રાત આખી અંધારું હોય અને પરોઢિયે સૂરજનું પહેલું કિરણ ફૂટતું હોય એમ, નકારાત્મક લાગતી ગઝલ અંતે આશાનું એક કિરણ લઇને આવે છે.
.
.
.
શું ચીજ છે ? : રમેશ પારેખ
Wednesday, May 12th, 2010

એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે ?
બાંકડો શું ચીજ છે ? બુઢ્ઢા થવું શું ચીજ છે ?
ચીજવસ્તુ થઇ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે ?
કઇ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે ?
રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા,
રોજ એનું એ જ જીવ પર આવવું શું ચીજ છે ?
ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં,
‘રમેશ’ ગોળ રસ્તા, ગોળ જીવે, હાંફવું શું ચીજ છે ?
વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા ‘રમેશ’,
હોડ શું છે ? હાર શું છે ? ઝૂઝવું શું ચીજ છે?
- રમેશ પારેખ
આપણે સૌએ વૃદ્ધત્વને હાંફી જતું તો ઘણી વાર જોયું જ છે, પણ, તે શું ચીજ છે ? - કદાચ ખબર નથી. બગીચામાં ખાલી બાંકડાનાં સંગે, એક સાંજ પસાર કરવી ગમે … પણ જ્યારે તે ફરજિયાત થઇ જાય એટલે કે, હવે તે સિવાય કોઇ કામ જ નથી રહ્યું. ત્યારે એ જ બાંકડાનાં પાટિયાં પર ગુજારેલી પ્રિયજન સાથેની સાંજ – ચીજવસ્તુ જેવી થઇ ગયેલી આંખમાં પણ કણા ની જેમ ખૂંચે છે. અત્યારે તો, છાપાંમાં હૅડલાઇન વાંચી ઓફિસ જતાં, વિચાર આવે છે કે, છાપુંય વાંચવાનો સમય નથી અને પછી સમય પસાર કરવા, આખે આખું છાપું વાંચ્યા પછી પણ હવે શું ? એ પ્રશ્ન ઊભો જ હોય.
ઘરમાં રહેલ વૃદ્ધજનોને એકલતા ન સાલે તેનું ધ્યાન રાખીએ તો શક્ય છે ભવિષ્યમાં આપણને પણ આ એકલતા ના સાલે ?!!
.
હવે આંખોનું નામ નહીં આંખો : રમેશ પારેખ
Sunday, February 14th, 2010
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.
આંખો તો મોગરાની ડાળીનું નામ એને શમણું જોયાનું ફૂલ ઝૂલે,
રૂંવેરૂંવામાં પડે મ્હેકતી સવાર જ્યારે પાંપણની પાંદડીઓ ખૂલે,
હાથમાંથી ને સરકીને વહી જાતાં ભાનસાન,વીંઝે રે દૂર દૂર પાંખો.
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.
દીધું ન જાય કોઈ પંખીનું નામ, એવી હોઠોમાં ઊપડતી ગ્હેક,
જાણે બધું નજરાઈ જાતું ન હોય એમ – જેને જોઉં તે મ્હેક મ્હેક !
એટલું ય ઓછું ન હોય એમ ફળિયામાં આંબાની લૂમઝૂમ સાખો.
સખીરી, હવે આંખોનું નામ નહીં આંખો.
- રમેશ પારેખ
મુકુલ ચોકસી કહે છે એમ, પ્રેમ એટલે કે - સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. એકમેક સાથે હ્રદય-કરારનો પહેલો એકરાર આંખોથી જ થાય છે. અને એ આંખોનું નામ આંખો કેમ અપાય ? વૅલેન્ટાઈન ડે નિમિત્તે રમેશ પારેખની કલમે એક પ્રણયોન્મત્ત ગીત.
.
પુષ્પસંહિતા : રમેશપારેખ
Friday, January 22nd, 2010

( પુષ્પ છે એ ગ્રંથ )
આ હયાતી છે સતત ખુશ્બુ તરફ જાવાનું નામ,
ફૂલ છે એ રાઝ ખુલ્લેઆમ ચર્ચાવાનું નામ.
એનો ગજરો ગૂંથવાનું કોણ એ જાણ્યા વિના,
તૂટતા શ્વાસોને દઈએ ફૂલ ચૂંટાવાનું નામ.
પુષ્પ છે એ ગ્રંથ જે લોહી વડે ભણવો પડે,
મ્હેક એની, શ્વાસને સૌ વેદ સમજાવાનું નામ.
સામસામે બાથમાં મળવું એ બીજું કૈં નથી,
છે પીડાઓના તરજૂમાઓ મ્હેકમાં થાવાનું નામ.
ફૂલ તો છે – આંખનાં કાંઠા ઉપર બેસી, રમેશ
રંગમાં કાયા વગર તરબોળ ભીંજાવાનું નામ.
પુષ્પ ઉર્ફે એક સોનલ નામની શ્રદ્ધા, રમેશ
વિશ્વની બેબાકળી આંખોમાં અંજાવાનું નામ.
- રમેશ પારેખ
ફૂલ મસ્જિદ, ફૂલ છે મંદિર,
ને એમાં મ્હેક એ જ શ્રી ઈશ્વર ! – રમેશ પારેખ
પ્રિયજનને પુષ્પ સાથે સૌ સરખાવે છે, પણ ર.પા.ને તો પુષ્પ ઉર્ફે મંદિર-મસ્જિદ અને એક સોનલ નામની શ્રદ્ધા. જેમ પરમ તત્ત્વ નિરાકાર તેમ સુવાસ પણ. અને તેથી જ મ્હેક શ્રી ઈશ્વર !
મત્લામાં જ તેઓ કહે છે, હયાતી એટલે ખુશ્બુ તરફ જાવાનું નામ !! શ્વાસ તૂટવાની/ખૂટવાની ઘટના પણ બ..સ ડાળ પરથી ફૂલ ખરે તેટલી જ સહજ ! અને એટલે જ કદાચ તેમની કલમ પુષ્પસંહિતા(સંગ્રહ) માટે નિમિત્ત બની. એટલે કે, પુષ્પનાં હોવાપણાંનો સાર ! ( સંહિતા=સાર)
.
કાઇપો : રમેશ પારેખ
Monday, January 18th, 2010
‘કાઇપો !’
‘શું-શું ? પતંગ ?’
‘ના, આજનો દિવસ’
‘એમાં રાજીના રેડ થવાનું ?’
‘તમને ખુશી ન થઈ ?’
‘દિવસ વીતે એમાં ખુશી શાની ?’
‘લાઈફનો એક દિ’ ટૂંકાયો ને !’
‘લાઈફ તો અમૂલ્ય છે’
‘તો ?’
‘એ ઘટે એ તો ખિન્નતાની બાબત છે’
‘તમને ખિન્ન થવાની છૂટ…’
‘વાત ઉડાવો છો !’
‘ખિન્નતાપર્વ ઉજવો કે મોદપર્વ, શું ફરક પડવાનો, મૂળમાં ?’
‘પણ લાઈફ જેવી લાઈફ આમ ચાલી જાય…’
‘પકડી લો એને, મૂઠીમાં, બંધુ !’
‘એ જ તો આપણા હાથની વાત નથી’
‘તમારી સત્તા ન ચાલે ત્યાં હથિયાર હેઠાં મૂકી દેવાનાં’
‘એ તો આત્મદૌર્બલ્ય’
‘હં’
‘પલાયનવૃત્તિ’
‘હં’
‘નામર્દાઈ’
‘એ તો નિયતિદત્ત છે’
‘આપણી કને કંઈ ઉપાય નહીં આનો ?’
‘છે ને !’
‘શું ?’
‘પ્રામાણિકપણે સગર્જન નિનાદ કરો’
‘શું ?’
‘કાઇપો !’
- રમેશ પારેખ
(૨૮.૧૨.૨૦૦૪,મંગળવાર)
વાદળછાયું આકાશ, સૂસવાટા મારતો પવન અને શનિ-રવિની રજાઓ …! વાદળી આકાશમાં રંગબેરંગી પતંગોએ દોરેલી રંગોળી… આંખ સામેથી હટતી ના હોય - અને આ દશકાની યાદગાર ઉત્તરાયણ મનાવ્યા પછીનો દિવસ એટલે ર.પા. કહે છે એમ, બસ – કાઇપો ! પણ ગમતું-નાગમતું એવું બધું તો જિંદગીમાં આવ્યા જ કરે અને ત્યારે ર.પા. કહે છે એમ, બસ પ્રમાણિકપણે મોટેથી ‘કાઇપો !’ બોલવાથી સાચે જ અજાગૃત મનમાં રહેલ નકારાત્મક ભાવો કપાય જ જશે. જોકે આપણે તો એવું જ માનીએ, ”જે સહજ રીતથી એની મેળે ગયો, એ દિવસ સહુ કહે છે કે એળે ગયો.” – મુકુલ ચોકસી
.

