Archive for the ‘રવીન્દ્ર પારેખ’ Category
હું છું દીવો : રવીન્દ્ર પારેખ
Wednesday, October 26th, 2011.
.
હું છું દીવો -
લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો.
હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બહાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો.
હું છું દીવો.
હું જાણે એક નૌકા છું ને મારી બહાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઇ મરજીવો.
હું છું દીવો.
- રવીન્દ્ર પારેખ
,
.
નાનકડો એક દીવો – આખાયે ઓરડામાં અજવાળું ફેલાવતો હોય છે અને કહેતો હોય છે, હું છું દીવો – લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો. તારે તાર થઇ જતી દીવાની વાટ પણ કરે છે, અજવાળું સીવવાની વાત. અને અંતરમાં જો અજવાળું સીવાઇ ગયું તો તો આપણે પણ દીવડાની જેમ બોલી ઊઠશું – લો, મારો આધાર લઇને તમેય થોડું જીવો.
આપ સૌ વાચકોને વૅબમહેફિલ તરફથી દિપાવલીની હાર્દિક શુભકામનાઓ.
.
.
.
.
એક દીવો : રવીન્દ્ર પારેખ
Sunday, November 21st, 2010.

.
એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું.
આભ એ અજવાળી શકવાનો નથી,
એના કરતાં દીવો ઘરમાં લઇ આવ તું.
હોય જ્યાં હૈયું જ ઝળહળતું સદા,
ત્યાં અમસ્તો ના દીવો સળગાવ તું.
ને તને શ્રદ્ધા જ હો કે નહીં ડૂબે,
તો ભલે જળમાં દીવો સરકાવ તું.
કે હવે ક્યાંથી સળગશે જ્યોત થઇ ?
થઇ ચૂકી અંધારમાં ગરકાવ તું.
એટલાથી જાત કૈં પરખાય ના -
સેંકડો દીવા ભલે સળગાવ તું.
એ ભલેને હોય મૃત્યુ, શું થયું ?
માર્ગમાં એને દીવો બતલાવ તું.
- રવીન્દ્ર પારેખ
.
.
દેવદિવાળીનાં પવિત્ર પર્વે , દીવડો માત્ર ઘરઆંગણે જ નહીં અંતરમાં પણ પ્રગટે અને હૈયું સદાયે ઝળહળતું રહે તેવી શુભેચ્છાઓ.
.
.
.
.
હરિ, દિવાળી કરી ? : રવીન્દ્ર પારેખ
Monday, November 2nd, 2009
તારે તાર થતા તારાની રાત સુંવાળી કરી,
હરિ, દિવાળી કરી ?
ખૂણે ખૂણે દીવી પ્રગટે તે જોતું આકાશ,
એમ લાગતું ધરતી જાણે દર્પણ ધરતી ખાસ,
રાત, પાંખ લઇને ઊડે ન તેથી તેજની જાળી કરી.
હરિ, દિવાળી કરી ?
હરિ, દીવીની જ્યોત તમે તમને હું ફૂંક ન મારું,
તમે ઊડો તો મારે કરમે રહે ફક્ત અંધારું,
ભલા તેથી તો દીવી સઘળી લોહીને બાળી કરી.
હરિ, દિવાળી કરી ?
આખું આ આકાશ રાતનાં ઝાડની જેમ જ ખૂલે,
તારા જાણે ફૂલ હોય તેમ મઘમઘ ફાલેફૂલે,
ધરતીને કોઇ કલમ કરે તેમ નભની ડાળી કરી.
હરિ, દિવાળી કરી ?
- રવીન્દ્ર પારેખ
આજે દેવદિવાળીનાં અવસરે, એક જ પંક્તિ યાદ આવતી’તી… હરિ, દિવાળી કરી ? અને ગૂગલ પર સર્ચ કરતાં આ ગીત ટહુકા પર મળી આવ્યું… તો આજનું ગીત ડાયરેક્ટ ટહુકા પરથી ! ફૂલોથી લચી પડેલ વૃક્ષની જેમ તારે મઢ્યું નભ ઝૂકેલું લાગે તેવે સમયે ખૂણે ખૂણે દીવા કરી હરિ તો રોજ દિવાળી ઉજવે જ છે બસ, જરુર છે… અંદરનો દીવો પ્રગટાવવાની.
.
વરસાદમાં : રવીન્દ્ર પારેખ
Sunday, July 19th, 2009
લે તને કાગળ લખું વરસાદમાં,
એ વિના શું ચીતરું વરસાદમાં ?
આપણું મળવું હવે મુશ્કેલ છે,
શહેર જાણે કે તર્યું વરસાદમાં.
ફોન ગાડી ને બધું યે બંધ છે,
હું નહીં આવી શકું વરસાદમાં.
રાહ જોતી આંખમાં વાદળ થશે,
બેવડી પલળીશ તું વરસાદમાં.
તું ન હો ને હોય જો વરસાદ તો,
એમ લાગે રણ મળ્યું વરસાદમાં.
હોઈએ સાથે અને વરસાદ હો,
રણ બને તોરણ લીલું વરસાદમાં.
પત્રને બદલે તને હું મન બીડું,
ખુદ બન્યો પરબીડિયું વરસાદમાં.
મન મૂકીને મને છોડી ગયું,
એ તને ક્યાંથી જડ્યું વરસાદમાં.
હું અહીં છું ને હવે તારી કને પણ,
બેવડું આ જીવવું વરસાદમાં.
મન વગર હું બેવડો એકાંતવશ,
જીવવું મરવું થયું વરસાદમાં.
તું ય તારું મન મને મોકલ હવે,
ક્યાં સુધી ઝુયૉ કરું વરસાદમાં.
એટલો પલળી ગયો છું યાદથી,
ના પલળવાનું રહ્યું વરસાદમાં.
- રવીન્દ્ર પારેખ
કોણ- ક્યાં- કોને ખબર વરસાદમાં… ?!! પાણી ભરાયાં હોય, ફોન, ગાડી, બસ ને ટ્રેન બધું યે બંધ છે, પ્રિયજન કેમ આવી શકે વરસાદમાં.. ?!! બસ, યાદોમાં જ એટલાં પલળી જવાનું કે બાકી જ ના હો, પલળવાનું વરસાદમાં… !!
.
હૃદયથી તે આંખો સુધી : રવીન્દ્ર પારેખ
Monday, February 9th, 2009
હૃદયથી તે આંખો સુધી જળ ભરાશે,
સરોવર તને તે પછી ઓળખાશે.
ઝડપ કર; ન રસ્તે પછી નીકળાશે,
સ્મરણ જેવું વાદળ જો મન પર છવાશે.
નદી એક મૃગજળનું સરનામું લાવી,
અને હોડી કાગળની બોલી, ‘તરાશે’.
મને દીવડા જેમ પ્રગટાવું તો શું ?
તરત તું જ ઝડપી પવન જેમ વાશે.
મને તું જીવન ના ગણે તો ભલે પણ,
અહીંથી ખસીશ તો પછી છેતરાશે.
મને માંડ આજે સમેટીને બેઠો,
ઘણે વર્ષે ખુદને હવે કૈં મળાશે.
બને કે તું મોતી તો વીંધી શકે પણ,
કહે, ટેરવા પરનું આંસુ વીંધાશે.
મરણ છું ; મને સાતતાળી ન ગણ તું,
મને શોધતાંવેંત તું ખુદ લપાશે.
- રવીન્દ્ર પારેખ
હૃદયથી આંખો સુધી આ ગઝલ ન સ્પર્શે તો જ આશ્ચર્ય !! ઉત્તમોત્તમ અશઆર આ ગઝલમાં મળ્યાં છે. નદી ખુદ મૃગજળનું સરનામું લાવે તેની વાત હોય કે દીવડા જેમ ખુદને પ્રગટાવવાની વાત…..આંખનું નહીં ટેરવા પરનું આંસુ વીંધાશે ?!! ગઝલોલ્લાસ છવાઈ જાય ને એક મહેફિલ તન-મનમાં ભરાઈ જાય તેવી ગઝલ ….. !!
.
અકળ સંવાદ છે : રવીન્દ્ર પારેખ
Friday, November 21st, 2008
જાત જોડે ચાલતો એવો અકળ સંવાદ છે,
બોલતું કોઈ નથી ને ઊઠતો પ્રતિસાદ છે.
કોઈપણ પળમાં તને ભૂલી શકું એ ભૂલ ના,
ને યુગો લગ યાદ રહું એવીય પળ એકાદ છે.
હોય તું તો બારણા વાસી તને રોકી શકું,
કઈ રીતે રોકું હું એને એ તો કેવળ યાદ છે.
એમ લાગે વિશ્વથી જાણે અલગ હું થઈ ગયો,
કેમ કે ના કોઈને બાકી કશી ફરિયાદ છે.
જ્યારથી તું વીજળી જેવી પડી મારી ભીતર,
તે જ ક્ષણથી મારું તો હોવું બધેથી બાદ છે.
આમ હું પોતે જ જ્યાં ખંડેર જેવો હોઉં ત્યાં,
કઈ રીતે તું કહી શકે કે તેં કર્યો બરબાદ છે.
હું કદીયે નામ તારું હોઠ પર લાવું નહીં,
ને છતાં ભીતર તો જાણે કે અનાહત નાદ છે.
- રવીન્દ્ર પારેખ
મિત્રો થોડા દિવસ પહેલાં જ આપણે ધ્વનિલ પારેખના પુસ્તક ‘દરિયો ભલેને માને…’ના વિમોચન પ્રસંગે તેમના પિતા રવીન્દ્ર પારેખને યાદ કરેલાં. આજે રવીન્દ્રભાઈનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ , તેમની જ એક ગઝલ.

