Archive for the ‘રાજેન્દ્ર શાહ’ Category
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
Friday, February 5th, 2010
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
ઊંચૈ મહલ બસૈ તું નિરંતર, બગિયન બિચ મુજ રહના,
ફૂલફૂલ ગુંજન ઊઠૈ મધુર, સુનિ મન સુખ પાવત ગહના.
મૈં અવર શબદ નવ માનું, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
તું નીચે કાહે નહિ આવે, એકલ રહૈ ઉદાસી ?
રૂપ, રંગ, સુરભિ સહ ખેલેં, મિલ કર દોય વિલાસી.
મૈં ઓસબિન્દુ તુમ ભાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
જલ જલ સો કાલિન્દી, દ્રુમ દ્રુમ કદંબ હૈ મન મોરે,
કુંજ ભલી વ્રજકી, તુમ બિન વૈકુંઠ નહિ સહ તોરે.
મૈં ચડું ન પરબત-સાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
- રાજેન્દ્ર શાહ
કૃષ્ણ તો ગીતામાં કહે છે, મને પામવા જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ સરળ છે. પણ કવિને તો ભક્તિનો, પ્રેમનો માર્ગ પણ કપરો લાગે છે. પ્રેમ એ જ ભક્તિને ! પ્રેમ કરવો તો સરળ … પણ પ્રેમને જતાવવો જ કપરો. અને કવિ એટલે જ કહે છે, ” પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું. “
.
હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ
Thursday, February 4th, 2010

( સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ )
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
- રાજેન્દ્ર શાહ
વસંતનાં પગલાં મનુષ્યનાં હ્રદયમાં એવાં કામણ કરી જાય કે, હોરીનાં રંગોમાં રંગાઈ, ભીંજાયને જ તે તૃપ્ત થાય છે. તો વળી, કાનુડાનાં કામણ વસંતથી ઓછા થોડાં છે ? હોરી અને તે પણ કાન્હા સંગ…. વ્રજ બોલીમાં રચિત આ હોરી ગીત કદાચ એટલે જ આટલું કામણગારું લાગે છે. બસ… ફૂલન હાર ગળામાં, બીજી કોઈ હાર જેને કબૂલ જ નથી, તેવી આહિરની બેટી, અપની ધૂનમાં જ મસ્ત છે. પણ પ્રથમ પંક્તિમાં જ સાંવરિયાની આંખે છલકાતાં જોબનિયાના લાલ રંગમાં તેની ચોરી અને ચુનરિયા કેવી ભીંજાઈ ગઈ છે ?
.
દોઉં છું : રાજેન્દ્ર શાહ
Tuesday, February 2nd, 2010
બેસવાનો થાક લાગે છે મને,
ચાલવા ટાણે હવાની લહર જેવો હોઉં છું.
રેશમી રંગોનું ગૌરવ ફૂલને,
મ્હેકને અણદીઠ મારામાં ભળેલી જોઉં છું.
કંપ જાગ્યે સૃષ્ટિ થાતી શબ્દની,
ને ગગન સમ પ્રેમના મૌને હું એને પ્રોઉં છું.
પામવુંનું બીજું નામ સંસ્મૃતિ,
શી ખબર એવી પળોએ હું મને શે ખોઉં છું.
હું તમારાથી જુદો કૈં છું નહીં,
રામ હું ને હું હ-રામી જે કહો તે દોઉં છું.
- રાજેન્દ્ર શાહ
ઊર્મિકાવ્યો અને સૉનેટ થકી જેણે ગુજરાતી સાહિત્યને ઉજળું કર્યું તેઓએ ગઝલમાં પણ પોતાની કલમ અજમાવી અને તેમાં આઝાદ ગઝલનો પ્રયોગ પણ કરેલો. આજે માણીએ તેમની કલમે એક આઝાદ ગઝલ.
શબ્દાર્થ : પ્રોઉં – પરોવવું, દોઉં – બન્ને.
.
જિદ્દે ચડ્યાં : રાજેન્દ્ર શાહ
Monday, February 1st, 2010
એકલો હું છું અહીં સૂના ઘરે,
ભીંતની ઘડીયાળની છે ટકટક.
બારણાં ખુલ્લાં મૂક્યાં છે આ બધાં,
કોઈ ના દેખાય, કોની ઠકઠક ?
જોઉં બે મારી મહીં જિદ્દે ચડ્યાં;
આમ ન્હૈં ને તેમ એની રકઝક.
એક બીજાને કહે તું છે ગમાર,
જોતજોતામાં ઝરી ગઈ ચકમક.
વિષ્ટિની વાતો નકામી જ્યાં બધી,
સર્વભક્ષી અગ્નિ જ્વાલા ભકભક.
- રાજેન્દ્ર શાહ
મત્લાનાં શેરમાં ઘડિયાળની ટકટક એકલતાને, ખાલીપાને ડંખતી સંભળાય છે પણ જેમ આગળ જઇએ તેમ એકલતા ખુદ સાથે/સામે જિદ્દે ચડે છે. મક્તાના શેર સુધીમાં તો સર્વભક્ષી અગ્નિ ભભૂકી જાય છે અને પછી તો વિષ્ટિની બધીયે વાતો બકબક.. ! પંડ્યની સાથે, નકારાત્મક સંજોગોનું સૂક્ષ્મ નિરુપણ.. !
શબ્દાર્થ : વિષ્ટિ – સંધિ, સમાધાન.
.
ગાંધી : રાજેન્દ્ર શાહ
Saturday, January 30th, 2010

મન
યરવડાચક્ર,
ત્રાક પર કંતાય છે
પીળાં ફૂલની પરિણતિનો શ્વેત પોલ,
તસુતસુ તંતુની સળંગસૂત્રતા
કારુણ્ય,
કોટિ કોટિ ઉઘાડાં અંગનું આચ્છાદન
પીળા ફૂલનું શ્વેત ચીવર.
શ્વેત એવું હાસ્ય,
બોખે મુખ એકલ બે દંત.
વાર્ધક્યનું સરલ શૈશવ મલકંત.
સંસારનાં લીલાં લીલાં સકલ ગરલ
હ્રદયની મથનીમાં ઝિલાય,
વલોવાય;
ઉદ્વેગ ક્ષોભ ને શમન
સંજીવની સુધા તરે વિપુલ ધવલ.
નયન
નિર્મિતિનું આદિમ સ્વપન,
અચર અંધારની ક્ષિતિજ, શ્વેત કોર,
દ્યુતિપુંજ નિહારિકા,
બહુલ વિશ્વનાં
રુપ-રંગનું ભવન એકલ અધિકરણ.
કટિ પર ઝૂલી રહ્યો કાલ,
અધખુલ્લા ચરણની એકડગ ચાલ.
બલિના યજ્ઞને ક્ષેત્ર
અકિંચન વામન
તે
અવર ન
વિષ્ણુ ત્રિવિક્રમ;
રટે
એક મંત્ર
રા…મ.
- રાજેન્દ્ર શાહ
ગાંધીજીને સંલગ્ન પ્રતિકો દ્વારા આબેહૂબ રેખાચિત્ર રાજેન્દ્ર શાહની શબ્દપીંછીએ દોર્યું છે.
શબ્દાર્થ : યરવડાચક્ર – એક પ્રકારનો રેંટિયો ( as shown in snap, it has sleeping wheels not standing ) , ચીવર – ફાટેલું કપડું, ગરલ – ઝેર, નિર્મિતિ – નિયતિ.
.
અલી ઓ ફૂલની કલિ ! : રાજેન્દ્ર શાહ
Friday, January 29th, 2010
અલી ઓ ફૂલની કલિ !
તારી પાંદડીનાં શત બંધન માંહી,
જો ગંધ કશી અકળાય !
એને સંગોપને રાખવા કાં તું ચ્હાય ?
જોને અહીંથી ઢાંકે તો ય પણેથી વાયરે ભળી જાય !
ઊરનાં ઊંડાં પાતાળ ભેદી ફૂટતી જે સરવાણી,
મૂક ભલેને હોય રહે નહિ તો ય ક્યહીં પણ છાની ;
એના દેહની પાળે જળની ઝાઝી છોળ જોને છલકાય.
મેલ રે ઘેલી મેલ અમૂંઝણ ! નિજનો તે શો નેડો ?
ઊડવા દેને જેમ ઊડે તેમ પાતળો પાલવ-છેડો !
તારું હૈયું ચડ્યું આજ તુફાને, હાથ રહ્યું નવ જાય.
તારી લજ્જાભરી નમણી નમે કાય.
દુનિયા તને જોઈને મીઠું મન મહીં મલકાય !
- રાજેન્દ્ર શાહ
વાસંતી વાયરાની એક હલ્કી લહર, રાજેન્દ્રભાઈની કલમે. કવિ કળીને સુરભિને પોતાની કેદમાંથી મુક્ત કરવાનું કહે છે પણ ખરેખર તો કવિ નિજનો નેડો છોડવાની વાત કરે છે. તો વાયરાને સંગ ઊડવાનું કહે છે એટલેકે, પરિસ્થિતિ અને સંજોગને અનુરૂપ રહેવું જોઈએ. વળી, અંતિમ પંક્તિમાં, લજ્જાભરી નમણી કાય નમેલી જોઇને દુનિયા મીઠું મલ્કાય, તેમ કહી નમ્રતા દાખવવાનું પણ સૂચન કરે છે.
.
