Archive for the ‘રાજેન્દ્ર શાહ’ Category

  • અલી ઓ ફૂલની કલિ ! : રાજેન્દ્ર શાહ
  • ગાંધી : રાજેન્દ્ર શાહ
  • જિદ્દે ચડ્યાં : રાજેન્દ્ર શાહ
  • દીપક રે હોલવાયો ! : રાજેન્દ્ર શાહ
  • દોઉં છું : રાજેન્દ્ર શાહ
  • નિરુદ્દેશે : રાજેન્દ્ર શાહ
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ


  • દીપક રે હોલવાયો ! : રાજેન્દ્ર શાહ

    Thursday, January 28th, 2010

     

    diya  

    દીપક રે હોલવાયો !
    શૂન્ય ઘરમાં નિબિડ નિશીથ અંધકાર છાયો.

    ઘરની ચાર દીવાલની સીમમાં મોકળી’તી મુજ ભોંય,
    અસીમ તિમિર માંહી ન નીરખું કોઈની તનિક છાંય;
    હાથ વડે અડકાય નહિ એની ભીંસમાં દેહ દબાયો.

    દૂરને આભથી ડોકિયું કાતો તારલો બોલે ‘આય’.
    પથ મારે નહિ તેજ છે એનાં (ત્યાં) કેમ કરી પહુંચાય ?
    નીંદરની ચિરસોડ ચહું, નહિ જંપતો જીવ હરાયો.

    - રાજેન્દ્ર શાહ

     

    જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા રાજેન્દ્ર શાહનાં જન્મદિને તેમની એક રચના.  તેઓ ૨જી જાન્યુઆરી,૨૦૧૦નાં રોજ નીંદરની ચિરસોડમાં પોઢયાં  અને ગુજરાતી સાહિત્યનો એક દીપક હોલવાઈ ગયો.  તેમને શબ્દાંજલિ અર્પણ કરતાં તેમની વિવિધ રચનાઓ થકી તેમને અક્ષરદેહે મળવાનો ઉપક્રમ રાખીશું, જેમાં તેમનાં ઊર્મિકાવ્યો, સોનેટ અને ગઝલોમાંથી પણ પસાર થઈશું.

     

    .

    નિરુદ્દેશે : રાજેન્દ્ર શાહ

    Tuesday, January 5th, 2010

     

    rajendrashah

    નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે.

    કયારેક મને આલિંગે છે કુસુમ કેરી ગંધ;
    કયારેક મને સાદ કરે છે કોકિલ મધુરકંઠ,
    નેણ તો ઘેલાં થાય નિહાળી નિખિલના સૌ રંગ,
    મન મારું લઈ જાય ત્યાં જાવું પ્રેમને સન્નિવેશે.
    નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે.

    પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ ત્યાં જ રચું મુજ કેડી,
    તેજછાયા તણે લોક, પ્રસન્ન વીણા પર પૂરવી છેડી,
    એક આનંદના સાગરને જલ જાય સરી મુજ બેડી,
    હું જ રહું વિલસી સંગે, હું જ રહું અવશેષે.
    નિરુદ્દેશે સંસારે મુજ મુગ્ધ ભ્રમણ પાંશુ-મલિન વેશે.

    - રાજેન્દ્ર શાહ

    બે-ત્રણ દિવસ અમદાવાદથી બહાર હતી અને ત્રીજી જાન્યુઆરી, રવિવાર સવારે જ્યારે વિનોદભાઈ ગાંધી સાથે વાત કરી કે, રાજેન્દ્રભાઈ શાહને મળવું છે પણ શક્ય નથી બન્યું. અને મનમાં જ નક્કી કર્યું કે,  હવે તો અમદાવાદ પહોંચીને તેમને મળવું જ છે.   ત્યારે અમને બન્નેને અણસાર પણ ન’તો કે, તેઓ  આ દુનિયામાં હયાત જ નથી રહ્યાં. અને અમદાવાદ પહોંચી તેમને શ્રદ્ધાંજલિ આપવાનું આજે પણ ખૂબ જ કપરું લાગી રહ્યું છે.  તેમનાં જ શબ્દો, ” હું જ રહું વિલસી સંગે, હું જ રહું અવશેષે. “  જ આપણને દિલાસો આપે છે.  તો વળી, ” આપણાં દુઃખનું કેટલું જોર ?”

    આ સંસારમાં આપણે,  નિરુદ્દેશે મુગ્ધ ભ્રમણ કરીએ.   કિન્તુ, ઈશ્વરનાં દરેક કાર્યમાં એક ઉદ્દેશ હોય જ છે.  કવિ અનુભવે છે, પાંશુ-મલિન વેશે તેઓ આ સંસારમાં ભ્રમણ કરી રહ્યાં છે, પણ છેલ્લા ચાર-પાંચ દિવસથી તેઓએ અન્ન પણ ત્યાગી દીધેલું અને ફળાહાર જ કરતાં.  તેમને લાગ્યું કે, મનથી તો શુદ્ધ છું પણ તનથી પણ શુદ્ધ જ જવું છે.  અને આ તો, ‘ ખોળિયું બદલવાનો ઉત્સવ છે માટે શોક ન કરતાં. ‘  ગાંધીયુગનાં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા કવિવર શ્રી રાજેન્દ્ર શાહ રવીન્દ્ર સાહિત્યથી પણ પ્રભાવિત હતાં અને તેમનું આ કાવ્ય રવીન્દ્રસંગીતમાં એક અનેરો જ પ્રભાવ પાડે છે. ગુજરાત સાહિત્ય પરિષદનાં સૌજન્યથી આપ આ વિડીયો અહીં માણી શકશો. 

    શબ્દાર્થ : પાંશુ-ધૂળ, નિખિલ-સમગ્ર, સન્નિવેશ-પ્રવેશ.

     

     

     

    .

    • Page 2 of 2
    • <
    • 1
    • 2
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME