Archive for the ‘લાલજી કાનપરિયા’ Category
आषाढस्य प्रथम दिवसे ? : લાલજી કાનપરિયા
Monday, July 12th, 2010

વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
જળથી લથબથ કોણ પાડતું સાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
મોરપિચ્છના રંગો પહેરી બાળાવેશે કોણ આંગણે આવે પાછું ?
ભીના ભીના ટહુકાઓની છાબ ભરીને કોણ આંગણે લાવે પાછું ?
મનને ચડતો હરિયાળો ઉન્માદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
હસ્તરેખાઓ બધીય જળના રેલા થઇને વહી જાય અચાનક આજે,
મેઘધનુ શી રંગીન વાતો પવન કાનમાં કહી જાય અચાનક આજે.
લોહી સોંસરો ઊઠે છે એક નાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
વરસે કોનાં સ્મરણોનો વરસાદ રે આ आषाढस्य प्रथम दिवसे ?
- લાલજી કાનપરિયા
आषाढस्य प्रथम दिवसे – એટલે કે, અષાઢ માસનો પ્રથમ દિવસ – આભમાં ગોરંભાતા કાળાં ડિબાંગ વાદળો અને ….. વ..ર..સા..દ ??! ના… આ તો છે મહાકવિ કાલિદાસ અને કાલિદાસ રચિત ‘મેઘદૂતમ્’ નો પર્યાય ! વરસાદ વરસે કે ના વરસે - શ્યામલ મેઘને જોઇ, મેઘદૂત અને પ્રિયજનની યાદ તો વરસે જ. અને આવી જ કંઇક વરસાદની ભીની સુગંધ લઇને આવતું આ ગીત પણ આપ સૌને વગર વરસાદે ચોક્કસ ભીંજવી જ દેશે.
વરસાદી ઋતુ ભીના ભીના ટહુકાઓ કરી, આપણી અંદર રહેલ એક નિર્દોષ બાળકને સાદ કરીને બોલાવે, ત્યારે હૈયે કેવો ભીનો ઉન્માદ ઉમટી આવે છે ? તો, મેઘધનુષ્યનાં રંગનો ઉમંગ – હસ્તરેખામાં રહેલ સર્વ દુઃખોને પણ જાણે કે, ભૂંસી નાંખે છે - વરસાદની સાથે આંખમાંથી વહેતાં આંસુમાં જ વહી જાય છે. આ મસ્ત , માદક મોસમમાં, સઘળુંયે ભૂલી, આપ સૌને ભીંજાવાનું ભીનું ભીનું આમંત્રણ . એટલે કે, વૅબમહેફિલ પર ધોધમાર વરસાદમાં તરબતર ભીંજાવાની મોસમ આવી ગઇ છે !
.
