Archive for the ‘વિપિન પરીખ’ Category
પ્રેમને કારણો સાથે : વિપિન પરીખ
Saturday, February 21st, 2009
મને મારી ભાષા ગમે છે
કારણ બાને હું બા કહી શકું છું.
‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સ્હેજ હસેલી
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે ‘લાયન્સ’ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
- વિપિન પરીખ
“जननी जन्म्भूमिश्च स्वर्गादपि गरियसी” – મા અને માતૃભાષા વેદકાળથી જ સમાન પ્રેમ અને મહત્તા ધરાવે છે. યુનેસ્કોએ ૨૧મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રિય માતૃભાષા દિન તરીકે જાહેર કર્યો છે. કોઈ એક ભાષા ભૂલાતી જાય તો તેની સાથે તે દેશની સંસ્કૃતિ ને પ્રકૃતિ નષ્ટ થતી જતી હોય છે. આપણી સંસ્કૃતિ, આપણી ભાષા આપણે જ તેને બચાવીએ તો ?!! ‘હાય’ ને ‘બાય’નું કલ્ચર ‘આવજો’ કહીને જતાં મહેમાનને પણ મીઠો આવકારો આપતી આપણી સંસ્કૃતિને ભૂલે તે પહેલાં જ ………. જો કે રોજ ભલે મમ્મીને મમ્મી કહીએ પણ મા કહીએ ને જે સલામતી ને હૂંફ અનુભવાય તે ‘મૉમ’માં લાગે ?!! સપનાં તો ગુજરાતીમાં જ આવે ને શ્વાસ પણ ગુજરાતીમાં જ લેવાય બાકી હંધુય …… ????!!
.
જડીબુટ્ટી : વિપિન પરીખ
Thursday, October 9th, 2008
રાવણના રાજ્યમાં જીવવાની
મને જડીબુટ્ટી જડી ગઈ છે.
મને રોજ રાતે
રામરાજ્યનાં સ્વપ્નાં આવે છે.
- વિપિન પરીખ
દર વર્ષે દશેરા આવે અને સદીઓથી લોકો રાવણદહન કરે અને તોય મરતો નથી ?!! મારો દીકરો કહે છે મમ્મા એને ટૅન હૅડ છે તો એને માથામાં નહીં પેટમાં તીર મારું તો મરી જશે ?!! આપણી ‘રાવણ’વૃત્તિઓ પણ દશ માથાળી છે એકનું માથું કાપ્યું ત્યાંતો બીજું …!! એને પણ પેટમાં (ગર્ભ-મૂળ)માં જ તીર મારવું પડે તો જ તેનો નાશ થશે અને વિપિન પરીખની જેમ આપણને આવતાં રામરાજ્યનાં સ્વપ્નાં પણ કદાચ સાચાં પડશે … જય વિજયાદશમી !
.
