Archive for the ‘વિમલ અગ્રાવત’ Category
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા : વિમલ અગ્રાવત
Friday, July 16th, 2010

આયખામાં આવી છે આષાઢી સાંજ અને ઝરમરિયાં વરસે છે ફોરાં.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !
સાજણ કરતા તો સારું બાવળનું ઝાડ, જેને છાંટો અડતા જ પાન ફૂંટે;
સાજણ સંતાય મૂઓ છત્રીમાં, આખ્ખું આકાશ અરે મારા પર તૂટે;
પલળી પલળી ને હું તો ગળચટ્ટી થાવ, પછી સાજણ લાગે છે સાવ ખોરા.
સખીરી, મારા સાજણ રહે છે સાવ કોરા !
ચૈતર વૈશાખ તો સમજ્યા, પણ આષાઢી અવસરને કેમ કરું પાર?
સાજણ છે મારો સૈ વેકુરનો વીરડો ને મારી તરસ ધોધમાર ;
વરસાદી વાયરાઓ ચાખી ચાખીને, હવે ચાખું છું છેલ્લા કટોરાં.
તોય મારા સાજણ રહે છે સાવ કોરાં.
- વિમલ અગ્રાવત
આષાઢી સાંજ અને સજનીની ધોધમાર વ્હાલની ધોધમાર તરસ… ! આષાઢી અવસરમાં વરસાદી વાયરાઓ ચાખીને, પણ જો સાજણ કોરો રહે તો તેને કેમ ભીંજવવો ?!! તેમનાં બ્લોગ પર ભીંજાવવું પણ જરુર ગમશે. http://agravatvimal.wordpress.com/
.
