Archive for the ‘સંદીપ ભાટિયા’ Category

  • કાચનદીને પેલે કાંઠે : સંદીપ ભાટિયા
  • ગીત
  • મારી નજર : સંદીપ ભાટિયા
  • શબ્દો જ માળા : સંદીપ ભાટિયા


  • કાચનદીને પેલે કાંઠે : સંદીપ ભાટિયા

    Thursday, November 4th, 2010

    .


    .

    કાચનદીને  પેલે  કાંઠે  શબ્દ  ઊભો  અજવાળા  લઈને,
    થરથરતા  હિમયુગોને  છેડે સપનાઓ  હૂંફાળા  લઈને.

    કાચનદીને  પેલે  કાંઠે  કોઈ  આપણી  રાહ  જુએ  છે,
    ચાલ આંખમાં ભીનાશ લઈને છાતીમાં ગરમાળા લઈને.

    કાચનદીને  પેલે  કાંઠે  નામ ધૂંધળું  ચહેરા ઝાંખા,
    આ કાંઠે ચૂપચાપ ઊભો છું શ્વાસોની જપમાળા લઈને.

    કાચનદીને  પેલે  કાંઠે  કોની પહેલી તરસ  પહોંચશે ?
    જલપરીઓની રાણી  ઊભી  હાથોમાં  વરમાળા  લઈને.

    કાચનદીને  પેલે  કાંઠે  ગણિત  બધાંયે  સાવ નકામા,
    તરી ગયા એ શૂન્ય, ઊંચકી ડૂબી ગયા સરવાળા લઈને.

    કાચનદીને  પેલે  કાંઠે  પાગલ  પંખી માળો  બાંધે,
    ડાહ્યા  લોકો  ભેટ  આપવા  આવે  કૂંચીતાળા  લઈને.

    - સંદીપ ભાટિયા

    .

    .

    કવિ એક ફોટોગ્રાફર ઉપરાંત ચિત્રકાર પણ છે.  તેઓ જ્યારે કેમેરાની આંખે  એક પારદર્શક, શાંત નદીને જુએ ત્યારે તેમનાં કવિહૃદયમાં કાચનદી જેવો નવીન શબ્દ ઉદ્‍ભવે જ.  કાચનદી એટલે માત્ર પારદર્શકતા જ  … ના, કદાચ  સંસારની ક્ષણભંગુરતા પણ !  હિમયુગથી એટલે કે સદીઓથી , વૈતરણી પાર કરી, ‘પેલે કાંઠે’ જવાનાં હૂંફાળાં સપના મનુષ્ય નિહાળી રહ્યો છે.
    પણ, આંખની ભીનાશ અને પીળાચટ્ટ ગરમાળા જેવી ભરીભરી આશાઓ ક્યાં ? શૂન્ય થઇને જ પેલે કાંઠે જવાશે , સાંસારિક સરવાળા લઈને જો જઇશું તો તો બધુંયે ગણિત નકામું. અને એટલે જ , આપણી દુનિયાનો કહેવાતો ‘પાગલ’ માત્ર જ પેલે કાંઠે પહોંચી, માળો બાંધવાનું શરુ કરી દે છે અને કહેવાતા ડાહ્યા લોકો, આ જ કાંઠે રહી, કૂંચી તાળા શોધવામાં કે આપવામાં વ્યસ્ત… ! શબદનાં અજવાળાં લઈ, કાચનદીને પેલે કાંઠે પહોંચીશું ?!!

    .

    .

    .

    શબ્દો જ માળા : સંદીપ ભાટિયા

    Friday, June 4th, 2010

     

    શબ્દો જ મંતર, શબ્દો જ માળા,
    ભગવા ધરી કાફિયા થ્યા રુપાળા.

    તને પત્રમાં મોકલું રોજ વર્ષા,
    ભલે રોજનીશીને પાને ઉનાળા.

    ફરસ પર જડી, આભનો એક ટુકડો,
    પસવારી લઉં એને બેચાર દહાડા.

    હજી લાગણીનું છે ઘર બાંધવાનું,
    એ પહેલાં ખરીદો કાં કૂંચી ને તાળાં ?

    નથી કાંઈ ત્રીજું કવિતાના દેશે,
    રહો બસ ખુશીથી ભરો કાં ઉચાળા.

    - સંદીપ ભાટિયા

     

    કવિતાનાં દેશમાં વાત ભલે દર્દની હોય અંતે તો –  વાત ખુશી આપનારી હોય છે.  જોકે,  આભનાં એક ટુકડાને ફરસ પર જડીને પસવારીએ તેટલી જ ખુશી…  પણ  ભર ઉનાળે વર્ષા કોને ન ગમે ?!! 

     

     

    .

    મારી નજર : સંદીપ ભાટિયા

    Tuesday, June 2nd, 2009

     

    થાય બીજું કાંઈ શું મારા વગર,
    યંત્રવત્ જીવતું હશે તારું નગર.

    આયનામાં જોઈને ખુદને હવે,
    રોજ હું પૂછ્યા કરું મારી ખબર.

    ગોદ સૂની ડાળની રહે ના કદી,
    ફૂલ ખરતાં જન્મશે ત્યાં પાનખર.

    લાગણી ખોવાય છે એ દેશમાં,
    કોણ કોને શોધવાનું ઉમ્રભર.

    કાચબાની પીઠ શાં સંવેદનો,
    ને સતત સ્પૅશ્યા કરે મારી નજર.

    - સંદીપ ભાટિયા

     

    કોઈ લાગણીભીનો ક્યાં સુધી આયનામાં જોઈ જાતની ખબર  પૂછ્યા કરે , કાચબાની પીઠ સમ સંવેદનો, ક્યારેક તો ડોકિયું કરશેને ?!!!!

     

     

    .

    ગીત

    Tuesday, September 16th, 2008

     

    માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી,
    ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી.  

     વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
    કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ.
    તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી.

    હથેળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા,
    હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા.
    ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી.

    સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે,
    સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહીં સરકે.
    પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી.

    - સંદીપ ભાટિયા  

     

    મૃત્યુ વિશે ઘણું બધું લખાયું છે પણ સંદીપભાઈ આ જ વાતને બહુ ભારેખમ બનાવ્યા વિના સરળ અને સહજ રીતે કહી દે છે. ગીતામાં લખેલા બધાં શ્લોકો યાદ આવી જાય છતાં પણ તે પણ એટલું જ સત્ય છે કે શું માણસ જેવો માણસ ધુમાડો થઈ જાય તે જેવી તેવી વાત છે ?  એના પડછાયાને બસ એક ફ્રેમમાં કેદ કરી દેવાથી એ હેતાળ સ્પર્શના પડઘા શમી જશે ? ખરે જ સ્તબ્ધ થયેલી રેતશીશીમાંથી સમય પણ જાણે સરતો નથી અને તારીખિયાને પાને સાચે જ સૂરજ અટકી જાય છે.

    આજથી શ્રાદ્ધપક્ષ શરૂ થાય છે તો ગીતની સંવેદનાને વાસ્તવિક જીવનમાં નિભાવવાનો એક પ્રયાસ કરી જોજો. ઓફિસ જવાનું મોડું થાય છે એની ફિકર કર્યા વિના એક નજર દાદા-દાદીના ફોટા પર કરી જોજો અને કાગડાને વાસ નાંખજો જરૂર તેમના વ્હાલ અને આશીર્વાદનો અહેસાસ કરી શકશો. આશિત દેસાઈએ આ ગીતને ખૂબ સુંદર રીતે સ્વરબદ્ધ પણ કર્યું છે .

    આજે ઓઝોન દિન પણ ખરો તો માણીશું બીજી એક ગઝલ……..

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME