Archive for the ‘સુન્દરમ્’ Category
પુષ્પ તણી પાંદડીએ : સુન્દરમ્
Monday, March 22nd, 2010

( પુષ્પ તણી પાંદડીએ )
પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ ?
પૃથ્વી ઊરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ ?
કોણ બદલતું સંધ્યાકાશે પલ પલ નવલાં પ્રેમળ ચીર ?
કોણ ઉછળતી મોકલતું નિજ કુમળી ઊર્મિ સરવર તીર ?
અહો, ગૂંથતું કોણ પૃથ્વીને સેંથે ઝાકળમોતીમાળ ?
તરુએ તરુએ ફળતી કોની આશા કેરી શાખ રસાળ ?
કોનાં કંકણ બાજે એકલ સરિતા કેરે સૂને ઘાટ ?
પર્વતને શિખરે સ્થિર બેસી કોણ સનાતન જોતું વાટ ?
ઓ સારસની જોડ વિષે ઊડે છે કોની ઝંખનઝાળ ?
અહો ફલંગે કોણ અધીરું વાદળ વાદળ માંડે ફાળ ?
અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ ?
કાળ તણી ધરતીમાં ખોદી કોણ રહ્યું જીવનના કૂપ ?
- ‘સુન્દરમ્’
કવિ સુન્દરમનાં જન્મદિને તેમનું એક સુંદર આધ્યાત્મિક પ્રકૃતિ કાવ્ય. આમ તો આ કાવ્ય વિષે એક પુસ્તક જ લખી શકાય. પણ ટૂંકમાં કહું તો, નદી કિનારે બેસી એકાંતમાં ખળખળ વહેતાં પાણીનાં ‘કલરવ’ને માણ્યો છે ? પ્રકૃતિનાં કણ-કણમાં પરમ તત્ત્વનો વાસ છે અને તેની પ્રતીતિ આપણને રોજ ઈશ્વર કરાવે જ છે, પણ બસ તેને નિહાળવાની દ્રષ્ટિ જોઈએ.
શબ્દાર્થ : હાસ-હાસ્ય. પુલકિત-રોમાંચિત. મુખરિત-વાચાળ,બોલકું. કૂપ-કૂવો.
.
બેન અને ચાંદો : સુન્દરમ્
Tuesday, November 17th, 2009

બેન બેઠી ગોખમાં,
ચાંદો આવ્યો ચોકમાં.
બેની લાવી પાથરણું,
ચાંદો લાવ્યો ચાંદરણું.
પાથરણા પર ચાંદરણું,
ને ચાંદરણાં પર પારણું.
ચાંદો બેઠો પારણે,
બેની બેઠી બારણે.
બેને ગાયા હાલા,
ચાંદાને લાગ્યા વ્હાલા.
બેનનો હાલો પૂરો થયો,
ચાંદો રમતાં ઊંઘી ગયો.
- સુન્દરમ્
.
