Archive for the ‘સુરેશ દલાલ’ Category
તમને ખબર છે : સુરેશ દલાલ
Wednesday, February 9th, 2011
.

.
( તમને ખબર છે, આજે વસંતપંચમી છે ?)
.
રેડિયો ઉપર ફાગણનાં ગીતો વાગ્યાં
ને શહેરનાં મકાનોને ખબર પડી
આજે વસંત પંચમી છે.
આસ્ફાલ્ટની કાળી સડકો
ભીતરથી સહેજ સળવળી
પણ
કૂંપળ ફૂટી નહીં.
ત્રાંસી ખૂલેલી બારીને
બંધ કરી
કાચની આરપાર
કશું દેખાતું નહોતું.
ફ્લાવર વાઝમાં
ગોઠવાયેલા ફૂલો કને જઇને પૂછ્યું :
તમને ખબર છે, આજે વસંતપંચમી છે?
- સુરેશ દલાલ
.
.
આસ્ફાલ્ટની લાંબી કાળી સડકો પર ઊભેલાં ઊંચા મકાનોને રેડિયો પર ગીતો સાંભળી ખબર પડી કે, આજે વસંતપંચમી છે ! અને આપણને ?!!!
.
.
.
.
રાધાનું નામ : સુરેશ દલાલ
Saturday, September 11th, 2010
.
.
રાધાનું નામ તમે, વાંસળીના સૂર મહીં, વ્હેતું ના મેલો ઘનશ્યામ,
સાંજ ને સવાર નિત, નિંદા કરે છે પેલું, ઘેલું રે ગોકુળિયું ગામ.
વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
લોકો કરે છે શાને ? દિવસ ને રાતડી, મારા મોહનની પંચાત;
વળી વળી નીરખે છે, કુંજગલી પૂછે છે : કેમ અલી, ક્યાં ગઇ’તી આમ ?
રાધાનું નામ તમે, વાંસળીના સૂર મહીં, વ્હેતું ના મેલો ઘનશ્યામ.
કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ, એની પૂછી પૂછીને લિયે ગંધ,
વહે અંતરની વાત, એ તો આંખ્યુની ભૂલ, જો કે હોઠોની પાંખડીઓ બંધ;
મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી, માધવનું મધમીઠું નામ,
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ.
- સુરેશ દલાલ
.
.
એક લોકગીતની જેમ ગવાતું, રાધાકૃષ્ણની પ્રીતનું આ ગીત રાધાનાં મનોભાવોને સુપેરે વ્યકત કરે છે. વાંસળીનાં સૂર સાંભળી રાધા બ્હાવરી બની, કૃષ્ણને મળવા જાય છે. પણ, ઘેલું ગોકુળિયું ગામ તેની વાતો કરે છે. આથી રાધા મોહનને મીઠી ફરિયાદ કરે છે કે મોરલીનાં સૂર ના છેડો કાન, વળી હું ભાવવિભોર બનીશ અને તમને મળવા આવતાં કો’ક જોઇ જશે તો રોજની જેમ ગામનાં લોકો વાતો કરશે.
સુરેશદાદા કોઇ પ્રવચનમાં આ ગીતની સર્જનપ્રક્રિયા વિશે જણાવે છે કે, એક ન ગમતી છોકરીને લગ્ન માટે જોઇ તે પછી આ ગીત લખાયું છે. વળી વળીને દાદાને એ છોકરી યાદ આવતી હશે એટલે ….
.
.
.
હથોડી : કાર્લ સેન્ડબર્ગ (અનુ : સુરેશ દલાલ)
Friday, February 12th, 2010
જૂના પુરાણા દેવોને
મેં જતા જોયા છે
અને નવા દેવોને આવતા.
પ્રત્યેક દિવસે
અને વરસે-વરસે
મૂર્તિઓ પડે છે અને પ્રતિમાઓ ઊભી થાય છે.
આજે હું હથોડીની ભક્તિ કરુ છું.
- કાર્લ સેન્ડબર્ગ
( અનુવાદક : સુરેશ દલાલ)
Original Poem by Carl Sandburg
I have seen
The old gods go
And the new gods come.
Day by day
And year by year
The idols fall
And the idols rise.
Today
I worship the hammer.
- Carl Sandburg
Poetry (March 1914)
પ્રખ્યાત અમેરિકન કવિ કાર્લ સેન્ડબર્ગની કલમે એક હથોડી જેવો જ ભારે ઘા. સાંપ્રત પરિસ્થિતિ જોતાં આજે પણ તે એટલી જ યોગ્ય, કદાચ તેના કરતાં પણ વધુ યોગ્ય વાત લાગે. સારે જહાઁ કી ના… બ..સ સારે જહાઁસે અચ્છા હિન્દોસ્તાઁ માટે પણ…. પથ્થરમાંથી મૂર્તિ કંડારતા જે ચીવટ અને ધીરજ રાખીએ તેટલી જીવનમાં રાખી, ખુદનાં જ શિલ્પી બનીએ તો – માંયલાને પણ પામી શકાય.
Read more :
Carl Sandburg on wikipedia, Carl Sandburg’s biography, Carl Sandburg’s own website
.
આજનું વાતાવરણ નથી : સુરેશ દલાલ
Wednesday, December 23rd, 2009
પહેલાં હતું એ આજનું વાતાવરણ નથી,
રસ્તો અહીં પડ્યો છે ને તારા ચરણ નથી.
તેં જે નથી કહી એ બધી વાત યાદ છે.
તેં જે કહી એ વાતનું કોઇ સ્મરણ નથી.
પડદો પડી ગયો છે હવે સૌ પ્રસંગ પર,
કહેતા હતા મને કે કોઇ આવરણ નથી.
હું છું તમારી પાસ, ઉપેક્ષાની રીત આ,
આંખો મીંચાઇ નહીંને મીઠું જાગરણ નથી.
અહીંયા બધી દિશાએથી પડતો રહ્યો બરફ,
દુનિયામાં માત્ર એકલા રેતીનાં રણ નથી.
તૂટેલી સર્વ ચીજ કરું એકઠી સદા,
શું કાળ પાસે એકેય અખંડિત ક્ષણ નથી ?
- સુરેશ દલાલ
પ્રિયજનના વિરહમાં આખુંયે વાતાવરણ કેવું બદલાઇ જાય ?! વિરહની ક્ષણોનું દર્દીલું શબ્દચિત્ર.
.
ઇટ્ટા-કિટ્ટા : સુરેશ દલાલ
Monday, November 16th, 2009
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા
કિટ્ટા કિટ્ટા…. કિટ્ટા
કનુ : ઇલા તારી કિટ્ટા.
ઇલા : કનુ તારી કિટ્ટા.
ઇલા:
મારી પાસે મીઠી મીઠી શેરડી ને સિંગો
લે હવે તું લેતો જા હું આપું તને ડીંગો
કનુ :
મારી પાસે ખાટી મીઠી આંબલી ને બોર
એકે નહીં આપુ તને છો ને કરે શોર
ઇલા:
જાણે હું તો આંબલી ને બોર નો તુ ઠળીયો
ભોગ લાગ્યા ભાગ્યના કે ભાઇ આવો મળીયો
કનુ :
બોલી બોલી વળી જાય જીભના છો કુચ્ચા
હવે કદી કરું નહી તારી સાથે બુચ્ચા
ઇલા:
જા જા હવે લુચ્ચા….
ઇટ્ટા અને કિટ્ટાની વાત અલ્યા છોડ
ભાઇ બહેન કેરી ક્યાં જોઇ એવી જોડ
- સુરેશ દલાલ
બાળદિનની ઉજવણી સાથે, એક અન્ય ‘બાળક’નો જન્મદિન પણ આજે ૧૬ નવેમ્બરે જ છે તેમનો જન્મદિન પણ મનાવી લઇએ તો ? હા, હું વાત કરું છું મેહુલ સુરતીની. જેમનાં થકી ગુજરાતી સુગમ સંગીત એક નવી જ ઊંચાઇને સ્પર્શી શક્યું છે. અને ખા…સ તો યુવા પેઢી અને બાળકોને તેમણે આકર્ષ્યા છે. જે બીજી ચાવી ‘ગુજરાતી ભાષા બચાવો’ની…. !! (ઑડિયો)
.
થોભ્યાનો થાક : સુરેશ દલાલ
Tuesday, February 10th, 2009
ભટકી ભટકીને મારા થાક્યા છે પાય,
હવે પંથ મારો ચાલે તો ચાલુ :
પોપચાં બિડાય ત્યારે ખૂંચે અંધાર,
અને ઊઘડે ત્યાં સળગે અજવાળું ;
વેદનાનું નામ ક્યાંય હોય નહિં એમ જાણે
વેરી દઉં હોશભેર વાત ;
જંપ નહિં જીવનએ આ એનો અજંપો,
ને ચેનથી બેચેન થાય રાત.
અટકે જો આંસુ તો ખટકે; ને લ્હાય મને,
થીજેલાં બિંદુઓ જો ખાળું !
સોસવાતો જાઉં છું સંગના વેરાનમાં
ને મારે એકાન્ત હું અવાક;
આઘે જવાના કોઇ ઓરતા નહિં ને અહીં
થોભ્યાનો લાગે છે થાક.
આંખડીના પાણીને રોકી રોકીને, કહો-
કેમ કરી સ્મિતને સંભાળું ?
- સુરેશ દલાલ
મનઃસ્થિતિને શબ્દોમાં રજૂ કરવી ઘણી મુશ્કેલ છે. પણ સુરેશદાદા મનને ઉકેલીને શબ્દોમાં રજૂ કરે છે ને મન પણ કેવું અજીબોગરીબ જિંદગી જેવું જ ……. ?!! જિંદગીથી નિરાશ આપણું મન આપણને જંપવા નથી દેતું ને ત્યારે આવી જ કઈક સ્થિતિ આપણી હોય છે . જો કે આપણને હોઠને હસતાં રાખતાં આવડી ગયું છે હવે તો બસ જરૂર છે મન મનાવવાની.
.
