Archive for the ‘સ્નેહરશ્મિ’ Category

  • અમે નમીએ તને ચિર સાથી : સ્નેહરશ્મિ
  • ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ : સ્નેહરશ્મિ
  • હાઈકુ : સ્નેહરશ્મિ


  • અમે નમીએ તને ચિર સાથી : સ્નેહરશ્મિ

    Sunday, September 5th, 2010

    .

    .

    ( સી.એન.વિદ્યાવિહાર, અમદાવાદ)

    .

    અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર,
    સાથી ચિરંતન તુજ સનાતન દિપક તુજ સુકાની.

    બીજકળા શી શારદ રેખા, દે અમ પ્રાણ ખીલાવી,
    તારે હૈયે જ્ઞાનની સરિતા, ક્ષિતિજો વિશાળ તારી,
    અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર.

    કમલ સુકોમલ ઊર્મિ નિર્મળ, પ્રભા સૂર્ય સમ ભારી,
    સ્ફૂરી રહી અમ અંતર આજે વાણી સાત્વિક તારી,
    અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર.

    સુખે દુઃખે કે જીવન મરણે એક જ ઊર્મિ અમારી,
    અમ પર તારી સદાય હોજો છાયા મંગળકારી,
    અમે નમીએ તને ચિર સાથી, સાથી વિદ્યાવિહાર.

    - સ્નેહરશ્મિ

    .

    .

    આજે, મોટાં થયા પછી, જીવનમાં શિક્ષણનું મૂલ્ય સમજાય છે.  વળી,   સી.એન.વિદ્યાવિહાર જેવી નામાંકિત સંસ્થામાં શિક્ષા પ્રાપ્ત થઇ તે પણ  જીવનનો એક અનેરો લ્હાવો હતો.  ખાદીનો યુનિફોર્મ , પ્રાર્થના મંદિર કે કર્મનિષ્ઠ શિક્ષકો આજે પણ આંખ સામેથી હઠતાં નથી.  કદાચ એટલે જ , સ્નેહરશ્મિ  ( ઝીણાદાદા) એ ’વિદ્યાવિહાર’ને ચિર સાથી અને સુકાની કહ્યું છે.   શિક્ષક દિન નિમિત્તે,  હાથ પકડી, એકડો ઘૂંટાવનાર અને સાથે સાથે , જીવનનાં પાઠ શીખવતાં સૌ શિક્ષકો અને ગુરુજીને શત શત વંદન.

    ;

    .

    .

    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ : સ્નેહરશ્મિ

    Tuesday, January 26th, 2010

    flag in nature

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    “>

    ફરક ફરક તું મુક્ત હવામાં, ઝંડા ઊડ તું ઊંચે વ્યોમ,
    અમ મસ્તક પર રહે ફરકતો, જ્યાં લગી નભમાં સૂરજ સોમ.
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    રહે લહેરાતો હિમગિરિ પર તું,  ઊડ તું સાગર તટે વિરાટ,
    કૃષ્ણા, રેવા તટે ઊડ તું, ઊડ તું જાહ્નવી યમુના ઘાટ ;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    ત્રિરંગી છે તવ છાયા શીળી, ધર્મચક્ર તવ ઊરે ઉદાર,
    અશોક કેરાં સ્વપ્ન ફળે સૌ, સુણાયે જા તવ ઊર ધબકાર;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    શહીદનાં શોણિતથી પોષ્યાં, વજ્ર સમા તવ અણનમ અંગ,
    કુદ્રષ્ટિ તમ ? કો નવ વીંધે તુજને, મહાબાહુ તું અગ્નિતરંગ;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    ગગન? જેવો ધ્રુવ તારક તું, તું હો નૂતન જગનો પ્રાણ,
    ઘોર નિશામાં વિશ્વજનોને, બનજે તું  શિવ મુક્તિ ભાણ;
    ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.

    - સ્નેહરશ્મિ

    આપણાં દેશનું પ્રતિક, આપણો રાષ્ટ્રધ્વજ નભમાં સૂરજ-સોમ હોય ત્યાં સુધી ફરકતો રહે તેવી અભિલાષા આ ગીતમાં વ્યકત કરવામાં આવી છે.  તો તેની શીળી છાયામાં તમામ  ધર્મનાં લોકો, સમ્રાટ અશોકનું સપનું સાકાર કરી શાંતિથી રહે તેમ પણ વ્યકત કર્યું છે.  શહીદોનું લોહી રેડીને તારાં અંગો વજ્ર સમાન બનાવ્યાં છે, તેની પર   કુદૃષ્ટિ ન લાગે તેવા ઓવારણાં પણ લે છે.  ગગનમાં જેમ એક જ ધ્રુવતારક છે, અને એક ભાણની જેમ તું પણ,  એકલો જ પૂરા વિશ્વનું કલ્યાણ કર.

    જ્યારે નાનાં હતાં અને દેશ-ભક્તિનાં ગીતો ગાતાં ત્યારે તેનું જોશ-ખુમારીપૂર્વકનું સંગીત જ મુખ્ય આકર્ષણ બની રહેતું.  પણ આજે ૨૫-૩૦ વર્ષે તે ગીતો સાંભળીએ તો આંખમાં આંસુ જ આવે. સી.એન.વિદ્યાલયમાં જ્યારે આ ગીત ગાતાં ત્યારે ઝંડાની જેમ જ અમારો અવાજ પણ આકાશને આંબવા જ મથતો. ( ઑડિયો સૌજન્ય મેહુલ શાહ )

    શબ્દાર્થ : શોણિત – લોહી, નિશા – રાત્રિ, મહાબાહુ -  શૂરવીર, ભાણ – નાટ્ય કળાનો એક પ્રકાર, જેમાં ‘એક’ જ પાત્ર રંગભૂમિ પર આવે છે.

    .

    હાઈકુ : સ્નેહરશ્મિ

    Thursday, April 16th, 2009

     

    હિમશિખરે
    ફૂટે પરોઢ: અહો !
    સૂર્ય હાઈકુ઼

    * * *

    ઊડી ગયું કો
    પંખી કૂજતું : રવ
    હજીયે નભે

    * * *

     ઝાપટું વર્ષી
    શમ્યું, વેરાયો ચંદ્ર
       ભીના ઘાસમાં.

    * * *

       વ્હેરાય થડ :
    ડાળે માળા બાંધતાં
       પંખી કૂજતાં.

    * * *

    ફરતી પીંછી
    અંધકારની : દીપ
    નહીં રંગાય.

    * * *

    પતંગિયું ત્યાં
    થયું અલોપ : શૂન્ય
    ગયું રંગાઈ.

    * * *

    ગીત આકાશે :
    પંખીની પાંખમાંથી
    ફૂટે પરોઢ.

    - સ્નેહરશ્મિ

    ગુજરાતી સાહિત્યમાં જાપાનીસ કાવ્યપ્રકાર હાઈકુનો પરિચય કવિશ્રી સ્નેહરશ્મિએ કરાવ્યો.  આજે તેમનાં જન્મદિને ઝીણાદાદાને યાદ ન કરીએ તો કેમ ચાલે ?  ખાદીનાં સફેદ ધોતી, ઝભ્ભામાં તેમનાં ઘર પાસે વૉક કરતાં હોય અને અમે તેમની સાથે વાતો કરતાં અને સી.એન.માં જ અભ્યાસ કર્યો હોવાથી પરીક્ષા હોય તો ઘરમાં જઈ પગે પણ લાગી આવતાં. તેમના પુત્ર સિદ્ધાર્થભાઈ સાથે વાત થઈ અને તે મુજબ તેમનો સંગ્રહ બહુ જલ્દીથી આપણને ડિજિટલ સ્વરુપે મળશે. 

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME