Archive for the ‘હરીન્દ્ર દવે’ Category

  • કાન દોરી ખેંચીને તું ઝૂલાવે : હરીન્દ્ર દવે
  • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે
  • કે હું નથી : હરીન્દ્ર દવે
  • ખ્યાલ પણ નથી
  • બંને જગતને તારી મહોબ્બતમાં હારીને : ફૈઝ અહમદ ફૈઝ ( અનુ. : હરીન્દ્ર દવે )
  • માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે


  • કાન દોરી ખેંચીને તું ઝૂલાવે : હરીન્દ્ર દવે

    Thursday, September 2nd, 2010

    .

    કોક વાર થાય પોઢું ફૂલનાં હિંડોળે, કાન દોરી ખેંચીને તું ઝૂલાવે.
    અમથી હું આંખ મીંચું, કાન રહું માંડી, કે હાલરડું ગાવું તને ફાવે ?

    સ્હેજ જરા અટકે જો ઝોલો, તો ખોયાને બે હાથ ઝાલી થાઉં બેઠો,
    થાકીને કોઇ વાર મેલી જો દોરી, તને બેસવા ન દઉં લેશ હેઠો ;
    કંટાળી માર મને ધબ્બા ને કાલીકાલી વાણીથી છો ને ફોસલાવે.

    અમનેયે આવડે છે મરકલડાં આણતાં, ને અમનેયે ભાવે છે ગોરસ,
    અમને એ ઓરતા કંદબડાળ બેસીએ કે મંદિરમાં બની જઇએ આરસ,
    થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઇ હળવે હળવે તું પાસ આવે.

    - હરીન્દ્ર દવે

    .

    .

    આપણે જન્માષ્ટમીનાં દિવસે દર વર્ષે બાળ કાનુડાને લાડે કોડે પારણામાં ઝુલાવીએ છીએ.  નરસૈંયો કહે છે, બ્રહ્મ કરે લટકાં બ્રહ્મ પાસે.  પણ આ તો  બ્રહ્મ પાસે, લાડ કરવા બેઠો છે એક માણસ કે જેનો માંહ્યલો જાગી ઊઠ્યો છે .  જશોદાને, રાધાને, ગોપીઓને જીદ કરી, નખરાં કરી, હેરાન કરતો, તેની પાસે – કવિ પોતાપણું દાખવી કામણગારો, નખરાળો ‘કૃષ્ણ’  ઝૂલાવેની જીદ કરી, તેનાં જેવાં જ નખરાં કરી મન મોહી લે છે. જન્માષ્ટમી નિમિત્તે ,  સૌની ’તેની’  સાથે નખરાળી આત્મીયતા કેળવાય તેવી શુભેચ્છાઓ.

    .

    .

    .

    કે હું નથી : હરીન્દ્ર દવે

    Wednesday, December 16th, 2009

     

    આથી વધુ શું હોય ખુલાસો કે હું નથી,
    ચાલો શરૂ કરી દો તમાશો કે હું નથી.
     
    એ તો ફક્ત છે મારા વિચારો કે હું નથી,
    થોડી વધારો મારી વ્યથાઓ કે હું નથી.
     
    બેચેનીઓ તમારી ન જીરવી શકું હવે,
    છોડો વિવેક કે મુજને જવા દો કે હું નથી.
     
    થોડું ઉદાસ મન હતું એ તો હવે ગયું,
    શબ્દોમાં ગોઠવો ના દિલાસો કે હું નથી.
     
    આ મારી આવ-જાનો ન મહિમા કરો તમે,
    કહી દો કે જઇ રહ્યો છે જનાજો કે હું નથી.
     
    જે હતી મિલનની વ્યથાઓ સહી લીધી,
    ચાલો હવે વિરહને સમજાવો કે હું નથી.
     
    ખંખેરી નાંખો એક હતું આવરણ ગયું,
    મિત્રો શરૂ કરી દો પ્રવાસો કે હું નથી.
     
    સળગી જવા દો જેથી સ્વજન ઘેર જઇ શકે.
    મારી ચિતાને થોડી હવા દો કે હું નથી.
     
    શબ્દો તો આ હવામાં રહ્યા છે રહી જશે,
    મારો અવાજ બંધ થવા દો કે હું નથી.

    - હરીન્દ્ર દવે

     

     કે હું નથી – જેવી રદીફ પ્રયોજીને કવિ સ્થિતપ્રજ્ઞત્વને સુંદર રીતે ઉજાગર કરે છે !!

     

     

    .

    બંને જગતને તારી મહોબ્બતમાં હારીને : ફૈઝ અહમદ ફૈઝ ( અનુ. : હરીન્દ્ર દવે )

    Wednesday, September 23rd, 2009

     

    બંને જગતને તારી મહોબ્બતમાં હારીને,
    ક્યાં જઈ રહ્યો કોઈ વિરહરાત્રિ ગુઝારીને. 

    વેરાન સુરાલય, સુરાહી જામ ખિન્ન છે,
    તું ગઈ, પછી રિસાયા દિવસ સૌ વસંતના.

    તક આ ગુનાહની અને ચાર જ દિવસની મળી,
    જોઈ લીધી છે હામ મેં પરવરદિગારની.

    દુનિયાએ તારી યાદથી અળગો કરી દીધો,
    તુજથીયે દિલફરેબ છે દુઃખ રોજરોજનાં.

    એ ભૂલથી હસી પડ્યા છે આમ આજે ફૈઝ,
    નાદાન દિલમાં કેવો વલોપાત છે ન પૂછ. 

    - ફૈઝ અહમદ ફૈઝ
    ( અનુવાદક : હરીન્દ્ર દવે )

      

    दोनों जहान तेरी मोहब्बत मे हार के
    वो जा रहा है कोई शबे-ग़म गुज़ार के

    वीरां है मैकदा ख़ुमो-सागर उदास हैं
    तुम क्या गये कि रूठ गये दिन बहार के

    इक फुर्सते-गुनाह मिली वो भी चार दिन
    देखें हैं हमने हौसले परवरदिगार के

    दुनिया ने तेरी याद से बेगाना कर दिया
    तुम से भी दिलफरेब हैं ग़म रोज़गार के

    भूले से मुस्कुरा जो दिये थे वो आज ‘फ़ैज़’
    मत पूछ वलवले दिले-नकर्दाकार के

    - फ़ैज़ अहमद ‘फ़ैज़’

     

    ઉર્દૂ કવિ ફૈઝ સા’બની કલમનો ગુજરાતીમાં અનુવાદ અને એ પણ હરીન્દ્ર દવેની કલમે !  ૧૪ સપ્ટેમ્બર હિન્દી દિન તરીકે  ઉજવાય છે, જોકે હિન્દી પખવાડા જ ઉજવાય છે.  તો આજે આપણે પણ મોડાં મોડાં રાષ્ટ્રભાષા દિન મનાવી લઈએને.  ફૈઝ સા’બને સોવિયેત રશિયાએ લેનિન શાંતિ પુરસ્કાર અર્પણ કરેલો. વળી, તેમને નૉબલ પુરસ્કાર માટે પણ પસંદ કરવામાં આવેલાં !!  મારા ઉર્દૂ ગુરુ ( કુણાલભાઈ)  વૅબમહેફિલની ઉર્દૂ ગઝલો માટે ઘણી જહેમત ઉઠાવી રહ્યાં છે, તેમનો આભાર.. !  વળી, તેમણે ઉર્દૂ-અંગ્રેજી ડિક્ષનરી પણ મૂકેલી  છે, તેનો લાભ પણ લેશો.  આ ઉપરાંત, ઉર્દૂ-ગુજરાતી અને સંસ્કૃત-ગુજરાતી ડિક્ષનરી ઑનલાઇન સરળતાથી ઉપલબ્ધ નથી. કોઇના ધ્યાનમાં હોય તો જણાવશો.

     

     

    .

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે

    Saturday, September 19th, 2009

    damodar lila

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
    બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.

    કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યાં,
    નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં, ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા;
    એના હોઠ બે બિડાયા હજી તોરે, કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

    માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી હાથેથી મોગરાની માળા,
    આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું, કાનકુંવર શું ઓછા હતા કાળા?
    બંધ છોડે જશોદાને કહો રે, કોઇ જઇને જશોદાને કહો રે
    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

    - હરીન્દ્ર દવે

    મિત્રો, આજે હરીન્દ્ર દવેનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી રચના…. !  ગીત તો બધાંએ સાંભળ્યું જ હશે પણ, એના કવિ હરીન્દ્ર દવે છે તે કદાચ ખ્યાલમાં નહિં હોય…  કારણ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને પણ સુખદ આશ્ચર્ય જ થયેલું.  અને આજથી જ નોરતા શરુ થાય છે તો આ ગરબા-ગીતનો આનંદ પણ લઈએ !  જશોદા કાનુડાને ખાંડણિયા સાથે દોરડાથી બાંધે છે અને ત્યારે કાનુડા કરતાં વધુ તો ગોપીઓ વ્યથિત થઈ જાય છે અને દામોદરનો ( કૃષ્ણનું એક નામ – જેને પેટે દોરડું બાંધેલ છે તે ! ) પક્ષ લઈ જશોદાને મનાવવા પ્રયત્ન કરે છે.

    .

    માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે

    Friday, August 14th, 2009

     

    krishna 

    ( માધવ ક્યાંય નથી મધુવનમાં… !! )

     ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.
    માધવ ક્યાંય નથી મધુવનમાં.

    કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
    “યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?”
    લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં.
    માધવ ક્યાંય નથી મધુવનમાં.

    કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
    હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
    નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં.
    માધવ ક્યાંય નથી મધુવનમાં.

    શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
    અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી;
    કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમા.
    માધવ ક્યાંય નથી મધુવનમાં.

    - હરીન્દ્ર દવે

     

    કામણગારો કાનુડો માત્ર જશોદાનો, રાધાનો કે ગોપીઓનો જ નથી.  સાહિત્ય, નૃત્ય, ચિત્રકળામાં પણ તેને સૌએ એટલાં જ લાડ કર્યાં છે. કાન ગોકુળ છોડીને ચાલ્યો જાય છે, અને તેના વિરહમાં જશોદા, રાધા કે ગોપ-ગોપીઓ જ નહિં … કદમ્બની ડાળીઓ, યમુનાનાં નીર, અને વેણુ પણ વિરહની વેદના અનુભવતાં હતાં અને કવિ વેદનાની એ પળોને આ ગીતમાં  કંડારી છે.

     

     

    .

    ખ્યાલ પણ નથી

    Friday, September 19th, 2008

     

    આંસુને  પી ગયો છું, મને ખ્યાલ પણ નથી;
    એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

    તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
    તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

    મારું સ્વમાન રક્ષવા જાતાં કદી કદી,
    હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

    કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
    ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

    વાતાવરણમાં ભાર છે મિત્રોનાં મૌનનો,
    હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

    - હરીન્દ્ર દવે

     

    ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’ ગીત સાંભળ્યું ત્યારથી એક અનન્ય અહોભાવ હરીન્દ્રભાઈ પ્રત્યે…..પછી તો ‘ફૂલ કહે ભમરાને’, ‘રજકણ સૂરજ થવાને શમણે,’ લાં…….બુ લિસ્ટ બની ગયું.
    ગુજરાતી સુગમ સંગીતને જો હરીગીતો કહીએ તો પણ સૌ માન્ય રાખે એટલાં ગીત તેમનાં સ્વરબદ્ધ થયાં છે. રાધાકૃષ્ણ અને વરસાદ પ્રત્યે તેમને પક્ષપાત પણ આજે તેમની એક અલગ મિજાજની જ ગઝલ તેમના જન્મદિને…….

    તેમનાં ગીતોનો ટહુકો અને રણકાર ……..

     

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME