Archive for the ‘હર્ષ બ્રહ્મભટ્ટ’ Category
કોઈ પડછાયા વગર : હર્ષ બ્રહ્મભટ્ટ
Friday, April 22nd, 2011.
કોઈ કરતાં કોઈથી પણ ક્યાંય અંજાયા વગર,
રાખવો વ્યવહાર દુનિયા સાથ ભરમાયા વગર.
કૈંક એવા પણ વસે છે આ નગરમાં માણસો,
હોય છે જેઓ પલળતા સાવ ભીંજાયા વગર.
તોય કાયમ જાય ચૂકી ટ્રેન, તક, અવસર સતત,
લોક છો દોડ્યા કરે છે ક્યાંય રોકાયા વગર.
પારખુ સઘળા ઝવેરી છે, ખરી છે વાત પણ,
એ જ હીરો છું ગયો સરકી જે પરખાયા વગર.
કઈ હદે દિલનાં દુઃખોએ દૂર માણસથી કર્યો,
આ ઊભો પૃથ્વી ઉપર હું કોઈ પડછાયા વગર.
- હર્ષ બ્રહ્મભટ્ટ
.
.
આખીયે ગઝલ બીજું કશુંય નહિં પણ ‘જીવવાનો’ રિયાઝ કેમ કરવો અને કર્યા પછી શું પમાય છે તેનો ટૂંકસાર છે. જોકે, આ જીવનસારને ટૂંકસારમાં પામવો જ ઘણો કપરો હોય છે, ખરું ને ? ‘ગઝલસભા’ વડોદરા દ્વારા કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટનાં ગઝલસંગ્રહ ‘જીવવાનો રિયાઝ’ ને વર્ષ ૨૦૧૦નાં શ્રેષ્ઠ ગઝલસંગ્રહ તરીકે પુરસ્કૃત કરવામાં આવે છે. કવિશ્રી અને ગઝલસભાને ખૂબ ખૂબ અભિનંદન.
.
.
.
.-
અંદર સતત : હર્ષ બ્રહ્મભટ્ટ
Wednesday, August 4th, 2010
નીરખું જેના થકી અંદર સતત,
એક બારી ઊઘડે અંદર સતત.
આંખ મીંચીને સહજ જોયા કરું,
એક સૂરજ ઊઘડે અંદર સતત.
લ્યો, હવે અટકી ગયો વરસાદ ને,
સાત રંગો ઊઘડે અંદર સતત.
બ્હાર ફરતો ચાકડો કાયમ અને -
હાથ બે શું શું ઘડે અંદર સતત.
કોણ ઊભું છે કિનારે થઈ ખડક ?
કે સમંદર ઊમટે અંદર સતત.
કોઈ આવી બંધ ઝટ બાંધો હવે,
પૂર આ ઊંચે ચઢે અંદર સતત.
- હર્ષ બ્રહ્મભટ્ટ
સતત અંદર નીરખીએ તો જ ‘અંદર’ની બારી ઊઘડી શકે અને એ બારી થકી જ આંખ મીંચીને આપણી અંદર સતત ઊઘડતો સૂરજને નિહાળી શકાય. અને તે સૂરજનો ‘દિવ્ય’ પ્રકાશ આપણને અંદર અને બહારથી દેદિપ્યમાન કરી દે છે. કવિ હર્ષ બ્રહ્મભટ્ટને આઇ.એન.ટી. સંસ્થા દ્વારા, વર્ષ ૨૦૧૦નો ‘શયદા’ એવોર્ડ આપવામાં આવે છે તે અવસરે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.
ભૂકંપ : હર્ષ બ્રહ્મભટ્ટ
Tuesday, January 26th, 2010
ધરતીના કાનમાં
કયા દુઃખની વાત કરી તેં ?
કે ધરતી
આટઆટલું કંપી ઊઠી ?
* * * * *
કયા અજંપે ?
ધરતી કંપે ?
મા થઈને ધરતી
પોતાના જ બાળને
હડસેલી દે
પોતાના ખોળામાંથી ?
કયા અજંપે ?
* * * * *
ઓચિંતી જ
ધરતી કંપવા લાગી.
થવા લાગ્યું બધું
કડડભૂસ.
અનેકાનેક વૃક્ષોનાં મૂળિયાં
ધરતીને પકડીને-જકડીને
સ્થિર કરવા
મથતાં રહ્યાં !
- હર્ષ બ્રહ્મભટ્ટ
૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક, ગણતંત્ર દિન તો ખરો જ … પણ તે દિવસ, જાણે-અજાણે પણ ભૂકંપની પણ યાદ અપાવે છે. જોકે, આપણું બંધારણ ઘડાયું તેનાં ૪૦ વર્ષે, તે જ દિવસે ભૂકંપ આવવો તે પણ કેટલું સૂચક છે, કંઈક તો સંકેત હશે જ. તાજેતરમાં જ હૈતીમાં આવેલા ભૂકંપે ફરીથી આપણને હલબલાવી મૂક્યાં છે.
.
આભ મૂંગું થઈ ગયું : હર્ષ બ્રહ્મભટ્ટ
Friday, October 23rd, 2009

પાન છેલ્લું લો ખર્યું,
ઝાડ મૂંગું થઈ ગયું.
એક જ્યાં ઇંડું દડ્યું,
ઝાડ મૂંગું થઈ ગયું.
પંખી આ ઊડી ગયું,
ઝાડ મૂંગું થઈ ગયું.
ખચ્ કુહાડી ડાળ પર-
ઝાડ મૂંગું થઈ ગયું.
ઝાડ આખું ક્યાં ગયું ?
આભ મૂંગું થઈ ગયું.
- હર્ષ બ્રહ્મભટ્ટ
મૂંગાં ઝાડને હિતેન આનંદપરા પૂછે છે, એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ? પણ દડેલાં ઈંડાને જોઈને કે સાંજ પડ્યે પણ પંખીને પાછું ના આવેલું જોઈને, સાવ માણસ જેવું ઝાડ મૂંગું જ રહ્યું ?! અરે… ત્યાં સુધી કે ખચ્ દઈને કુહાડી ડાળ પર પડી તો પણ ….. અને તે જોઈને તો આભ પણ મૂંગું થઈ ગયું.
.
મિત્રો : હષૅ બ્રહ્મભટ્ટ
Sunday, August 2nd, 2009

છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો,
આંખ છે સ્નેહથી સજળ મિત્રો.
એમ ધબકે છે ધરતીનો કણકણ,
દિલ સમું લાગતું આ સ્થળ મિત્રો.
ચોતરફ હષૅનો ગુલાલ ઊડે,
જીવવું થૈ ગયું સફળ મિત્રો.
એમ પગલાં પડ્યાં છે આંગણમાં,
ચોતરફ ઊઘડ્યાં કમળ મિત્રો.
સ્વર્ગ ઊતર્યું છે આજ ધરતી પર,
આભ જોતું ચકળવકળ મિત્રો.
હોય સદ્.ભાગ્ય હષૅ તો જ મળે,
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.
- હષૅ બ્રહ્મભટ્ટ
“ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે,
જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે;
મિલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હ્રદયથી આદમી પવિત્ર હોય પૂરતું છે.”
- રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ તો કહે છે, એક સરસ મિત્ર હોય તો પૂરતું છે. પણ આજે Friendship Day નાં દિવસે, વૅબમહેફિલને એક વર્ષ પૂરું થાય તે પહેલાં ૭૦૦ મિત્રોના ids એકાઉન્ટમાં જોઈ ખરે જ આનંદ થાય છે. આપ સૌ કવિમિત્રો અને વાંચકમિત્રો પ્રત્યે મારી નીતરતી લાગણીઓને – હષૅ બ્રહ્મભટ્ટનાં શબ્દોમાં જ વર્ણવી મિત્રદિનની શુભેચ્છા પાઠવું છું.
.
આવને ! : હર્ષ બ્રહ્મભટ્ટ
Friday, July 31st, 2009
પાંખ ફૂટી આભને,
સંગ ઊડવા આવને !
હું મનોમન હરપળે,
હોઉં છું તારી કને.
કેદ મારું આયખું,
એક તારી ધડકને.
ચોતરફ બસ મ્હેંક છે,
કોણ ખીલ્યું વનવને ?
મોરલો ટહુકા કરે,
આભ આખું થનગને.
એક પળ એવી મળે,
વિસ્તરે ને યુગ બને.
- હર્ષ બ્રહ્મભટ્ટ
કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટને તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ … !
.

