Archive for the ‘હર્ષ બ્રહ્મભટ્ટ’ Category
લે લખ ગઝલ : હર્ષ બ્રહ્મભટ્ટ
Sunday, July 12th, 2009
વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ !
ને ધરા વળ ખાય છે, લે લખ ગઝલ !
કો’ બપૈયો ગાય એના ગીતમાં,
કાળજું ચીરાય છે, લે લખ ગઝલ !
તું ભલે કોરો રહે, તરસ્યો રહે,
કો’ક તો ભીંજાય છે, લે લખ ગઝલ !
શબ્દ સૌ ચાલ્યા ગયા છોડી તને,
મૌન ગોરંભાય છે, લે લખ ગઝલ !
ઊડતા પંખીને વાગે તીર તો -
આભ ખુદ વીંધાય છે, લે લખ ગઝલ !
વાદળો ઘેરાય છે, લે લખ ગઝલ !
શૂન્ય ગોરંભાય છે, લે લખ ગઝલ !
- હર્ષ બ્રહ્મભટ્ટ
ઘેરાતાં વાદળોમાં ભીંજાતાં શબ્દોથી કેમેય રહેવાતું નથી અને કવિને ઈજન આપી જ દે છે, લે લખ ગઝલ……. !! આમ તો, વરસાદ પર માત્ર પ્રેમીઓનો ઈજારો – પણ ના, શૂન્ય પણ ગોરંભાય છે અને પ્રકૃતિમાં કણ-કણ વ્યાપ્ત પરમ તત્ત્વમાં સમાવવા તત્પર બને છે.
.
સાર શું ? : હર્ષ બ્રહ્મભટ્ટ
Thursday, July 2nd, 2009
આર શું ને પાર શું ?
જિંદગીનો સાર શું ?
શૂન્ય છે જ્યાં લાગણી,
લોહીનો આધાર શું ?
કૃષ્ણ અવતરવા મથે,
કિન્તુ લે અવતાર શું ?
સંધિ વિણ આરો નથી,
ત્યાં વળી તકરાર શું ?
ભાર જેવી જિંદગી,
શ્વાસનો ત્યાં ભાર શું ?
હોય પગમાં બેડીઓ,
રાખવી તલવાર શું ?
ન્યૂઝ મૅકર હું જ છું,
મારે વળી અખબાર શું ?
જો ઉપર બ્રહ્માંડમાં,
તેજ શું, અંધાર શું ?
જોડતો ને તોડતો,
એવો સર્જનહાર શું ?
છળકપટનું આ જગત,
પ્રેમ શું ને પ્યાર શું ?
- હર્ષ બ્રહ્મભટ્ટ
‘ એકલતાની ભીડ ‘ માં રહી ‘ અંદરની દીવાદાંડી ‘ ને પ્રજ્વલિત કરતાં કરતાં હર્ષ અંકલ ‘ મૌનની મહેફિલ ‘ સજાવે છે અને ત્યારે વૅબમહેફિલ પણ તેમના મૌનની મહેફિલમાં શરીક થઈ તેમની ગઝલનો જાદુ તમારી સાથે વહેંચવાનો મોકો કેમ ચૂકે ?!!
જિંદગીના સારને પામવાની મથામણમાં, જિંદગી પોતે જ એક પ્રશ્નાર્થ ચિહ્ન બની જતી હોય છે. જગતમાં લાગણીઓ શૂન્ય બની છળકપટ આચરતી હોય ત્યારે લોહીનો આધાર શું ? – એવાં વેધક પ્રશ્નનો પ્રત્યુત્તર ‘તકરાર’ વિનાની ( જાત સાથે પણ નહીં ) સંધિમાં કવિ આપે છે. જો કે પગમાં બેડીઓ ને હાથમાં તલવાર જેવી વાત …. પણ તો પણ જિંદગીના ભાર કરતાં શ્વાસનો ભાર ઓછો જ રહેવાનો….. !!
.
એક નેતાને : હર્ષ બ્રહ્મભટ્ટ
Wednesday, April 29th, 2009
એક નેતાને,
સૂવાડ્યા ચંદનની ચિતા પર,
ખાસ્સું ઘી રેડ્યું.
પછી અગ્નિદાહ દીધો,
પણ ચિતાને અગ્નિ સ્પર્શે જ નહિં.
બધાં જ પ્રયત્નો નિષ્ફળ.
છેવટે એક કવિએ બતાવેલાં ઉપાય મુજબ -
એ નેતાની ખુરશીનાં પાયા તોડીને,
ચિતામાં લાકડા ભેગાં ગોઠવ્યાં,
કે તરત -
પ્રગટી ઊઠી ચિતા
ફડ, ફડ, ફડ……
- હર્ષ બ્રહ્મભટ્ટ
હર્ષભાઈએ ટૂંકમાં સીધેસીધું જ સમજાવી દીધું છે, આજે મારે તો કંઈ નથી કહેવું…
સું કિયો છો તમે ?!!
.
ગઝલ
Tuesday, September 16th, 2008
ધરાના વિલયને હું જોતો રહ્યો છું,
શબદને બચાવીને ઊભો રહ્યો છું.
કહો સાંધશે કોણ ઓઝોનને આ ?
ગગન બાથમાં લઈને ઊભો રહ્યો છું.
ગયા પીગળી સૌ પહાડો બરફના,
અગનઝાળ ઝીલી હું ઊભો રહ્યો છું.
નથી ક્યાંય જંગલ, ન તો ઘાસ લીલું,
હરણને બચાવી હું ઊભો રહ્યો છું.
નદી તો સુકાઈ ગઈ છે યુગોથી,
હલેસાંને ઝાલી હું ઊભો રહ્યો છું.
- હર્ષ બ્રહ્મભટ્ટ
મિત્રો, આજનો દિવસ આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન તરીકે મનાવવામાં આવે છે. આમ તો, ૧૯૮૭માં વાતાવરણમાં ઓઝોનનું સ્તર ઓછું થઈ રહ્યું છે તેમ સાબિત થઈ ચૂકેલું. પણ ડે-સ્પેશિયલ અમેરિકાએ ૧૯૯૮માં આજના દિવસને ઓઝોન દિન તરીકે મનાવવાનું નક્કી કરેલું. આપણા કવિએ માત્ર ઓઝોન જ નહી, પરંતુ ગ્લોબલ વૉર્મિંગની, સૂકાતા જંગલ અને નદીઓની પણ ચિંતા વ્યકત કરી છે. ધરાના વિલયને બસ ક્યાં સુધી આમ જોતા રહેશું ? પ્રાણીક હિલીંગ કે રેકી શીખતા ત્યારે સમૂહમાં ઓઝોનનું ગાબડું પૂરાઈ જાય તેવી પ્રાર્થના કરતાં અને જાણે કે બ્રહ્માંડમાં એક હકારાત્મક અભિગમ ફેલાય અને કુદરતી આપત્તિઓ દૂર થાય તેવું માંગી લેતાં.
એકલો હું ક્યાં કદીયે હોઉં છું : હર્ષ બ્રહ્મભટ્ટ
Thursday, August 21st, 2008ગાંધીનગરની કચેરીમાં ફાઈલોના ઢગલાં વચ્ચે હર્ષ બ્રહ્મભટ્ટ ચમત્કાર સર્જતા હોય
તેમ ગઝલ લખે છે. તો આજે માણીએ એમની એક માર્મિક ગઝલ…
અને મક્તાનો શેર તો આપણી અંદર રહેલી દિવાલને પણ ભેદી નાંખે તેમ પડઘાશે.
એકલો હું ક્યાં કદીયે હોઉં છું,
હું હંમેશા મારી સાથે હોઉં છું.
મૌનની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું.
સૂર્યોદય કેવો થયો મારી ભીતર,
પહાડ જેવો હું પીગળતો હોઉં છું.
નાદરૂપે હું પ્રગટતો હોઉં છું,
હું જ વીણા, તાર પણ હું હોઉં છું.
ડૂબવા, તરવા વિશે ક્યાં ભેદ છે ?
હું જ હોડી , હું સમંદર હોઉં છું.
અર્થ ક્યાં છે ? આ દિવાલોનો હવે,
બહાર પણ હું , હું જ અંદર હોઉં છું.
- હર્ષ બ્રહ્મભટ્ટ
