Archive for the ‘હિતેન આનંદપરા’ Category
ઝાડ તને મારા સોગંદ : હિતેન આનંદપરા
Thursday, April 2nd, 2009
( સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?!! )
ઝાડ તને મારા સોગંદ
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
વરસોથી એક જ જગાએ ઊભા રહીને કંટાળો આવતો નથી ?
તારો એક્કેય ભાઈબંધ એની પાસે તને પ્રેમથી બોલાવતો નથી ?
સાવ-માણસ-જેવો આ સંબંધ !
આકરા ઉનાળે ખૂબ શોષ પડે ત્યારે સૂરજ પર ગુસ્સો આવે ?
વહેતી હવાને ખભે માથું મૂકીને હૈયું ઠાલવવાનું ફાવે ?
તારાં આંસુનું કેટલું વજન ?
ઝાડ, તને છાંયે બેઠેલો એક માણસ ગમે કે છાંયે બેઠેલી એક ગાય ?
સાંજ પડ્યે પંખી જો પાછું ન આવે તો પાંદડાંમાં ડૂમો ભરાય ?
છોડ્યું ના છૂટે વળગણ.
સાચું કહેજે એક પંખીની જેમ કદી ઊડવાનું થાય તને મન ?
ઝાડ તને મારા સોગંદ !
- હિતેન આનંદપરા
કવિની સંવેદના કેટલી નાજુક હોઇ શકે તેનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ. મોટામસ ખડક તોડીનેય ઘાસનું એક તણખલું ઉગી આવે એમ ઝાડમય બની આપણને પણ ઝાડને પાંખો આવી જાય એવી લાગણી ઉગી આવે. આકાશને સ્પર્શવા મથતો હોય તેમ ઊંચે ને ઊંચે ઉગતું જાય ને તોય આકાશથી છેટું ને છેટું ?!! પંખીનો ટહુકો સાંભળી રોજ સવારે કૂંપળ ફૂટેને જો એ પંખી આથમણે પાછું ના વળે તો પાંદડાંને ડૂમો ના ફૂટે ?!! તો સાવ-માણસ જેવો સંબંધ કે છાંયે બેઠેલો માણસ ગમે કે ગાય એમ પ્રશ્ન પૂછીને જ કવિ ઉત્તર આપી દે છે, સમજી ગયાંને ?!!
.
વાસંતી વધામણાં : ગઝલ : હિતેન આનંદપરા
Saturday, January 24th, 2009
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.
સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.
અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.
ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.
કરે છે આગેકૂચ પુરબ્હારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે.
વહે તો માત્ર ટહુકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.
- હિતેન આનંદપરા
વાસંતી વધામણાંમાં પહેલી રચનામાં વસંત કાનમાં આવીને પૂછી ગયેલી ‘ આવું ?’ ને આજે છેલ્લી રચના – દરેક મનુષ્યના જીવનમાં આવી જ વસંત પાંગરે તો …!! પાનખરમાં વિખેરેલી અતૃપ્ત ઝંખનાઓનો તંત પણ વસંતમાં મળે ને બધીય અટકળોનો અંત આવે …. કેટલી અદ્.ભૂત વાત !! ને મહેકની ગલીઓ પણ અનંત પમાય તો કેવું ? હિતેનભાઈ પુષ્પોની આગેકૂચ કરાવી નશીલી સાંજને જ્વલંત વિજય અપાવે છે. તો નગરનાં કોલાહલો શું કોયલના ટહુકામાં ચૂપ થઈ જતાં આપણે નથી અનુભવ્યાં ? યાદ કરો….. પેલી સાંજે કોયલનો ટહુકો સાંભળી આપણે ટીવી ચાલુ રાખીને કે ટ્રાફિકની ચિચિયારીઓ વચ્ચે પણ તેની પાસે પહોંચી ગયેલાં કે નહીં ?!! બસ આવી જ વસંત આપ સૌનાં જીવનમાં પાંગરે તેવાં વાસંતી વધામણાં….. !!
.
