Archive for the ‘હિમલ પંડ્યા “પાર્થ”’ Category

  • એવું લખ હવે : હિમલ પંડ્યા “પાર્થ”
  • પ્રભુ : હિમલ પંડ્યા ‘પાર્થ’


  • પ્રભુ : હિમલ પંડ્યા ‘પાર્થ’

    Wednesday, February 10th, 2010

     

    જીવન વિશે પૂછે તો કહું , ઝેર છે પ્રભુ,
    દરબારમાં તારા હવે અંધેર છે પ્રભુ ;

    સાચું કહે છે - એમની ક્યાં ખેર છે પ્રભુ ?
    ડામીસને ઘેર જો ને, લીલાલ્હેર છે પ્રભુ ;

    દુશ્મનને પ્રેમ આપવાની વાત તેં કરી,
    અહિંયા તો સગા ભાઈઓમાં વેર છે પ્રભુ ;

    હૃદય સિવાય જોઈ લો, ધબકે છે બધું અહીં,
    માણસ  વિનાનું  જાણે કોઈ  શ્હેર છે  પ્રભુ ;

    આવ્યો’તો તારા દર્શને પગભર થવાને કાજ,
    શોધું  છું,  ક્યાં  પગરખાની પેર  છે  પ્રભુ ?

    - હિમલ પંડ્યા ‘પાર્થ’

     

    પ્રણવ પંડ્યાને હોમવર્ક પૂરું કરી જલ્દી પ્રભુને મળી, બાળ-મજદૂરીની અનેક વાતો કરવી છે.  તો હિમલ પંડ્યા ઈશ્વરનાં દરબારમાં અંધેર હોવાની વાત લઈને આવ્યાં છે.  વાતો તો એ જ – પણ એક નવા જ અંદાજમાં !   આજે તેમનાં જન્મદિને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ.

     

     

    એવું લખ હવે : હિમલ પંડ્યા “પાર્થ”

    Saturday, November 7th, 2009

     

    kagaz_kalam 

    ભીતરે અંકાય એવું લખ હવે,
    લાગણી વંચાય એવું લખ હવે.

    શબ્દમાં ઘેરી અસર હોવી ઘટે,
    પાંપણો ભીંજાય એવું લખ હવે.

    નફરતોની આ નદી પર પ્રેમના-
    સેતુઓ સર્જાય એવું લખ હવે.

    કોઈ એને સાંભળી ઝૂમી ઊઠે,
    કોઈ એને ગાય, એવું લખ હવે.

    નામ તારું આપમેળે થઇ જશે,
    પાંચમાં પૂછાય એવું લખ હવે.

    હો નવી પેઢીનો તું શાયર ભલે,
    વારસો સચવાય એવું લખ હવે.

    - હિમલ પંડ્યા “પાર્થ”

     

     ભાવનગરનાં યુવા કવિ હિમલ પંડ્યા શિક્ષણક્ષેત્રે કાર્યરત છે.   કોલેજમાં પ્રિન્સીપાલની જવાબદારીનો બોજ ઉપરાંત, સંસ્કૃતિને સચવાય તેવું લખવાનો બોજ પણ ઉપાડવા તૈયાર છે. એટલે જ તેમની કલમ વારસો સચવાય એવું લખ હવે એમ કહે છે.  કવિ/લેખક બનવાનો વાયરો વાયો છે, ( ઇન્ટરનેટ પર તો ખાસ )  પણ શબ્દની આટલી નિસ્બત ક્યાં કોઈને છે ? કોઈની લાગણી વંચાય તો શબ્દની ઘેરી અસર ઉપજાવી શકાય અને તો ભીતરે અંકાય એવું લખી શકાય. 

     

     

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME