Archive for the ‘હેમેન શાહ’ Category
પડે ત્યારે પડે : હેમેન શાહ
Monday, December 13th, 2010
.
એ વળી ક્યારે ધીમી ધારે પડે ?
વીજળીનું શું ? પડે ત્યારે પડે.
સૂર્ય જેવું જયાં કશું હોતું નથી,
સર્વ પડછાયા શા આધારે પડે ?
કેટલી ચીજો સમય લઈ જાય છે,
પણ ખબર કોને અને ક્યારે પડે ?
આજે ટહુકા, કાલે ખુશ્બુ બંધ છે,
બહાર ફતવા વાર-તહેવારે પડે.
સામે કાંઠે હોય છે વાંછિત બધું,
પણ નદી તરવી બહુ ભારે પડે.
- હેમેન શાહ
.
સમયની ચાલ ક્યારેય સમજી શકાતી નથી. સામે કાંઠે પહોંચીને જ કદાચ તેની ખબર પડે તો પડે. જોકે, આપ સૌને આ ગઝલ વાંચવાની મજા ચોક્કસ પડશે, ખરું ને ?!!
.
.
.
.
એક શરણાઇ બને : હેમેન શાહ
Tuesday, August 31st, 2010.
.
કેન્દ્રતરફી, ભૂમિગ્રાહી, ક્યાંથી વડવાઈ બને ?
ભલભલાં વૃક્ષ પણ ધીરેથી બોન્સાઈ બને !
એ જ છે દરિયાકિનારો, એ જ સંધ્યાનો સમય,
શું ઉમેરું હું બીજું તો જૂની તન્હાઇ બને ?
એક છે દિલચસ્પ સપનું, ચાલને હંકારવા,
સઢ બને ઉત્સાહ ને આશ્ચર્ય પુરવાઇ બને.
ઝંખનાને પાંખ ફૂટે, રુપને ફૂટે શરમ,
બેઉમાં જોવું રહ્યું કે કોની સરસાઇ બને !
હું ખરું ત્યાં, ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઇ બને.
- હેમેન શાહ
.
વાહનવ્યવહાર, સંદેશવ્યવહારની વિવિધ સવલતોને કારણે વિશ્વ જાણે કે એક ગામડું જ બની ગયું છે. પણ, વિશ્વની વિશાળતા સંકોચાતી ગઇ તેમ માનવ પણ સંકુચિત અને સ્વકેન્દ્રી બનતો ગયો છે. જાણે કે, માણસ પણ બોન્સાઇ બની, એક ખૂણામાં રહી, ડ્રોઇંગરુમની શોભા વધારતો એક નિર્જીવ શો-પીસ બની ગયો.
પ્રેમનું એક દિલચસ્પ સપનું લઇ, કવિ પોતાની નાવ હંકારે છે, પણ આવી જ સંકુચિતતાને કારણે, જો ‘તે’ ખરી જાય તો પણ તેમાંથી શરણાઇ બનવા માંગે છે, એટલે કે, પ્રિય સાથે મિલનનાં સપનું પૂરું થાય એમ ઇચ્છે છે.
.
.
.
ત્રિપદી : હેમેન શાહ
Wednesday, November 26th, 2008
હોય છે પંચાંગમાં ક્યાં પર્વ આ ?
મૂળ-વતનની દિવ્ય છેડે રાગિણી,
મોરના રૂપે કોઈ ગંધર્વ આ.
* * *
કોણ જાણે એ કરે સંકેત શું ?
હું હજી બે પાંદડાં વાંચી શક્યો,
વૃક્ષ આખાને હશે અભિપ્રેત શું ?
* * *
રાહ જોતાં કંઈક ફૂલો દૂરનાં,
એક કોશેટો સૂતો સપનું લઈ,
ઓસભીના પાન પર શેતૂરના.
* * *
કોયલો છેડે સૂરીલા દોરને,
આમ્રવૃક્ષો તો વધાવે ઠેરઠેર,
તુર્ત મારે મંજરીની મ્હોરને.
* * *
આ અમાનત છે, એ નજરાણું નથી.
ટહુકા સાચવવા મને આપ્યા પછી
પંખીઓનું કોઈ ઠેકાણું નથી.
* * *
વૃક્ષને તાજા પવનનો કેફ છે,
પથ્થરો પર કંઈ અસર થાતી નથી,
એ ઋતુના ચક્રથી વાકેફ છે.
* * *
કેટલી લાચાર સૌરભ થઈ ગઈ,
બાગમાં તો સાવ હલ્કીફૂલ હતી,
કાચની શીશીમાં હતપ્રભ થઈ ગઈ.
- હેમેન શાહ
અમૃત ‘ઘાયલ’ને જેમની ત્રિપદી રુબાઈ સમ પ્રભાવક લાગતી, તેવા કવિશ્રી હેમેન શાહની થોડીક ત્રિપદીઓ. પ્રકૃતિને પામવું તો શું માણવું પણ દુષ્કર બની રહ્યું છે ત્યારે આ ત્રિપદીઓમાં પ્રકૃતિના સાંનિધ્યની હૂંફ તો મળશે જ પણ તેનું સનાતન સત્ય પણ સમજાશે.
