Archive for the ‘રાજેન્દ્ર શુક્લ’ Category
યથેચ્છસિ તથા કુરુ : રાજેન્દ્ર શુક્લ
Monday, April 25th, 2011.
વદી વદી વદ્યા ગરુ, યથેચ્છસિ તથા કુરુ,
ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસિ તથા કુરુ.
ન ખોટું કે નથી ખરું, યથેચ્છસિ તથા કુરુ,
જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસિ તથા કુરુ.
નથી સરલ ન આકરું, યથેચ્છસિ તથા કુરુ,
થશે બધું ય પાધરું, યથેચ્છસિ તથા કુરુ.
ન ઘેરશે તને ધરું, યથેચ્છસિ તથા કુરુ,
ટકી શકે ન છાપરું, યથેચ્છસિ તથા કુરુ.
ભલે ન મન કહ્યાગરું, યથેચ્છસિ તથા કુરુ,
થવાનું એ ય પાંસરું, યથેચ્છસિ તથા કુરુ.
સખત છતાં ય ફોતરું, યથેચ્છસિ તથા કુરુ,
પલક મહીં થશે પરું, યથેચ્છસિ તથા કુરુ.
સુદૂર છો અરુપરુ, યથેચ્છસિ તથા કુરુ,
સ્વયં થશે હરુભરુ, યથેચ્છસિ તથા કુરુ.
- રાજેન્દ્ર શુક્લ
.
.
યથેચ્છસિ તથા કુરુ અર્થાત્ જેમ ઇચ્છા હોય તેમ કરો. અધ્યાત્મિક ગુરુ તો હંમેશા આટલું જ કહે છે, યથેચ્છસિ તથા કુરુ. કારણકે તેઓ જાણે છે કે, ઈશ્વરેચ્છા બલિયસિ અને કર્તાહર્તા તો આખરે પરમાત્મા ખુદ જ છે. આથી શિષ્ય પણ તેટલું જ કરશે જેટલું ઈશ્વરની મરજી હશે. આપણી ભીતર રહેલ પરમાત્મા રુપી ચરુની ભાળ મેળવી , ચોક્કસપણે પાધરા થવાય અને પછી બધુંય પાંસરું ઊતરે જ અને સ્વર્ગીય સુખ હાથવેંતમાં જ.
.
શબ્દાર્થ : અરુ – વધારે , પરુ – સ્વર્ગ .
.
.
.
.
ખેલીએ ફાગ હોરી : રાજેન્દ્ર શુક્લ
Sunday, March 20th, 2011.
( ઊડે રંગ , ઊડે ન ક્ષણ એક કોરી )
.
અહો શ્વાસ મધ્યે વસંતો મ્હોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી.
ઊડે દૂરતાને, ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી.
ઊડે આખ્ખું હોવું, મુઠ્ઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી.
ઊડે છોળ કેસર ભરી સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતન કિશોરી.
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ચલો ગાઇએ ખેલીએ ફાગ હોરી.
- રાજેન્દ્ર શુક્લ
.
.
આજે ધૂળેટી અને વળી, વસંતોત્સવનો પ્રારંભ પણ. કદાચ એટલે જ આજે, ફૂલોનાં પ્રતિક રુપે વિધ વિધ રંગોની છોળ ઊડાડી , આપણા હૃદય અને શ્વાસ મધ્યે પણ વસંત મ્હોરવાની ક્ષણોને ઉજાગર કરીએ છીએ. ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ આમ તો, અધ્યાત્મનાં રંગે જ રંગાયેલાં છે પણ તેઓ પણ, પ્રકૃતિનાં આ ઉત્સવને વધાવતાં, ગાઇ ઊઠે છે, – ” ચલો ગાઇએ, ખેલીએ ફાગ હોરી. “
.
.
.
.
અય ખુશમિજાજ : ધૈવત શુક્લ
Wednesday, January 12th, 2011.
.
( જાજવલ્ય શુક્લ – તબલાં, ધૈવત શુક્લ, અમર ભટ્ટ – હાર્મોનિયમ )
.
.
ઝાંઝ પખવાજ બાજ કરતાલ આજ ,
સૂર ઘેઘૂર પૂર મત બાંધ પાજ !
બિંતબૃખભાન, ઈબ્નબ્રજરાજ, વાહ-
જુગલસરકાર આજ મહેફિલનવાજ !
તીર કાલિંદ, શાખ કાદંબ તખ્ત,
ફરફરે મોરપિચ્છ સરતાજ-તાજ !
અંગ રચ પ્રાસ, સંગ રચ રંગરાસ,
છોડ સિંગાર સાજ, તજ સર્વ કાજ !
ભાન લવલેશ, શેષ ઝળહળ મશાલ,
શ્વાસ ઉચ્છવાસ ખેલ અય ખુશમિજાજ !
- રાજેન્દ્ર શુક્લ
(ફેબ્રુઆરી, 1978)
.
ધૈવત શુક્લનાં જન્મદિને, તેમની કલમે નહિં પણ કંઠે માણીશું તેમના પિતા રાજેન્દ્ર શુક્લની એક ગઝલ. ધૈવતભાઈનાં કંઠે શાસ્ત્રીય શૈલીમાં આ ગઝલ સાંભળી, આપ સૌ પણ ચોક્કસ બોલી જ ઊઠશો, કે વાહ – જુગલસરકાર આજ મહેફિલનવાજ ! કાલિન્દીનાં તટ પર, મોરપિચ્છનો સરતાજ ધારણ કરી, કદબ્મની ડાળી પર તખ્તનશીન, કૃષ્ણ રાધા સંગ રાસલીલા માણી રહ્યાં છે તેનું અદ્ભૂત વર્ણન આ ગઝલમાં કર્યું છે. (અથવા તો, સર્વ સાજ-કાજ છોડી, આ રાસલીલામાં જોડાવાનું ઇજન કવિ આપે છે ?!! )
.
શબ્દાર્થ : બિંત-પુત્રી, (બિંતબૃખભાન-રાધા) ઈબ્ન- પુત્ર, (ઈબ્નબ્રજરાજ-કૃષ્ણ)
.
.
.
.
પત્રસંવેદના : રાજેન્દ્ર શુક્લ
Tuesday, October 12th, 2010.

.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
.
દૂર સાગરમાં અવશ સરતા, સખી !
પત્રનાં તરણે અમે તરતા, સખી !
આમ તો ખાલી બધું તારા વિના,
પત્રથી પળને અમે ભરતા, સખી !
હર સવારે ફૂલ ખીલે જે કશાં,
પત્ર ના’વે તો તરત ખરતા, સખી !
જાગતી રાતે જગત ઊંઘે તદા -
પત્રનાં કાંઠે અમે અમે ફરતાં, સખી !
પત્રને આધાર ટકતો પ્રાણ આ,
પત્રમાં પાછો તને ધરતા, સખી !
- રાજેન્દ્ર શુક્લ
( ૩.૨.૧૯૭૫ )
.
વૅબમહેફિલે જેમનાં આશીર્વાદથી મહેફિલની શરુઆત કરી છે તેવાં મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર અંકલનાં જન્મદિને અઢળક શુભેચ્છાઓ. સંવેદનાઓને શબ્દોનાં બીબામાં ઢાળવી જેમને સહજ અને સરળ છે તે રાજેન્દ્ર અંકલનાં પત્ર સંવેદનાનાં પુષ્પગુચ્છમાંથી એક પુષ્પ આપ સૌને માટે તેમનાં જ અવાજમાં. વળી, પત્રસંવેદનાની સૌ પ્રથમ ગઝલ - તેમનાં જ હસ્તાક્ષરમાં. (સાભાર : રાજેન્દ્રશુક્લ. કૉમ )
.
.
.
મૂલ, તોલ ને માપ વિહોણા : રાજેન્દ્ર શુકલ
Friday, July 9th, 2010

મૂલ, તોલ ને માપ વિહોણા,
આપ વિહરિયેં આપ વિહોણા.
ભૂલ, ચૂક કે થાપ વિહોણા,
તિલક, માલા, છાપ વિહોણા.
પુણ્ય વિહોણા, પાપ વિહોણા,
જાગ્યા કરિયેં જાપ વિહોણા.
આખે આખા શ્વાસ સમર્પિત,
કાપાકૂપી, કાપ વિહોણા.
તરવેણીને તીર તબકિયેં,
ત્રણે પ્રકારે તાપ વિહોણા.
વંશી વણ પણ મેં દીઠા છે,
દીઠા છે શરચાપ વિહોણા.
આ તો અમથો વેશ ધર્યો છે,
મૂળે તો મા-બાપ વિહોણા.
- રાજેન્દ્ર શુક્લ
‘અહં બ્રહ્માસ્મિ’ કે ‘તત્ત્વમસિ’ આત્મસાત્ થયા બાદ, આપવિહોણા થઇ શકાય અને પછી તો પાપવિહોણા, પુણ્યવિહોણા, તાપવિહોણા. બસ, જરુર માત્ર છે, કાપવિહોણા, આખેઆખા શ્વાસ કૃષ્ણાર્પણ કરવાની.
શબ્દાર્થ : તાપ – દુઃખ, મનની પીડા, ( વૈદિક માન્યતા મુજબ, ત્રિવિધ-ત્રણ પ્રકારનાં તાપ એટલે કે દુઃખ રહેલાં છે. આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક) , તરવેણી – ત્રિવેણીસંગમ ( ગંગા, યમુના, સરસ્વતી નદીનો જ્યાં સંગમ થાય છે તે સ્થળ, પ્રયાગ જ્યાં સ્નાન કરવાથી મુક્તિ મળે છે ) શરચાપ – ધનુષબાણ.
.
સવારે : રાજેન્દ્ર શુક્લ
Monday, February 8th, 2010
સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,
કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.
સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,
રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.
તૂટ્યા કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,
એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.
રાત્રિ વીતે છતાં આ મનનાં સૂના સ્મશાને,
કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.
અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,
કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે.
- રાજેન્દ્ર શુક્લ
ઋષિકવિ રાજેન્દ્ર શુક્લની કલમે એક હળવી ગઝલ. વીતેલી રાત્રિ અને સવારનાં પ્રતિકોના સંદર્ભ - સતત આપણી અંદર પણ, એક સૂર્યને ઊગાડતો રહે છે, અને એવી જ કોઇ લવચીક ક્ષણને મન લણતું રહે છે.
.

