Archive for the ‘રાજેન્દ્ર શુક્લ’ Category

  • અય ખુશમિજાજ : ધૈવત શુક્લ
  • આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ
  • ખેલીએ ફાગ હોરી : રાજેન્દ્ર શુક્લ
  • પત્રસંવેદના : રાજેન્દ્ર શુક્લ
  • બદલું છું : રાજેન્દ્ર શુકલ
  • મૂલ, તોલ ને માપ વિહોણા : રાજેન્દ્ર શુકલ
  • યથેચ્છસિ તથા કુરુ : રાજેન્દ્ર શુક્લ
  • સભર સુરાહી : રાજેન્દ્ર શુક્લ
  • સવારે : રાજેન્દ્ર શુક્લ
  • હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ


  • બદલું છું : રાજેન્દ્ર શુકલ

    Monday, January 11th, 2010

     

    મજા પડે તો તરત હું મિજાજ બદલું છું,
    ન આંખ બદલું ભલે, પણ અવાજ બદલું છું.

    રમતરમતમાં હું રસ્મો-રિવાજ બદલું છું,
    બદલતો રહું છું મને, તખ્તોતાજ બદલું છું.

    સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
    દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.

    પ્રજળતું કૈંક રહે છે હંમેશા હોઠો પર,
    કદીક શબ્દ તો ક્યારેક સાજ બદલું છું.

    સુરાલયે જ હવે ચાલ શૂન્યતા છોડી,
    દરદ બદલતું નથી, તો ઈલાજ બદલું છું.

             - રાજેન્દ્ર શુકલ

     

      પરિવર્તન એ જ તો સંસારનો નિયમ અને દર્દ ના બદલાય તો ઈલાજ જ બદલવો પડેને.  કારણ દિશા બદલવી  શક્ય નથી તો જહાજ બદલવામાં જ  શાણપણ.  રાજેન્દ્ર અંકલની કલમે એક હળવી પણ ગહન ગઝલ… !

     

     

    .

    હજો હાથ કરતાલ : રાજેન્દ્ર શુક્લ

    Monday, October 12th, 2009

     

    હજો હાથ કરતાલને ચિત્ત ચાનક,
    તળેટી સમીપે હજો ક્યાંક થાનક.

    લઈ નાંવ થારો સમયરો હળાહળ,
    ધર્યો હોઠ ત્યાં તો અમીયેલ પાનક.

    સુખડ જેમ શબ્દો ઊતરતા રહે છે,
    તિલક કોઈ આવીને કરશે અચાનક.

    અમે જાળવ્યું છે ઝીણેરા જતનથી,
    મળ્યું તેવું સોંપીશું કોરું કથાનક !

    છે ચન જેનું એના જ પંખી ચુગે આ
    રખી હથ્થ હેઠા નિહાળે છે નાનક.

    નયનથી નીતરતી મહાભાબ મધુરા,
    બહો ધૌત ધારા, બહો ગૌડ ગાનક.

    શબોરોઝ એની મહેકનો મુસલસલ
    અજબ હાલ હો ને ‘અનલહક’  હો આનક !

    - રાજેન્દ્ર શુક્લ
    (૮.૧૦.૧૯૭૮)

     

    રાજેન્દ્ર અંકલની આ ગઝલ તો સૌને હ્રદયસ્થ  હોય જ.  મેં  જ્યારે જ્યારે આ ગઝલ માણી ત્યારે –  નરસિંહ, મીરાં અને નાનકનું શબ્દચિત્ર ઉપસી આવતું, તો અંતિમ  શેર મનસૂરની યાદ અપાવે.  પણ વચ્ચેનાં બે-ત્રણ શેર… ? અચાનક તેમની વૅબસાઇટ પર મને મળી ગઈ, તેમની સ્વોપજ્ઞ ટિપ્પણ.. !  તેમનાં પુત્ર ધૈવતભાઈએ સૌ વાચકો અને ભાવકો વતી આ ગઝલ સમજાવવાની વિનંતી કરી અને તેમણે અઢી પાનાનો એક  ઉત્તર  (૨૨.૮.૨૦૦૭) આપેલો, તેનો અંશ વાંચવા મળ્યો.  તો પરેશ ભટ્ટનાં કહેવાથી નાનકવાળો અને ચૈતન્યવાળો શેર ઉમેર્યો તેની રસપ્રદ વાતો પણ… !!  આ ગઝલનુસ્વરાંકન પણ તેમણે જ કરેલું તેની પણ વાતો છે.  જેમ આ ગઝલમાં શબ્દોનાં સાહચર્ય દ્વારા સંતોને શબ્દદેહ મળે  છે, તેવી જ રીતે, પરેશ ભટ્ટ પણ પોતાનાં સ્વરાંકનમાં સૂરદેહે સંતોની ઝાંખી કરાવે છે.

    પ્રથમ શેરમાં તો કરતાલ અને તળેટી (ગિરનારની)  શબ્દો થકી સહજપૂર્વક નરસિંહનું શબ્દચિત્ર ઉપસી આવે છે. તેઓ  ’ ગિરિતળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી ન્હાવા જાય’ નો સંદર્ભ લઈ નરસિંહને શબ્દદેહે જન્મ આપે છે.

    બીજા શેરમાં રાજસ્થાની ભાષા અને ધર્યો હોઠ શબ્દો મીરાંનો સાક્ષાત્કાર કરાવે છે. તેઓ જણાવે છે, ‘લઈ નામ તારું’ને બદલે ‘લઈ નાંવ થારો’, ‘સમયનું હળાહળ’નું  ‘સમયરો હળાહળ’માં અને ‘ધર્યું હોઠ’ના સ્થાને ‘ધર્યો હોઠ’ માં રુપાંતર કરેલ છે. અમીયેલ -  અમૃત, પાનક – પેય, પીણું.

    ત્રીજા શેરમાં તુલસીદાલ લિખિત ’ ચિત્રકૂટકે ઘાટ પર ભઈ સંતનકી ભીર, તુલસીદાસ ચંદન ઘસે, તિલક કરે રઘુવીર ‘ નો સંદર્ભ લઈ, સુખડ અને તિલક દ્વારા તુલસીદાસની ઝાંખી કરાવી છે.

    ચોથા શેરમાં તેઓ કબીરની પંક્તિઓ  ‘દાસ કબીર જતન કરી ઓઢી, જ્યોં કી ત્યોં ધર દીની ચદરિયાં’ નો સંદર્ભ લઈ, ઝીણેરા જતનથી કોરું કથાનક સોંપનાર કબીર અને તેમની નિર્લેપતાનાં દર્શન કરાવે છે. 

    પાંચમા શેરમાં જ માત્ર ‘નાનક’ નામનો (પ્રત્યક્ષ) અભિધામૂલક પ્રયોગ કર્યો છે. [પણ જો તેમનું નામ ના હોત તો, નરસિંહ, મીરાં અને મન્સૂરવાળો શેર હું કેમ ઉકેલત ?]  નાનકની પંક્તિઓ ‘રામકી ચિડિયા, રામકા ખેત, ખા લો ચિડિયા ભરભર પેટ’નો સંદર્ભ લઈ, ચણનું ‘ચન’, ચણેનું ‘ચુગે’, રાખીનું ‘રખી’ અને હાથનું ‘હથ્થ’ કરી પંજાબી લઢણ દ્વારા ગુરુનાનકનું શબ્દચિત્ર ઉપસાવ્યું છે.

    છઠ્ઠા શેરમાં તેઓ મહાભાવને બદલે ‘મહાભાબ’, ધૌત -’ધઊત’ ( ધવલ કે ધોધ ?) , અને ગૌડ ( એક રાગ) – ‘ગઊડ’   એવા બંગાળી ભાષાનાં ઈષત (અલ્પ) સ્પર્શન શબ્દોચ્ચાર દ્વારા ચૈતન્યદેવનાં નયનોમાં ઈશ્વર પ્રત્યેની પ્રીતિનો જે મહાભાવ સતત વહેતો અને સતત  હરિ બોલ, હરિ બોલની અખંડ ઉપાસના કરતાં તેનો ઉલ્લેખ કર્યો છે.

    સાતમા શેર માટે તેઓ જણાવે છે, ” અંતર્મનમાંથી સાવ અણધાર્યો જ ઊપસી આવેલો આ અંતિમ શેર સમગ્ર કૃતિમાં પ્રસૃત, અન્યથા ભજનસાદૃશ સામગ્રીને જાણે કે ગઝલના સ્વરૂપનો પુટ આપે છે. અરબી-ફારસી શબ્દો, સૂફી સાધનાધારાની પરિભાષા તથા હઝરત મન્સૂર અલ હિજાજની પ્રસિદ્ધ ઉક્તિ ‘અનલ હક’- અહં બ્રહ્માસ્મિ દ્વારા,” ગઝલના સ્વરુપને તાદ્રશ કરે છે. શબોરોઝ – રાતદિવસ, મુસલસલ - અવિરત, અનલહક – અહં બ્રહ્માસ્મિ, આનક-મુખ.

    ભારત સંતોની ભૂમિ છે, ભારતનાં મહાન સંતો ઈશ્વર, પરમ તત્ત્વ સાથે જે તાદાત્મય, એકરૂપતાની અનુભૂતિ કરતાં એવી જ અનુભૂતિ પ્રાપ્ત થાય તેવી અભીપ્સા ઋષિકવિ રાજેન્દ્ર શુક્લે આ ગઝલમાં વ્યક્ત કરી  છે. આજે તેમનાં જન્મદિને,  ‘વલી’ ગુજરાતી ઍવોર્ડ અર્પણ કરવામાં આવશે તે શુભ અવસરે તેમની અભીપ્સા પૂર્ણ થાય તેવી પરમ તત્ત્વને પ્રાર્થના… અને મબલખ શુભેચ્છાઓ… !!

    આ ગઝલ પરેશ ભટ્ટનાં સ્વરમાં અને પ્રહર વોરાનાં સ્વરમાં, જે તે નામ પર ક્લિક કરવાથી માણી શકશો.

     

     

    .

    આપ કટ્યો અપરાધ : રાજેન્દ્ર શુક્લ

    Tuesday, September 1st, 2009

     

    એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,
    સબદ સાંસ સંગત બડી, સાધ સકે તો સાધ.

    જે કંઈ લીધું શ્વાસમાં, ધરી દીધું નિરબાધ,
    મૂળગું તે અકબંધ આ, નહીં નફો, નહીં ખાધ.

    નિરખ નિરખ નેણાં ઠરે, હલે ચલે અબ કોણ,
    આજુબાજુ ઊછળે, ઝળહળ જોત અગાધ.

    કોણ જનમરો તપ ફળ્યો, કોણ જનમરો જાપ,
    આપ પ્રકાશ્યો આપલગ, આપ ચગ્યો આરાધ.

    આપે તોરણ બાંધિયો, આપ ઉઘાર્યો દ્વાર,
    આપે ચાલી આવિયો, આપ કટ્યો અપરાધ.

    - રાજેન્દ્ર શુક્લ

    ” એક ઘડી, આધી ઘડી, આધી મેં પુનિ આધ,
    તુલસી સોબત સંતકી, કટે કોટિ અપરાધ. ”

    એક ઘડી એટલે કે ચોવીસ મિનિટ, આધી ઘડી બાર મિનિટ અને પુનિ એટલે કે છ મિનિટ …. પણ જો સંતનો સત્સંગ કરીએ તો કરોડ પાપનો નાશ થઈ જાય.  આ વર્ષનો વલી ઍવોર્ડ રાજેન્દ્રઅંકલને અર્પણ કરવામાં આવ્યો છે. વૅબમહેફિલ અને તેનાં સૌ વાચકો તરફથી રાજેન્દ્ર અંકલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને માણીએ તેમની મારી ગમતી ગઝલ.

     

     

    .

    સભર સુરાહી : રાજેન્દ્ર શુક્લ

    Friday, August 15th, 2008

    સાહિત્યરસિકો,

    વેબમહેફિલમાં આપનું સ્વાગત !!   મહેફિલનો પ્રારંભ તો ગઝલથી જ થાય…  ‘ઘાયલ’ તો કહે છે, ‘ દિલને લાગે જે લાજમી તે ગઝલ ‘ તો મૂર્ધન્ય કવિશ્રી રાજેન્દ્ર શુક્લ પોતાની આગવી શૈલીમાં ‘ગઝલ’ વિશે એક નવો જ દ્રષ્ટિકોણ રજૂ કરે છે.  રાજેન્દ્ર શુક્લ એ એવું નામ છે કે જેણે દિલ્હી સાહિત્ય અકાદમીનો એવૉર્ડ મેળવી ‘ગુજરાતી ગઝલ’ને એક અનેરું સ્થાન અપાવ્યું.  તેમના પોતાનાં જ હસ્તાક્ષરમાં માણીએ ‘ગઝલ’ વિષેની ગઝલ.

    સભર સુરાહી લલિત લચક કટિ, કોમલસ્કંધા ગઝલ,
    વન વન ભમતાં મિલત અતર્કિત યોજનગંધા ગઝલ.

    લખચોરાસી લખત લખત ચખ વેધત રે લખ ગઝલ,
    અલખ અલખ ગિરનારી ગાજે નિત પડછંદા ગઝલ.

    ચાક ગરેબાં, બેબાક દિશાઓ દામન હરહર ઊડે,
    અષ્ટપાશ આકાશ ઉડાવત ત્રુટિતફંદા ગઝલ.

    સાંસ ઉસાંસ ચલાવત, છૂવત ઝિલમિલ સાતોં ગગન,
    વિહઁસ વિહઁસ કરતાલ નચાવત ગાવત બંદા ગઝલ.

    કઁહ લગ રુઠો, માન કરો અતિ, મુખ મચકોડો અલગ,
    સૂર મિલાવી ગાવો પ્રિયજન, સત્-ચિત્-નંદા ગઝલ.

    - રાજેન્દ્ર શુક્લ

    આ ગઝલને ક્ષેમુ દિવેટીયાએ સ્વરબદ્ધ પણ કરી છે
    અને શ્યામલ-સૌમિલ મુન્શીએ સ્વર આપ્યો છે. સાંભળો :

    • Page 2 of 2
    • <
    • 1
    • 2
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME