Archive for the ‘અધ્યાત્મ’ Category
મથે છે : બી.કે.રાઠોડ ‘બાબુ’
Tuesday, April 26th, 2011.
કૈક વર્ષોથી તને મળવા મથે છે.
ભીતરેથી કૈક નીકળવા મથે છે.
ખૂબ ઊંડે સત્ય બેઠું છે ઠરીને,
જોઈ ચહેરો કાં મને કળવા મથે છે.
હું જ ખંખેરી નથી શકતો વળગણો,
ભીડમાં મન ક્યારનું ભળવા મથે છે.
એ તરફ આડે પડી છે આફતો સૌ,
જે તરફ ઈચ્છા બધી વળવા મથે છે.
છો લગાડી આગ, ઘી પણ નાંખ થોડું ,
ના ટળવળે લોહી, જે બળવા મથે છે.
સૂર્યને જઈ સાચું સરનામું જણાવો,
બર્ફનો આ જીવ પીગળવા મથે છે.
- બી.કે.રાઠોડ ‘બાબુ’
.
,
રાધા, મીરા કે ગોપીમય બની આત્મા અને પરમાત્માનો વિરહ કવિઓ ગાતાં હોય છે. પણ બાબુભાઈ આ જ વાત કંઇક નવી જ શૈલીમાં કરે છે. સૂર્ય સમાન પરમાત્મા… અને બર્ફની જેમ થીજી ગયેલાં આપણે સૌ - સાચું સરનામું ખુદને ખબર હોય તો તેને આપી શકાય ને ?
.
.
.
.
ઝાહિદ ! : વિહંગ વ્યાસ
Friday, April 15th, 2011.
કવિતા લખતાં જમણાં હાથનાં સોગંદ છે, ઝાહિદ !
ઘૂંટું છું કૈંક ભીતર ને ઊતરતા રંગ છે, ઝાહિદ !
નીવડતું હોય છે વરદાન રૂપે આ વલોવાવું ,
મળ્યું છે ચાહવાથી એટલે આનંદ છે, ઝાહિદ !
પડ્યો છે તું ખુદાને પ્રાપ્ત કરવાની મથામણમાં,
મને તો શબ્દમાં હરપળ ખુદાનો સંગ છે, ઝાહિદ !
તું બહુશ્રુતતાથી મૃત્યુ એવું નામ આપે છે,
ખરેખર તો જીવનનાં ગીતનો લય ભંગ છે, ઝાહિદ !
- વિહંગ વ્યાસ
.
.
“રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા.” – મનોજ ખંડેરિયા
ભીતર ઘૂંટાયેલ ‘કશુંક’ ને જો હર પળ ખુદાનો સાથ મળે તો ? બસ, શબ્દો જ કંકુ અને ચોખા ! આથી જ કવિ કહે છે કે, મને તો શબ્દમાં જ હરપળ ખુદાનો સંગ છે. જીવન રૂપી ગીતને ગાતાં શીખવાડતી એક ગઝલ.
,
,
,
,
પિંડથી બ્રહ્માંડ : હાર્દિક વ્યાસ
Tuesday, March 15th, 2011.
( પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિ )
.
યુદ્ધના પડઘમ વિચારો રક્તમાં ઘેરાય છે,
બાણની પ્રત્યંચા પર પ્રશ્નાર્થ લાગી જાય છે.
तेन त्यकतेन भूंजीथा : નો મંત્ર સાચો પાડવા,
આપમેળે પાંદડીઓ નેસ્તનાબૂદ થાય છે.
સત્ય કેવળ એ જ છે કે હું બધાથી ભિન્ન છું,
ને સમત્વથી બધીયે શક્યતા પડઘાય છે.
માંસ, મજ્જા, પ્રાણ, વાયુ, અગ્નિ ને ભૂમિ બધું,
કો તિલસ્મી તીરથી બસ ક્ષણ મહીં છેદાય છે.
સૂક્ષ્મતર ભાવે કદી માપી શકાયું ના જગત,
ને સરળતમ ભાવથી આકાશ પણ વંચાય છે.
પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિ આ છે બધી,
એ જિજીવિષા કરોડો ક્યાં કદી પરખાય છે ?
- હાર્દિક વ્યાસ
.
,
હજુ સુધી બ્રહ્માંડનાં રહસ્યોને કોઈ તાગી શક્યું નથી. હિંદુ સનાતન ધર્મ બ્રહ્માંડનાં રહસ્યોને વેદો-ઉપનિષદો દ્વારા સમજાવવા પ્રયત્ન કરે છે, અને તે પણ ‘નેતિ નેતિ’ પોકારી ઊઠે છે. “યથા પિંડે તથા બ્રહ્માંડે” છતાંયે પિંડથી બ્રહ્માંડની વ્યાપક ગતિને કોણ અવરોધે છે ?
.
શબ્દાર્થ : તિલસ્મી – અલૌકિક, ચમત્કારીક.
.
.
.
પ્રાર્થના : સંધ્યા ભટ્ટ
Saturday, January 1st, 2011.

.
જળ વડે વાદળ કરે છે પ્રાર્થના,
મૌન ધારી મન કરે છે પ્રાર્થના.
પૂર્ણ શક્તિથી પ્રકાશે છે સતત,
જો સ્વયં સૂરજ કરે છે પ્રાર્થના.
સંત સરખા એ અડગ ને સ્થિર છે,
રહી ખડા પર્વત કરે છે પ્રાર્થના.
લયસભર કો’ ગાન રચતા તરંગ !
હર વખત સાગર કરે છે પ્રાર્થના.
સ્વચ્છ, કોમળ ફૂલ શા આસન ગ્રહી,
પળ વિપળ ઝાકળ કરે છે પ્રાર્થના.
- સંધ્યા ભટ્ટ
.
.
નવલા વર્ષની નવલી પ્રભાતે, સર્જનહારને એ જ પ્રાર્થના કે, પ્રકૃતિની જેમ અમારું પણ હર એક કર્મ તુજ પ્રાર્થના બની રહે ! નૂતન વર્ષની આપ સૌ વાચકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
.
.
.
.
યુદ્ધ થાય ક્યાં ? : સુધીર પટેલ
Wednesday, December 15th, 2010.
જીવન હવે કો’ જૂઠથી અવરુદ્ધ થાય ક્યાં ?
ને જાત સાથે એમ કોઈ યુદ્ધ થાય ક્યાં ?
દુઃખોથી ત્રસ્ત લોકોને જુએ છે હર કોઈ,
પણ જોઉં છું, કોઈ એ જોઈ બુદ્ધ થાય ક્યાં ?
ફૂટે નહીં જ્યાં સુધી ગંગા કોઈ આંખથી,
ડૂબકી લગાવે કર્મ કોઈ શુદ્ધ થાય ક્યાં ?
બહુ સહેલું અન્યને જ ટોકવાનું કામ છે,
અઘરું છે એથી કોઈ ખુદ વિરુદ્ધ થાય ક્યાં ?
ચિંતન ને લાગણીથી તમે સીંચો એ ‘સુધીર’,
એ વિના શબ્દ કોઈનો સમૃદ્ધ થાય ક્યાં ?
- સુધીર પટેલ
.
.
ગઇકાલે વાણીપતનો જંગ ખેલતાં ખેલતાં સુધીર અંકલની આ ગઝલ યાદ આવી ગયેલી. ગીતાનાં પ્રથમ અધ્યાયમાં જ ધર્મયુદ્ધની વાત છે. કૌરવ – પાંડવ એ તો આપણી જ દૈત્ય અને દિવ્ય શક્તિઓનું પ્રતિક છે. આપણા મનનાં કુરુક્ષેત્રમાં, ક્ષણે ક્ષણ ખેલાતું ધર્મયુદ્ધ આમ તો, ત્યારે જ બંધ થાય જ્યારે સ્થિતપ્રજ્ઞતા કેળવાય. પણ, જો જાત સાથેનું યુદ્ધ ખેલાય જ નહિં તો ? તો તો બુદ્ધ થાય જ ક્યાંથી ? આ તો આંખમાંથી વહેતી ગંગામાં ચંગા થવાની વાત છે અને કદાચ ત્યારે જ શબ્દ સમૃદ્ધ થાય એટલે કે, પરાવાણી પામી શકાય ?!!
.
.
.
.
અંદર તો એવું અજવાળું : માધવ રામાનુજ
Wednesday, November 10th, 2010
.

.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
.
અંદર તો એવું અજવાળું અજવાળું, અંદર તો એવું અજવાળું અજવાળું,
ટળવળતી હોય આંખ જેને જોવાને,એ મીંચેલી આંખે ભાળું.
અંદર તો એવું અજવાળું અજવાળું.
ઊંડે રે ઊંડે ઊતરતાં જઈએ, ને તોયે લાગે કે સાવ અમે તરીયે,
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે, ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીયે,
પછી આરપાર ઊઘડતાં જાય બધા દ્વાર,નહિ સાંકળ કે ક્યાંય નહિ તાળું.
અંદર તો એવું અજવાળું અજવાળું.
સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ,ઓતપ્રોત એવા તો લાગીએ,
ફૂલની સુવાસ સહેજ વાગતી હશે ને એમ,આપણને આપણે જ વાગીએ,
આવું જીવવાની એકાદ પળ જો મળે તો, એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું અજવાળું.
- માધવ રામાનુજ
,
.
દિવાળીમાં દીવડાઓનાં પ્રકાશે આંગણાં તો અજવાળ્યાં… નૂતન વર્ષે , અંતરમાં પણ ઉજાસ ફેલાય અને આરપાર બધાંયે દ્વાર ઉઘડતાં જાય તેવી શુભેચ્છાઓ સહ નૂતન વર્ષાભિનંદન !
.
.
.
.

