Archive for the ‘અમદાવાદ’ Category

  • અમદાવાદ : એસ. એસ. રાહી
  • અમે અમદાવાદી : અવિનાશ વ્યાસ
  • આ નગર – અમદાવાદ : ‘અઝીઝ’ ટંકારવી
  • આપણું અમદાવાદ : માધવ રામાનુજ
  • એકે લાલ દરવાજે : અવિનાશ વ્યાસ
  • ન-કશાનું નગર : નિરંજન ભગત
  • માણેકચોકમાં : ‘આદિલ’ મન્સૂરી
  • હું અમદાવાદનો રીક્ષાવાળો : અવિનાશ વ્યાસ


  • એકે લાલ દરવાજે : અવિનાશ વ્યાસ

    Tuesday, March 2nd, 2010

    tran darwaja ahmedabad

    એકે લાલ દરવાઝે(દરવાજે) તંબુ તોણિયા(તાણિયા) રે લોલ.

    અમદાવાદી નગરી, એની ફરતે કોટે કાંગરી,
    માણેકનાથની મઢી, ગુર્ઝારી(ગુર્જરી) જોવા હાલી,
    કે વઉ(વહુ) તમે નો (ના) જશો જોવાને,
    ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
    - એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.

    સીદી સૈયદની જાળી, ગુર્જરી જોવા હાલી,
    કાંકરિયાનું પાણી, ગુર્જરી જોવા હાલી,
    કે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
    ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
    - એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.

    ત્રણ દરવાજા માંહી, મા બિરાજે ભદ્રકાળી
    માડીના મંદિરીયે, ગુર્જરી જોવા હાલી
    હે વઉ(વહુ) તમે નો(ના) જશો જોવાને,
    ત્યાં બાદશો(બાદશાહ) બડો મિજાજી.
    - એકે લાલ દરવાજે તંબુ તાણિયા રે લોલ.

    - અવિનાશ વ્યાસ

    હોળી-ધૂળેટીનાં રંગોત્સવમાં રંગાઈ, વળી આજે વાત કરીશું અમદાવાદની.. !  ગીત તો એ જ જૂનું અને જાણીતું….  ગુજરાતી ચલચિત્ર ‘સંતુ રંગીલી’માં આવેલું આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયેલું અને તેનાં શબ્દોએ ગરવી ગુજરાતણ પર એવાં કામણ કીધેલાં કે કેટલાંય વરસો સુધી આ ગરબા વિના નવરાત્રિ પૂરી જ ના થતી.  તો આ ગીતમાં વણી લીધેલી વાતો આવનારા સમયમાં, અમદાવાદનો ઐતિહાસિક પુરાવો પણ બની રહેશે.

    શબ્દોમાં સચવાયેલ, ઐતિહાસિક મહત્ત્વ ધરાવતો એક રેખતો હાલમાં જ ગુજરાતસમાચારમાં જોરાવરસિંહ જાદવની કોલમમાં પ્રકાશિત થયેલો. જેમાં,  બસો ત્રણસો વર્ષ પૂર્વેના અમદાવાદનું વર્ણન કરવામાં આવ્યું છે. ( રેખતા વિષે વધુ વાંચો )

    અમદાવાદ કે અંદર હૈ દરવાજા પંદર
    બીચમેં માણેક કા ચોક, બાવા ગોદડકા ગોંખ
    બનિયા બેકતે હૈ માલ, સાડી ધોતિયું રસાલ
    વાંસે આગે જાવે, પાનકોર કા નાકા આવે.
    માલ મેવા બેચે, સૂર સારંગી ખેંચે
    કીસબણ ગાણાં ગાવે, સૂનકે આગે જાવે
    તીન દરવાજા આવે, બીચ કારંજકા ચોક,
    ભદ્રકાલીકા ગોંખ, વાં કેદિયું કા કામ
    વોહી ઉનકા મુકામ, ગારદી પહેરા ભરતે
    ખૂબ ચોકી કરતે, ઐસા અમદાવાદ
    મૈને દેખી ગુજરાત, જાત મહાજનકી સહી
    બાત જુબને કહી, થૈયા થૈ તાથૈ તાથૈ (૩)

    ૧૮૫૦ સુધી, ગીતમાં ગાયેલ,  લાલદરવાજાનું અસ્તિત્ત્વ જ ન હતું.  પણ, તે સમયે બાર મુખ્ય દરવાજા અને બે કિલ્લા – ભદ્રનો કિલ્લો અને ગાયકવાડનો કિલ્લો તે બન્નેને અનુક્રમે છ અને પાંચ દરવાજાઓ હતાં.  જેમાં હાલનાં લાલ દરવાજા પાસે, કિલ્લો અને કોટ હતો પણ તેની એકેય ઈંટ હાલ મળતી નથી.  આવી જ અન્ય રસપ્રદ વાતો.

    *સીદી સૈયદની જાળી- ભદ્રનો કિલ્લો અને દીવાલ હતી તે તોડીને મસ્જિદ બનાવવામાં આવી.   *કાંકરિયા તળાવ- તેનું જૂનું નામ કુત્બી હોજ હતું પણ ખૂબ જ કાંકરા નીકળતાં, તે કાંકરિયા તળાવ તરીકે જાણીતું થયું.    *દિલ્હી દરવાજા- તે દરવાજાથી દિલ્હી જવાતું આથી તે દિલ્હી દરવાજા તરીકે ઓળખાતો.    *શાહપુર દરવાજા- હાલમાં તેનું અસ્તિત્ત્વ નથી, એન્જિનીયર ભાઈકાકાએ (લૉ-ગાર્ડનમાં ભાઈકાકા ભુવન છે તે)  શાહપુર વિસ્તારનો કોટ અને દીવાલ તોડી તે રસ્તાને પહોળો કર્યો.

    .

    માણેકચોકમાં : ‘આદિલ’ મન્સૂરી

    Friday, February 26th, 2010

        

                         manekchok                  

     ( માણેકચોકમાં… જૂનું  શેરબજાર અને  માણેક ફુવારો* દેખાય છે , જે હાલમાં નથી )

     

    manekchowk

    ( હાલનું માણેકચોક … રાત્રિનાં જ્યાં ખાણીપીણીનું બજાર મંડાય છે )

    Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

    “>

    દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં,
    બુદ્ધિ યે છેતરાય છે માણેકચોકમાં.

    સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં,
    ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં.

    પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને,
    રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં.

    ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ,
    લાખોના સોદા થાય છે માણેકચોકમાં.

    જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે,
    જીવન વટાવી ખાય છે માણેકચોકમાં.

    એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા,
    સોનું સતત કસાય છે માણેકચોકમાં.

    નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી,
    વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં.

    અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે,
    જાહેર સભા ભરાય છે માણેકચોકમાં.

    કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ,
    રાત્રિ જવાન થાય છે માણેકચોકમાં.

    રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
    એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં

    ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
    કબરો ય પણ ચણાય છે માણેકચોકમાં

    - ‘આદિલ’ મન્સૂરી

     

     ”અમદાવાદ શેહેર કીયા વરશમાં વસ્યું તે’ની બહુ ગરબડ ચાલે છે. સંવત ૧૪૫૮નો વઈશાક (વૈશાખ) લખો (લખ્યો) છે તે અમદાવદની વંસાવળી ઊપરથી લખો છે,  પણ મીરત હેમદીનો અંગરેજી તરજુમો બર્ડ સાહેબનો કરેલો છે તેમાં હીજરી શાલ ( મુસ્લિમ સાલ) ૮૩૧ બતાવેલી છે નેં જેમ્સ ફારબસ સાહેબ એમ લખે છે કે, ” અમદાવાદ શેહેર ઈ.સ. ૧૪૨૬માં વસાવ્યું છે.” ….  મગનલાલ વખતચંદ શેઠ.  ઇ.સ.૧૮૫૦માં તેમણે લખેલ નિબંધ “અમદાવાદનો ઈતિહાસ” માંથી સાભાર. ( ઉપરોક્ત લખાણ, વાચકોને તે સમયની ગુજરાતી ભાષા અને અમદાવાદની સ્થાપના દિનનાં મતમતાંતરો જાણી શકે તે હેતુ માત્ર થી મૂકવામાં આવેલ છે. )

    અમદાવાદનાં સ્થાપના દિનની ગરબડ આજે પણ એટલી જ છે, જેટલી સવા સો વર્ષ પહેલાં…  !    જોકે, આશાભીલની વાત કે માણેકબાવાની વાતો નાનપણથી જ સાંભળતાં આવ્યાં છીએે. ( આજે તે બધી વાતો દરેક મુખ્ય સમાચારપત્રોમાં છે જ , લગભગ આ જ પુસ્તકનાં આધારે ! તેથી તે અંગે વધુ લખ્યુ નથી.)  જેમાં આશાવલ કે આશાપલ્લી તે જ આજનું આશતોડિઆ ( આસ્ટોડિયા) (જોકે, તેમાં પણ મતાંતરો પ્રવર્તે છે.)  અને “જબ કૂત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શેહેર બસાયા.”  કે, માણેક બુરજ અને માણેકચોકની વાતોને સમર્થન મળે છે. 

    આજે છસો વર્ષ પછી પણ માણેકબાવાનાં નામે માણેકચોક માત્ર અમદાવાદમાં જ નહિં પણ દુનિયામાં પ્રખ્યાત છે. આદિલ મન્સૂરીનો અમદાવાદ પ્રેમ તો જાણીતો જ … પણ માણેકચોક પણ તેમનું એટલું જ માનીતું.   છસોમું વર્ષ શરુ થતું હોય તે ઘટનાનાં સાક્ષી બનવાનું સદ્.ભાગ્ય આપણને મળ્યું છે અને તે પણ જ્યારે ગુજરાત પોતાનાં ૫૦ વર્ષ પૂરું કરી રહ્યું છે ત્યારે… !  તો, આદિલ સા’બના મુખે જ માણેકચોકની ગઝલ માણીએ.  ( ઑડિયો સૌજન્ય : ટહુકો , આભાર જયશ્રી. )

    * માણેક ફુવારો – માણેકલાલ શેઠે બંધાવેલો જેને ખસેડીને કાંકરિયા લઈ જવામાં આવેલો અને હાલ પાલડી મ્યુઝિયમમાં છે.

     

     

    .

    • Page 2 of 2
    • <
    • 1
    • 2
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME