Archive for the ‘કાવ્ય’ Category

  • આત્મ-પરિચય : જ્યોતીન્દ્ર દવે
  • આપણને જોઈ : રાવજી પટેલ
  • એક ઘા : કલાપી
  • ગાંધીજીને : કૃષ્ણલાલ શ્રીધરાણી
  • ગુજરાતી : ઉમાશંકર જોશી
  • ગુણવંતી ગુજરાત : અરદેશર ખબરદાર
  • ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્
  • ગ્રામમાતા : કલાપી
  • ચોમાસામાં વનવર્ણન
  • થોભ્યાનો થાક : સુરેશ દલાલ
  • દૂધમાં સાકર : ઉમાશંકર જોશી
  • નેનોના ફુટી નીકળેલાં વિરોધીઓને : કૃષ્ણ દવે
  • પતંગનું કાવ્ય : દામોદર ખુશાલદાસ બોટાદકર
  • પાનખરનાં હૈયામાં ટહુકે વસંત
  • પુષ્પ તણી પાંદડીએ : સુન્દરમ્
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • પ્રેમીની મૂર્તિપૂજા : કલાપી
  • મધ્યરાત્રિએ કોયલ : નરસિંહરાવ દિવેટીયા
  • મર્દ તેહનું નામ : નર્મદ
  • મહાભારત : એક માથાકૂટ
  • મેઘદૂત : કાલિદાસ (અનુ : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )
  • યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી
  • સાગર અને શશી : કાન્ત
  • હરિ ! આવો ને : ન્હાનાલાલ
  • હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી
  • હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા
  • ૧૫મી ઑગસ્ટ : નર્મદાશંકર પાઠક


  • ૧૫મી ઑગસ્ટ : નર્મદાશંકર પાઠક

    Monday, August 15th, 2011

    .

    .

    વર્ષો તણા બંધન અંધકારનાં
    કાળી નિશા જે દિન પૂર્ણ થાતાં
    ને જે દિને મંગલ મુક્તિ કેરી
    ઊગી ઉષા ઉજ્જવળ ને અપૂર્વ
    ઑગસ્ટની પંદરમી તિથિ હે !
    નમી પડે સાદર શીર્ષ મારું

    સમસ્ત સૂના ઈતિહાસ માંહી
    અંકાઈ તું તપ્ત સુવર્ણ પૃષ્ઠે
    ને કોતરાઈ અમ સર્વ અંતરે
    તે ધન્ય ને પ્રેરક પુણ્ય આ તિથિ
    પુણ્યોજ્જ્વલા પંદરમી તિથિએ
    તને નમે સાદર શીર્ષ મારું

    - નર્મદાશંકર પાઠક

    .

    .

    સ્વાતંત્ર્યદિન નિમિત્તે સૌ ભારતીયોને – વૅબમહેફિલના વાચકોને સ્વતંત્રતા મુબારક.  પચાસના દાયકામાં રચિત આ કાવ્યમાં કવિ આ પુણ્યોજ્જવલા તિથિ પંદરમી ઓગસ્ટને શીશ નમાવી વંદન કરે છે.  બસો વર્ષોની ગુલામીનો અંધકાર દૂર કરનાર ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ની એ ઉષા, સુવર્ણ અક્ષરે હૃદયમાં અંકિત થયેલી જ હોયને.  એ દિવસને નતમસ્તક વંદન.

    આપ સૌના સાથ સહકારથી વૅબમહેફિલ આજનાં આ પવિત્ર, મંગલ દિને ત્રણ વર્ષ પૂરા કરે છે. સૌ કવિમિત્રો અને વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર.

    .

    .

    .

    .

    મધ્યરાત્રિએ કોયલ : નરસિંહરાવ દિવેટીયા

    Wednesday, December 22nd, 2010

    .

    .

    શાંત આ રજની મહીં, મધુરો કહીં રવ આ ટુહૂ
    ઝીણો પડ્યો શ્રવણે અહીં, શું હું સ્વપ્નમાં સુખ આ લહું

    મંદ વાઈ સમીર આ દીશ જો વહે રવ એ ફરી
    નહિં સ્વપ્ન એ તો ગાન પેલી ગાય કોયલ માધુરી

    મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા શું આ ગમ્યું
    હા, મેહુલો વરસી રહ્યો તેથી જ તુજ મનડું ભમ્યું

    દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહીં તું રેલતી
    આ રમ્ય રાત્રિ મહીં અધિક આનંદ ગાને ખેલતી

    નીતરી ધોળી વાદળી રહી વ્યોમમાં પથરાઈ આ
    ને ચાંદની ઝીણી ફીકી વરસી રહી શી સહુ દિશા

    ગાન મીઠું અમી સમું, તેણે ભર્યું તુજ કંઠમાં
    આ શાંતિ અધિક વધારતું, તે જાય ઊભરી રંગમાં

    નગર બધું આ શાંત સૂતું, ચાંદની પણ અહીં સૂતી
    ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી

    અનિલ ધીરે ભરે પગલાં, પળે શાંતિ રખે સહુ
    ત્યાં ઊછળતી આનંદ રેલે, કોકિલા બોલે ટુહૂ

    સૃષ્ટિ સઘળી શાંત  રાખી, મુજને જ જગાડતો
    ટહુકો મીઠો તુજ પવન લહરી સંગ જે બહુ લાડતો

    ગાન તુજ સીંચે હ્રદયમાં મોહની કંઈ અવનવી
    ભૂલી ભાન,તજી રમ્ય શય્યા, હૈડું દોડે તવ ભણી

    દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં
    આનંદસિંધુતરંગમાં નાચંતુ એ ઉછરંગમાં

    હા વિરમી પણ ગયો, ટહુકો હ્રદય લલચાવે બહુ
    ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ટુહૂ ટુહૂ

    - નરસિંહરાવ દિવેટીયા

    .

    .

    ” Painting is poetry that is seen rather than felt, and poetry is painting that is felt rather than seen.” – Leonardo da Vinci.   પણ, કવિ નરસિંહરાવ દિવેટીયા આ કાવ્યમાં painting અને poetry બન્નેની અનુભૂતિ કરાવે છે.  મધ્યરાત્રિએ કોયલનો મધમીઠો ટહુકો કવિનાં કાને પડે છે અને આ અનુભૂતિનું તેઓ શબ્દદેહે એક સુંદર ચિત્ર દોરી આપે છે.  મધરાતે કોયલનો ટહુકો ઉનાળામાં કે ચોમાસામાં સાંભળવો પણ દુર્લભ હોય છે અને એનો કર્ણમધુર અવાજ જો શિયાળાની રાતે સંભળાય તો ચોક્કસ રજાઇની બહાર નીકળીને આપણે કવિની પંક્તિઓ યાદ કરીશું જ…    હૈડું દોડે તવ ભણી, ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ટુહૂ ટુહૂ… !  અને ગઇકાલે આવો જ કંઇક અવિસ્મરણીય અનુભવ મને થયો. 

    .

    .

    .

    .

    મેઘદૂત : કાલિદાસ (અનુ : કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )

    Tuesday, July 13th, 2010

    Meghdoot coverpage

    સ્વામીસેવા વિસરિ, મહિમાભ્રષ્ટ થૈ, કોઈ યક્ષ,
    કાન્તાત્યાગે વિષમ, ધણિનો વર્ષનો પામિ શાપ;
    સીતાસ્નાને પુનિત જળના, મીઠડી છાંયવાળા,
    રામાદ્રિમાં, વિચરિ વસિયો, આશ્રમોમાં રૂપાળા (૧)

    कश्चित् कान्ताविरहगुरुणा स्वाधिकारात्प्रमत्त: शापेनास्तड्ग्मितहिमा  वर्षभोग्येण  भर्तु: ।
    यक्षश्चक्रे जनकतनयास्त्रानपुण्योदकेषु स्त्रिग्धच्छायातरुषु  वसतिं  रामगिर्याश्रमेषु  ॥१॥

    તે અદ્રિમાં, જ્યમ ત્યમ, કરી કામિ યક્ષે નિવાસ,
    વ્હાલીકેરો વિરહ સહિને, ગાળિયા કૈક માસ;
    અંગે ઝાઝો કૃશ થઈ જતાં,કષ્ટથી શોચી શોચી,
    સોનાકેરું સરિ ગયું કડું, દૂબળા હાથમાંથી ;
    વપ્રક્રીડા કરિ, ગિરિતણાં શૃંગ ઉથામવાને,
    નીચું માથું કરિ, નમિઉભો હસ્તિ ના હોય જાણે;
    ઘેરાયેલો નિકટ જઈને, શિખ્ખરે પર્વતોનાં,
    દીઠો એણે, રમણિય નવો મેઘ આષાઢ થાતાં (૨)

    तसिमन्नद्रौ कतिचिदबलाविप्रयुक्त: स कामी नीत्वा मासान् कनकवलयभ्रंशरिक्तप्रकोष्ठ: ।
    आषाढस्य प्रथमदिवसे मेघमाश्लिष्टसानुं  वप्रक्रीडापरिणतगजप्रेक्षणीयं  ददर्श  ॥२॥

    તેને દેખી કુતૂહલ થતાં ; નેત્રથી માંડી લક્ષ, બેળે બેળે,
    ક્ષણ રહિ ઊભો, યક્ષ તેની સમક્ષ ;
    થંભાવીને, વિરહદુઃખનાં આંસુઓ ઝાઝીવાર ;
    લાગ્યો ઉંડા કંઈક કરવા, ચિત્તમાંહે વિચાર ;
    પ્રેમી સાથે, સુખથી વસતા હોય તેવા જનોની,
    થાયે સ્‍હેજે ચલિત મનની વૃત્તિઓ, મેઘ દેખી ;
    તો શું કે’વું પ્રણયિજનનું, વ્હાલિ જેની વિયોગે,
    જૂદી થાતાં તલસિ રહી છે, કંથને ભેતવાને (૩)

    तस्य स्थित्वा कथमपि पुर: कौतुकाधानहेतो: अन्तर्बाष्पश्चिरमनुचरो  राजराजस्य  दध्यौ  ।
    मेघालोके भवति सुखिनोऽप्यन्यथाव्रत्ति चेत: कण्ठाश्लेषप्रणयिनि  जने किं पुनर्दूरसंस्थे  ॥३॥

    દેખી વર્ષા નિકટ, સખીનાં પ્રાણ ઉગારવાને,
    સંદેશામાં, કુશળ ખબરો કા’વવા મેઘ સાથે ;
    તાજાં ખીલ્યાં કુટજ કુસુમે, હર્ષથી આપી અર્ઘ,
    પ્રીતિભીનાં વચનથી દિધો, મેઘને આવકાર (૪)

    प्रत्यासन्ने नभसि दयिताजीवितालम्बनार्थी जीमूतेन स्वकुशलमयीं  हारयिष्यन्  प्रव्रत्तिम्  ।
    स प्रत्यग्रै: कुतजकुसुमै: कल्पितार्घाय  तस्मै  प्रीत: प्रीतिप्रमुखवचनं  स्वागतं  व्याजहार  ॥४॥

    ધૂમ્ર, જ્યોતિ, જળ, પવનના, મેઘ ક્યાં આ બનેલા,
    ક્યાં સંદેશા, સમજણભર્યાં પ્રાણિથી લૈ જવાતા,
    એવું કાંઈ ન લહિ, અધીરો યાચતો યક્ષ એને,
    કામી નિશ્ચે જડ સજીવમાં ભેદ ના કૈં પ્રમાણે (૫)

    धूमज्योति: सलिलमरुतां संनिपात: क्व मेघ: संदेशार्था: क्व पतुकरणै: प्राणिभि: प्रापणीया: ।
    इत्यौत्सुक्यादपरिगणयन् गुह्यकस्तं ययाचे कामआर्ता हि प्रक्रतिक्रपणाश्चेतनाचेतनेषु  ॥५॥

    - કાલિદાસ

    ( અનુવાદક :  કિલાભાઈ ઘનશ્યામ ભટ્ટ )

    ( સંપાદક : રજનીકુમાર પંડ્યા )

    મહાકવિ કાલિદાસ રચિત ” મેઘદૂતમ્ ” નાં આશરે ચાલીસેક અનુવાદ માત્ર ગુજરાતી ભાષામાં જ થયાં છે.   આ મહાકાવ્યમાં કુબેરની સેવા કરતો યક્ષ, સ્વામીસેવા વીસરી પ્રિયતમા સાથે સમય વીતાવે છે. અને ત્યારે ગુસ્સે થયેલાં કુબેર યક્ષને એક વર્ષ સુધી, પ્રિયતમાથી દૂર રહેવાનો શ્રાપ આપે છે. આ વિરહકાળ દરમિયાન રામગિરિ ( હાલમાં નાગપુર પાસે આવેલ રામટેક ) પરથી પસાર થતાં મેઘને જોઇ, યક્ષની વિરહવેદના અતિક્રમી જાય છે.  અંતે,  યક્ષ સજીવ-નિર્જીવનો ભેદ પણ ન સમજ્યાં વિના, મેઘને જ  દૂત બનાવી, કૈલાસ પર્વત પર આવેલ અલકાનગરીમાં પોતાની પ્રિયતમાને સંદેશો મોકલાવે છે.  કવિ રામગિરિથી અલકાનગરી સુધીનો માર્ગ  મેઘને બતાવે છે જેમાં અદ્‌ભૂત પ્રવાસવર્ણનો, પ્રકૃતિવર્ણનો પણ માણી શકાય છે.

    સૌ વિદ્વાનો અને સાહિત્યરસિકો  કિલાભાઇ ઘનશ્યામે  ઈ.સ. ૧૯૧૩માં  કરેલ સમશ્લોકી અનુવાદને શ્રેષ્ઠતમ માને છે.  નવનીતભાઇ શાહ, ફિઝાબેન શાહ અને રજનીકુમાર પંડ્યા અન્ય ગુણીજનોની મદદ થકી, માર્ચ ૨૦૧૦માં તેમનાં અનુવાદને અન્ય રસપ્રદ માહિતી સાથે પુનઃમુદ્રિત કરે છે. વળી, પુસ્તકમાં નામાંકિત ચિત્રકારોની કૃતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તદુપરાંત તેની સંગીતમય રજૂઆત આશિતભાઇ દેસાઇ અને પ્રફુલ્લભાઇ દવેએ કરી છે.  પુસ્તક અંગે વિસ્તૃત માહિતી આપને ઉર્વીશભાઇનાં બ્લૉગ પરથી મળી શકશે. ( સંસ્કૃત શ્લોક  : રક્ષિત પંડિત )

    .

    હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા

    Monday, May 3rd, 2010

     

    હે ધરા ગુર્જરી ! તું અમારા મનોરથ તણી મંજરી !
    તે છતાં, કૂણી તુજ કાયથી, હાય, આ ધાર શોણિત તણી આજ શેં નિર્ઝરી ?

    તું જ નરસિંહનાં ભજનની ભોમકા, તું જ જયસિંહ કેરું પરાક્રમ,
    ત્‍હારામાં વસ્યું નગર નર્મદ તણું, પ્રેમને શૌર્યનો તું જ સંગમ,
    તું જ શ્રી કૃષ્ણના શંખનો નાદ છે, તું જ છે મિષ્ટ મોહન તણી બંસરી !
    હે ધરા ગુર્જરી !

    તું જ ગાંધી તણી જન્મદાત્રી ભૂમિ, તું જ વલ્લભ તણી ધન્ય ધરતી,
    સત્યને શાંતિનાં દિવ્ય સંદેશ સૌ તારી ગરવી ગિરા નિત્ ઉચરતી.
    તે છતાં ચાંદની જેવી તુજ હસ્તી પર, શેં ઝઝુમી ઊઠી શ્યામ આ શર્વરી !
    હે ધરા ગુર્જરી !

    તે છતાં હાથમાં રક્ત લઈને અમે, આજ કરીએ છીએ અડગ નિશ્ચય,
    તારી સેવા અને મુક્તિ માટે સદા, પ્રાણનો પણ કરીશું વિનિમય.
    પ્રેરણા કેરી તું મૂર્તિ છે માવડી ! તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી !
    હે ધરા ગુર્જરી !

    - ભગવતીકુમાર શર્મા

     

    ભારતની આઝાદી વિશે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કદાચ ગુજરાત રાજ્યની સ્થાપના વિશે નથી જાણતાં.  બૃહ્દ મુંબઈની બે ભાષાઓએ બે રાજ્યોને જ્ન્મ આપ્યો.  અને તેમાં પણ વિકસિત મુંબઈ માટેનો વિવાદ કેટલો થયો હશે તેની  પણ કલ્પના કરી જ શકાય. જોકે, ધનિક વેપારીઓ સિવાય સામાન્ય જનતાને મુંબઈ મહારાષ્ટ્રમાં જોડાય તેનો વાંધો ન હતો.  પણ પ્રજાનાં હ્રદયમાં અલગ ગુજરાતનાં મનોરથ રુપી મંજરી  ફૂટી ચૂકેલી હતી.  અને  તેની કૂણી કાયાને રક્તથી સીંચી એટલે કે,  પ્રાણનો વિનિમય કરીને પણ તેની મુક્તિ અને સેવાનો અડગ નિશ્ચય કરે છે.  

    જે કવિ ” તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી ! “  એમ  ગાય છે.  ચાર વર્ષની મહાગુજરાતની ચળવળ બાદ,  ૧ મે, ૧૯૬૦નાં રોજ,  સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે મૂકસેવક રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જ્યારે ગુજરાતની સ્થાપના કરે છે ત્યારે તે સમાચારનું  રીપોર્ટીંગ કરવા ભગવતીદાદા સુરતથી અમદાવાદ આવે છે.   ધરાની મુક્તિનો, નિશ્ચયની પૂર્તિનો  એ આનંદોલ્લાસ આજે પણ તેમનાં મુખ પર જોઇ શકાય છે.   જોકે, તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે,  રીપોર્ટીંગ કરી પાછાં સુરત જતાં, તે જ દિવસથી શરુ થયેલી ગુજરાત એક્સપ્રેસમાં ટિકિટ બુક કરવા જતાં, કાઉન્ટર પરથી જવાબ મળે છે અરે… સાહેબ, બેસી જાઓને હજુ સુધી તો કોઇ બુકીંગ કરવા આવ્યું જ નથી. એટલે કે, ગુજરાત એક્સપ્રેસનાં પહેલાં પ્રવાસી તેઓ જ.  તો ગુજરાતની સ્થાપના થઈ તે જ દિવસે ફાધર વાલેસ ‘વગર ટિકિટે’ મુંબઈથી અમદાવાદ આવેલાં તે પણ સુંદર યોગાનુયોગ નથી !

     

    .

    ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્

    Sunday, May 2nd, 2010

     

    જય જય ગુર્જરભૂમિ !
    જય હે ગુણિયલ, હે અમિયલ ગુર્જરભૂમિ !
    જય જય ગુર્જરભૂમિ.

    આનર્ત, કચ્છ, સૌરાષ્ટ્ર, ચરોતર, દક્ષિણ લાટપ્રદેશ,
    બનાસ, સાબર, મહી, નર્મદા, તાપી, સમદર શેષ,
    અર્બુદગિરિ, ગિરનાર, પવનગઢ રક્ષક રહ્યાં ઝઝૂમી.
    જય જય ગુર્જરભૂમિ.

    છીછરી વ્હેતી તવ સરિતાઓના ઘાટે શોભિત ફૂલ,
    ભરચક પાક ભરેલાં ડોલે ખેતર, મધુવનફૂલ,
    ફળફૂલભારવતી તરુરાજિ વલ્લરી લૂમી ઝૂમી.
    જય જય ગુર્જરભૂમિ.

    કાઠી, ખારવા, મેર, રબારી, બારૈયા, વાઘેર,
    તવ જળસ્થળવન નિર્ભય ઘૂમે ગીર શા સાવજ શેર,
    સોમનાથ, જગજનની, દ્વારકાધીશની પાવનભૂમિ !
    જય જય ગુર્જર ભૂમિ.

    સિદ્ધપુર, અણહિલપુરપાટણ, સોમનાથ ખંડેર !
    સ્તંભતીર્થ, ભૃગુકચ્છ, વલભીપુર શાં પ્રાચીનનેર !
    અતીત ભૂત થઈ ભટકે અહિં તવ અવશેષો ચૂમી !
    જય જય ગુર્જર ભૂમિ.

    સિદ્ધરાજ મહારાજ, પરશુધર સાર્વભૌમ દ્વિજરાજ,
    પ્રેમ ભટ્ટની અમર માણ ને નરસિંહની કરતાલ,
    કૃષ્ણ રમાને નર્મદ મોહન જંગ ગયા જ્યહીં ઘૂમી.
    જય જય ગુર્જરભૂમિ.

    સુંદર કુસુમિત વલ્લરીઓ શી રાસ રમે અહીં નારી,
    કચ્છી, પારસી, મેમણ, કોળી, પંચખંડ ઘરબારી !
    પૃથ્વી તણાં પાદર ખૂંદે પણ રટણા ‘તુમી તુમી’
    જય જય ગુર્જર ભૂમિ.

    હે વ્યવહારકુશળ, દાનેશ્વરી, પ્રેમપરાક્રમશૂર !
    તવ મુખ આભામંડળ વિલસે રવિશશી ઉભયે નૂર !
    વિશ્વસભામાં સહુ સંગે તવ આસન જોઉં નજૂમી.
    જય જય ગુર્જર ભૂમિ.

    - ઉશનસ્

     

    ગુર્જરભૂમિનાં ભૌગોલિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક મૂલ્યો,સ્થળો તો ગુર્જરી જાતિ અને વિભૂતિઓનો ઉલ્લેખ કરી, કવિ અંતમાં રવિ-શશીનું તેજ જે ગુર્જરીનાં મુખ પર  દીપે છે  તેને વિશ્વસભામાં સૌ સાથે આસન મળે તેવી અભિલાષા વ્યકત કરે છે.   સ્વર્ણિમ ગુજરાતનાં અવસરે, આ અભિલાષા પરિપૂર્ણ થાય તેવી જ અભ્યર્થના.

     

    શબ્દાર્થ :  અમિયલ – અમૃત ભરેલ, રસકસવાળી ધરા,  આનર્ત – કાઠિયાવાડનું પ્રાચીન નામ,  લાટ પ્રદેશ - મધ્ય અને દક્ષિણ ગુજરાતનો પ્રદેશ,  સમદર – સમુદ્ર,   અર્બુદગિરિ – આબુ પ્‍હાડની આસપાસનો વિસ્તાર,    પવનગઢ – પાવાગઢ, ( તે કુદરતી રીતે જ ગુજરાતની રક્ષા કરે છે અને આથી ગુજરાતનો હિમાલય પણ ગણાય છે )  વલ્લરી - વેલી, લતા,  પરશુધર – પરશુરામ,   સ્તંભતીર્થ – ખંભાતનું પ્રાચીન નામ.

     

    .

    હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી

    Saturday, May 1st, 2010

    swarnim gujarat

    હું ગુર્જર ભારતવાસી.
    ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી.
    હું ગુર્જર ભારતવાસી.

    અર્બુદ અરબસમુદ્ર વચાળે,
    ધરતીનાં આ આઉ દુધાળે,
    આવી વળગી હર્ષ-ઉછાળે;
    ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
    હું ગુર્જર ભારતવાસી.

    ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
    વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
    ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં. (અહીંયા)
    ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
    હું ગુર્જર ભારતવાસી.

    અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
    ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત,
    મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
    ‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી.
    હું ગુર્જર ભારતવાસી.

    ગિરિચટ્ટાન સમાણી છાતી,
    જલધિતરંગ નાથે મદમાતી,
    રમે વિદેશે સાહસ-રાતી;
    સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
    હું ગુર્જર ભારતવાસી.

    - ઉમાશંકર જોશી

    ( ૨૯.૪.૧૯૬૦ )

    મહાગુજરાત આંદોલન શરુ કરી નવલોહિયા યુવાનોએ લોહી વહાવી આપણને સૌને અલગ ‘ગુજરાત’  અપાવ્યું તે સૌને નતમસ્તક વંદન.  ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પૂર્વે, ઉમાશંકર જોશીની કલમ ગાઇ ઊઠે છે,  હું ગુર્જર ભારતવાસી….!    જ્યારે જ્યારે અલગ રાજ્યની માંગણી ઊઠી છે ત્યારે  દેશનાં ટુકડા થઇ જશે તેવો ડર સતાવે છે.  પણ આજે  મને પ્રશ્ન થાય છે, જો  ગુજરાત સ્વતંત્ર ન થયું હોત તો તેનો વિકાસ આટલો શક્ય હોત ?    જે વિકસિત મુંબઇ માટે મહારાષ્ટ્ર અને ગુજરાત લડતું હતું … આજે પચાસ વર્ષે “Times of India”  કહે છે, શું અમદાવાદ મુંબઈનું હરીફ બની રહ્યું છે ?  - જે આપણાં સૌ માટે ગર્વની વાત છે. કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી જાય તો શું આપણે તેને જુદાં ઘર નથી કરી આપતાં એવું કંઈ શું ના વિચારી શકાય -  અને અંતે તો આપણે સૌ ભારતવાસી જ છીએ એક જ માટીનાં સંતાન !

    ‘ગુણવંતી ગુજરાત’ નાં સુવર્ણજયંતિનાં અવસરે   સૌ ગુજરાતી (  એટલે કે, ગુજરાતમાં રહેનાર દરેક પ્રાંત/રાજ્ય/દેશનો નાગરિક)  જગત નાગરિક બની ભારતનું નામ રોશન કરે તેવી મબલખ શુભેચ્છાઓ સહ.   હાલમાં જ અમદાવાદનો છસોમા વર્ષમાં પ્રવેશ અને હવે ગુજરાતની સુવર્ણ જયંતિ … આ સુંદર યોગાનુયોગને વૅબમહેફિલ પર અવનવાં ગુજરાતનાં કાવ્યો માણીને ઉજવીશું ?!

    .

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME