Archive for the ‘કૃષ્ણ’ Category

  • એક સમે હરિ હળધર સાથે : અજ્ઞાત
  • કાન દોરી ખેંચીને તું ઝૂલાવે : હરીન્દ્ર દવે
  • કાનજીના મોબાઈલમાં : અંકિત ત્રિવેદી
  • કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે
  • કોક વાર રોયા હશે ઘનશ્યામ : કિસન સોસા
  • ગઝલ : મૂકેશ જોશી
  • જળકમળ છાંડી જાને, બાળા ! : નરસિંહ મહેતા
  • જાગને જાદવા : નરસિંહ મહેતા
  • પરભાતે મહી મથવા : નરસિંહ મહેતા
  • પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
  • બાઇ રે, તારાં ભાગ્ય : ઉશન‌સ્‌
  • ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
  • મને કેમ વિસરે રે ? : પ્રેમાનંદ
  • માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે
  • રાધાની આંખ : વિવેક ટેલર
  • રાધાનું નામ : સુરેશ દલાલ
  • શ્રાવણ આવ્યો : ભાલણ
  • હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા
  • હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ


  • રાધાની આંખ : વિવેક ટેલર

    Monday, August 22nd, 2011

    .

    .

    જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !
    તીરથ ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ.

    રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા, તંઈ જંઈ એક મોરપિચ્છ રંગાયું,
    હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ, તંઈ જંઈ આ વાંસળીએ ગાયું,
    મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર, સખી ! સાંખી શકે તો જરી સાંખ !
    જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

    ગોધૂલિવેળાની ડમરીમાં ડૂબકી દઈ, આયખું ખૂંદે છે ખાલીખમ પાદર;
    રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ, આ ચોર્યાસી લાખ તણી ચાદર.
    છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
    જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ !

    - વિવેક ટેલર
    (૨૧-૦૭-૨૦૦૯)

    .

    .

    દર વરસે જન્માષ્ટમી આવે , કૃષ્ણજન્મોત્સવ ઊજવીએ અને મનમાં થાય કે, યદા યદા હિ ધર્મસ્ય … કહેનારો આ વરસે પણ જન્મ્યો નહીં ?!!  હજુ પણ વધુ અધર્મ ધરતી પર આવવાની રાહ જોતો હશે કે પછી રાધાની રાહ જોતો હશે ?!!   વિવેકભાઈનું રાધાગીત કહે છે, એમ જાત ને ઝુરાપાની નદિયુંમાં નાંખીએ તો તેની મોરલીનાં સૂર સંભાળાય… ! આપ સૌને જન્માષ્ટમીની શુભેચ્છાઓ.

    .

    .

    ..

    .

    બાઇ રે, તારાં ભાગ્ય : ઉશન‌સ્‌

    Tuesday, September 28th, 2010

    .

    બાઇ રે, તારાં ભાગ્ય મહા બળવાન :
    અમૃતપ્રાશણહાર તે તારાં ગોરસ માગે ક્હાન !

    ઊંચે વ્યોમભવન, ખેલંદો ઊતર્યો તારે નેસ,
    ગોરસ મિષે પ્રેમપિયાસી યાચત બાળે વેશ,
    ધણી થૈ બેસે તોય શું કહીએ; આ તો માગત દાણ.

    કંઇક બીજી જો મહિયારીની કોઇ ન ફોડે ગોળી,
    રાત દી પી પી પોતે, ગોરસ બગડ્યાં દેતી ઢોળી,
    આપણું પીધું તુચ્છ, હરિનું ચાખ્યું બુંદ મહાન.

    ગગરી ફોડી ભવ ફેડ્યો ને મહીમાં પ્રીત લૂંટાઇ,
    કાનજી જેવો લૂંટણહાર ત્યાં કૈં ન બચાવવું બાઇ !
    બચિયું એટલું એળે, અહીં તો લૂંટવ્યું એટલી લ્હાણ !

    - ઉશન‌સ્‌

    .

    કવિ શ્રી ઉશનસ્‌નાં જન્મદિને , માણીએ એક સુંદર કૃષ્ણગીત !  કંઇ કંઈ મિષે ગોપીઓ કૃષ્ણની મીઠી ફરિયાદ જ કરતી હોય છે. ત્યારે કવિ તેમને કહે છે, ચૌદ લોકનો સ્વામી ખુદ જો  લૂંટણહાર બનીને આવે ત્યારે કૈં બચાવવું નહિં કારણ અહીં તો લૂંટવ્યું એટલી જ લ્હાણ ! મટુકી  નહીં એ તારો ભવ ફેડે છે.

    .

    .

    .

    કાનજીના મોબાઈલમાં : અંકિત ત્રિવેદી

    Sunday, September 12th, 2010

    .

    .

    કાનજીના મોબાઈલમાં જ્યારે અચાનક રીંગટોન રાધાનો વાગે,
    જન્મો જનમની ઘેલી રાધાની પ્રીત કાનજીની આંખોમાં જાગે.

    મોબાઈલના નેટવર્કમાં કેમે ના સંભળાતી રાધાના રાસની તાલી,
    મોબાઈલ પકડીને થાકેલા હાથને રાધાનો હાથ લેવો ઝાલી;
    આયખાની સાંજ પર ઊભેલો કાનજી, સપનાનો ટૉક ટાઈમ માંગે.

    s.m.s. મોકલેલો વાયા ઓધાજી, એના replyમાં રાધાના આંસુ,
    રાધાના આંસુનો s.m.s. વાંચીને, કાનજીની આંખે ચોમાસું ;
    મોબાઈલની બેટરીને ખાલીપો વળગે ત્યાં,વાંસળી વાગે છે એક રાગે.

    - અંકિત ત્રિવેદી

    .

    નરસૈંયાનો સ્વામી જ્યારે અંકિત ત્રિવેદીનો ‘કાનજી’ બને છે ત્યારે , તેમનાં મોબાઇલનો રીંગટોન રાધા બને છે.  નેટવર્ક પ્રોબ્લેમ હોય ત્યારે સપનાનો ટોકટાઇમ ફ્રી પણ મળે અને મોબાઇલની બેટરી ખાલી થઇ જાય તો પછી તો વળી એ જ મનોહર મોરલી… !  ટેકનોલોજીના આ યુગમાં જન્મોજનમની ઘેલી રાધાકૃષ્ણની પ્રીતની રીત બદલાય છે એટલું જ , બાકી તો આજે પણ કવિઓને કૃષ્ણ માનીતો વિષય રહ્યો છે.  મીરાં , નરસિંહથી સાંપ્રતકાળનાં કવિઓની કૃષ્ણવિષયક રચનાઓ આપ સૌને માણવી ગમી હશે. કાલથી ફરી અન્ય નવીન રચનાઓ માણીશું.

    .

    .

    .

    રાધાનું નામ : સુરેશ દલાલ

    Saturday, September 11th, 2010

    .

    .

    રાધાનું નામ તમે, વાંસળીના સૂર મહીં, વ્હેતું ના મેલો ઘનશ્યામ,
    સાંજ ને સવાર નિત, નિંદા કરે છે પેલું, ઘેલું રે ગોકુળિયું ગામ.

    વણગૂંથ્યા કેશ અને અણઆંજી આંખડી કે ખાલી બેડાની કરે વાત,
    લોકો કરે છે શાને ? દિવસ ને રાતડી, મારા મોહનની પંચાત;
    વળી વળી નીરખે છે,  કુંજગલી પૂછે છે : કેમ અલી, ક્યાં ગઇ’તી આમ ?
    રાધાનું નામ તમે, વાંસળીના સૂર મહીં, વ્હેતું ના મેલો ઘનશ્યામ.

    કોણે મૂક્યું રે તારે અંબોડે ફૂલ, એની પૂછી પૂછીને લિયે ગંધ,
    વહે અંતરની વાત, એ તો આંખ્યુની ભૂલ, જો કે હોઠોની પાંખડીઓ બંધ;
    મારે મોંએથી ચહે સાંભળવા સાહેલી, માધવનું મધમીઠું નામ,
    રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો ઘનશ્યામ.

    - સુરેશ દલાલ

    .

    .

    એક લોકગીતની જેમ ગવાતું, રાધાકૃષ્ણની પ્રીતનું આ ગીત રાધાનાં મનોભાવોને સુપેરે વ્યકત કરે છે.  વાંસળીનાં સૂર સાંભળી રાધા બ્‍હાવરી બની, કૃષ્ણને મળવા જાય છે.  પણ, ઘેલું ગોકુળિયું ગામ તેની વાતો કરે છે.   આથી રાધા મોહનને મીઠી ફરિયાદ કરે છે કે મોરલીનાં સૂર ના છેડો કાન, વળી હું ભાવવિભોર બનીશ અને તમને મળવા આવતાં કો’ક જોઇ જશે તો રોજની જેમ ગામનાં લોકો વાતો કરશે.

    સુરેશદાદા કોઇ પ્રવચનમાં આ ગીતની સર્જનપ્રક્રિયા વિશે જણાવે છે કે, એક ન ગમતી છોકરીને લગ્ન માટે જોઇ તે પછી આ ગીત લખાયું છે.  વળી વળીને દાદાને એ છોકરી યાદ આવતી હશે એટલે …. :)

    .

    .

    .

    કોક વાર રોયા હશે ઘનશ્યામ : કિસન સોસા

    Friday, September 10th, 2010

    .

    રાધાની છાતી પર ઝૂકીને, કોક વાર રોયા હશે ઘનશ્યામ,
    હિમાળા ઢાળેથી ઢળ્યું હશે, પછી શ્યામલી જમનાનું નામ.

    રાધાના સ્કંધ પર ઢાળીને શીશ, ક્હાન ટહુક્યા હશે એવું વેણ,
    ઓઢણીને દાંતમાં દાબીને, રાધાએ ઢાળી દીધા હશે નેણ.

    સૌરભના મધપૂડા બંધાયા હશે, પછી વૃંદાવને ફૂલ ફૂલમાં,
    કેસૂડાં પથપથ કોળ્યા હશે, હશે ગુલમોર ખીલ્યાં ગોકુળમાં.

    રાધાને કાંઠડે બેસીને, ક્હાનજી એ પીધાં હશે મીઠા વાધૂ,
    લીલાછમ ઘૂંટડા ન્યાળીને મોર મોર બોલ્યા હશે સાધુ, સાધુ.

    ક્હાનજીની છાતીએ ઘોળાયું હશે, પછી રાધાનું કેસરિયું નામ
    રાધાનાં રોમ રોમ ફૂટ્યાં હશે, હશે ઢોળાયું બ્રહ્માંડનું ગામ.

    - કિસન સોસા

    .

    “કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
    સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.”
    – મુકેશ જોષી

    મુકેશ જોષી કહે છે એમ કૃષ્ણનો સાવ સીધો ને સરળ અનુવાદ એટલે રાધા.  અને રાધા એટલે જ પ્રેમ, ભક્તિ, સમર્પણ. આથી જ તો રાધા કૃષ્ણ એમ કહેવાય છે નહિં કે કૃષ્ણ રાધા.  રાધા-કૃષ્ણનાં અનેરી પ્રીતને નરસૈંયાથી સાંપ્રતકાળનાં કવિઓએ શબ્દોમાં વ્યકત કરી છે.  એવી જ અનેરી ક્ષણોને કવિએ સુંદર શબ્દોમાં ઢાળી છે.

    આ સાથે મૂકેલ જદુરાણી પેઈન્ટિંગ પણ ભક્તિ અને અધ્યાત્મિકતાનું સુંદર પ્રતિક છે. જે શ્યામારાની દાસી નામનાં ઇસ્કોન મંદિરનાં સ્વામિની છે જેના વિષે વધુ આપ  ભક્તિઆર્ટ પર જાણી શકશો.

    .

    .

    .

    મને કેમ વિસરે રે ? : પ્રેમાનંદ

    Thursday, September 9th, 2010

     

     

    પછી શામળિયોજી બોલિયા તને સાંભરે રે,
    હાજી બાળપણાંની પ્રીત મને કેમ વિસરે રે ?

    આપણે બે મહિના સાથે રહ્યાં તને સાંભરે રે,
    હાજી સાંદીપનિ ઋષિને ઘેર મને કેમ વિસરે રે ?

    અન્ન ભિક્ષા માંગી લાવતા તને સાંભરે રે,
    હાજી જમતાં ત્રણેય સાથ મને કેમ વિસરે રે ?

    આપણે સૂતા એક સાથ રે તને સાંભરે રે,
    હાજી સુખદુ:ખની કરતા વાત મને કેમ વિસરે રે ?

    પાછલી રાતના જાગતા તને સાંભરે રે,
    હાજી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે ?

    ગુરુ આપણા ગામે ગયા તને સાંભરે રે,
    હાજી જાચવા કોઈ શ્રેષ્ઠ મને કેમ વિસરે રે ?

    કામ દીધું ગોરાણીએ તને સાંભરે રે,
    કહ્યું લઈ આવો કાષ્ટ મને કેમ વિસરે રે ?

    શરીર આપણાં ઊકળી ગયાં તને સાંભરે રે,
    હાજી લાગ્યો સૂરજનો તાપ મને કેમ વિસરે રે ?

    ખંભે કુહાડા ધરિયા તને સાંભરે રે,
    ઘણું દૂર ગયા રણછોડ મને કેમ વિસરે રે ?

    આપણે વાદ વદ્યા ત્રણે બાંધવા તને સાંભરે રે,
    હાજી ફાડ્યું મોટું ઝાડ મને કેમ વિસરે રે ?

    ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભરે રે,
    હાજી આવ્યા બારે મેહ મને કેમ વિસરે રે ?

    શીતળ વાયુ વાયો ઘણો તને સાંભરે રે,
    હાજી ટાઢે થરથરે દેહ મને કેમ વિસરે રે ?

    નદીએ પૂર આવ્યું ઘણું તને સાંભરે રે,
    હાજી ઘન વરસ્યો મૂશળ ધાર મને કેમ વિસરે રે ?

    એકે દિશા સૂઝે નહિ તને સાંભરે રે,
    થાતા વીજ તણાં ચમકાર મને કેમ વિસરે રે ?

    ગુરુજી નીસર્યાં ખોળવા તને સાંભરે રે,
    ગોરાણીને આપ્યો ઠપકો અપાર મને કેમ વિસરે રે ?

    આપણને છાતિયે ચાંપિયાં તને સાંભરે રે,
    હાજી તેડીને લાવ્યા ઘેર મને કેમ વિસરે રે ?

    ગોરાણી ગાય દોતાં હતા તને સાંભરે રે,
    તમને દાણ માગવાની ટેવ મને કેમ વિસરે રે ?

    મેં નિશાળેથી હાથ લંબાવિયો તને સાંભરે રે,
    દીધી ગોરાણીએ દોણી તતખેવ મને કેમ વિસરે રે ?

    ગોરાણીને નીપજ્યું જ્ઞાન તને સાંભરે રે,
    તમને જાણ્યા જગદાધાર મને કેમ વિસરે રે  ?

    - પ્રેમાનંદ

    મૈત્રીનું એક ઉત્તમોત્તમ ઉદાહરણ એટલે કૃષ્ણ – સુદામા.  તાંદુરની પોટલી લઇને આવનાર સુદામાને કૃષ્ણ હેતેથી ગળે લગાડે છે અને મીઠાં સંભારણામાં ખોવાઇ જાય છે.  અચાનક જ કોઈ જૂનો મિત્ર મળી આવે અને આપણે સ્કૂલમાં / કોલેજમાં આ કરતાં- તે કરતાં ની જૂની વાતોએ વળગી પડીએ એમ જ કૃષ્ણસુદામા પણ – ગુરુકુલમાં ભણતાં તેની વાતોને યાદ કરી શામળિયો પૂછે છે, તને સાંભરે રે ?  અને ઉત્તરમાં સુદામા  કહે છે, મને કેમ વિસરે રે ?

     

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME