Archive for the ‘કૃષ્ણ’ Category
એક સમે હરિ હળધર સાથે : અજ્ઞાત
Wednesday, September 8th, 2010

.
એક સમે હરિ હળધર સાથે, રમતા તાળી દઇને હાથે,
આંગણિયામાં રે ખેલે.
માટીનું ઢેફું ત્યાં દીઠું, મોહનને મન લાગ્યું મીઠું,
હળવે લઇને રે લીધું.
બળભદ્ર અધીરા થઇને, કહ્યું જશોદાજીને જઈને,
કૃષ્ણએ માટી રે ખાધી.
ઉતાવળા માતાજી આવે, પકડી હાથ હરિને ધમકાવે,
તેં કેમ માટી રે ખાધી ?
‘ના, ના’ કહી હરિ માથું ધુણાવે, આંખ મહીં આંસુડાં લાવે,
મેં નથી માટી રે ખાધી.
જશોદાજી કહે હું નવ માનું, તારા ઢંગ બધા હું જાણું,
માર્યા વિના રે ન મૂકું.
સાચી વાત હશે જો તારી, તો નથી શિક્ષા હું કરવાની,
ઉઘાડ તારું રે મોઢું.
સુણી વચન હરિએ મુખ ઉઘાડ્યું, વિશ્વ સમસ્ત મહીં દેખાયું,
માતા અચંબો રે પામ્યા.
- અજ્ઞાત
.
બાળ કૃષ્ણ રમતાં રમતાં માટીનું ઢેફું મોંમાં મૂકી દે છે અને ભાઇ બળરામ માતા જશોદાને ફરિયાદ કરે છે. પણ, નટખટ કાનુડો માતાજીને ના કહે છે અને માતા તેનું મુખ જૂએ છે તો સમસ્ત બ્રહ્માંડ તેના મુખમાં દેખાય છે. આ ઘટનાને કવિ ગીતમાં ઢાળીને રજૂ કરે છે. કવિનું નામ કોઇ જાણતું હોય તો જણાવવા વિનંતી. કારણકે, એક દાદાએ તેમની મમ્મીનાં દાદી પાસેથી શીખેલું એટલે કે, પાંચમી પેઢીએ આજે આપણી પાસે આ ગીત ઉપલબ્ધ થયું છે તો તેમને કવિનું નામ યાદ નથી ! !
.
શબ્દાર્થ : હળધર – જેણે હળ ધારણ કર્યું છે તે બળરામ. બળભદ્ર – બળરામનું એક નામ.
.
જળકમળ છાંડી જાને, બાળા ! : નરસિંહ મહેતા
Tuesday, September 7th, 2010
.
.
.
જળકમળ છાંડી જાને, બાળા ! સ્વામી અમારો જાગશે;
જાગશે, તને મારશે, મને બાળહત્યા લાગશે.
કહે રે બાળક ! તું મારગ ભૂલ્યો ? કે તારા વેરીએ વળાવિયો ?
નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો ?
‘નથી નાગણ ! હું મારગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવિયો;
મથુરાનગરીમાં જૂગટું રમતાં, નાગનું શીશ હું હારિયો.’
‘રંગે રૂડો, રૂપે પૂરો, દીસંતો કોડીલો કોડામણો;
તારી માતાએ કેટલા જન્મ્યાં, તેમાં તું અળખામણો ?’
‘મારી માતાએ બેઉ જન્મ્યા, તેમાં હું નટવર નહાનડો,
જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કહાનડો.
‘લાખ સવાનો મારો હાર આપું, આપું રે તુજને દોરિયો,
એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો.’
‘શું કરું, નાગણ, હાર તારો ? શું કરું તારો દોરિયો,
શાને કાજે, નાગણ ! તારે ઘરમાં કરવી ચોરિયો?’
ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો:
‘ઊઠો રે બળવંત, કોઈ બારણે બાળક આવિયો.’
બેઉ બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળીનાગ નાથિયો,
સહસ્ત્ર ફેણા ફૂંફવે, જેમ ગગન ગાજે હાથિયો.
નાગણ સહુ વિલાપ કરે છે: નાગને બહુ દુ:ખ આપશે,
મથુરાનગરીમાં લઈ જશે, પછી નાગનું શીશ કાપશે.
બેઉ કર જોડી વિનવે: ‘સ્વામી, મૂકો અમારા કંથને;
અમો અપરાધી કાંઈ ન સમજ્યાં, ન ઓળખ્યા ભગવંતને.’
થાળ ભરી શગ મોતીએ, શ્રીકૃષ્ણને રે વધાવિયો ;
નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો.
- નરસિંહ મહેતા
.
આપણે સૌ બાળપણથી જ કૃષ્ણ જીવનની ગાથાઓ સાંભળી મોટાં થયાં છીએ. બાલ્યકાળનાં તેનાં પરાક્રમોએ આપણને એટલાં આકર્ષ્યાં છે કે આજે પણ ભૂલ્યા ભૂલાયાં નથી. અને તેવી જ એક રચના એટલે જળકમળ… ! યમુનાતીરે ગેડી-દડો રમતાં રમતાં દડો બહાર કાઢવાનાં બહાને, બાળ કાનુડો લોકોને કાલિનાગનાં ત્રાસથી છૂટકારો અપાવે છે. તો વળી, દામોદર-લીલાને હરીન્દ્ર દવેની કલમે માણવી જરુર ગમશે.
.
.
.
પરભાતે મહી મથવા : નરસિંહ મહેતા
Monday, September 6th, 2010.
.
પરભાતે મહી મથવા ઊઠ્યાં જશોદારાણી,
વિસામો દેવાને ઊઠ્યાં સારંગપાણિ.
માતા રે જશોદા તારાં મહીડાં વલોવું,
બીશો ના માતાજી હું ગોળી નહીં ફોડું;
ધ્રૂજ્યો મેરુને એને ધ્રાસકો રે લાગ્યો,
રવૈયો કરશે તો તો નિશ્ચે હું ભાંગ્યો.
વાસુકિ ભણે ‘મારી શી પેર થાશે ?’
નેતરું કરશે તો તો જીવડો રે જાશે.
મહાદેવ વદે, મારી શી વલે થાશે ?
હવેનું આ હળાહળ કેમ રે પીવાશે.
બ્રહ્મા ઇંદ્રાદિક લાગ્યાં રે પાય,
નેતરું મૂકો તમે ગોકુળરાય;
જશોદાજી કહે હું તો નવનિધ પામી,
ભક્તવત્સલ મળ્યો નરસિંહનો સ્વામી.
- નરસિંહ મહેતા
.
શ્રાવણ એટલે કે, ઇશ્વર માટે પ્રેમ અને ભક્તિનો મહિનો. આમ તો, ભોલે શંકરને જ દૂધ – બીલીથી ખુશ કરવાનો મહિનો. પણ, હમણાં જ જન્માષ્ટમી ગઇ છે તો કૃષ્ણલીલાનું વર્ણન કરતાં કેટલાંક ગીત – ભજનોને માણીશું. બાળ કાનુડો, મૈયા જશોદાને મહી વલોવવાની મદદ કરવાનું કહે છે. ત્યારે સર્વ દેવી-દેવતાઓને સમુદ્ર-મંથન યાદ આવી જાય છે. વિષ્ણુ ફરીથી જો મહી વલોવવા બેસી જશે તો ? - આથી મેરૂ ( એક પર્વત) અને વાસુકિ નાગ ( જેને દોરડું બનાવ્યું ) ની મદદથી સમુદ્રમંથન કરેલું તે બન્ને કહે છે, હવે ફરીથી સમુદ્ર – મંથન કરશો તો અમારું શું ? વળી, મહાદેવજી કહે છે, હવે ફરીથી ઝેર નીકળશે તો હું કેમ કરીને પીશ ? આથી બ્રહ્મા – ઇંદ્ર સર્વે દેવી-દેવતાઓ બાલ કૃષ્ણને વિનંતી કરીને મહી વલોવવાની ના પાડે છે.
.
શબ્દાર્થ : ગોળી – દહીં વલોવવાનું એક ગોળ વાસણ. મેરુ – એક પર્વતનું નામ. ( તેને આધારે પૃથ્વી રહેલી છે અને ગ્રહો તેની આસપાસ ફરે છે. વળી, તે સોનાનો પર્વત છે, જેની ઉપર ઇંદ્રની નગરી વસેલી છે ) રવૈયો – દહીં વલોવવા માટેનો એક ઊભો વાંસ. (મંથનદંડ) વાસુકિ – નાગોનો રાજા. નેતરું - દહીં વલોવવા માટે રવૈયાને ફરતે ત્રણ-ચાર આંટા મારી વીંટવામાં આવેલું દોરડું. ( દેવ-દૈત્યોએ ભેગાં મળી, સમુદ્ર મંથન કરેલું ત્યારે મેરુ પર્વતનો રવૈયો કરેલો અને નેતરું વાસુકિ નાગનું બનાવેલું. તે ઘટના આધારિત ઉપરોક્ત ગીત છે. )
.
.
કાન દોરી ખેંચીને તું ઝૂલાવે : હરીન્દ્ર દવે
Thursday, September 2nd, 2010

.
કોક વાર થાય પોઢું ફૂલનાં હિંડોળે, કાન દોરી ખેંચીને તું ઝૂલાવે.
અમથી હું આંખ મીંચું, કાન રહું માંડી, કે હાલરડું ગાવું તને ફાવે ?
સ્હેજ જરા અટકે જો ઝોલો, તો ખોયાને બે હાથ ઝાલી થાઉં બેઠો,
થાકીને કોઇ વાર મેલી જો દોરી, તને બેસવા ન દઉં લેશ હેઠો ;
કંટાળી માર મને ધબ્બા ને કાલીકાલી વાણીથી છો ને ફોસલાવે.
અમનેયે આવડે છે મરકલડાં આણતાં, ને અમનેયે ભાવે છે ગોરસ,
અમને એ ઓરતા કંદબડાળ બેસીએ કે મંદિરમાં બની જઇએ આરસ,
થીર આંખે બેસીએ ને ચંદન ને ધૂપ લઇ હળવે હળવે તું પાસ આવે.
- હરીન્દ્ર દવે
.
.
આપણે જન્માષ્ટમીનાં દિવસે દર વર્ષે બાળ કાનુડાને લાડે કોડે પારણામાં ઝુલાવીએ છીએ. નરસૈંયો કહે છે, બ્રહ્મ કરે લટકાં બ્રહ્મ પાસે. પણ આ તો બ્રહ્મ પાસે, લાડ કરવા બેઠો છે એક માણસ કે જેનો માંહ્યલો જાગી ઊઠ્યો છે . જશોદાને, રાધાને, ગોપીઓને જીદ કરી, નખરાં કરી, હેરાન કરતો, તેની પાસે – કવિ પોતાપણું દાખવી કામણગારો, નખરાળો ‘કૃષ્ણ’ ઝૂલાવેની જીદ કરી, તેનાં જેવાં જ નખરાં કરી મન મોહી લે છે. જન્માષ્ટમી નિમિત્તે , સૌની ’તેની’ સાથે નખરાળી આત્મીયતા કેળવાય તેવી શુભેચ્છાઓ.
.
.
.
શ્રાવણ આવ્યો : ભાલણ
Friday, August 20th, 2010
શ્રાવણ આવ્યો, જો રે, રાજની, શૂં કીજે ? નવ્ય જાય રજની.
શાંમસુંદર તો નાવ્યો રે, બાઈ, લંપટ સાથિ સી રે સગાઈ ?
તેહને તો ત્યાંહાં ઘણીએ મ્યલશ્યે, હઇડું અહ્મારું વિરહે બલશે.
બાપીડો ‘પીઉ પીઉ’ પોકારે, મનમથ પાંચે બાંણે મારે.
વીજલડી તણે ચમકારે, માહારા મનડાને અંગારે,
હોય નહિં જે એહને વારે, કાયા માહારે અમૃત ઠારે.
મોર બોલે છે એ પાપી, સહલે મ્યલીને હૂં સંતાપી,
વેલ્ય દેવડાંજાએ જૂઈ ફૂલ તણી ગંધે હૂં મૂઈ.
સઘલાં વાહાલાં તો લાગે, રમીએ પથ રમતાં તાં આગે,
વૃંદાવન માંહિ હરિ સાથે ફૂલ વીણીએ વલગી હાથે.
હરજી હાર ગૂંથી પેહરાવે, તો મુઝ મોર નાચતો ભાવે.
ફોરાં લાગે, કાયા કાંપે, સુંદરવર રદયા-સું ચાંપે.
વિરહણીને વરસે તો બલતૂં, ઉહલાનું નવ્ય દીસે વલતૂં.
વરસાડો વાહાલો તાં તેહને, વશે હોય મન કાંન્યે જેહનેં.
કો છે જે નંદસુતને લ્યાવે, માહારા રદેનો તાપ સમાવે ?
અથવા માહારા ચીતને વાલે, પીતાંબર-સું પ્રીત જ ટાલે ?
તેણે કરી હૂં ઘણૂં વીગૂતી, એકે દિન સુખે નવ્ય સૂતી.
એ વિરહે મરવું તે વારુ, આસા જૂઠી આવ્યા સારુ.
ત્યાંહાં તો ચાલી ન જવાએ, એહવાં નીલજ ક્યમ થવાય ?
ભાલણપ્રભુ રાખે કે ન રાખે, જેહને ચાલતું સીતા પાખે,
તેહને તો ત્યાંહાં બીજી નોહતી, તેહને છે ઘણીએ પહનોતી.
- ભાલણ
( રાગ : મલ્હાર )
ભાગવતના દશમસ્કંધનો સારાનુવાદ કરતાં ભાલણે, કૃષ્ણલીલાનાં સુંદર શબ્દચિત્રો આલેખ્યાં છે. ભાલણની રચનાઓની હસ્તપ્રતમાં ક્યાંક રાધા-કૃષ્ણનાં રંગચિત્રો પણ જોવાં મળે છે. કે.કા.શાસ્ત્રીનાં માર્ગદર્શન હેઠળ ધીરુભાઈ દોશીએ નોંધ્યું છે કે, હસ્તપ્રતોમાં પણ, લહિયાએ સમયાનુસાર છૂટ લઇ, શબ્દોમાં ફેરફાર કરેલો જોવા મળે છે. આજની આ રચનામાં, જોડણી અને શબ્દો મેં જાણીજોઇને યથાવત્ રાખ્યાં છે. વળી, દરેક પદોમાં રાગનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જે દર્શાવે છે કે, પંદરમી સદીમાં પણ તેઓ કેટલાં કળાકુશળ હતાં. વળી, તેઓએ વ્રજ ભાષામાં પણ પદો લખ્યાં છે.
.
.
.
હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા
Tuesday, August 17th, 2010
હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.
કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.
ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે.
ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.
પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.
- નરસિંહ મહેતા
આશરે પંદરમી સદીથી ગુજરાતી ભાષા પોતાનો અજવાશ ફેલાવી રહી છે. ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસ પર એક નજર નાંખીએ તો, જૈનાચાર્યો અને સંતોએ, તેને ભક્તિપદોમાં જાળવી છે, મૂલવી છે. વૅબમહેફિલની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે આ સપ્તાહમાં આવાં સાહિત્યકારો અને તેમની કૃતિઓને યાદ કરીશું. નરસિંહ મહેતા એક એવું નામ છે જે દરેક ગુજરાતીનાં હૈયે અને હોઠે વસેલું જ હોય… ! આશરે પંદરમી સદીમાં થયેલ આ ભક્તકવિનાં બે દિવ્ય, ગોપીભાવનાં ભક્તિ પદો માણીશું.
હળવે હળવે હરિ, મનમંદિરમાં પધારી, એવું કામણ કરે છે કે, ઘરનું બધું કામકાજ ભૂલી પ્રભુમય બની જાય છે.અને તેનો સંગ લાગતાં જ , ભવભવની ભાવટ ભાગે છે. શબ્દોનું પુનરાવર્તન આ પદને અદ્ભૂત લય બક્ષે છે.
.
.
