Archive for the ‘કૃષ્ણ’ Category
ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
Tuesday, August 17th, 2010
ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. – ભોળીo
અનાથના નાથને વેચે આહિરની નારી;
શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. – ભોળીo
મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. -ભોળીo
બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. – ભોળીo
ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરયામી;
દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. – ભોળીo
- નરસિંહ મહેતા
સોળ સહસ્ત્ર ગોપીઓનો વ્હાલો, અનાથનો નાથ અને ચૌદ લોકનો સ્વામીને ભોળી ભરવાડણ મટુકીમાં ઘાલી, વેચવા ચાલી નીકળી છે. કૃષ્ણમય ગોપી, મહી લ્યો ને બદલે લ્યો કોઇ મોરારિ બોલી ઊઠે છે અને એ અલૌકિક સંવેદનની અનુભૂતિએ નરસૈંયો સર્જે છે એક અદ્ભૂત ગીત ! વળી, ભોળી ભરવાડણનાં ભાગ્ય પણ કેવાં કે, મટુકીમાં મહીને બદલે, મોરલી વગાડતાં કૃષ્ણને નિહાળી પણ શકે છે ?!!
શબ્દાર્થ : સહસ્ત્ર – હજાર. કૌતક (કૌતુક) – અજાયબી, ચમત્કાર. પેખવું – જોવું.
.
.
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું : રાજેન્દ્ર શાહ
Friday, February 5th, 2010
પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
ઊંચૈ મહલ બસૈ તું નિરંતર, બગિયન બિચ મુજ રહના,
ફૂલફૂલ ગુંજન ઊઠૈ મધુર, સુનિ મન સુખ પાવત ગહના.
મૈં અવર શબદ નવ માનું, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
તું નીચે કાહે નહિ આવે, એકલ રહૈ ઉદાસી ?
રૂપ, રંગ, સુરભિ સહ ખેલેં, મિલ કર દોય વિલાસી.
મૈં ઓસબિન્દુ તુમ ભાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
જલ જલ સો કાલિન્દી, દ્રુમ દ્રુમ કદંબ હૈ મન મોરે,
કુંજ ભલી વ્રજકી, તુમ બિન વૈકુંઠ નહિ સહ તોરે.
મૈં ચડું ન પરબત-સાનુ, પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું.
- રાજેન્દ્ર શાહ
કૃષ્ણ તો ગીતામાં કહે છે, મને પામવા જ્ઞાન માર્ગ કરતાં ભક્તિ માર્ગ સરળ છે. પણ કવિને તો ભક્તિનો, પ્રેમનો માર્ગ પણ કપરો લાગે છે. પ્રેમ એ જ ભક્તિને ! પ્રેમ કરવો તો સરળ … પણ પ્રેમને જતાવવો જ કપરો. અને કવિ એટલે જ કહે છે, ” પ્રભુ મૈં પ્રેમ કિયો નવ જાનું. “
.
હો સાંવર થોરી અંખિયનમેં : રાજેન્દ્ર શાહ
Thursday, February 4th, 2010

( સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ )
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
મોરી ભીંજે ચોરી ચુંદરિયા તું ઐસો રંગ ન ડાલ, નાગર સાંવરિયો.
તું નંદલાલરો છકેલ છોરો, મૈં હું આહિર બેટી રી,
ફૂલન હાર ગલે મેં, દૂજી હાર રહેગી છેટી રી;
હો સાંવર લીની કેસર ઝારી, મૈંને લીનો ગુલાલ, નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
હો બાજૈ ઢોલક, ડફ, બાંસુરિયાં, વસંતરો રત ગાવૈ રી,
હો કોઈ કિસીકી સુન નહિ પાવે, અપની ધૂન મચાવે રી;
હો રંગરંગમેં હિલમિલ રુમઝુટ ખેલત ભયે નિહાલ,નાગર સાંવરિયો.
હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ, નાગર સાંવરિયો.
- રાજેન્દ્ર શાહ
વસંતનાં પગલાં મનુષ્યનાં હ્રદયમાં એવાં કામણ કરી જાય કે, હોરીનાં રંગોમાં રંગાઈ, ભીંજાયને જ તે તૃપ્ત થાય છે. તો વળી, કાનુડાનાં કામણ વસંતથી ઓછા થોડાં છે ? હોરી અને તે પણ કાન્હા સંગ…. વ્રજ બોલીમાં રચિત આ હોરી ગીત કદાચ એટલે જ આટલું કામણગારું લાગે છે. બસ… ફૂલન હાર ગળામાં, બીજી કોઈ હાર જેને કબૂલ જ નથી, તેવી આહિરની બેટી, અપની ધૂનમાં જ મસ્ત છે. પણ પ્રથમ પંક્તિમાં જ સાંવરિયાની આંખે છલકાતાં જોબનિયાના લાલ રંગમાં તેની ચોરી અને ચુનરિયા કેવી ભીંજાઈ ગઈ છે ?
.
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે : હરીન્દ્ર દવે
Saturday, September 19th, 2009

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે,
બાળુડાને બાંધ્યો છે હીરના દોરે.
કોમળ આ અંગ પરે કાપા પડે છે જેવા, આંગળીથી માખણમાં આંક્યાં,
નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં, ઢળતાં શીકેથી દહીં ઢાંક્યા;
એના હોઠ બે બિડાયા હજી તોરે, કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી હાથેથી મોગરાની માળા,
આંખેથી કાજળ બે ગાલે જઇ બેઠું, કાનકુંવર શું ઓછા હતા કાળા?
બંધ છોડે જશોદાને કહો રે, કોઇ જઇને જશોદાને કહો રે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.
- હરીન્દ્ર દવે
મિત્રો, આજે હરીન્દ્ર દવેનાં જન્મદિને તેમની એક ખૂબ જ જાણીતી રચના…. ! ગીત તો બધાંએ સાંભળ્યું જ હશે પણ, એના કવિ હરીન્દ્ર દવે છે તે કદાચ ખ્યાલમાં નહિં હોય… કારણ જ્યારે મેં વાંચ્યું ત્યારે મને પણ સુખદ આશ્ચર્ય જ થયેલું. અને આજથી જ નોરતા શરુ થાય છે તો આ ગરબા-ગીતનો આનંદ પણ લઈએ ! જશોદા કાનુડાને ખાંડણિયા સાથે દોરડાથી બાંધે છે અને ત્યારે કાનુડા કરતાં વધુ તો ગોપીઓ વ્યથિત થઈ જાય છે અને દામોદરનો ( કૃષ્ણનું એક નામ – જેને પેટે દોરડું બાંધેલ છે તે ! ) પક્ષ લઈ જશોદાને મનાવવા પ્રયત્ન કરે છે.
.
જાગને જાદવા : નરસિંહ મહેતા
Tuesday, August 18th, 2009
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?
ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળિયો કુણ થાશે ? – જાગને.
દહીંતણાં દૈથરાં, ઘી તણાં ઘેબરાં, કઢિયેલ દૂધ તે કુણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ વહેશે ? – જાગને.
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં, મધુરી શી મોરલી કુણ વાહશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કુણ સાહશે ? - જાગને.
- નરસિંહ મહેતા
નરસૈંયાનાં પરભાતિયાંએ ગુજરાતી સાહિત્યનું પ્રભાત ઊગ્યું અને આજે પાંચ-છ સદી પછી પંણ, પ્રભાતિયાં હજુ પણ લોકહ્રદયે બિરાજમાન છે. આશ્ચર્ય થશે, પણ હજુ પણ અમારા વિસ્તારમાં એક મહારાજ પ્રભાતફેરી માટે આવે છે ( મહિનામાં એકાદ-બે વાર , પછી દક્ષિણા લઈને બીજા મહિને ) પણ જે દિવસે આવે તે દિ’ સારો તો ઊગે જ … કેવો જાય એ તો .. ?!!
જે આપણને જગાડે તેનેય જગાડવો પડે ?!! ઈશ્વર તો જાગતો જ હોય તેને જગાડવો ના પડે… છતાં નરસૈંયો કૃષ્ણને જશોદાની જેમ લાડથી જગાડે છે અને કહે છે, જાગને જાદવા.. ! જેનો આતમ જાગેલો, તેવો નરસૈંયો આવું કેમ ગાય ? દુન્યવી વાસ્તવિકતા કોઇક વાર એટલી કડવી લાગે કે, એવું જ થાય… અરે, ઈશ્વર સૂઈ ગયો છે કે શું ? એમ પણ થઈ જાય કે ના.. ના… ઈશ્વર છે જ નહિં ક્યાંય. જોકે, પરોક્ષ રીતે, ત્રણસેં ને સાંઠ ગોવાળિયાની વાત કરીને આખું વર્ષ હર ક્ષણ આપણને જ જાગતા રાખવાની વાત કરી જ દે છે.
શબ્દાર્થ : કુણ – કોણ, વાહશે – વહેવડાવશે, સાહવું – પકડવું , બાંહે – હાથ, કર.
.
માધવ ક્યાંય નથી મધુવનમાં : હરીન્દ્ર દવે
Friday, August 14th, 2009
( માધવ ક્યાંય નથી મધુવનમાં… !! )
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી ?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી ?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી;
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુઅનમા.
માધવ ક્યાંય નથી મધુવનમાં.
- હરીન્દ્ર દવે
કામણગારો કાનુડો માત્ર જશોદાનો, રાધાનો કે ગોપીઓનો જ નથી. સાહિત્ય, નૃત્ય, ચિત્રકળામાં પણ તેને સૌએ એટલાં જ લાડ કર્યાં છે. કાન ગોકુળ છોડીને ચાલ્યો જાય છે, અને તેના વિરહમાં જશોદા, રાધા કે ગોપ-ગોપીઓ જ નહિં … કદમ્બની ડાળીઓ, યમુનાનાં નીર, અને વેણુ પણ વિરહની વેદના અનુભવતાં હતાં અને કવિ વેદનાની એ પળોને આ ગીતમાં કંડારી છે.
.
