Archive for the ‘ગદ્યકાવ્ય’ Category
ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ
Friday, January 30th, 2009
પૂજ્ય બાપુ -
હા, ગાંધી બાપુ…. મળ્યા’તા ! એક વાર,
પૂછતા’તા ભારતને કેમ છે ?
મેં કહ્યું, બાપુ, હજુય બીજી ઑકટોબરે રજા રખાય છે.
ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા ય થાય છે…..’
કોઈ વડીલ પૂછે છે…. શું છે આજે ?
અને આનંદની વાત એ છે કે,
યાદ કરાવીએ એટલે યાદ પણ આવી જાય એમને !
પણ જો બીજી ઑકટોબરે રવિવાર આવે તો,
આપને યાદ કરતાં બીજું વરસ આવી જાય છે.
રજા તો રવિવારની જ હોય ને ?
સિદ્ધાંતો ! સત્ય ! અહિંસા ! અપરિગ્રહ !
……..અઘરાં શબ્દો છે.
હા ! ખાદીની પ્રૉડક્ટમાં વળતર અપાય છે, આખો મહિનો, ઑકટોબર .
પણ ૩૦ જાન્યુઆરીની બહુ યાદ નથી આવતી,
અને એમાં પણ એમનો વાંક નથી.
એક જ વ્યક્તિનાં કેટલા પ્રસંગો યાદ રહે ? બીજાં કામ પણ હોય ને !
- ચંદ્રકાંત નિર્મલ
બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ……
Pre-Scription : સુરેશ દલાલ
Saturday, October 11th, 2008
તમને તારાઓની બારાખડી ઉકેલતાં આવડે છે ?
- તો લખો.
તમને ફૂલોની પાંખડીમાં પ્રવેશતાં આવડે છે ?
- તો લખો.
તમને ક્ષણની આંખડીમાં કશુંક આંજતાં આવડે છે ?
- તો લખો.
તમને રણના વિષાદને મૃગજળથી માંજતાં આવડે છે ?
- તો લખો.
તમને આંખમાં આવેલા વાદળને નહિં વરસાવતાં આવડે છે ?
- તો લખો.
તમને મેઘધનુષને સુક્કી ધરતી પર વાવતાં આવડે છે ?
- તો લખો.
તમને લોકોની વચ્ચે તમારી સાથે રહેતાં આવડે છે ?
- તો લખો.
તમને તમારાથી છૂટાં પડતાં આવડે છે ?
- તો લખો.
તમને કંઈ પણ આવડતું નથી
એ અવસ્થા પર ઊભા રહેતાં આવડે છે ?
- તો લખો -
- સુરેશ દલાલ
સુરેશદાદાના પ્રશ્નો અઘરાં લાગે કદાચ બધું ના પણ આવડે તો કંઈ વાંધો નહીં. સુરેશદાદાએ prescription છેલ્લી પંકિતમાં આપી દીધું જ છે. અને તે જો શીખી ગયા પછી તો બધું જ આવડી જ જશે, ખરુંને ? આજે સુરેશદાદાનાં જન્મદિને તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ……
હું એક જ છું : ચંદ્રકાંત બક્ષી
Wednesday, August 20th, 2008
“અને એક સાંજે હું ચાલ્યો જઈશ ધુમાડો પહેરીને,
ફક્ત બાલ્કનીના તડકામાં મારો સલ્ફયુરિક મિજાજ તરતો હશે…”
આજે ચંદ્રકાંત બક્ષીનો જન્મદિન …… બક્ષીબાબુ આપણી વચ્ચે નથી પણ એમનો સલ્ફયુરિક મિજાજ જ્યારે “એકો અહં, દ્વિતીયોનાસ્તિ”ની વિભાવના કરે ત્યારે તેમના માટે માનવું જ રહ્યું કે, “હું એક જ છું, મારા જેવો બીજો નથી.”
જીવનના અંતિમ ઉચ્છ્ર્વાસ સુધી
જીવન સમાપ્ત થતું નથી.
આ પૃથ્વી પર જન્મેલો દરેક માણસ એક જ છે.
પહેલો પુરુષ એકવચન છે, એ બીજો નથી.
એ અદ્વિતીય હોય અથવા ન હોઈ શકે.
પણ એનો દ્વિતીય નથી,
એના અંગૂઠાની છાપ, એના અક્ષરોના મરોડ,
એના અવાજની ગહરાઈ, એના ચહેરાની રેખાઓ,
એના અનુભવનો ગ્રાફ,
એના ભૂતકાળના ઉભાર ઉતાર,
એના રક્તસંબંધો અને દિલસંબંધો,
એનું પતિત્વ-પિતાત્વ-પુત્રત્વ અને સ્વત્વ અને
અંતે કૃતિત્વ છંટાઈ છંટાઈને
એક એવા બિંદુ પર આવીને ઊભા રહી જાય છે
જ્યારે કહી શકે છે :
એકો અહં, દ્વિતીયો નાસ્તિ …..
ન ભૂતો ન ભવિષ્યતિ …..
હું એક જ છું .
મારા જેવો બીજો નથી.
- ચંદ્રકાંત બક્ષી
