Archive for the ‘ગાંધીજી’ Category

  • અપેક્ષા : વિપિન પરીખ
  • ઓ યુગના અવતારી ! : ‘ગની’ દહીંવાલા
  • ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’
  • ગાંધી : રાજેન્દ્ર શાહ
  • ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ
  • ગાંધીજીને : કૃષ્ણલાલ શ્રીધરાણી
  • પયગંબર શ્રી ગાંધી : ફૂલચંદ
  • યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી


  • પયગંબર શ્રી ગાંધી : ફૂલચંદ

    Saturday, October 2nd, 2010

    .

    ( પયગંબર શ્રી ગાંધી )

    ,

    જંગ ભારતી તણો સુકાની, પયગંબર શ્રી ગાંધી;
    સત્ય અહિંસા શસ્ત્રે ઝૂઝે, પયગંબર શ્રી ગાંધી.

    સૂકલકડી છે કાયા જેની, આત્મ શક્તિ છે અગાથ એની,
    માટીમાંથી કરે માનવી, પયગંબર શ્રી ગાંધી.

    ગિરમીટને વિદારનારો, ચંપારણને ઉગારનારો,
    દુખિયાં કાજે પ્રાણ પાથરે, પયગંબર શ્રી ગાંધી.

    દુશ્મનને એ દોસ્ત બનાવે, કાયરમાં શૂરાતન લાવે,
    આઝાદી આતશ પ્રગટાવે, પયગંબર શ્રી ગાંધી.

    અબળાને સબળા કરનારો, ખેડૂમાં હિંમત ભરનારો,
    અંત્યજની વહારે ધાનારો, પયગંબર શ્રી ગાંધી.

    નિર્ભયતા સ્થળ સ્થળ ફેલાવી, સત્યાગ્રહીની ફોજ બનાવી,
    જુગ જુગ જીવો સહુનો પ્યારો, પયગંબર શ્રી ગાંધી.

    - ફૂલચંદ

    .

    જેણે ભારતને આઝાદીનાં શ્વાસ લેતો કર્યો તે પયગંબર ગાંધીજીને તેમનાં જન્મદિને શત શત વંદન .  લગભગ ૧૯૩૦ની આસપાસ રચાયેલી આ રચના ગાંધીજીનું સરળ ભાષામાં સુંદર શબ્દચિત્ર દોરી આપે છે. તે સમયે પ્રભાતફેરીમાં આવી રચનાઓ લલકારી લોકોને આઝાદી મેળવવા પાનો ચઢાવતાં.

    .

    .

    .

    ગાંધી : ભાવેશ ભટ્ટ ‘મન’

    Saturday, January 30th, 2010

     

    gandhi1

     

    ઓફિસની સાફસફાઈ કરતાં

    પ્યુનને બોલાવી,

    મેં ગાંધીજીનાં ફોટા પર

    જામી ગયેલી ધૂળ બતાવી,

    અને ધમકાવતાં સ્વરે

    ફોટો નહિં સાફ કરવાનું કારણ પૂછયું.

    ખૂબ જ નિખાલસતાથી

    એણે જવાબ આપ્યો.

    “સાહેબ, હું આ ફોટો

    સાફ નહિં કરું.

    જેટલી વાર સાફ કરવા જઉં છું

    મારો ગાફો ભીનો થઈ જાય છે

    અને પછી સૂકાતો જ નથી.

    - ભાવેશ ભટ્ટ ‘મન’

     

    ગાંધી નિર્વાણ દિને યુગપુરુષને વૅબમહેફિલ તરફથી શબ્દાંજલિ. તેમનાં વ્યક્તિત્ત્વને કોઈ પૂર્વભૂમિકાની જરુર નથી, તેમ આજની રચનાને પણ.   જો તેમનો ફોટો આપણા ઘરમાં હોય તો.. ?!!

     

     

    .

    ગાંધી : રાજેન્દ્ર શાહ

    Saturday, January 30th, 2010

     

    gandhi on yaravadachakra, rantio.

     

    મન
    યરવડાચક્ર,
    ત્રાક પર કંતાય છે
    પીળાં ફૂલની પરિણતિનો શ્વેત પોલ,

    તસુતસુ તંતુની સળંગસૂત્રતા
    કારુણ્ય,
    કોટિ કોટિ ઉઘાડાં અંગનું આચ્છાદન
    પીળા ફૂલનું શ્વેત ચીવર.

    શ્વેત એવું હાસ્ય,
    બોખે મુખ એકલ બે દંત.
    વાર્ધક્યનું સરલ શૈશવ મલકંત.
    સંસારનાં લીલાં લીલાં સકલ ગરલ
    હ્રદયની મથનીમાં ઝિલાય,
    વલોવાય;
    ઉદ્વેગ ક્ષોભ ને શમન
    સંજીવની સુધા તરે વિપુલ ધવલ.

    નયન
    નિર્મિતિનું આદિમ સ્વપન,
    અચર અંધારની ક્ષિતિજ, શ્વેત કોર,
    દ્યુતિપુંજ નિહારિકા,
    બહુલ વિશ્વનાં
    રુપ-રંગનું ભવન એકલ અધિકરણ.

    કટિ પર ઝૂલી રહ્યો કાલ,
    અધખુલ્લા ચરણની એકડગ ચાલ.
    બલિના યજ્ઞને ક્ષેત્ર
    અકિંચન વામન
    તે
    અવર ન
    વિષ્ણુ ત્રિવિક્રમ;
    રટે
    એક મંત્ર
    રા…મ.

    - રાજેન્દ્ર શાહ

     

    ગાંધીજીને સંલગ્ન પ્રતિકો દ્વારા આબેહૂબ રેખાચિત્ર રાજેન્દ્ર શાહની શબ્દપીંછીએ દોર્યું છે.

    શબ્દાર્થ : યરવડાચક્ર – એક પ્રકારનો રેંટિયો ( as shown in snap, it has sleeping wheels not standing ) , ચીવર – ફાટેલું કપડું, ગરલ – ઝેર, નિર્મિતિ – નિયતિ.

     

     

    .

    ઓ યુગના અવતારી ! : ‘ગની’ દહીંવાલા

    Friday, October 2nd, 2009

     

    gandhi 

    ચાલીસ કોટિ બાળ રડે છે પોકારી પોકારી, ઓ યુગના અવતારી !
    ધન ધન તારી જીવનયાત્રા, ધન ધન જનની તારી, ઓ યુગના અવતારી !

    માનવતાની સીમા સમ તું, વૈષ્ણવજનની વ્યાખ્યા સમ તું,
    સત્ય વચનની શ્રદ્ધા સમ તું, અહિંસાના વ્રતધારી,
    ઓ યુગના અવતારી !

    જ્યાં પાથરતો તું અજવાળાં ત્યાં છે વાદળ કાળાં કાળાં,
    દિવ્ય પ્રભાકર અસ્ત થયો તું, છે રજની અંધારી,
    ઓ યુગના અવતારી !

    પરવશતાનું ભાન કરાવ્યું શિક્ષણ દઈ સ્વરાજ્ય આપ્યું,
    સાગરને તળિયે બેઠેલી નૌકાને તેં તારી,
    ઓ યુગના અવતારી !

    - ‘ગની’ દહીંવાલા

     

     ગાંધીજીનાં જન્મદિને ગનીચાચાની કલમે આદરાંજલિ… !!  આજે ચાલીસ કોટિ બાળ, પૂરાં સો કોટિ થઇ ગયાં છે પણ પરિસ્થિતિમાં ઝાઝો ફેર નથી. આજે પણ, અમે કોઇ ‘ગાંધી’નાં પુનિત પગલાંની રાહ જોઇ બેઠા છીએ.

     

     

    .

    અપેક્ષા : વિપિન પરીખ

    Friday, October 2nd, 2009

     

    સાયરન

    ( જે યુદ્ધમાં પણ વાગતી હતી ! )

    બે મિનિટનું મૌન !

    બે મિનિટના મૌનમાં સમાવી શકાય

    હિંદુસ્તાનનાં કેટલાં આંસુ ?

    ગાંધી આજે જીવતા હોત તો ?

    - તો પણ શું ?

    મારી લાચાર મુટ્ઠીમાં તાકાત ભરવા

    ગાંધી કેટલી વાર જનમ લેશે ?

    આખરે એક સંત – કોઈ પણ સંત

    મારે માટે જનમ લઈ લઈ

    કેટલી વાર ગોળી ખાશે ?

    હું કેટલા ભવ સુધી માટીપગો રહીશ ?

    - વિપિન પરીખ

     

    જેના થકી આજે આપણે આઝાદીનાં શ્વાસ ભરી શકીએ છીએ, તેણે પૃથ્વી પર આજે પહેલો શ્વાસ લીધેલો.  ગાંધીજીનાં ૭૦મા જન્મદિને આઇન્સ્ટાઇને કહેલું,  “આવનારી પેઢી કદાચ જ માનશે કે, પૃથ્વી પર લોહી-માંસથી બનેલ આવા માણસનાં પગલાં પડ્યા’તાં.” 

    Albert Einstein : Generations to come, it may be, will scarcely believe that such a one as this ever in flesh and blood walked upon this earth.[ A statement on the occasion of Gandhi's 70th birthday (1939) ]

    આજે આઝાદીનાં ૬૨ વર્ષે પણ ‘જૈસે થે’ ની સ્થિતિ જ રહી છે. વિપિન પરીખ કહે છે એમ, ક્યાં સુધી કોઇના આવવાની રાહ જોઇશું ? કારણ ગાંધીજી તો ગનીચાચા કહે છે એમ, ઓ યુગના અવતારી ! અને તેઓ વારે વારે જન્મ નથી લેતાં…. !!

     

     

    .

    ગાંધી બાપુ : ચંદ્રકાંત નિર્મલ

    Friday, January 30th, 2009

    .

    પૂજ્ય બાપુ -

    હા, ગાંધી બાપુ…. મળ્યા’તા ! એક વાર,

    પૂછતા’તા ભારતને કેમ છે ?

    મેં કહ્યું, બાપુ, હજુય બીજી ઑકટોબરે રજા રખાય છે.

    ગાંધી આશ્રમમાં પ્રાર્થનાસભા ય થાય છે…..’

    કોઈ વડીલ પૂછે છે…. શું છે આજે ?

    અને આનંદની વાત એ છે કે,

    યાદ કરાવીએ એટલે યાદ પણ આવી જાય એમને !

    પણ જો બીજી ઑકટોબરે રવિવાર આવે તો,

    આપને યાદ કરતાં બીજું વરસ આવી જાય છે.

    રજા તો રવિવારની જ હોય ને ?

    સિદ્ધાંતો ! સત્ય ! અહિંસા ! અપરિગ્રહ !

    ……..અઘરાં શબ્દો છે.

    હા ! ખાદીની પ્રૉડક્ટમાં વળતર અપાય છે, આખો મહિનો, ઑકટોબર .

    પણ ૩૦ જાન્યુઆરીની બહુ યાદ નથી આવતી,

    અને એમાં પણ એમનો વાંક નથી.

    એક જ વ્યક્તિનાં કેટલા પ્રસંગો યાદ રહે ? બીજાં કામ પણ હોય ને !

    - ચંદ્રકાંત નિર્મલ

    .

    .

    બીજાં બધાં કામો વચ્ચે – જેણે આઝાદીના શ્વાસ આપ્યાં તેનાં શ્વાસ ખૂટ્યાની તારીખ ભૂલી જઈએ તે પહેલાં તેમની પુણ્યતિથિએ શત શત વંદન સહ……!

    .

    .

    .

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME