Archive for the ‘ગાંધીજી’ Category
ગાંધીજીને : કૃષ્ણલાલ શ્રીધરાણી
Thursday, October 2nd, 2008
દાહભરી આંખો માતાની,
તેનું તું આંસુ ટપક્યું,
બળી રહ્યું અંતરમાં કિન્તુ,
સૌ પાસે મીઠું મલક્યું.
મૈયાના ઓ ગાંધી વીર !
અર્પું છું હૈયાનાં હીર !
ભારતના દુ:ખે દુભાઈ,
કુદરતની કરુણા ઊતરી;
સંસ્કૄતિ ને સ્વાંત્ર્ય ભરીને,
ભારતને અંગે પમરી.
વંદન ઓ કુદરત સંદેશ !
ધન્ય થયો તું ભારતદેશ !
- કૃષ્ણલાલ શ્રીધરાણી
(૧૨.૯.૧૯૨૭)
ગાંધીજીનો આજે જન્મદિન અને સાહિત્યમાં ‘ગાંધીજીનું પ્રદાન’ વિષે જો સંશોધન કરીએ તો અનેક નવાં દ્વાર ખૂલ્યાં લાગશે. ૧૯૧૫-૨૦ની આસપાસ એક નવો જ પ્રકાર સાહિત્યમાં સ્વતંત્રતા વિષય સિવાય ગાંધીપ્રણાલીપર ખેડાયો. જેનો અવાજ કાવ્ય કે ગઝલમાં પડઘાયો. તો મહાદેવભાઈ દેસાઈની ડાયરીએ પણ સાહિત્યમાં અનોખું પ્રદાન કર્યું જે પણ એક નવો જ પ્રકાર ગુજરાતી સાહિત્ય માટે હતો. અને ‘ગાંધીકથા’ પણ ….હા જેમ રામકથા કે ભગવદ્.ગીતાની કે સત્યનારાયણની કથા હોય છે તેવી જ રીતે નારાયણભાઈ દેસાઈ ‘ગાંધીકથા’ પણ પ્રસ્તુત કરે છે. આ યુગપુરુષે જેટલું મહાન કાર્ય કર્યું છે તેને મૂલવવામાં કદાચ આપણાથી થોડોક અન્યાય થયો હશે પરંતુ આજ દિનપર્યંત કોઈ વ્યકિતની કથા થતી હોય તેવું સાંભળવામાં નથી આવ્યું. સાચે જ, કૃષ્ણલાલ શ્રીધરાણી કહે છે એમ,’ધન્ય થયો તું ભારતદેશ !’ અને તેમણે આ રચના લખી ત્યારે તેમની ઉંમર હતી માત્ર સોળ વર્ષ… !!
યુગવણકર : કૃષ્ણલાલ શ્રીધરાણી
Friday, September 26th, 2008
વણઢાંક્યા જગનો સાદ, સાંભળ યુગ ચાદર વણનાર !
હિમ શિયાળે ધરણી ધ્રૂજે , મેઘની છૂટે ધાર !
દેહ તણી મરજાદ છુપાવા, ચીંથરાનો ન આધાર ! – સાંભળ.
વર્તમાને તેં પાટલી માંડી , ખાંભી અનંતને આર !
ભૂતને તાણે ભરતો જાતો, ભાવી તરંગના તાર ! – સાંભળ.
છેડલે મૂકી અહિંસાની આરી , સાચની હીર કિનાર !
આત્મવિલોપન, આતમ મોચન, કાંજી થકી સંચાર ! – સાંભળ.
પથ્થરની અણભેદ દીવાલો , રૂંધતી વણકર કાર;
ઈંટચૂના વીંધી તાંતણા થાતા, વિશ્વમાં એકાકાર ! -સાંભળ.
- કૃષ્ણલાલ શ્રીધરાણી
ગાંધીજીને ‘જુવાન ડોસલો’ કહેનાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ તેમને ‘યુગવણકર’ કહીને પણ બિરદાવ્યા છે. રેંટિયા પર ખાદી કાંતતા ગાંધીજીએ આ સ્વતંત્રતાની ચાદર કેમ વણી તેનું સુંદર વર્ણન કાવ્યમાં કવિએ કર્યું છે. કલકત્તામાં જોયેલ ગરીબ સ્ત્રીવાળી ઘટનાનો ઉલ્લેખ કરતાં કહે છે ‘દેહ તણી મરજાદ છુપાવા,ચીંથરાનો ન આધાર !’ અને પછી ભૂતકાળના તાણાવાણાને વણતાં ભાવિનાં તાર આઝાદીના જોડાઈ જાય છે. તો આ ચાદરને અહિંસાની અને સત્યરૂપી હીર (રેશમ)ની કિનાર પણ મૂકી છે. આજે રેંટિયાબારશે આ ‘યુગવણકર’ને લાખો સલામ….!!
