Archive for the ‘ગીત’ Category
વરસાદે વરસાદે કોરા : મકરંદ મૂસળે
Wednesday, July 20th, 2011ઝાપટા ની જેમ જાણે છેતરવા નીકળે, ને આપણ ને એમ કે ભીંજાશું,
દરિયાની જેમ જાણે હિલ્લોળા લેતી એ આંખો માં ડૂબકાઓ ખાશું.
કોરીધાકોર જેવી વાદળીનાં દરવાજે, મારીએ લ્યા આપણે ટકોરા.
આપણે તો વરસાદે વરસાદે કોરા.
માર માર આવ્યો ને ધોધમાર વરસ્યો, ત્યાં આપણે તો પાછા મૂંઝાણા,
માથા ઉપર ની આ છતમાંથી ડોકાણાં, ક્યાંથી તિરાડ ? ક્યાંથી કાણાં ?
સાવ જ ઉલેચી ઉલેચી ને થાક્યા, આ જિન્દગીના ખાલી કટોરા.
આપણે તો વરસાદે વરસાદે કોરા.
વરસાદ ભીંજવે : રમેશ પારેખ
Tuesday, July 19th, 2011.
( મને ભીંજવે તું ….. તને વરસાદ ભીંજવે )
.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે
- રમેશ પારેખ
.
નહીં છાલક, નહીં છાંટા - ભર ઉનાળે ય, સોળે કળાએ ખીલેલા આ ચોમાસામાં માંહ્યલો લથબથ ભીંજાઇ જાય તેવું ગીત !
.
.
.
.
વર્ષા : ઝવેરચંદ મેઘાણી
Monday, July 18th, 2011.
( ભીડેલા આભને ભેદી … આવ રે આવ અહીં ચાલી )
.
ભીડેલા આભને ભેદી કો’ રાજબાળ તાળીઓ પાડતી છૂટી,
બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.
ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,
લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા સૂરજને ચૂમે.
રુંધ્યાં જોબન એના જાગી ઊઠ્યાં રે આજ, કાજળ ઘૂંટે છ (છે) કાઠિયાણી,
નવરંગી ચૂંદડીના ચીરા ઉરાડતી (ઊડાડતી) કોને ગોતે છ મસ્તાની !
કોને પાવાને કાજ સંચી રાખેલ હતી આ વડલાની દૂધની કટોરી!
ચાંદા-સૂરજની ચોકી વચ્ચેય તુંને કોણ ગયું શીખવી ચોરી !
સંધ્યાને તીર એક બખ્તરિયો જોધ ને ઘોડલાની જોડ મેં દીઠી;
એની બેલાડમ ચડી, ક્યાં ચાલી એકલી, ચોળી તું તેજની પીઠી ?
નિર્જન ગગનના સીમાડા લોપતી, આવ રે આવ અહીં ચાલી;
સૂતી વસુંધરાને વીજળ સનકાર કરી, પાતી જા ચેતનાની પ્યાલી.
- ઝવેરચંદ મેઘાણી
.
.
હે…ઇને બાપુને ચોરે ડાયરો જામિયો હોય …. ને, વરહાદ જો ધાઈડ પાઇડે, ને ત્ઇંયે, જો બાપુ વરહાદનું ગાણું ગાય તો ? - હા, આજે ભીંજાઈશું કાઠિયાવાડી વરસાદમાં ઝવેરચંદ મેઘાણીની કલમે. અંબોડલાની એક જ લટને હજુ તો છૂટી કરી, આંખ્યુંમાં કાજળ આંજી, તેજ ની પીઠી ચોળી, કોઇ રાજબાળાની જેમ વર્ષા આવી રહી છે અને કવિ તેને આવકારતાં ગાઇ ઊઠે છે, આવ રે આવ અહીં ચાલી, પાતી જા ચેતનાની પ્યાલી !!
.
.
.
.
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ! : ધ્રુવ ભટ્ટ
Saturday, July 16th, 2011.
( નીતરશે ….. વાડ પરે સૂતેલી લીલાશ , ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ! )
.
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં,
વાડ પરે સૂતેલી સઘળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું,
ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું.
કાલ સુધી રહેતા’તા આપણે ને કાલથી તો વાછટો રહેશે મકાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાંને થાય એવું ઘાસને,
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતાં ગામને.
તમને યે થાય ચાલ ટહુકો થઈ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં,
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં.
- ધ્રુવ ભટ્ટ
.
.
પહેલો વરસાદ – ભીંજવી તો ગયો પણ આઠ મહિનાની અંતરની કોરપ હજુયે મનને કોરે છે…. અને ત્યારે ગોરંભાયેલા આભને ચાતક નજરે તાકતી આંખો અને કોરું દિલડું - સાવ અંગત અને પોતીકી ક્ષણોમાં શરુ કરે છે ગુફતેગો ! જોજેને, રોજેરોજ ઊંચેથી આરપાર સરી જતું આકાશ હવે ઊતરશે ધોધમાર હેઠું, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…. ! અને ધોધમાર વરસવાની વાત સાંભળી – મનડું કહે છે, ચાલ ટહુકો થઇ જઉં અને ગહેકું રે પાનમાં ! શું આપણને થાય – એવું વાદળને, ઝરણાંને, ઘાસને, ડુંગરને ય થતું હશે ???
જો નેવેથી દદડતું ગામ, ડુંગરેથી ખળખળ વહેતું ઝરણ બની શકે તો - કેમ નહિં ?!! એનેય થતું જ હશે !
.
શબ્દાર્થ : રાન – ગાઢ જંગલ.
.
.
.
.
આ પ્રથમ વરસાદમાં : તુષાર શુક્લ
Friday, July 15th, 2011.
.
આ પ્રથમ વરસાદમાં ચલ બ્હાર જઈએ
આવ તું ! અસ્તિત્વથી મલહાર ગઈએ
ચાલ, આપણ બેઉ મૂશળધાર થઈએ
ભીંજીએ એને જ બસ વરસાદ કહીએ -
આભ ધરતી પ્રણય રત ભીંજાય ભીંજે
આપણે પણ ક્યાં સુધી કોરાં રહીએ ?-
જે હતું બંધન મહીં તે પીગળ્યું છે
આવ, ઓગળીએ, અનગર્ળ આવ વહીએ -
- તુષાર શુક્લ
.
.
ચાર ચાર મહિનાના ધોમધખતા તાપ બાદ આખરે મેઘરાજાએ મહેર કરી ખરી… ! અને સૌ પલળ્યા પણ હશે જ … પણ ખાલી પલળ્યાં જ કે થોડું ભીંજાયા પણ ?!! જો હજી પણ કોરાં રહી ગયા હશો તો પણ – વરસાદી ગીત ગઝલોમાં ચોક્કસ ભીંજાઇ જશો. તુષારભાઇનાં શબ્દોમાં – જે જડ હોય એ માત્ર પલળે, જીવંત હોય એ જ ભીંજાય. પહેલો વરસાદ તો આવી ગયો પણ પ્રથમ વરસાદ ખરેખર કોને કહીશું ?
પહેલો વરસાદ કોને કહેવો ? આપણા જન્મ પછીના પહેલા ચોમાસે જે પહેલી વાર વરસ્યો એ ? કે જેમાં આપણે પહેલી વાર પલળ્યા તે ? પહેલો વરસાદ કદાચ એ કે , જેમાં ભીંજાયાં હોઇએ. અથવા સાથે ભીંજાવાની ઇચ્છા થૈ હોય. કોઇ કારણે સાચેસાચ ભીંજાવાનું ભલે ને ન ય થયું હોય – પણ, પહેલો વરસાદ એટલે આ ….. છત્રી નીચે ય ભીંજવી જાય તે જ પહેલો વરસાદ !
.
તુષારભાઇ કહે છે, છત્રી નીચે ભીંજવી જાય તે જ પહેલો વરસાદ ! પણ , તેમનું આ ગીત વાંચીને તો વગર વરસાદે પણ ભીંજાઈ જશો !
.
.
.
.
ક્રિકેટરનું ભજન : નિર્મિશ ઠાકર
Wednesday, March 30th, 2011.
યારી આપે એ પીચ સારી,
સંસાર મહીં યારી આપે એ પીચ સારી !
મર્યાદિત ઓવરની મેચ સમું આયખું
તું વીંઝ ભલે આમતેમ બેટ
ઉપરનો અમ્પાયર ઊંચકી દે આંગળી
જ્યાં જમડા પૂછે કે હાઉ’ઝ ધેટ ?
સાવ સસ્તામાં મેચ જશો હારી !
સંસાર મહીં યારી આપે એ પીચ સારી !
ડેડ પીચ ઉપર પણ અણધાર્યા ટર્ન મળે
અનહદના થાય જો ઇશારા
ખેલો ડિફેન્સ તોયે સર્જાતા સ્ટ્રોક
ખેલ ગેબી ને ફિલ્ડર બિચારા !
ભયી કરમનકી ગતિ ન્યારી !
સંસાર મહીં યારી આપે એ પીચ સારી !
સંસારી હૂક જાય ખાલી, નો ગેરન્ટી !
સંતોની સ્ક્વેર કટ સારી
કાહે કોચિંગ નાહી લેવત હૈ સંતનકા
લમ્બી જો ખેલની હો પારી !
સંસાર મહીં યારી આપે એ પીચ સારી !
- નિર્મિશ ઠાકર
.
.
આજે તો, બસ ક્રિકેટની જ વાત …. World-Cup તો જાણે જીતી પણ જવાય. પણ સંસારરુપી ખેલમાં પણ, જો પીચ સારી મળે તો જ જીતવાની આશા. અને એટલે જ, સંતો જે સ્કવેર કટ શીખવાડે તે શીખી લેવામાં જ શાણપણ. મેચ જીતીએ કે હારીએ, રમત કેવી રમીએ છીએ એ જ મહત્વનું છે, ખરું ને ?
.
.
.
.






