Archive for the ‘ગુજરાત’ Category

  • ગુજરાતમાં : મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
  • આ ગુજરાત છે : ‘નાઝિર’ દેખૈયા
  • ગુજરાતની : મનહર ‘દિલદાર’
  • ગુજરાતમાં : ધૂની માંડલિયા
  • ગુણવંતી ગુજરાત : અરદેશર ખબરદાર
  • ગુર્જરીસ્તોત્ર : ઉશનસ્
  • સપ્તરંગી ગુજરાત : ભાગ્યેશ જ્હા
  • હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી
  • હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા


  • ગુજરાતની : મનહર ‘દિલદાર’

    Sunday, May 1st, 2011

    .

    .

    કોણ કે’ છે કે નમાલી છે પ્રજા ગુજરાતની ?
    શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.

    ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની,
    કઇ કહું ? કઇ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.

    આ, અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં,
    ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.

    મશ્કરી મારી કરશો તો હું સાંખી લઈશ,
    પણ નહિં સાંખી શકું નિર્ભત્સના ગુજરાતની.

    છે ભલેને માળવાની મેંદી તેથી શું થયું ?
    રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.

    રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’,
    એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.

    આ હૃદયના ટાંકણા પર કોતરી ને રાખીશું,
    રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.

    આ, વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો,
    ક્યાંય નહિં જડશે તમોને જોડ આ ગુજરાતની.

    એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના,
    પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.

    ઝાઝું તો હું શું કહું એ સુરભૂમિથી પણ અધિક,
    વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.

    એમની પાસેથી હું ‘દિલદાર’ માંગું શું બીજું ?
    સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.

    - મનહર ‘દિલદાર’

    .

    .

    સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી નિમિત્તે , ગુજરાત સરકાર દ્વારા  દરેક ક્ષેત્રમાં પ્રગતિકારક કાર્યો હાથ ધરવામાં આવ્યાં અને તેમાં મહ્‍દ અંશે સફળતા પ્રાપ્ત પણ થઈ છે.  નરેન્દ્ર મોદી કહે છે તેમ, ગુજરાતનાં સ્વર્ણિમ યુગની શરુઆત થઈ ચૂકી છે.  આપ સૌ ગુજરાતીઓને આપણું ગુજરાત વિકાસ અને પ્રગતિનાં પંથે વધુ ને વધુ પગલાં ભરે તેવી હાર્દિક શુભેચ્છાઓ.  ગુજરાત અંગેની વધુ રચનાઓ માણવા ક્લિક કરો.

    .

    .

    .

    .

    સપ્તરંગી ગુજરાત : ભાગ્યેશ જ્હા

    Thursday, May 6th, 2010

     

    saptarangi gujarat

    ( સપ્તરંગી ગુજરાત … સ્વર્ણિમ ગુજરાત ) 

    ( ઑડીયો ફાઇલ )

    સ્વર :  પાર્થિવ ગોહિલ, ગાર્ગી વોરા, સ્વરાંકન :  મેહુલ સુરતી 

    સપ્તરંગી ગુજરાત, અમારું સપ્તરંગી ગુજરાત.
    ઝળહળતું ગુજરાત, અમારું સ્વર્ણિમ છે ગુજરાત.

    સાહસના સંતાન અમે દુનિયાભરમાં વસનારા,
    જ્યાં જઇએ ત્યાં ગુજરાતીતા પ્રગટ કરી લેનારા;
    સાહસ-શૌર્ય-સંઘર્ષ અમારા નોખી એની ભાત.
    અમારું સપ્તરંગી ગુજરાત.

    જે મળતું તે ભળતું અહીંયા, જ્યાં જઈએ ત્યાં ભળીએ,
    ગાંધી ને સરદાર બાગના ગુલાબ થઈને ખીલીએ;
    સેવા-સમરસ-સમાજભાવના, સહજ બને રળિયાત.
    અમારું સપ્તરંગી ગુજરાત.

    દરિયો દેશાવર દિલદારી, એ જ અમારી વાણી,
    વિશ્વ અમારું પરિવાર જ્યાં ગુજરાતી છે પાણી;
    માતૃભાષાને વ્હાલ કરંતા, મહેનત જ્યાં મ્હોલાત.
    અમારું સપ્તરંગી ગુજરાત.

    સ્વર્ણિમ સંકલ્પો જાગ્યા છે, જાગી છે મહાજાતિ,
    જય જય જય જય જય, બોલે હર ગુજરાતી;
    ઉરમાં ધબકે સૂરમાં છલકે વિકસે દિવસ રાત,
    અમારું સપ્તરંગી ગુજરાત.

    હે ગુજરાતી માણસ છે, ગુજરાતી ભાષા છે, ગુજરાતી અવસર છે, સ્વર્ણિમ આજે,
    ધમ ધમ ધમ ધમ ધમાટ, ગરવા ગુજરાત નો ડંકો વાગે,
    આપણા કામમાં, આપણા જ ગામમાં, આગળ વધવાનો રૂડો ઢોલ વાગે;
    આવો સૌ સાથે રહી કરીએ સંકલ્પ આજ, રંગ બધા દુનિયાનાં શોભે.

    - ભાગ્યેશ જ્હા

     

    ” સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની”  ગુજરાતની સુવર્ણ જયંતિનાં આ ગુજરાતી અવસરે  રમેશ ગુપ્તાનાં શબ્દો કેટલાં સાચાં પડી રહ્યાં છે ?!!   ગુજરાતની સુવર્ણ જયંતિ નિમિત્તે  ગુજરાત સરકાર દ્વારા ‘સ્વર્ણિમ ગુજરાત’ની કલ્પનાને સાકાર કરવા, ગુજરાતનાં સર્વાંગી વિકાસ માટે જરુરી કેટલીક યોજનાઓ નક્કી કરવામાં આવી.  તો  ગુજરાતનાં સ્થાપના દિને,  એક સુંદર સપ્તરંગી ગુજરાત કાર્યક્રમનું  ( વિડીયો by tv9 )પણ આયોજન કરવામાં આવ્યું,  જેનું ઉદ્‍ઘાટન ગુજરાતનાં ગવર્નર  ડૉ. શ્રીમતી કમલાએ કર્યું.   ( વિડીયો )    એ.આર.રહેમાનનાં સ્વરાંકનમાં ગરવી ગુજરાત ( વિડીયો )  માણવા માટે વિડીયો પર ક્લિક કરવું.  

    ગુજરાતનાં આ અનેરા ગુજરાતી અવસરને, ગુજરાતી માણસોએ કેવો ધમ ધમાટ ઉજવ્યો તેનાં સ્મૃતિચિહ્‍ન રુપ આ ગીત… અને અન્ય વિડીયો જરુર માણવું ગમશે.  ” અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ, બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.”  – હરદ્વાર ગોસ્વામીનાં આ શેર સાથે ગુજરાત વિષયક   કાવ્યોને અટકાવવાં નથી પણ તેને ( અને ગુજરાતને )  વિસ્તારવાની મહેચ્છા સાથે આવતી કાલથી કશુંક અન્ય અવનવું માણીશું. 

     

    .  

    ગુજરાતમાં : ધૂની માંડલિયા

    Wednesday, May 5th, 2010

     

    વર્ષો પછી નકશો નવો દોરાય છે ગુજરાતમાં,
    વર્ષો પછી તાજી હવા ફોરાય છે ગુજરાતમાં.

    ગંગા તને તો આશરો કેવળ હતો એક શિવનો,
    પણ નર્મદા તો, સર્વથી પોંખાય છે ગુજરાતમાં.

    જ્યારે સમયને થાય કે અવતારવો છે યુગપુરુષ,
    ત્યારે બધું છોડી, સમય, રોકાય છે ગુજરાતમાં.

    મારગ હશે નક્કી અને લક્ષ્યાંક ચોખ્ખાં હોય તો,
    મંઝિલ સુધી આરામથી પહોંચાય છે ગુજરાતમાં.

    પીઠે છરીનો ઘા એ ઓળખ નથી ગુજરાતની,
    મર્દાનગી તો પાળિયે કોળાય છે ગુજરાતમાં,

    આવીશ શ્રદ્ધા સાથ તો ખોબો નહીં ખાલી રહે,
    ધનધાન છલકાયાં પછી ઢોળાય છે ગુજરાતમાં.

    - ધૂની માંડલિયા

     

    ગુજરાતનો પ્રાચીન ઐતિહાસિક વારસો જ તેની ઓળખ માત્ર નથી.  પચાસ વર્ષોમાં ગુજરાતે ઘણી સિદ્ધિઓ પણ હાંસલ કરી અને નવો નકશો દોર્યો છે.  સમય ને બદલી નાંખનારા બે મોહન કૃષ્ણ અને ગાંધીનું ગુજરાત … જ્યાં વાત નર્મદાને પોંખવાની હોય કે નેનોને..  જો મારગ નક્કી હોય તો મંઝિલ સુધી આરામથી પહોંચાય છે ગુજરાતમાં.   ગુજરાતનાં પ્રાચીન વારસાની સાથે તેનું ગ્લોબલાઇઝેશન પણ જાણવું અને માણવું જ રહ્યું.  મદનકુમાર અંજારિયાનાં નયા ગુજરાતની કલ્પના ધૂની માંડલિયાની આ ગઝલમાં પૂરી થતી જોવા મળે છે. 

     

    .

    ગુજરાતમાં : મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

    Wednesday, May 5th, 2010

     

    શું છે ? પૂછો, શું નથી બોલો, નયા ગુજરાતમાં.
    ઉત્કર્ષનો ઉદ્યાન ખીલ્યો પૂર્ણતયા ગુજરાતમાં.

    સાવજ-ડણક, ગરવાનું ગુંજન, મસ્ત મેળા, ઉત્સવો,
    છે શક્તિ, ભક્તિ, રંગ-રોનક, પ્રેમ, દયા ગુજરાતમાં.

    ઘનશ્યામ, ગાંધી, આ વલ્લભ, નર્મદ, અખો, નરસિંહ સૌ,
    નરપુંગવો અવતારધારી થઈ ગયા ગુજરાતમાં.

    અદ્‍ભૂત આકર્ષણ રહ્યું છે ગુર્જરી માભોમમાં,
    છોડી ગયા, એ પણ પછી પાછા વળ્યા ગુજરાતમાં.

    સામર્થ્ય, સાહસ, શૌર્ય, સાક્ષરતાનો શુભ સંગમ અહીં,
    તલવાર પણ ખેંચાઈ, ઢોલિયાયે ઢળ્યા ગુજરાતમાં.

    શૃંગો, સરિતા, શિલ્પ-સ્થાપત્યો, ઘટા, વન, રણ, ઝરણાં !
    લ્યો, એ વચ્ચે નવયુગનાં ડંકા સાંભળ્યા ગુજરાતમાં.

    હર ‘ખ્વાબ’ને સાકાર કરતી ચેતના પ્રગટી હવે,
    સંશય ટળ્યા, આશય ફળ્યા, રંગો ભળ્યા ગુજરાતમાં.

    - મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

     

    નયા ગુજરાતની કલ્પના આ ગઝલમાં વ્યકત કરવામાં આવી છે અને તે કલ્પનાને આજે પચાસ વર્ષે પૂર્ણતયા સાકાર થતી આપણે જોઇ શકીએ છીએ. 

     

    .

    આ ગુજરાત છે : ‘નાઝિર’ દેખૈયા

    Tuesday, May 4th, 2010

     

    સ્વર્ગથીયે રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે,
    કોક દિ’ મ્હેમાન થા ભગવાન ! આ ગુજરાત છે.

    જ્યાં જશે ત્યાં આવકારો તુજને સાંપડશે જરુર,
    માન કે ના માન ઓ મ્હેમાન, આ ગુજરાત છે.

    સંત, સાધુ-ઓલિયાઓનાં અહીં છે બેસણાં,
    સાચવીને ચાલ ઓ ઇન્સાન ! આ ગુજરાત છે.

    શસ્ત્રવિણ તોડી ગુલામી કેરી જેણે શૃંખલા,
    એવાં પાક્યાં છે અહીં સંતાન, આ ગુજરાત છે.

    જ્યાં શિકારી પર કરે હુમલો ફરીને ખુદ શિકાર,
    લો વિચારો કેટલું બળવાન આ ગુજરાત છે.

    પુણ્ય પરખાયે પરિમલથી જ ‘નાઝિર’ એ રીતે,
    ભવ્ય ભારતનું અનુસંધાન આ ગુજરાત છે.

    - નાઝિર દેખૈયા

     

    સ્વર્ગથી યે રમ્ય એવું આ ગુજરાત છે, જેમાં ભગવાનને પણ ભૂલા પડવાનું મન થાય…. અને ત્યારે ઈશ્વરને  મીઠો આવકારો આપતાં છેલછબીલો ગુજરાતી ગાય છે … “  કાઠિયાવાડમાં કો’ક દિ’, ભૂલો પડ ભગવાન,  તારાં મોંઘેરાં કરું સન્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા”.   ભગવાનને ય સ્વર્ગ ભૂલાવી દે તેવું આ રમ્ય ગુજરાત એ તો ભવ્ય ભારતનું અનુસંધાન છે. અને સાંપ્રત કાળમાં તો મક્તા ઉચિત ઠરવાની શકયતા ઘણી જ વધી ગઇ છે.  એટલેકે, ” Vibrant Gujarat to Vibrant India “

     

    .

    હે ધરા ગુર્જરી ! : ભગવતીકુમાર શર્મા

    Monday, May 3rd, 2010

     

    હે ધરા ગુર્જરી ! તું અમારા મનોરથ તણી મંજરી !
    તે છતાં, કૂણી તુજ કાયથી, હાય, આ ધાર શોણિત તણી આજ શેં નિર્ઝરી ?

    તું જ નરસિંહનાં ભજનની ભોમકા, તું જ જયસિંહ કેરું પરાક્રમ,
    ત્‍હારામાં વસ્યું નગર નર્મદ તણું, પ્રેમને શૌર્યનો તું જ સંગમ,
    તું જ શ્રી કૃષ્ણના શંખનો નાદ છે, તું જ છે મિષ્ટ મોહન તણી બંસરી !
    હે ધરા ગુર્જરી !

    તું જ ગાંધી તણી જન્મદાત્રી ભૂમિ, તું જ વલ્લભ તણી ધન્ય ધરતી,
    સત્યને શાંતિનાં દિવ્ય સંદેશ સૌ તારી ગરવી ગિરા નિત્ ઉચરતી.
    તે છતાં ચાંદની જેવી તુજ હસ્તી પર, શેં ઝઝુમી ઊઠી શ્યામ આ શર્વરી !
    હે ધરા ગુર્જરી !

    તે છતાં હાથમાં રક્ત લઈને અમે, આજ કરીએ છીએ અડગ નિશ્ચય,
    તારી સેવા અને મુક્તિ માટે સદા, પ્રાણનો પણ કરીશું વિનિમય.
    પ્રેરણા કેરી તું મૂર્તિ છે માવડી ! તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી !
    હે ધરા ગુર્જરી !

    - ભગવતીકુમાર શર્મા

     

    ભારતની આઝાદી વિશે આપણે જેટલું જાણીએ છીએ તેટલું કદાચ ગુજરાત રાજ્યની સ્થાપના વિશે નથી જાણતાં.  બૃહ્દ મુંબઈની બે ભાષાઓએ બે રાજ્યોને જ્ન્મ આપ્યો.  અને તેમાં પણ વિકસિત મુંબઈ માટેનો વિવાદ કેટલો થયો હશે તેની  પણ કલ્પના કરી જ શકાય. જોકે, ધનિક વેપારીઓ સિવાય સામાન્ય જનતાને મુંબઈ મહારાષ્ટ્રમાં જોડાય તેનો વાંધો ન હતો.  પણ પ્રજાનાં હ્રદયમાં અલગ ગુજરાતનાં મનોરથ રુપી મંજરી  ફૂટી ચૂકેલી હતી.  અને  તેની કૂણી કાયાને રક્તથી સીંચી એટલે કે,  પ્રાણનો વિનિમય કરીને પણ તેની મુક્તિ અને સેવાનો અડગ નિશ્ચય કરે છે.  

    જે કવિ ” તું જ અમ ધ્યેયની ધન્યતમ છે ધરી ! “  એમ  ગાય છે.  ચાર વર્ષની મહાગુજરાતની ચળવળ બાદ,  ૧ મે, ૧૯૬૦નાં રોજ,  સાબરમતી આશ્રમ, અમદાવાદ ખાતે મૂકસેવક રવિશંકર મહારાજ અને ઈન્દુલાલ યાજ્ઞિક જ્યારે ગુજરાતની સ્થાપના કરે છે ત્યારે તે સમાચારનું  રીપોર્ટીંગ કરવા ભગવતીદાદા સુરતથી અમદાવાદ આવે છે.   ધરાની મુક્તિનો, નિશ્ચયની પૂર્તિનો  એ આનંદોલ્લાસ આજે પણ તેમનાં મુખ પર જોઇ શકાય છે.   જોકે, તેઓ હસતાં હસતાં ઉમેરે છે કે,  રીપોર્ટીંગ કરી પાછાં સુરત જતાં, તે જ દિવસથી શરુ થયેલી ગુજરાત એક્સપ્રેસમાં ટિકિટ બુક કરવા જતાં, કાઉન્ટર પરથી જવાબ મળે છે અરે… સાહેબ, બેસી જાઓને હજુ સુધી તો કોઇ બુકીંગ કરવા આવ્યું જ નથી. એટલે કે, ગુજરાત એક્સપ્રેસનાં પહેલાં પ્રવાસી તેઓ જ.  તો ગુજરાતની સ્થાપના થઈ તે જ દિવસે ફાધર વાલેસ ‘વગર ટિકિટે’ મુંબઈથી અમદાવાદ આવેલાં તે પણ સુંદર યોગાનુયોગ નથી !

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME