Archive for the ‘તરહી મુશાયરો’ Category

  • ગઝલ : ગૌરાંગ ઠાકર
  • ગઝલ : સુનિલ શાહ
  • મુક્તક : ગુણવંત ઠક્કર – ગઝલ : પંકજ વખારિયા


  • મુક્તક : ગુણવંત ઠક્કર – ગઝલ : પંકજ વખારિયા

    Tuesday, October 14th, 2008

     

     ~: મુક્તક :~

    *યાત્રીએ જોયા મઝાના તીર્થધામો દોસ્તો
    ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વર્ષો દોસ્તો
    ધર્મના પ્રહરી જ્યાં ખુદને ઈશ્વર અલ્લા માનતા
    ત્યાં કોઈ ઈશ્વર અને અલ્લા ન શોધો દોસ્તો

    - ગુણવંત ઠક્કર

     

    ઉદાસી જોઈ નથી બસ,ઉમંગ જોઈ ગયાં,
    ન જોયો કોઈએ દરિયો,તરંગ જોઈ ગયાં.

    સરે છે અર્થ શું સગવડથી કોણ સમજે છે,
    ઉજાગરા નથી જોયા,પલંગ જોઈ ગયાં.

    હું માનતો રહ્યો આકાશ,એ તો છે પીંજર,
    કહે છે એવું જે કોઈ,વિહંગ જોઈ ગયાં.

    આ કોણ એમના જેવું જ કાંઠે ચાલ્યાં હશે,
    પડેલ રેતમાં પગલાં,તરંગ જોઈ ગયાં.

    સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
    ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયાં.

    - પંકજ વખારિયા

    મિત્રો, અગાઉ આપણે ગનીવર્ષના ઉપક્રમે યોજાયેલ ‘તરહી મુશાયરા’માં ગૌરાંગભાઈ અને સુનિલભાઈની બે ગઝલો માણી. આજે ગુણવંતભાઈનું મુક્તક અને પંકજભાઈની ગઝલ રજૂ કરી ફરી ગનીચાચાને યાદ કરીશું. નાનકડા મુક્તકમાં ગુણવંતભાઈએ બહુ મોટી વાત કહી દીધી છે. હાલના સમય મુજબ પ્રજા પાસેથી જ આ અપેક્ષિત છે કે તેઓ જ ચેતીને ચાલે. સાધુને તો ઉપદેશ કોણ આપે ? સત્ય ઈશ્વર સિવાય કોઈ જાણતું નથી પણ ચેતવું પણ એટલું જરૂરી જ છે.

     

    ગઝલ : સુનિલ શાહ

    Saturday, October 4th, 2008

     

     તૂટેલા પાત્રથી હું જામ છલકાવી નથી શકતો,
    *સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શકતો.

    દીવાને રાખવાનાં સૌ પ્રયત્ન છે જ મારાં પણ,
    હવાને તેજ ફૂંકાતી હું અટકાવી નથી શકતો.

    નથી સમજાતું આંસુ છે કે છે કોઈ પથ્થર ?
    હું મારી પાંપણોનો બોજ ઊઠાવી નથી શકતો.

    જુઓને, ચાંદ પર જઈ આજ માણસ આભ માપે છે,
    એ પંખી જેમ તોયે પાંખ ફેલાવી નથી શકતો.

    ઉપરથી લોહી ને શાહી બધાંને એક લાગે છે,
    ભીતરનો ભેદ હું શબ્દોમાં દર્શાવી નથી શકતો.

    જશે ને જાય છે આ દર્દની પ્રત્યેક પળ તો પણ,
    અહીં માણસ સહજ સ્મિત કેમ ફરકાવી નથી શકતો ?

    - સુનિલ શાહ 

    મિત્રો , ગઈકાલે આપણે ગનીચાચા જન્મશતાબ્દી નિમિત્તે યોજાયેલ તરહી મુશાયરામાં રજૂ થયેલ ગૌરાંગભાઈની ગઝલ માણી. એ જ કાર્યક્રમમાં આપણા નેટજગતના મિત્ર સુનિલભાઈ શાહને પણ આ કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ મળેલું. અને ખરે જ આપણા સૌ માટે આનંદ અને ગર્વની વાત છે કે, આટલા નામાંકિત કવિઓ વચ્ચે તેઓએ પોતાની આ રચના રજૂ કરી.  છંદ ના આવડતા હોય તે સૌ માટે આજે તેઓ પ્રેરણારૂપ બની શક્યાં છે બસ જરૂર છે ધગશની…. !!

    હવાને અટકાવી નહીં શકવાની કે પંખીને જેમ નહીં ઊડી શકવાની વાત કરી માનવીની લાચારી કે કુદરતની મહાનતાની વાત કેટલી સહજતાપૂર્વક કરી છે. ભલે મનુષ્ય ચાંદ પર પહોંચ્યો પ્રયોગશાળામાં ચાંદ બનાવી તો નહીં જ શકે અને આ વાત એણે સ્વીકારવી જ રહી.  લોહીઝાણ કલમે જ આ ગઝલ લખાય અને તો ય આ શાહી કે લોહીની ભીતરનો ભેદ શબ્દોમાં સ્પષ્ટ કરી શકાય છે ? તો – દુ:ખ અને દર્દ તો સમંદરની લહર સમાન છે એ તો કિનારાને ભીંજવશે જ પણ તો શું સ્મિત ભૂલી જવું યોગ્ય છે ?!!

    * (તરહી પંક્તિ) 

     

     

    ગઝલ : ગૌરાંગ ઠાકર

    Friday, October 3rd, 2008

     

    (ગની દહીંવાલા)

     “જિંદગીનો એ જ સાચોસાચ પડઘો છે ‘ગની’ ,
     હોય ના વ્યક્તિ, ને એનું નામ બોલાયા કરે. “

    મિત્રો, વૅબમહેફિલ પર ૧૭ ઑગષ્ટ ૨૦૦૮, ગનીચાચાના જન્મદિને આપણે સૌએ તેમની જન્મશતકપૂર્તિ ઉજવી. ગનીચાચા ગુજરાતની એ ‘ગઝલબુલબુલ’ છે કે જે ગુજરાતી સાહિત્યના વટવૃક્ષ પર આધુનિકતા અને પરંપરાનું અનુસંધાન કરી મધુર રવે ચહકી રહી છે. રાષ્ટ્રીય કલા કેન્દ્ર,સુરતે આ શતકવર્ષને ‘ગનીવર્ષ’ જાહેર કર્યું અને તેના ઉપક્રમે ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮, રવિવારના રોજ તરહી મુશાયરાનું આયોજન કર્યું હતું. તરહી મુશાયરામાં ગનીચાચાની જ ગઝલોમાંથી એક-એક પંક્તિ કાર્યક્રમના સંચાલક શ્રી રઈશભાઈ મનીઆરે પસંદ કરી, આશરે ચોવીસેક કવિઓને આ પંક્તિ પર ગઝલ લખવાનું આમંત્રણ આપ્યું અને સૌ કવિશ્રીઓએ પોતપોતાની આગવી શૈલીમાં તેને રજૂ કરી હતી. “જે શોધમાં ગૂમ થઈ જાવું હોય,એ શોધનો આરો શા માટે ?’ આ પંક્તિને પોતાના રંગે રંગી ગૌરાંગભાઈએ જે રચના રજૂ કરી હતી તેને માણીશું …….

     તું એક વખત સઘળું લઈ લે,આ દર્દ હજારો શા માટે ?
    આ પાન વગરનાં વૃક્ષો પર,આ ડાળનો ભારો શા માટે ?

    હું શ્વાસ લઉં તારી જોડે,બીજે તો બધે બસ હાંફું છું,
    આ ફૂલ બગીચામાં ખુશ છે,અત્તરથી પનારો શા માટે ?

    અવતાર મળ્યો છે ઝરણાંનો,સંભાળ હવે પર્વત લેશે,
    તું મસ્ત રહે બસ વહેવામાં,પથ્થરમાં ઉતારો શા માટે ?

    આ રાત પડી આડે પડખે,ને ચાંદ કરે ચોકીદારી,
    કૈં લાખ સિતારા ચમકે છે,આ નભનો નઝારો શા માટે ?

    સૌ શ્વાસ લખાવી આવ્યાં છે,બે-ચાર વધારે કે ઓછાં,
    પળવાર રહે ઝાકળ ફૂલે,ઉપવનનો ઈજારો શા માટે ?

    આકાર વિહોણા ઈશ્વરને સાકાર કરીને શું કરશું ?
    સાક્ષાત્ રહ્યો છે માણસમાં,મંદિરમાં ધસારો શા માટે ?

    વિશ્વાસ ગયો માણસમાંથી,શ્રદ્ધાય ખૂટી ગઈ ઈશ્વરમાં,
    અખબાર મળે લોહી છાંટી,એવી જ સવારો શા માટે ?

    તું જાય મળી મુજને પ્રિતમ,મંજૂર નથી એ કારણથી,
    *જે શોધમાં ગુમ થઈ જાવું હો,એ શોધનો આરો શા માટે ?

    - ગૌરાંગ ઠાકર

    નવરાત્રિનાં પહેલા દિવસે જ અખબારમાં સમાચાર હતા જોધપુરમાં માતાજીના મંદિરમાં ‘ધસારા’ને કારણે અરાજકતા અને અસંખ્ય મોત…..અને ત્યારે ગૌરાંગભાઈના આ બે શેર યથાસ્થાને જ લાગે છેને ? ’મંદિરમાં ધસારો’ અને ‘લોહી છાંટેલા અખબારવાળી સવારો !દરેક પ્રયાસની શરૂઆત તો ઝરણાં સમાન જ રહેવાની અને પ્રકૃતિ પણ…..તો પથ્થરમાં ઉતારો શા માટે ?!! બસ બની સરિતા સાગરમાં ભળવાને કેટલી વાર ?  આમ તો હવાની આવનજાવન તે જિંદગી પણ - તારી આશ/પનાહ બસ શ્વાસ બાકી તો બધું હાંફવાનું જ. ઝાકળ સમ ક્ષણિક જીવી જો કોઈ પુષ્પની સુંદરતામાં વધારો કરી શકીએ તો આ લખેલાં બે-ચાર શ્વાસ બસ છે !! માણસ પર તો વિશ્વાસ રહ્યો નથી અને ઈશ્વર પ્રત્યેની આસ્થા ય ખૂટી ગઈ છે અને ત્યારે માનવમન પરમની શોધમાં વળી પોતામાં જ ઈશ્વરને પામવાની વાત કરે છે. 

     

     

    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME