Archive for the ‘પ્રતિક કાવ્ય (મૉનો ઈમેજ)’ Category
સંબંધ : અલ્પેશ પાઠક ‘પાગલ’ ( Trans : Himanshu Patel )
Friday, May 14th, 2010
સંબંધ
એક ગણિત છે
અને ગણિતમાં હું કાચો છું,
પહેલેથી જ !
* * * * *
ભવિષ્યમાં
કદાચ સંબંધ
નામની વસ્તુ
મ્યુઝિયમમાં
સચવાતી હશે !
* * * * *
સંબંધ છળ નથી
પણ સત્ય છે
મૃગજળ જેવું.
- અલ્પેશ પાઠક ‘પાગલ’
The Relationship
The relationship
Is a Mathematics
And from the begining
I am weak at it !
* * * * *
In the future
Perhaps
The relationship
Will be preserved
As a thing
In a museum !
* * * * *
The relationship
Is not a deception,
It is a truth
Like a mirage !
Translator : Himanshu Patel
આ જમાનામાં સંબંધનો બંધ કેવો ખોખલો થઇ ગયો છે તેનું તાદ્રશ્ય નિરુપણ કરતી રચના. બસ, એટલું જ સત્ય કે સંબંધ મૃગજળ છે ! હિમાંશુભાઇએ આ પ્રતિક કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કર્યો છે તે પણ રસપ્રદ છે.
.
રણોત્સવ : પંકજ ત્રિવેદી
Thursday, December 3rd, 2009

આજે
જયાં
શાંત, સફેદ રણ છે,
રણોત્સવ છે,
ત્યાં ગઇકાલે હતો તોફાની,
ઊછળકૂદ કરતાં ફીણ-મોજાંનો દરિયો.
ઉત્સવમાં નિર્જન… !
નિર્જનમાં ઉત્સવ….!!
યાદ આવે છે
રા’નવઘણના ઘોડાના ડાબલાનો
ઘૂઘવતો અવાજ…
સાંભળો ! કશું સંભળાય છે તમને ?
મને સંભળાય છે -
ઘોડાના ડાબલાના લયબદ્ધ અવાજો
‘ને એમાં
કચડાયેલી માછલીઓની મૂંગી ચી..સ !!!
- પંકજ ત્રિવેદી
કચ્છમાં ઉજવાતો રણોત્સવનો … આજે છેલ્લો દિવસ ! હવે કાલે શું ? બસ, નરી ઉજ્જડતા જ ?!! પંકજભાઈની કલમે, તેનો અદકેરો ઈતિહાસ ! સ્થળ ત્યાં જળ અને જળ ત્યાં સ્થળ મુજબ, સફેદ રણનાં પડમાં હજુયે મોજાં ઊછળતાં જ હશે અને કદાચ એટલે જ તેની ધરા હજુયે ધ્રુજે છે !!
શબ્દ-સંદર્ભ : રા’નવઘણ – નવ+ઘણ = નવ+ઘન ( વાદળ – ચોમાસું) નવ ચોમાસા (નવ વર્ષ) માતાના ઉદરમાં રહેલો તેથી નવઘણ ( જૂનાગઢનો રાજા, રા’ખેંગારનાં પિતા ) કહેવત : અડી કડી વાવ ને નવઘણ કૂવો, જેણે ન જોયા તે જીવતો મૂઓ. પુરાતત્ત્વ વિદ્ધાનો તેને સૌથી પ્રાચીન કૂવો ગણે છે.
.
ટપાલી : હિરલ ઠાકર
Thursday, October 15th, 2009
ખોવાઇ ગયો છે
ટપાલીનો
‘ટપાલ’ નામનો ટહુકો.
* * * * *
ટપાલી આપી ગયો
ખાલી પરબિડિયું
પણ
લાગણીથી છલોછલ….!
* * * * *
શબ્દોના ટપાલીને
મળતું નથી,
લાગણીના ઘરનું સરનામું…!
* * * * *
ટપાલીની વ્યાખ્યા
અસ્પષ્ટ થઇ જશે
નવી પેઢી માટે
જો,
આપણી વચ્ચે પત્રવ્યવહાર નહિ થાય તો.
- હિરલ ઠાકર
દિવાળીમાં ટપાલનો પણ એક અગત્યનો ભાગ…. ! પંદરેક દિવસ પહેલાંથી જ સરનામાનું લિસ્ટ બનાવી, સૌને મરોડદાર અક્ષરોમાં જાતે જ શુભેચ્છાઓ પાઠવવાની. જોકે, તેનું સ્થાન Diwali Cards ક્યારનું છીનવી લીધેલું. અને હવે તો BSNL ( free calls ) કે e-mailમાં જ પૂરું…. ! પણ ‘ટપા…લ’ એ ટહુકો હજી કાનમાં કો’કવાર પડઘાય છે ખરો. અને કાકા બોણી લેવા આવે ત્યારે ??? આવી જ કંઇક વાતો હિરલની રચના વાંચતાં યાદ આવી ગઈ. આપણું ટપાલ ખાતું ‘પોસ્ટલ વીક’ મનાવી રહ્યું છે ત્યારે તો ખાસ.
.
કબૂતર : રાજેન્દ્ર પટેલ
Tuesday, August 11th, 2009

કબૂતરનું પીંછું
કબૂતર થવા મથે છે
તેથી એ ઊડવાનું ભૂલી ગયું છે.
અજવાળાનું કૂંડાળું તેની આંખમાં ઘૂમરાય
તોય એની પાંખમાં સંચાર થતો નથી.
ઝાડની કોઈ અજાણી ડાળે બેઠું
છે નિરાંતે….
ડાળ, થડ કે ફૂલ વિષે
એને કશી પડી નથી.
એ બસ
બારીના પડછાયાને માણવામાં રત
ભૂલી ગયું છે
આખું વન.
ઠરી ગયું છે
અડધું અંગ અને
અડધું મન.
એ ઊડી શકતું નથી
એની એને ખબર નથી.
* * * * *
કબૂતરને
ચાંચ છે, નખ છે
છતાં એ
હિંસક વિચારો કરતું નથી.
એને પાંખો છે
છતાં વિખેરતું નથી દૃશ્ય.
ઊંઘતા આંખ બંધ કરતું નથી.
તે ઘૂ.. ઘૂ… કરતાં કરતાં
પ્રત્યેક ક્ષણને આવકારે છે.
* * * * *
કબૂતર કાલે હતું
આજે છે
કાલે પણ હશે
તેવું બારી સતત કહ્યા કરે છે.
* * * * *
બારી અને કબૂતર
એકબીજાને
જોતાં-જોતાં
આકાશ થઈ જાય છે
અને બંને અજાણી બારી શોધે છે.
- રાજેન્દ્ર પટેલ
કબૂતર તો શાંતિનું પ્રતિક છે પણ જ્યારે રાજેન્દ્ર અંકલ કબૂતર-કાવ્યો લખે છે ત્યારે તે માત્ર શાંતિ-દૂત તરીકે સીમિત નથી રહેતું. ક્યારેક તે મનુષ્યનાં પ્રતિક રુપે છે તો ક્યારેક મનુષ્યનાં મન રુપે, તો ક્યારેક આત્મા રુપે… !! પહેલી રચનામાં પીંછું કબૂતર બનવા માગે છે - તે તો જાણે બારીના પડછાયા જોઈ બારીને પેલે પાર જોવા જેવું. જોકે, તેમ કહી કવિ પામર માનવીને જ ચેતવે છે. વળી, બીજી રચના કબૂતરનાં અંગો કરતાં આપણાં નખ અને મોં કે આપણી અન્યની પાંખ કાપવાની વૃત્તિનું ચિત્રણ નથી લાગતું…. ?!! આંખ ખુલ્લી રાખી સૂતાં કબૂતરોનું ઘૂ.. ઘૂ… ઘૂ આપણને પણ જાગૃત કરી દે છે. જો મનની બારી ખુલ્લી હશે તો આશાના દ્વાર આપણા માટે ખુલ્લાં જ છે અને દરેક રસ્તો દરવાજાની બહાર નીકળ્યા પછી જ મળે. જલન માતરી તો કહે છે,
” હું પકડીને એની પાંખો જ કાપી લઈશ,
કોઈ ગઝલમાં કબૂતર ઉડાડી તો જુએ.” - જોકે, રાજેન્દ્ર અંકલ તો કબૂતરકાવ્યોનું પુસ્તક તૈયાર કરી રહ્યાં છે. વળી, ભાગ્યેશ અંકલ તે કાવ્યો વિષે ગદ્ય નિબંધ પણ લખે છે અને પુસ્તક પ્રકાશિત થતાં જ તે અંગે આપ સૌને માહિતી આપીશ.
.
છત્રી : પ્રીતમ લખલાણી
Friday, July 24th, 2009
ઝરમર વરસતા
આભે
એક સાંજે
છત્રીને કહ્યું :
જો
માણસ
તારી પાસેથી
ઊઘડવાની
કળા શીખી જાય તો !
હું બારે માસ,
મન મૂકીને વરસું !
*******
માણસને
કોરોકટ જોઈ
છત્રીએ
નિસાસો નાખ્યો -
કે
હાથમાં હાથ રાખીને
આખો મારગડો ચાલી તોય
દુર્ભાગ્ય જ ને !
બે ઘડી
મારી સંગે
ભીંજાતાંય ન આવડ્યું !
*******
બારી બહાર
આભને
ઝરમર વરસતું જોઈ
ખીંટીએ ઝૂલતી
હરખપદૂડી છત્રીને
આજ
કાગડો થઈ
ઊડી જવાનું મન થયું !
- પ્રીતમ લખલાણી
‘વરસાદમાં’ ખૂબ ભીંજાયા પછી છત્રીની વાત તો આવે જ ને … ! પણ વરસાદ અને છત્રીને વરસાદમાં માણસ કેવો લાગ્યો એની વાત. બાર-બાર વરસાદી ગઝલ આપણે માણી એમાં આજે એક તેરમી ગઝલનો પણ ઉમેરો હીનાબેનનાં બ્લૉગ પરથી કર્યો છે. તો ફરી એકવાર પલળીએ કવિ રમણ વાઘેલાનાં વરસાદમાં… !
.
મૂર્તિ : મધુ કોઠારી
Wednesday, June 17th, 2009
મૂર્તિને
હું ઓળખી ન શક્યો
તેથી મારે
માણસોને પૂજવા પડે છે !
* * * * *
આ
મૂર્તિ સ્થિર
પ્રતીક્ષા કરે છે
કોની યુગોથી ?
* * * * *
મૂર્તિ
એટલે
લાગણીને
મીણમાં ઢાળવી તે
અને ધાતુની ચામડીમાં
જડી દેવી તે.
* * * * *
કૈં કેટલાય જન્મ
પ્રકાશની ગુફામાં
લીધા પછી
અને સફેદ શ્વાસના
તરાપા પર સદીઓથી
તર્યા પછી
મૂર્તિ બની શકાય છે.
- મધુ કોઠારી
નિરાકાર , નિર્ગુણ પરમ તત્ત્વ પ્રત્યેની પોતાની લાગણીઓને ધાતુની ચામડીમાં જડી, મનુષ્ય તેને મૂર્ત સ્વરૂપ તો આપે છે. પણ આ કલિયુગમાં સદ્.ગુરૂ કેમ ઓળખાય અને તે તો બસ ‘માણસ’ – માત્રને જ પૂજે છે !! અને મૂર્તિ પણ જાણે કે ઈશ્વરની શોધમાં સ્થિર ઊભી રહે છે. જો કે, પ્રકાશ ( પરમ તત્ત્વની ઓળખ ) ની ‘ગુફા’ માં કૈં કેટલાંય જન્મ લીધા પછી ‘સફેદ શ્વાસ’ ( પુણ્ય ) લીધા હોય તો જ મૂર્તિ બની શકાય છે.
ધર્મમાં પ્રવર્તિત વિડંબનાઓનું કવિ સુપેરે નિરુપણ કરે છે.
.
