Archive for the ‘પ્રાર્થનાગીત’ Category
દિલમાં દીવો કરો રે : કવિ રણછોડ
Friday, November 5th, 2010.
.
દિલમાં દીવો કરો રે, દીવો કરો.
કૂડા કામ ક્રોધને પરહરો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં.
દયા-દિવેલ, પ્રેમ-પરણાયું લાવો, માંહી સુરતાની દિવેટ બનાવો ;
મહીં બ્રહ્મ અગ્નિ ચેતાવો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં.
સાચા દિલનો દીવો જ્યારે થાશે, ત્યારે અંધારું સૌ મટી જાશે ;
પછી બ્રહ્મલોક તો ઓળખાશે રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં.
દીવો અભણે પ્રગટે એવો, તન ના ટાળે તિમિરનાં જેવો ;
એને નયણે તો નરખીને લેવો રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં.
દાસ રણછોડે ઘર સંભાળ્યું, જડી કૂંચી ને ઊઘડ્યું તાળું ;
થયું ભોમંડળમાં અજવાળું રે, દિલમાં દીવો કરો રે. – દિલમાં.
- કવિ રણછોડ
.
.
દિપાવલીનાં શુભ પર્વે, આપણે સૌએ ઘર-આંગણે દીવડાં પ્રગટાવ્યા. એક દીવડો દિલમાં પ્રગટાવી અંતરને – ભોમંડળને અજવાળીએ તેવી ઈશ્વરને પ્રાર્થના…. આપ સૌને વૅબમહેફિલ તરફથી શુભ દિપાવલી.
.
.
.
.
હે મા શારદા ! : અવિનાશ વ્યાસ
Wednesday, January 20th, 2010

હે મા શારદા ! હે મા શારદા !
તારી પૂજાનું ફૂલ થવા શક્તિ દે,
તારા મયૂરનો કંઠ થવા સૂર દે.
હે મા શારદા !
તુજ મંદિરની જ્ઞાન જ્યોતિથી જીવનપંથનું તિમિર ટળે,
હે દેવી, વરદાન જ્ઞાન દે, લેખિનીના લેખ ટળે,
શુભદા, શક્તિ દે… હે મા શારદા ! હે મા શારદા !
તારી વીણાનો ષડજ સૂર, પાવન કરે મુજ કવન ઉર,
તારા ચરણની ધૂળ થવા ભાગ્ય દે. હે મા શારદા !
સૂર શબ્દનો પૂર્યો સાથિયો, રંગ ભરી દો મા એમાં,
રગ રગમાં મધુ રવ પ્રગટાવી, પ્રાણ પૂરી દો ગીત લયમાં,
જ્ઞાનદા, ભક્તિ દે… હે મા શારદા ! હે મા શારદા !
- અવિનાશ વ્યાસ
આજનાં શુભ દિને મા સરસ્વતીને વંદન સહ. સી.એન.વિદ્યાવિહારમાં જે પ્રાર્થના કરતા’તા તે સરસ્વતી સ્તુતિ. ( ઑડિયો – સેજલ માંકડ વૈદ્ય )
.
ફાધર વાલેસ : એક અવિસ્મરણીય અનુભવ
Wednesday, November 4th, 2009

( પ્રાર્થનામંદિર )
શાળાનાં વિશાળ પ્રાંગણમાં આવેલ પ્રાર્થનામંદિરનાં મંચ પર ઈનામ વિતરણ સમારંભ રાખવામાં આવેલો. એક દશ-બાર વર્ષની છોકરી, મહેમાનને હસ્તે ઇનામ મેળવી તેમની સામે ડોક ઊં….ચી કરી ટગરટગર જોયાં કરે છે. ’વી’ આકારનું મરુન સ્વેટર, ચશ્મા, ગુલા..બી ગુલા..બી ચહેરો અને ઊં…ચાં મહેમાન પણ ખૂ..બ જ પ્રેમથી તેનાં માથે હાથ ફેરવે છે.
બસ, આમ તો આટલી જ વાત ! એ દશ-બાર વર્ષની છોકરી એટલે હું અને તે લાં…બા મહેમાન એટલે “ફાધર વાલેસ”. ત્યારે તો એટલી જ ખબર કે, આ મહેમાન તો કોઈ મોટા લેખક છે. જરાક ગર્વથી ઘરે આવીને મમ્મીને કહ્યું પણ ખરું કે આજે તો મોટા લેખકે મને ઈનામ આપ્યું !! તો મનમાં વિચાર પણ આવેલો ક્યારેક, તેમનું નામ તો ક્રિશ્ચિયન અને ગુજરાતીમાં લખે ?!! પણ એ જાણવાની ઉત્કંઠા ક્યાંક દબાઈ ગઈ’તી. ઇન્ટરનેટ પર અચાનક ગુજરાતી સાહિત્ય વાંચવા મળ્યું અને પછી તો … જૂની ડાયરીઓ, પુસ્તકો જાણે કે… ખોવાયેલો ખજાનો લૂંટવાની તક મળી.

( ફાધર વાલેસ )
ડાયરીઓ અને પુસ્તકો કાગળ માત્ર નથી હોતાં. પાનાંઓ ફેરવતાં, જિંદગીની સુખદ કે દુઃખદ ઘટનાઓમાંથી પણ પસાર થવું પડતું હોય છે. અને કોઈ સુખદ ક્ષણે, કોઇ પાને, ફાધર વાલેસનું અચાનક સ્મરણ થઈ આવ્યું. તેમને ફરી મળવાનું મન થયું અને તપાસ કરતાં જાણવા મળ્યું કે, તેઓ તો સ્પેન પરત ચાલ્યા ગયાં છે. અધીરું મન બસ બે-ત્રણ આંસુ ટપકાવીને શાંત !! પણ વળી, દસેક દિવસ બાદ, ઇન્ટરનેટની મદદથી ફાધર વાલેસની સાઈટ પર જઈ ચઢી. અને બીજી જ મિનિટે તેમને મૅલ લખ્યો. બીજા દિવસે ઉતાવળે મૅલ ચૅક કર્યો અને સાનંદાશ્ચર્ય… !! તેમણે મને બીજાં જ દિવસે ઉત્તર આપેલો અને તે પણ ખૂ…બ જ પ્રેમથી, ” I am touched by your mail.” ત્રીસ વર્ષ પહેલાં હાથ ફેરવેલો ત્યારે થયેલી લાગણી ફરી અનુભવી અને ત્યારે મન બે-ત્રણ આંસુમાં ધરાયું નહિં. વળી, તેમને મૅલ લખ્યો અને તેમને મળવા તત્પર મનથી બસ લખાઈ જાય છે, આપ ભારત આવો… અમે તમને ખૂબ ખૂબ યાદ કરીએ છીએ. બ…સ એ તો ખાલી એ..મ જ લખાઈ ગયું, આટલી ઉંમરે હવે તેઓ કેવી રીતે આવી શકે ? અને વળી, મનને સમજાવી પણ દીધું.

( ફાધર વાલેસ વકતવ્ય આપતાં )
૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૯, શનિવારનાં રોજ ગુજરાત વિદ્યાપીઠ ખાતે ફાધર વાલેસ તેમનાં નવાં પુસ્તકનું વિમોચન કરવાં આવવાનાં છે. ( દેવેન્દ્રભાઈ અને રમેશભાઈ તન્નાનો ખૂબ ખૂબ આભાર ) મોબાઈલ પર મૅસેજ વાંચી, જાણે સપનું જોતી હોઉં એમ જ લાગ્યું. વળી, દિનેશ અંકલનો ફોન આવ્યો અને તેમની સાથે પણ વાત થઈ, પછી ખાતરી થઈ. હાથમાં તકલીફ હોવાથી જાતે ડ્રાઇવ કરી જવું મુશ્કેલ હતું પણ આ દુર્લભ તક ગુમાવાય ?!! અને ત્યાં તેમને થોડી જ મિનિટો માટે મળાયું પણ તે આનંદ શબ્દોમાં વર્ણવવો શક્ય નથી જ.
આજે તેમનાં જન્મદિને, મબલખ શુભેચ્છાઓ સહ, મારી શાળા શેઠ સી.એન. વિદ્યાવિહાર, અમદાવાદમાં ગવાતી તે પ્રાર્થના માણીએ…. !
દીવો રે પ્રગટાવો નાથ, કેડીને અજવાળો,
દીવો રે પ્રગટાવો ! (૨)
ઘોર રે અંધારું પરગટ ભર્યું રે ઘટમાં મારે,
નજરું માંડું તો સુઝે પથ ના રે પગથારે;
એક રે પગલીનો આજ પથ તો બતાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો ! – દીવો૦
સૂનું સૂનું કોડિયું ને સૂની એની આજ વાટ,
પ્રગટાવો કોક હવે જ્યોતિ આજ એની નાથ ! (૨)
ચેતનની ચિનગારી આજ ઘડી તો જલાવો નાથ !
કેડીને અજવાળો !
દીવો રે પ્રગટાવો ! – દીવો૦
- રવીન્દ્ર ઠાકોર
.
જાગને જાદવા : નરસિંહ મહેતા
Tuesday, August 18th, 2009
જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?
ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળિયો કુણ થાશે ? – જાગને.
દહીંતણાં દૈથરાં, ઘી તણાં ઘેબરાં, કઢિયેલ દૂધ તે કુણ પીશે ?
હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ વહેશે ? – જાગને.
જમુનાને તીરે ગૌધણ ચરાવતાં, મધુરી શી મોરલી કુણ વાહશે ?
ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કુણ સાહશે ? - જાગને.
- નરસિંહ મહેતા
નરસૈંયાનાં પરભાતિયાંએ ગુજરાતી સાહિત્યનું પ્રભાત ઊગ્યું અને આજે પાંચ-છ સદી પછી પંણ, પ્રભાતિયાં હજુ પણ લોકહ્રદયે બિરાજમાન છે. આશ્ચર્ય થશે, પણ હજુ પણ અમારા વિસ્તારમાં એક મહારાજ પ્રભાતફેરી માટે આવે છે ( મહિનામાં એકાદ-બે વાર , પછી દક્ષિણા લઈને બીજા મહિને ) પણ જે દિવસે આવે તે દિ’ સારો તો ઊગે જ … કેવો જાય એ તો .. ?!!
જે આપણને જગાડે તેનેય જગાડવો પડે ?!! ઈશ્વર તો જાગતો જ હોય તેને જગાડવો ના પડે… છતાં નરસૈંયો કૃષ્ણને જશોદાની જેમ લાડથી જગાડે છે અને કહે છે, જાગને જાદવા.. ! જેનો આતમ જાગેલો, તેવો નરસૈંયો આવું કેમ ગાય ? દુન્યવી વાસ્તવિકતા કોઇક વાર એટલી કડવી લાગે કે, એવું જ થાય… અરે, ઈશ્વર સૂઈ ગયો છે કે શું ? એમ પણ થઈ જાય કે ના.. ના… ઈશ્વર છે જ નહિં ક્યાંય. જોકે, પરોક્ષ રીતે, ત્રણસેં ને સાંઠ ગોવાળિયાની વાત કરીને આખું વર્ષ હર ક્ષણ આપણને જ જાગતા રાખવાની વાત કરી જ દે છે.
શબ્દાર્થ : કુણ – કોણ, વાહશે – વહેવડાવશે, સાહવું – પકડવું , બાંહે – હાથ, કર.
.
પ્રેમળ જ્યોતિ : નરસિંહરાવ દિવેટીયા
Wednesday, January 14th, 2009પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ
દૂર પડ્યો નિજ ધામથી હું,ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં, નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ
ડગમગતો પગ રાખ સ્થિર મુજ, દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા, હામ ધરી મૂઢ બાળ,
હવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી, સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ
તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ
કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ
રજનિ જશે, ને પ્રભાત ઉજળશે,ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર,મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ
- નરસિંહરાવ દિવેટિયા
Lead, kindly Light, amid th’en circling gloom, lead Thou me on!
The night is dark, and I am far from home; lead Thou me on!
Keep Thou my feet; I do not ask to see
The distant scene; one step enough for me.
I was not ever thus, nor prayed that Thou shouldst lead me on;
I loved to choose and see my path; but now lead Thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will. Remember not past years!
So long Thy power hath blest me, sure it still will lead me on.
O’er moor and fen, o’er crag and torrent, till the night is gone,
And with the morn those angel faces smile, which I
Have loved long since, and lost awhile!
Meantime, along the narrow rugged path, Thyself hast trod,
Lead, Savior, lead me home in childlike faith, home to my God.
To rest forever after earthly strife
In the calm light of everlasting life.
- John Henry Newman
નરસિંહરાવ દિવેટીયાની આજે પુણ્યતિથિ અને જેમ ઝવેરચંદ મેઘાણીનું ‘કોઈનો લાડકવાયો’ અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ છે, એમ જ નરસિંહરાવ દિવેટીયાનું ‘પ્રેમળ જ્યોતિ’ કાવ્ય પણ ન્યુમૅનના અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ… !! ન્યુમૅન એક પાદરી હતા અને તેમણે લીટલમોરમાં ચર્ચનું નિર્માણ પણ કરેલું અને તેમનું રચિત આ ‘sacred song’ ચર્ચમાં prayer તરીકે ગવાતું. ઉત્તરાયણના શુભ પર્વે સૂર્યની જેમ આપણે પણ ઉત્તરોત્તર ગતિ/પ્રગતિ તરફ અયન કરીએ તેવી જ શુભેચ્છા સહ…. !!
અને હા…. અમર ભટ્ટના સ્વરાંકન કરેલ ગીત/ગઝલોમાં કાયમ શબ્દોનું કામણ હોય તેનું એક રહસ્ય તે પણ હોઈ શકે કે નરસિંહરાવ તેમનાં મોસાળ પક્ષે દાદા થાય અને આ અંગ્રેજી કાવ્યનો આછો પાતળો ખ્યાલ મને હતો પણ તેઓએ તેમના વ્યસ્ત રુટિનમાંથી પણ તે કાવ્ય વૅબમહેફિલ માટે આપ્યું તે માટે ખૂબ ખૂબ આભાર………
.
સમાધિનું ગીત : સ્વામી વિવેકાનંદ
Monday, January 12th, 2009નહીં સૂર્ય, નહીં જ્યોતિ,નહિ શશાંક સુંદર;
ભાસે વ્યોમે છાયા સમ,છબી વિશ્વ ચરાચર ……. નહિ સૂર્ય
અસ્ફુટ મન – આકાશે,જગત – સંસાર ભાસે,
ઊઠે, ભાસે, ડૂબે પુનઃ, ‘અહં’ સ્ત્રોતે નિરંતર …… નહિ સૂર્ય
ધીરે ધીરે છાયા દળ,મહાલયે પ્રવેશિયું;
વહે માત્ર ‘અહં’ ‘અહં’,એ જ ધારા ક્ષણે ક્ષણ ….. નહિ સૂર્ય
એ ધારાયે બંધ થઇ,શૂન્યે શૂન્યે મળી ગઇ;
અવાડ્મનસોગોચરમ ,થાય પ્રાણ માંહે જાણ ….. નહિ સૂર્ય
- સ્વામી વિવેકાનંદ
અનુવાદક (?)
“ઊઠો ,જાગો અને ધ્યેયપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જંપો નહિં.” – સ્વામી વિવેકાનંદ – એ યુગપુરુષે ભારતની પ્રતિભાને વિશ્વભરમાં ગૌરવન્વિત કરેલી અને આજે તેમનો જન્મદિન યુવાદિન તરીકે પણ ઉજવાય છે. ધર્મ અને વિજ્ઞાન એ સમાજનાં અભિન્ન અંગ છે,અને આપણી વૈદિક સંસ્કૃતિ તો ધર્મ અને વિજ્ઞાનના સાયુજ્ય પર જ ઊભેલી છે. આથી જ આ વૈદિક ગુરૂએ જમશેદજી તાતા સાથે સ્ટીમરમાં બેઠાં બેઠાં ધર્મ વિશે નહીં પરંતુ ધંધાની વાત કરી અને તાતાનો સ્ટીલ પ્લાન્ટ તેનું જ પરિણામ….!!
તેમણે બંગાળી અને સંસ્કૃતમાં પુસ્તકો પણ લખેલાં તેમાંથી જ એક સમાધિનું ગીત જેમાં સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય તેના પ્રથમ ચરણથી અંતિમ ચરણ સુધીની અવસ્થાનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
.

