Archive for the ‘પ્રેમ’ Category
પ્રણયોત્સવ : તો આવ્યાં કને : ચંદ્રકાંત શેઠ
Wednesday, February 18th, 2009શોધતો હતો ફૂલને ફોરમ શોધતી હતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
ક્યાંક રે આંબો ટહુક્યો
એની મનમાં મ્હેકી વાત,
કમળ જેવો ખીલતો દિવસ,
પોયણા જેવી રાત ;
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધતી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
આંખ મીંચું ત્યાં
જૂઈનું ગાલે અડતું ઝાકળફૂલ,
મનમાં હળુક લ્હેરવા લાગે
વ્યોમની કિરણ-ઝૂલ.
શોધતો જેની પગલી એનો મારગ શોધે મને,
એકબીજાને શોધતા ગયાં દૂર, તો આવ્યાં કને.
- ચંદ્રકાંત શેઠ
પ્રેમીપંખીડા એકબીજાંને શોધતાં શોધતાં દૂર ચાલ્યાં જાય છે એટલે કે એકબીજાને પામવા જતાં દૂર થઈ જાય છે પણ જેવાં એકબીજાંથી દૂર થાય છે …..મનથી તો ખૂબ નિકટ આવી જાય છે. પ્રકૃતિનાં અલગ અલગ રૂપને પ્રેમનાં પ્રતિક રૂપે લઈ જાણે કે પ્રણયનાં રંગે પ્રકૃતિ રંગી દીધી છે. આ ગીત પણ ઑડિયો સાથે …. ખાસ કરીને જ્યારે ક્ષેમુદાદાને મોરારિબાપુનાં હસ્તે ગઈ મધરાતે જ ગુજરાત સમાચાર અને સમન્વય આયોજિત કાર્યક્રમમાં અવિનાશ વ્યાસ પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો.
.
પ્રણયોત્સવ : મારી આંખમાં તું : રમેશ પારેખ
Tuesday, February 17th, 2009
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે ?
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘૂમી ઘૂમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે ?
- રમેશ પારેખ
બે પ્રેમીઓનું મિલન એટલે કે જાણે આકાશ ને ધરતીનું મિલન ….. અને એમાં પણ જ્યારે લાં…બા વિરહ બાદ પ્રેમીજન મળતાં હોય ત્યારે ?રમેશ પારેખ જ આ ઘટનાને શબ્દોમાં આટલી અદ્…ભૂત રીતે રજૂ કરી શકે. પ્રિયજનને જોતાં જ વહેલી સવાર સમી તાજગી દિલમાં છવાઈ જાય પણ એનો કેફ એવો ચઢે કે વળી આંખોમાં તો રાત ઘેરાય જાય. જ્યારે પહેલો અંતરો તો અદ્……ભૂત !! બે પ્રેમીઓ એકમેકને જુએ છે અને આંખમાંથી આંસુનો ધોધમાર વરસાદ એટલો વરસે છે કે લોહી થીજી જાય…..આજ વાત કવિએ કેવી કાવ્યાત્મક રીતે રજૂ કરી છે !! ખરબચડું લોહી રુંવાટીદાર બની જાય ને ચોમાસું ચાર ચાર નેણનું …. તો આગળ કહે છે, ધોધમાર પીંછાનો પડતો વરસાદ ……. હવે આ પંક્તિ તો તેથી પણ વધુ અદ્….ભૂત !! ધોધમાર પીંછાનો વરસાદ એ વળી શું ? એકમેકના આલિંગનમાં એવાં ખોવાઈ જાય છે કે શબ્દોનું આખું…ય ગામ તેમાં તણાય જાય છે. પીંછું એ સ્પર્શનું પ્રતિક લઈ કવિએ કાવ્યત્વને ખૂબ નિખાર્યું છે.
તો બીજા અંતરામાં લોચનની ભાષામાં તો બસ એક ઘટના લાગે પણ ખરેખર તો જીવતરની ભાષામાં યાતના !! ખૂબ મજાનું પ્રણયોર્મિસભર આ ગીત ઊર્મિનાં બ્લૉગ પરની ઑડિયો પણ આ સાથે
.
પ્રણયોત્સવ : મનમેળ : બાલમુકુન્દ દવે
Monday, February 16th, 2009
કેવા રે મળેલા મનનાં મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલાં મનનાં મેળ ?
ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાંની જાળી,
જેવી માંડવે વીંટાય નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !
ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
સંગનો ઉમંગ માણી,
જિન્દગીને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાનાં રાજા ! એવા રે મળેલાં મનનાં મેળ !
જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલાં મનનાં મેળ !
- બાલમુકુન્દ દવે
આ ગીત તો હર પ્રેમીજનને કે સાહિત્યપ્રેમીને હૈયે…… પણ પૂરા શબ્દો સાથે માણવું આપ સૌને ગમશે. બે મળેલાં મનની વાતને ઉજાગર કરતું પ્રણયગીતની જેમ સૌનાં મનમેળ રહે તેવી શુભેચ્છાઓ સહ !!
.
પ્રણયોત્સવ : પ્રેમ એટલે : મુકુલ ચોકસી
Sunday, February 15th, 2009
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો
સ્વપ્નમાં પળાય એવો કાયદો
પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં
ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો !
ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો
કલરવ યાદ આવે, એ પ્રેમ છે
દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ
પાલવ યાદ આવે, એ પ્રેમ છે
પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો,
ને તોયે આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે
એક છોકરી, ને તે ય શ્યામવરણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે,
મને મૂકી, આકાશને તું પરણી
પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય
અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !
- મુકુલ ચોકસી
ચોર્યાસી વહાણ ડૂબી જાય એવાં પ્રેમનાં પર્વમાં જો આ ગીતને ના માણીએ તો થોડું ચાલે ? ફૂલોમાંય મુશાયરો ભરાય જાય એવાં શબ્દપુષ્પોથી પ્રેમિકાનું દિલ જીતી શકશો, ખરુંને ? પણ બસ એ તો દૃષ્ટિ તેવી સૃષ્ટિ જેવી વાત છે પ્રેમની ….. એ તો આંખમાં કાજળ આંજ્યું છે કે વાદળ તેની પર નિર્ભર કરે છે. બાકી હૃદય તો પ્રેમની જ ભાષા પર ધબકતું હોય છે.
.
પ્રણયોત્સવ : તું પૂછે પ્રેમનું કારણ : તુષાર શુક્લ
Saturday, February 14th, 2009
તું પૂછે પ્રેમનું કારણ
હું કરતો પ્રેમ અકારણ.
પ્રેમ તો કેવળ પ્રેમ છે.
એમાં શું કારણ? શું કેમ?
ચાહીએ એને ચાહતા રહીએ
ભૂલી સઘળા વ્હેમ.
હું પામ્યો એટલું તારણ
આ પ્રેમ છે સાવ અકારણ-
ફૂલ સરીખો સહજ ખીલે
ને રેલી રહે સુગંઘ
પ્રેમ છે કેવળ પ્રેમને માટે
શાના ઋણાનુબંધ?
ના શરતોનું કોઇ ભારણ
આ પ્રેમ છે સાવ અકારણ-
- તુષાર શુક્લ
મિત્રો, પ્રેમને કોઈ કારણ ના હોય અને આજે વૅલેન્ટાઇન ડે એટલે બસ પ્રેમ…. પ્રેમ….. પ્રેમ…. જો જો પાછા એક છોકરો + એક છોકરી + અને બીજું કઈક એ પ્રેમ નહિં. વેલેન્ટાઈને ડે તો ખાલી હૃદયની ભાષાને જ ઉકેલે જેમાં પ્રેમ વિશા….ળ અર્થમાં છૂપાયેલો છે. જો કે ચાન્સ યુવા પેઢી ને સરસ મળી જાય દિલની વાત કહેવાનો ……. પણ તુષારભાઈ કહે છે એમ આ તો અકારણ પ્રેમની વાતનો દિવસ છે જે વૅબમહેફિલ અને તેના વાચકોનો પણ હોઈ શકે …..તો આજના પ્રણયપર્વે આપ સૌને વૅબમહેફિલ તરફથી પ્રેમભરી શુભેચ્છાઓ…… !!
.
