Archive for the ‘ભજન’ Category

  • ગુરૂવંદના
  • ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ
  • જાગને જાદવા : નરસિંહ મહેતા
  • જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ
  • ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા
  • સત્ સૃષ્ટિ : અજ્ઞાત
  • હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા


  • જૂનું તો થયું રે દેવળ : મીરાંબાઈ

    Wednesday, August 18th, 2010

    જૂનું તો થયું રે, દેવળ જૂનું તો થયું;
    મારો હંસલો નાનો ને, દેવળ જૂનું તો થયું.

    આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે;
    પડી ગયા દાંત, માંયલી રેખું તો રહી. – મારો0

    તારે ને મારે હંસા, પ્રિત્યું બંધાણી રે;
    ઊડી ગયો હંસ, પિંજર પડી રે રહ્યું.  – મારો0

    બાઈ મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ;
    પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં. – મારો0

    - મીરાંબાઈ

    મીરાંબાઇ આમ તો, રાજસ્થાનનાં  … તો ગુજરાતીમાં કેવી રીતે તેમનાં આટલાં બધાં ભજનો ? આ પ્રશ્ન કાયમ મને સતાવતો.  પણ, ઘણું કરીને,  પ્રાચીન ભજનોને અર્વાચીન બોલીમાં જ આપણે અપનાવી લીધાં છે તેમ, મીરાંબાઇનાં રાજસ્થાની કે હિન્દી ભજનો પણ ગુજરાતીમાં ફેરવાઇ ગયાં હશે ?!!  હાલમાં જ ક્યાંક વાંચવામાં આવેલું કે, કૃષ્ણની જે મૂર્તિ લઇને મીરાંબાઈ, મેવાડ ગયેલાં, તે મૂર્તિની સ્થાપના દહેગામ પાસે આવેલ કોઇ ગામમાં કરેલી છે.

    મીરાંબાઈ, દેવળ ને કાયા અને હંસ ને આત્માની ઉપમા આપી, સ્થૂળ દેહ નહિં,  નિરાકાર આત્મસ્વરુપ જ સત્ય છે, તે બ્રહ્મસત્યને કેટલી સહજતાપૂર્વક વર્ણવે છે !

    .

    ગોવિંદો પ્રાણ અમારો રે : મીરાંબાઈ

    Wednesday, August 18th, 2010

    ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે.
    મને મારો રામજી ભાવે રે, બીજો મારી નજરે ન આવે રે.

    મીરાંબાઈના મહેલમાં રે, હરિસંતનનો વાસ;
    કપટીથી હરિ દૂર વસે, મારા સંતન કેરી પાસ.

    રાણોજી કાગળ મોકલે રે, દેજો મીરાંને હાથ;
    સાધુની સંગત છોડી દ્યો તમે, વસોને અમારે સાથ.

    મીરાંબાઈ કાગળ મોકલે રે, દેજો રાણાજીને હાથ;
    રાજપાટ તમે છોડી રાણાજી, વસો રે સાધુની સાથ.

    વિષનો પ્યાલો રાણાએ મોકલ્યો રે, દેજો મીરાંને હાથ;
    અમૃત જાણી મીરાં પી ગયાં, જેને સહાય શ્રી વિશ્વનો નાથ.

    - મીરાંબાઈ

    રાણી મીરાંબાઇ મહેલ છોડી,  મેવાડનાં રાણાને છોડી, સાધુ-સંતોની જોડે વસવાટ કરે છે. કૃષ્ણ દિવાની, પ્રેમ દિવાની મીરાં  હરિરસનો પ્યાલો પીવાનું ભૂલી શકતી નથી.  રાણા તેમને પત્ર મોકલી, મહેલમાં પુનરાગમન માટે વિનંતી કરે છે પણ, મીરાં તો તેમને પણ રાજપાટ છોડી, સાધુ-સંતો જોડે વસવાટ કરવાનું કહે છે. ત્યારે રાણો ક્રોધિત થઇ, વિષનો પ્યાલો મોકલે છે, પણ હરિરસનો પ્યાલો જેણે પીધો હોય તેને વિષની અસર કેમ થાય ?!!

    .

    હરજી મારે મંદિર આવ્યા રે : નરસિંહ મહેતા

    Tuesday, August 17th, 2010

    હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
    મોટે મોટે  મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

    કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે;
    લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

    ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે;
    ફૂલી ફૂલી ફૂલી  હું  તો  હરિમુખ જોઇ  ફૂલી રે.

    ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે;
    જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

    પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે;
    મળિયો મળિયો મળિયો મહેતા નરસૈંયાનો સ્વામી રે.

    - નરસિંહ મહેતા

    આશરે પંદરમી સદીથી ગુજરાતી ભાષા પોતાનો અજવાશ ફેલાવી રહી છે.  ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસ પર એક નજર નાંખીએ તો, જૈનાચાર્યો અને સંતોએ,  તેને ભક્તિપદોમાં જાળવી છે, મૂલવી છે.  વૅબમહેફિલની દ્વિતીય વર્ષગાંઠ નિમિત્તે આ સપ્તાહમાં આવાં સાહિત્યકારો અને તેમની કૃતિઓને યાદ કરીશું.  નરસિંહ મહેતા એક એવું નામ છે જે દરેક ગુજરાતીનાં હૈયે અને હોઠે વસેલું જ હોય… !  આશરે પંદરમી સદીમાં થયેલ આ ભક્તકવિનાં બે દિવ્ય, ગોપીભાવનાં ભક્તિ પદો માણીશું.

    હળવે હળવે હરિ,  મનમંદિરમાં પધારી, એવું કામણ કરે છે કે, ઘરનું બધું કામકાજ ભૂલી પ્રભુમય બની જાય છે.અને તેનો સંગ લાગતાં જ , ભવભવની ભાવટ ભાગે છે.  શબ્દોનું પુનરાવર્તન આ પદને અદ્‌ભૂત લય બક્ષે છે.

    .

    .

    ભોળી રે ભરવાડણ : નરસિંહ મહેતા

    Tuesday, August 17th, 2010

    ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાલી;
    સોળ સહસ્ત્ર ગોપીનો વહાલો, મટુકીમાં ઘાલી. – ભોળીo

    અનાથના નાથને વેચે આહિરની નારી;
    શેરીએ-શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મોરારિ. – ભોળીo

    મટુકી ઉતારી, માંહી મોરલી વાગી;
    વ્રજનારીને સેજે જોતાં મૂરછા લાગી. -ભોળીo

    બ્રહ્માદિક ઇન્દ્રાદિક સરખા કૌતક એ પેખે;
    ચૌદ લોકના નાથને કાંઈ મટુકીમાં દેખે. – ભોળીo

    ગોવાલણીના ભાગ્યે પ્રગટ્યા અંતરયામી;
    દાસલડાંને લાડ લડાવે નરસૈંનો સ્વામી. – ભોળીo

    - નરસિંહ મહેતા

    સોળ સહસ્ત્ર ગોપીઓનો વ્હાલો, અનાથનો નાથ અને ચૌદ લોકનો સ્વામીને ભોળી ભરવાડણ મટુકીમાં ઘાલી, વેચવા ચાલી નીકળી છે.  કૃષ્ણમય ગોપી,  મહી લ્યો ને બદલે લ્યો કોઇ મોરારિ બોલી ઊઠે છે અને એ અલૌકિક સંવેદનની અનુભૂતિએ નરસૈંયો સર્જે છે એક અદ્‌ભૂત ગીત !  વળી, ભોળી ભરવાડણનાં ભાગ્ય પણ કેવાં કે, મટુકીમાં મહીને બદલે, મોરલી વગાડતાં કૃષ્ણને નિહાળી પણ શકે છે ?!!

    શબ્દાર્થ : સહસ્ત્ર – હજાર.  કૌતક (કૌતુક) – અજાયબી, ચમત્કાર.  પેખવું – જોવું.

    .

    .

    જાગને જાદવા : નરસિંહ મહેતા

    Tuesday, August 18th, 2009

     

    જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કુણ જાશે ?
    ત્રણસેં ને સાંઠ ગોવાળ ટોળે મળ્યાં, વડો રે ગોવાળિયો કુણ થાશે ? – જાગને.

    દહીંતણાં દૈથરાં, ઘી તણાં ઘેબરાં, કઢિયેલ દૂધ તે કુણ પીશે ?
    હરિ તાર્યો હાથિયો, કાળી નાગ નાથિયો, ભૂમિનો ભાર તે કુણ વહેશે ? – જાગને.

    જમુનાને તીરે ગૌધણ ચરાવતાં, મધુરી શી મોરલી કુણ વાહશે ?
    ભણે નરસૈંયો તારા ગુણ ગાઇ રીઝિયે, બૂડતાં બાંહેડી કુણ સાહશે ? - જાગને.

    - નરસિંહ મહેતા

     

    નરસૈંયાનાં પરભાતિયાંએ ગુજરાતી સાહિત્યનું પ્રભાત ઊગ્યું અને આજે પાંચ-છ સદી પછી પંણ,  પ્રભાતિયાં હજુ પણ લોકહ્રદયે બિરાજમાન છે.  આશ્ચર્ય થશે, પણ હજુ પણ અમારા વિસ્તારમાં એક મહારાજ પ્રભાતફેરી માટે આવે છે ( મહિનામાં એકાદ-બે વાર , પછી દક્ષિણા લઈને બીજા મહિને ) પણ જે દિવસે આવે તે દિ’ સારો તો ઊગે જ … કેવો જાય એ તો .. ?!!

    જે આપણને જગાડે તેનેય જગાડવો પડે ?!!  ઈશ્વર તો જાગતો જ હોય તેને જગાડવો ના પડે… છતાં નરસૈંયો કૃષ્ણને જશોદાની જેમ લાડથી જગાડે છે અને કહે છે, જાગને જાદવા..  !  જેનો આતમ જાગેલો, તેવો નરસૈંયો આવું કેમ ગાય ?  દુન્યવી વાસ્તવિકતા કોઇક વાર એટલી કડવી લાગે કે, એવું જ થાય… અરે, ઈશ્વર સૂઈ ગયો છે કે શું ? એમ પણ થઈ જાય કે ના.. ના… ઈશ્વર છે જ નહિં ક્યાંય.   જોકે, પરોક્ષ રીતે, ત્રણસેં ને સાંઠ ગોવાળિયાની વાત કરીને આખું વર્ષ હર ક્ષણ આપણને જ જાગતા રાખવાની વાત કરી જ દે છે. 

     

    શબ્દાર્થ :  કુણ – કોણ, વાહશે – વહેવડાવશે, સાહવું – પકડવું , બાંહે – હાથ, કર.

     

    .

    સત્ સૃષ્ટિ : અજ્ઞાત

    Monday, February 23rd, 2009

     

    સત્ સૃષ્ટિ તાંડવ રચયિતા
    દ્રિગ્ તામ્ તામ્, દ્રિગ ધિન્ ધિતા,
    હે આદ્યગુરુ શંકર પિતા
    નટરાજ રાજ નમો નમ :

    ગંભીર નાદ મૃદંગનાં,
    ધબકે ઊર બ્રહ્માંડનાં,
    ધ્વનિ નિત્ય નૃત્ય પ્રચંડનાં,
    નટરાજ રાજ નમો નમ :

    શિર જ્ઞાનગંગા ચંદ્રમા,
    દૃગ ત્રીજું જ્યોતિ લલાટમાં,
    વિષ નાગમાલા કંઠમાં,
    નટરાજ રાજ નમો નમ :

    તુજ શક્તિ વામાંગે સ્થિતા,
    હ્રીં ચંડિકા અપરાજિતા,
    સહુ વેદ ગાયે સંહિતા,
    નટરાજ રાજ નમો નમ :

    - અજ્ઞાત

    મહાશિવરાત્રીનાં પુણ્યપર્વે મને ગમતી શિવસ્તુતિ…… શિવ એટલે જ કલ્યાણ. આજનાં પવિત્ર દિવસથી સૌ શિવભક્તોનું જીવન કલ્યાણકારી બની રહે તેવી મંગલ કામના સાથે ……..

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME