Archive for the ‘ભારત’ Category
શા માટે ? : નર્મદાશંકર પાઠક
Tuesday, August 16th, 2011.
.
સામ્રાજ્યોના ઠેકેદારો ! માંગો છો સહારો શા માટે ?
લઈ આબરૂ ડૂબી જાવ હવે, શોધો છો કિનારો શા માટે ?
માનવતાને ગૂંગળાવીને, ડૂમાવીને, તડપાવીને-
‘એટમ’ને આપો છો આ શાંતિનાં આકારો શા માટે ?
જ્યાં પ્રેમ તણો આભાસ નથી, આપસમાં જરી વિશ્વાસ નથી,
ત્યાં માનવતાની વાતોનો, હદ બહાર લવારો શા માટે ?
આપેલા કોલ ભૂલો છો ત્યાં, એ કોલની કિંમત કાંઇ નથી,
તો વ્યર્થ અને જૂઠા જૂઠા શાંતિનાં કરારો શા માટે ?
એક હાથ મિલાવ્યો છે પ્રેમે, બીજામાં ખંજર રાખ્યું છે,
ભય હોય, ત્યાં પ્રીતિ હોય નહીં એ સત્ય નકારો શા માટે ?
ક્રાંતિ અંગડાઈ લઈ રહી છે, શાંતિની જરૂરત છે આજે,
તો સત્તાનો આ શોખ અને શસ્ત્રોનો ઈજારો શા માટે ?
હિંસાથી વધે છે હિંસા કાયમ વેર જ વેર વધારે છે,
જગ શાંતિ , શાંતિ ઝંખે ત્યાં તકરાર વધારો શા માટે ?
- નર્મદાશંકર પાઠક
.
.
પાંચ-છ દાયકા પહેલાં લખાયેલ આ ગઝલ આજે પણ એટલી જ પ્રસ્તુત છે - વિષયવસ્તુ અને ગઝલિયત પણ. પહેલાં પણ એક જ પ્રશ્ન હતો – શા માટે ? અને આજે પણ આઝાદ ભારતનાં ‘આઝાદ’ સામ્રાજ્યનાં ઠેકેદારોને એ જ પ્રશ્ન પૂછવો પડે છે – શા માટે ?!!
ભ્રષ્ટાચારનો વિરોધ કરવાનો પણ વિરોધ – સાહિર લુધિયાનવીની નઝમની એક જ લીટી યાદ આવે છે – “જિન્હેં નાઝ હૈં હિંદ પર વો કહાં હૈ ?”
.
.
.
.
૧૫મી ઑગસ્ટ : નર્મદાશંકર પાઠક
Monday, August 15th, 2011.
.
વર્ષો તણા બંધન અંધકારનાં
કાળી નિશા જે દિન પૂર્ણ થાતાં
ને જે દિને મંગલ મુક્તિ કેરી
ઊગી ઉષા ઉજ્જવળ ને અપૂર્વ
ઑગસ્ટની પંદરમી તિથિ હે !
નમી પડે સાદર શીર્ષ મારું
સમસ્ત સૂના ઈતિહાસ માંહી
અંકાઈ તું તપ્ત સુવર્ણ પૃષ્ઠે
ને કોતરાઈ અમ સર્વ અંતરે
તે ધન્ય ને પ્રેરક પુણ્ય આ તિથિ
પુણ્યોજ્જ્વલા પંદરમી તિથિએ
તને નમે સાદર શીર્ષ મારું
- નર્મદાશંકર પાઠક
.
.
સ્વાતંત્ર્યદિન નિમિત્તે સૌ ભારતીયોને – વૅબમહેફિલના વાચકોને સ્વતંત્રતા મુબારક. પચાસના દાયકામાં રચિત આ કાવ્યમાં કવિ આ પુણ્યોજ્જવલા તિથિ પંદરમી ઓગસ્ટને શીશ નમાવી વંદન કરે છે. બસો વર્ષોની ગુલામીનો અંધકાર દૂર કરનાર ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ની એ ઉષા, સુવર્ણ અક્ષરે હૃદયમાં અંકિત થયેલી જ હોયને. એ દિવસને નતમસ્તક વંદન.
આપ સૌના સાથ સહકારથી વૅબમહેફિલ આજનાં આ પવિત્ર, મંગલ દિને ત્રણ વર્ષ પૂરા કરે છે. સૌ કવિમિત્રો અને વાચકમિત્રોનો ખૂબ ખૂબ આભાર.
.
.
.
.
કોઈનો લાડકવાયો : ઝવેરચંદ મેઘાણી
Saturday, August 28th, 2010
.
.
ઝવેરચંદ મેઘાણી કહે છે, “રાગ-સૂરમાં ગાવા સારુ બનેલાં ગીતોને એના કલ્પાયેલા ઢાળથી જુદી રીતે ગાવાથી જ એનો વધ થાય છે, કેમકે રચનારાના હૃદયમાં એ શબ્દો ગૂંથતી વેળા અમુક રાગનું સતત ગુંજન ચાલેલું હોય છે. એ રાગ અમુક ભાવનો વાહક બનવા પસંદ થયો હોય છે. આમ કર્તાએ મુકરર કરેલ ઢાળ કાવ્યકૃતિનું અવિચ્છેદ્ય અંગ બની જાય છે. માટે જ મારા નિર્માણ કરેલ ઢાળોમાં મારા ગીતો નથી ગવાતાં ત્યારે એ ગીતો દુખિત બને છે. ‘કોઇનો લાડકવાયો’ એ મારું ઘણું જ લાડકવાયું ગીત મારા કંઠનાં મુકરર સૂરોમાંથી જ ઉદ્ભવેલું અને એ જ સૂરો વડે સીંચાયેલું. તેને જ્યારે કલિંગડા કે મરાઠી સાખીનાં બદલે મૂળ ભૈરવીમાં ગવાયેલું સાંભળું છું ત્યારે મારું પ્રિય સંતાન રીબાતું હોવાની વેદના થાય છે અને મારું પ્રિયમાં પ્રિય બાળક કતલ થયું હોય એવો ખેદ થાય છે.”
આપણાં સૌના લાડીલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જન્મદિને તેમનાં લાડકવાયા ગીતને તેમનાં પ્રિય રાગ કલિંગડામાં, તેમની સુપુત્રી ઇન્દુબેન શાહનાં સ્વરમાં માણી, તેમને યાદ કરી, ફરી આ ગીતને મૂળ અંગ્રેજી કાવ્ય સાથે માણીએ. ( વિશેષ માહિતી અને ઓડિયો માટે પિનાકીભાઇ મેઘાણીનો ખૂબ ખૂબ આભાર )
.
.
( રક્ત ટપકતી…… ઝવેરચંદ મેઘાણીના હસ્તાક્ષરમાં )
સાભાર : યશ મેઘાણી
.
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
( ઝવેરચંદ મેઘાણીનાં સુપુત્રી ઈન્દુબેન અનિલભાઇ શાહનાં સ્વરમાં )
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે
કેસર-વરણી દેશસેવિકા કોમલ સેજ બિછાવે
ઘાયલ મરતાં મરતાં રે
માતની આઝાદી ગાવે
કો’ની વનિતા, કો’ની માતા, ભગિની ટોળે વળતી
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી
મુખથી ખમ્મા ખમ્મા કરતી
માથે કર મીઠો ધરતી
થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને
શાહબાશીના શબદ બોલતા પ્રત્યેકની પિછાને
નિજ ગૌરવ કેરે ગાને
જખમી જન જાગે અભિમાને
સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો
છેવાડો ને એકલવાયો અબોલ એક સૂતેલો
અણપૂછયો અણપ્રીછેલો
કોઇનો અજાણ લાડીલો
એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી
કોઇના લાડકવાયાની
ન કોઇએ ખબર પૂછાવી
ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી
કોઇના લાડકવાયાની
આંખડી અમૃત નીતરતી
કોઈના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં
આખરની સ્મૃતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં
આતમ-દીપક ઓલાયા
ઓષ્ટનાં ગુલાબ કરમાયાં
કોઈના એ લાડકડા પાસે હળવે પગ સંચરજો
હળવે એનાં હૈયા ઉપર કર-જોડામણ કરજો
પાસે ધૂપસળી ધરજો
કાનમાં પ્રભુપદ ઉચ્ચરજો
વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે
સહુ માતા ને ભગિની રે
ગોદ લેજો ધીરે ધીરે
વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા
રે ! તમ ચુંબન ચોડાતાં
પામશે લાડકડો શાતા
એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી
એની રક્ષા કાજે અહરનિશ પ્રભુને પાયે પડતી
ઉરની એકાંતે રડતી
વિજોગણ હશે દિનો ગણતી
કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા
વસમાં વળામણાં દેતાં
બાથ ભીડી બે પળ લેતાં
એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી
જોતી એની રૂધિર છલક્તી ગજગજ પ્હોળી છાતી
અધબીડ્યાં બારણિયાંમાંથી
રડી હશે કો આંખ બે રાતી
એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે
કોઇના લાડકવાયાને
ચૂમે પાવકજ્વાલા મોઢે
એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી
લખજો: ‘ખાક પડી આંહી
કોઈના લાડકવાયાની’
- ઝવેરચંદ મેઘાણી
.
લોકલાડીલા, રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના જન્મદિને તેમની એક અમર કૃતિ…. તેમનાં જ હસ્તાક્ષરમાં. Marie La Coste રચિત Somebody’s Darling કાવ્ય પરથી તેમને આ ગીતની પ્રેરણા મળેલી. તેમનાં જ શબ્દોમાં…..
” Somebody’s Darling એ નામનું એક અંગ્રેજી પદ ભાઈ શ્રી દેવીદાસે અબ્બાસ દાદાની વિદાય – રાત્રિએ વાંચી સંભળાવેલું. તે પરથી આ સૂઝ્યું છે. અત્યારનાં આપણા સમયને અનુરુપ ભાવ આપેલો છે. અનુવાદ નથી. “
પ્રથમ ગુજરાતી બ્લૉગનું સ્થાન અને માન જે ધરાવે છે તે ‘ ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો ‘ પર તેમણે આ મૂળ અંગ્રેજી કાવ્ય પણ મૂકેલ છે. મૂળ અંગ્રેજી કાવ્ય અને civil war વિષે વધુ માહિતી માટે War and American popular culture: a historical encyclopedia By M. Paul Holsinger ( e-book ) અને કાવ્ય પ્રકાશિત થયેલ તેની માહિતી… !!
.
( special thanks to http://web2.lib.unc.edu/music/eam/index.html )
SOMEBODY’S DARLING
Into the ward of the clean white-washed halls,
Where the dead slept and the dying lay;
Wounded by bayonets, sabres and balls,
Somebody’s darling was borne one day.
Somebody’s darling so young and so brave,
Wearing still on his sweet yet pale face
Soon to be hid in the dust of the grave,
The lingering light of his boyhood’s grace.
Somebody’s darling, somebody’s pride,
Who’ll tell his Mother where her boy died?
Matted and damp are his tresses of gold,
Kissing the snow of that fair young brow;
Pale are the lips of most delicate mould,
Somebody’s darling is dying now.
Back from his beautiful purple-veined brow,
Brush off the wandering waves of gold;
Cross his white hands on his broad bosom now,
Somebody’s darling is still and cold.
Give him a kiss, but for somebody’s sake,
Murmur a prayer for him, soft and low,
One little curl from his golden mates take,
Somebody’s they were once, you know,
Somebody’s warm hand has oft rested there,
Was it a Mother’s so soft and white?
Or have the lips of a sister, so fair,
Ever been bathed in their waves of light?
Somebody’s watching and waiting for him,
Yearning to hold him again to her breast;
Yet there he lies with his blue eyes so dim,
And purple, child-like lips half apart.
Tenderly bury the fair, unknown dead,
Pausing to drop on this grave a tear;
Carve on the wooden slab over his head,
“Somebody’s darling is slumbering here.”
- Marie Ravenal de la Coste
.
ગુજરાતી સાહિત્યનો ” મેઘાણી ” નામનો ઈતિહાસ પ્રત્યક્ષ નિહાળવો હોય તો તેમની વૅબસાઇટ www.jharverchandmeghani.com ની મુલાકાત જરુર લેશો. સંજય ભાવેએ અભિવાચનમાં જણાવેલું કે, જ્યારે તેઓ ૮ વર્ષનાં હતાં ત્યારે ઑક્સફર્ડ યુનિ. ના વિદ્ધાનો તેમનાં નિવાસસ્થાને ઉતરેલાં અને તેમણે ગાયેલું એક લોકગીત, તે સમયનું રેકોર્ડ કરેલ, જે હાલમાં પણ કેલિફોર્નિયા યુનિ.ની લાયબ્રેરીમાં છે. તેમની સાઇટ પર તેમના અવાજમાં રેકોર્ડ કરેલ ગીત સાંભળી પણ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. પિનાકીભાઇ મેઘાણીને આટલી સમૃદ્ધ અને ભવ્ય વૅબસાઇટ બનાવવા માટે દિલથી અભિનંદન. યશ મેઘાણીને પણ તેનાં જન્મદિન માટે આગોતરી શુભેચ્છાઓ….. !!
.
.
,
સ્વતંત્રતાની મીઠાશ : ઝવેરચંદ મેઘાણી
Sunday, August 15th, 2010

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,
મુરદાં મસાણેથી જાગતાં – એવી શબ્દમાં શી સુધા ભરી !
પૂછી જોજો કોઈ ગુલામને -
ઊઠ્યા કેવા ઓઘ એને મને
મળી મુક્તિ મંગલ જે દિને
એને કાને શબ્દ પડ્યો ‘તું સ્વાધીન’ – શી ઓહો સુખની ઘડી !
એની આંખ લાલમલાલ છાતીમાં છોળો છલકાઈ પડી !
એને ભાન મુક્તિ તણું થયું
એનું દૈન્ય ક્યાં ટપકી ગયું
એનું દિલગુલાબ ઝૂલી રહ્યું
એના મસ્તકે નમવાનું ભૂલી આભ-શું માંડી આંખડી
એની ઊર્મિ રાંક મટી રુડા જગબાગમાં રમવા ચડી !
પડું કેદખાનાને ઓરડે
લટકુંયે ફાંસીને દોરડે
લાખો ગોળી તોપ તણી ગડે
તારો હાથ હોય લલાટ, તો ભલે આવે જુલ્મ તણી ઝડી !
તારું નામ હોય જબાન, તો શી છે ભીતિ, ઓ મારી માવડી !
કાળી રાત ચોગમ ઘૂઘવે
લાખો શાપ બંધુજનો લવે
વા’લાં વેરી થૈ રોવે-મૂંઝવે
છૂપ્યા ચંદ્ર-સૂરજ-તારલા, મધસાગરે મારી નાવડી
ત્યાંયે જોઉં દૂર ઝબૂકતી, તારા દ્વારની ઝીણી દીવડી
મારા દેશનાં સહુ શોષિતો
દુનિયાનાં પીડિતો-તાપિતો
ખૂણે ખૂણે ગાય તારાં ગીતો
એનાં ભૂખ્યાં પેટ છતાં એને કેવી મોંઘી તું, કેવી મીઠડી
એનાં બેડીબંધન તૂટશે, એવી આશે ખલ્ક બધી ખડી
- ઝવેરચંદ મેઘાણી
( ૧૯૩૦ )
સ્વતંત્રતા એટલે કે, મુક્તિનો આનંદ અનેરો જ હોય…. ! બસો વર્ષની ગુલામી પછી, અનેક શહીદોનાં બલિદાન બાદ, મળેલી આ અણમૂલ આઝાદીનાં ૬૪મા વર્ષે, આપણે તો માત્ર આઝાદીને જાળવવાની છે , મૂલવવાની છે. ઇ.સ. ૧૯૩૦માં ઝવેરચંદ મેઘાણી રચિત આ ગીતમાં ‘સ્વતંત્રતા’ કેટલી મોંઘેરી અને મીઠડી હતી તેનો અંદાજ લગાવી શકાય છે. સી.એન.વિદ્યાવિહારના પ્રાર્થના મંદિરમાં મોટે અવાજે આ ગીત ગાતાં, ત્યારે તેની મીઠાશ ન’તી સમજાઇ પણ આજે… આઝાદીનાં મોંઘા મૂલ સમજાય છે. આજનાં આ પવિત્ર દિને ભારત દેશની સંસ્કૃતિ અને કલાનાં અણમોલ, વૈભવી વારસાને જાળવીએ અને મૂલવીએ તે જ આપણો નિશ્ચય હોઇ શકે. દેશનાં પ્રવર્તિત દૂષણો અને સમસ્યાઓનો સૌ સાથે મળીને ઉકેલ લાવીએ જેથી આઝાદીનાં શતાબ્દી પર્વે આવનારી પેઢી આ સમસ્યાનો સામનો કરવો ન પડે. આપ સૌને સ્વતંત્રતા મુબારક !

આજે આઝાદીનાં શુભ પર્વની સાથે વૅબમહેફિલનાં આંગણે, તેની દ્વિતીય વર્ષગાંઠનો અણમોલ અવસર પણ છે. વૅબમહેફિલ પર મૂકેલી વિધ વિધ રચનાઓ માણતાં વાચકો કે ભાવકો પોતાની રચનાઓ ઇ-મૅલમાં મોકલી તેને વૅબમહેફિલ પર મૂકવા ફરમાઇશ કરતાં હતાં. આથી મને વિચાર આવ્યો કે, વાચકોનો પોતાનો એક અલગ વિભાગ રાખીએ તો કેવું ? નામી અને પ્રતિષ્ઠિત સાહિત્યકારો સાથે, વિચાર – વિમર્શ બાદ, મારી આગ્રહભરી વિનંતી બાદ અમે નિર્ણય કરી આજથી ‘વાચકોની કલમે’ એક વિભાગ શરુ કર્યો છે. ગુજરાતની ‘સુવર્ણ જયંતિ’ નિમિત્તે ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એવું જ કંઇક ‘લખો ગુજરાતી’ ! એટલે કે, આજથી વૅબમહેફિલમાં પણ લોકશાહીનું રાજ…. લોકો દ્વારા, લોકો માટે, લોકોની મહેફિલ
આ વિભાગ શરુ કરવા પાછળ મારો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે, આ બહાને, વાચકો ગુજરાતી ભાષા અને સાહિત્યને વધુ વાંચશે અને સમજશે. વાચકોને નમ્ર વિનંતી કે તેઓએ પહેલાં પણ પોતાની રચના મોકલી હોય તો પણ, ફરીથી પોતાની રચના ગુજરાતીમાં ટાઇપ કરી, મોકલી આપશો. આપની રચના માટે જે પણ કોઇ પ્રતિભાવ આવે તેને ખેલદિલીપૂર્વક વધાવી, પોતાની ભૂલ સુધારવા પ્રયત્ન કરશો. અને જો યોગ્ય ગણાશે, તો આવતી કાલે, સાહિત્યકારની ‘category’ માં આપની રચના જરૂરથી મૂકવામાં આવશે જ.
આપ સૌ વાચકો, સાહિત્યકારો અને મંથન તેમજ નીરજનો ટેકનિકલ સપોર્ટ માટે ખૂબ ખૂબ આભાર.
તા.ક. વૅબસાઇટમાં જરુરી ફેરફાર કરતાં હોવાથી, હજુ ૨-૩ દિવસ કદાચ આપને મુશ્કેલી પડે તો ક્ષમા કરશો.
.
હું ગુર્જર ભારતવાસી : ઉમાશંકર જોશી
Saturday, May 1st, 2010

હું ગુર્જર ભારતવાસી.
ઝંખો પલ પલ સહુજન મંગલ મન મારું ઉલ્લાસી.
હું ગુર્જર ભારતવાસી.
અર્બુદ અરબસમુદ્ર વચાળે,
ધરતીનાં આ આઉ દુધાળે,
આવી વળગી હર્ષ-ઉછાળે;
ઉત્તર પશ્ચિમ દક્ષિણ પૂર્વથી વિધ વિધ પ્રજા સુહાસી.
હું ગુર્જર ભારતવાસી.
ધન્ય ધરા આ, કૃષ્ણ વસ્યા જ્યાં,
વિપદ દીઠી ક્યહીં, ત્વરિત ધસ્યા ત્યાં;
ગીતામૃત પી ગાંધી હસ્યા હ્યાં. (અહીંયા)
ગાંધી-કૃષ્ણની કરુણાકરણી રહો જ ચિત્ત ઉપાસી.
હું ગુર્જર ભારતવાસી.
અશોક-ધર્મલિપિ ઉર મુજ અંકિત,
ઈસાઈ પારસિક મુસ્લિમ જિન-હિત,
મંત્ર મધુર ગુંજે અંવિશંકિત :
‘સર્વ ધર્મ સમ, સર્વ ધર્મ મમ.’ – ઉર એ રહો પ્રકાશી.
હું ગુર્જર ભારતવાસી.
ગિરિચટ્ટાન સમાણી છાતી,
જલધિતરંગ નાથે મદમાતી,
રમે વિદેશે સાહસ-રાતી;
સદાજાગરૂક જગતનાગરિક સાગરતીર્થનિવાસી.
હું ગુર્જર ભારતવાસી.
- ઉમાશંકર જોશી
( ૨૯.૪.૧૯૬૦ )
મહાગુજરાત આંદોલન શરુ કરી નવલોહિયા યુવાનોએ લોહી વહાવી આપણને સૌને અલગ ‘ગુજરાત’ અપાવ્યું તે સૌને નતમસ્તક વંદન. ગુજરાત રાજ્યની સ્થાપના થઇ તે પૂર્વે, ઉમાશંકર જોશીની કલમ ગાઇ ઊઠે છે, હું ગુર્જર ભારતવાસી….! જ્યારે જ્યારે અલગ રાજ્યની માંગણી ઊઠી છે ત્યારે દેશનાં ટુકડા થઇ જશે તેવો ડર સતાવે છે. પણ આજે મને પ્રશ્ન થાય છે, જો ગુજરાત સ્વતંત્ર ન થયું હોત તો તેનો વિકાસ આટલો શક્ય હોત ? જે વિકસિત મુંબઇ માટે મહારાષ્ટ્ર અને ગુજરાત લડતું હતું … આજે પચાસ વર્ષે “Times of India” કહે છે, શું અમદાવાદ મુંબઈનું હરીફ બની રહ્યું છે ? - જે આપણાં સૌ માટે ગર્વની વાત છે. કુટુંબનાં સભ્યોની સંખ્યા વધી જાય તો શું આપણે તેને જુદાં ઘર નથી કરી આપતાં એવું કંઈ શું ના વિચારી શકાય - અને અંતે તો આપણે સૌ ભારતવાસી જ છીએ એક જ માટીનાં સંતાન !
‘ગુણવંતી ગુજરાત’ નાં સુવર્ણજયંતિનાં અવસરે સૌ ગુજરાતી ( એટલે કે, ગુજરાતમાં રહેનાર દરેક પ્રાંત/રાજ્ય/દેશનો નાગરિક) જગત નાગરિક બની ભારતનું નામ રોશન કરે તેવી મબલખ શુભેચ્છાઓ સહ. હાલમાં જ અમદાવાદનો છસોમા વર્ષમાં પ્રવેશ અને હવે ગુજરાતની સુવર્ણ જયંતિ … આ સુંદર યોગાનુયોગને વૅબમહેફિલ પર અવનવાં ગુજરાતનાં કાવ્યો માણીને ઉજવીશું ?!
.
ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ : સ્નેહરશ્મિ
Tuesday, January 26th, 2010

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
“>
ફરક ફરક તું મુક્ત હવામાં, ઝંડા ઊડ તું ઊંચે વ્યોમ,
અમ મસ્તક પર રહે ફરકતો, જ્યાં લગી નભમાં સૂરજ સોમ.
ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.
રહે લહેરાતો હિમગિરિ પર તું, ઊડ તું સાગર તટે વિરાટ,
કૃષ્ણા, રેવા તટે ઊડ તું, ઊડ તું જાહ્નવી યમુના ઘાટ ;
ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.
ત્રિરંગી છે તવ છાયા શીળી, ધર્મચક્ર તવ ઊરે ઉદાર,
અશોક કેરાં સ્વપ્ન ફળે સૌ, સુણાયે જા તવ ઊર ધબકાર;
ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.
શહીદનાં શોણિતથી પોષ્યાં, વજ્ર સમા તવ અણનમ અંગ,
કુદ્રષ્ટિ તમ ? કો નવ વીંધે તુજને, મહાબાહુ તું અગ્નિતરંગ;
ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.
ગગન? જેવો ધ્રુવ તારક તું, તું હો નૂતન જગનો પ્રાણ,
ઘોર નિશામાં વિશ્વજનોને, બનજે તું શિવ મુક્તિ ભાણ;
ઝંડા મુક્ત વિહર જગ વ્યોમ, સાથી હો તવ સૂરજ સોમ.
- સ્નેહરશ્મિ
આપણાં દેશનું પ્રતિક, આપણો રાષ્ટ્રધ્વજ નભમાં સૂરજ-સોમ હોય ત્યાં સુધી ફરકતો રહે તેવી અભિલાષા આ ગીતમાં વ્યકત કરવામાં આવી છે. તો તેની શીળી છાયામાં તમામ ધર્મનાં લોકો, સમ્રાટ અશોકનું સપનું સાકાર કરી શાંતિથી રહે તેમ પણ વ્યકત કર્યું છે. શહીદોનું લોહી રેડીને તારાં અંગો વજ્ર સમાન બનાવ્યાં છે, તેની પર કુદૃષ્ટિ ન લાગે તેવા ઓવારણાં પણ લે છે. ગગનમાં જેમ એક જ ધ્રુવતારક છે, અને એક ભાણની જેમ તું પણ, એકલો જ પૂરા વિશ્વનું કલ્યાણ કર.
જ્યારે નાનાં હતાં અને દેશ-ભક્તિનાં ગીતો ગાતાં ત્યારે તેનું જોશ-ખુમારીપૂર્વકનું સંગીત જ મુખ્ય આકર્ષણ બની રહેતું. પણ આજે ૨૫-૩૦ વર્ષે તે ગીતો સાંભળીએ તો આંખમાં આંસુ જ આવે. સી.એન.વિદ્યાલયમાં જ્યારે આ ગીત ગાતાં ત્યારે ઝંડાની જેમ જ અમારો અવાજ પણ આકાશને આંબવા જ મથતો. ( ઑડિયો સૌજન્ય મેહુલ શાહ )
શબ્દાર્થ : શોણિત – લોહી, નિશા – રાત્રિ, મહાબાહુ - શૂરવીર, ભાણ – નાટ્ય કળાનો એક પ્રકાર, જેમાં ‘એક’ જ પાત્ર રંગભૂમિ પર આવે છે.
.




