Archive for the ‘માણસ’ Category

  • આ ક્ષણ સુધી : રાજેન્દ્ર પટેલ
  • આપણી વાત : ડૉ. મહેશ રાવલ
  • આપણે : પન્ના નાયક
  • માણસ ઉર્ફે : નયન દેસાઈ
  • માણસ ખોટા ભણતર જેવો : મીરા આસીફ
  • માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે
  • માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ
  • મુકામ પોસ્ટ માણસ : નયન દેસાઈ


  • મુકામ પોસ્ટ માણસ : નયન દેસાઈ

    Monday, August 29th, 2011

    .

    જીવ્યાનું જોયાનું હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ,
    ભીંતો ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ.

    રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ,
    ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નૉટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ.

    બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે,
    મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ.

    ઘરનંબર અથવાને પિનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મીપુરા,
    કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ.

    કેન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે,
    મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ.

    - નયન દેસાઈ

    .

    .

    થોડાક સમય પહેલાંની જ વાત છે… જ્યારે સંદેશા વ્યવહાર માટે પોસ્ટ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. :)   જેમાં પત્ર મોકલનારનું સરનામું લખવામાં આવતું  અને અંતમાં મુ.પો. એટલે કે, મુકામ - સ્થાન અને પોસ્ટ લખવામાં આવતું.  કવિ પણ આ ગઝલમાં કોઇક સંદેશો ‘માણસ’ને આપવા માંગે છે અને આથી જ રદીફ રાખે છે મુકામ પોસ્ટ માણસ.

    સૂરજ રોજ એક નવી આશ લઇને ઊગે છે પણ જિંદગી જીવતાં જણને તૂટી ગયા પછી તો મળે છે તૂટેલાં ફૂટેલાં અરમાનોનું પાર્સલ .  મંઝિલ પર જિંદગી દિવાલ ખડી કરતી હોય ત્યાં પડછાયા જ દેખાય..  પણ તેને કહેવું છે એટલું જ કે,  સૂરજ ઊગ્યાનું લખી દો – મુકામ પોસ્ટ માણસ.

    જો કે, જખ્મીપુરા જિલ્લામાં રહેતો ‘માણસ’ ઘરનંબરે થોડો મળે ? એ તો સૂતો છે કો’ક કાળમીંઢ ખડકોની નીચે… એ શ્વાસોને ચૂંટી ખણી જગાડવા છે.  હા..મરિયમની ભ્રમણાએ બદલ્યું છે સરનામું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ. ક્યારેક તો ‘માણસાઇ’ના જર્જરિત ખંડેરોને આ ટપાલ મળશે જ ને !

    .

    .

    .

    .

    માણસ ઉર્ફે : નયન દેસાઈ

    Friday, September 17th, 2010

    .

    માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ઉર્ફે ડૂબી જવાની ઘટના ઉર્ફે,
    ઘટના એટલે લોહી, એટલે વહેવું, એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…..

    ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા,
    દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…..

    વજ્જરની છાતી ના પીગળે, આંસુ જેવું પાંપણને કૈંક અડકે તો પણ,
    આંસુ એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…..

    પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે,
    રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…..

    ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
    સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…..

    છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
    ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…..

    મૂટ્ઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
    પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…..

    - નયન દેસાઈ

    .

    ‘માણસ’ નામની ઘટનાને નયનભાઇએ સમજાવી છે, એનાથી વિસ્તૃત રીતે સમજાવી શકાય ખરી ?   માણસ ઉર્ફે દરિયો અને તેમાં ડૂબી જવાની ઘટના શક્ય બને તો જ  ‘માણસ’ને સમજી શકાય.  અને એ ઘટના પણ કેવી – લોહી વહેતું ખૂટી જાય તેવી ઘટના.  છતાં પણ આંખમાંથી આંસુ ના નીકળે તો નવાઇ નહિં ?  કારણ , આંસુ એ તો શૈશવ અને તેમાં કૂદવાની ઘટનાની શક્યતા હવે તો નહિવત્‌ !   કદાચ એટલે જ કવિ,  આ પડછાયાનાં ગામથી દૂર – સંબંધોની વણજારને વાળી દેવાનું કહે છે.  તો સાથે  ‘માણસ’ વિશે કંઇ કશું નક્કર કહી ન શકાય એમ જાણે છે, એટલે, દરેક શેરને અંતે ઉર્ફે ……  શબ્દ મૂકી  ‘માણસ’ નામની ઘટનાને આપણાં દ્રષ્ટિકોણથી  નિહાળવાની , સમજવાની તક આપે છે અને ચેતવે પણ છે.

    .

    .

    .

    આ ક્ષણ સુધી : રાજેન્દ્ર પટેલ

    Friday, August 20th, 2010

    લોહીનું બુંદ
    કમળનું ફૂલ થાય
    તેની રાહમાં ને રાહમાં
    પક્ષી ટહુકી ટહુકીને
    સૂકી ડાળ થઈ ગયું.

    ૨૫૦૦ વર્ષ પહેલાં
    બૅબિલોનમાં બનેલા પ્રથમ બે માળનાં મકાનથી
    ન્યૂયોર્ક શહેરના ‘ડબલ્યુ.ટી.સી.’ સુધી
    બધું રેત-રેત થતું ગયું.

    પૈડાંની શોધની ક્ષણથી
    આધુનિક રૉબોટ સુધીનાં યંત્રોય
    લાગવા માંડ્યાં પુરાણાં.

    કાળા માણસોમાંથી ધોળો માણસ થવામાં
    ભલે લાગ્યાં ૨૦,૦૦૦ વર્ષ
    પણ અબજ અબજ વર્ષ પછીયે
    બધું એમ જ છે.

    કેવળ બે પથ્થરના ઘસરકામાંથી જન્મેલો
    અગ્નિ હરહંમેશ રહ્યો
    દેદીપ્યમાન.

    તણખાનું તાંડવ
    હંમેશાં અવનવાં રુપ
    પ્રગટાવતું રહ્યું પૃથ્વીના ઉદ્‍ભવથી આ ક્ષણ સુધી.

    - રાજેન્દ્ર પટેલ

    ગુજરાતી સાહિત્ય પરિષદમાં અવિરત સેવા આપતાં રાજેન્દ્ર અંકલ , વૅબમહેફિલને પણ મદદ કરી રહ્યાં છે.  આજે તેમનાં જન્મદિને, વૅબમહેફિલ અને તેનાં વાચકો તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ.  ચકમક પથરાઓને ઘસીને અગ્નિની શોધ કરેલી તે ન્યુયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પૂરું થાય ત્યાં જ પૂરી થાય છે ??!  શું હજુ પણ સમય છે આપણી પાસે, તણખાઓનાં તાંડવથી  બચવાનો ?!!

    .

    .

    .

    આપણે : પન્ના નાયક

    Thursday, June 10th, 2010

     

    આપણે

    આટલાં નજીક

    છતાં ય

    જિંદગીભર

    એકબીજાને જોયા કર્યાં છે એ રીતે

    જાણે

    હું સ્ટેશન પર

    ને

    તું

    પસાર થતી ટ્રેનનો મુસાફર.

    - પન્ના નાયક

     

    ટ્રેનનાં પાટા જેમ સતત સાથે રહીને પણ, એકબીજાને ક્યારેય મળી શકતાં નથી હોતાં.  તેવી જ રીતે, એક જ છત નીચે, એક  ’માણસ’  બીજાં ‘માણસ’ને ક્યાં મળી શકે છે ?

     

    .

    માણસ છે, બિઝનેસ કરે છે : કૃષ્ણ દવે

    Tuesday, June 8th, 2010

     

    પતંગિયાંની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે,
    ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
    પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    સંબંધોની ફાઇલ રાખીને, ચહેરા પર સ્માઇલ રાખી,
    લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
    જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
    માંગો તે ટહૂકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
    જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચંદ્ર ગણાવી,
    વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.

    - કૃષ્ણ દવે 

     

    એક માણસની હેસિયત કેટલી ?  બ..સ  ’પોતાનું’  આકાશ બતાવવાની  જ ને ?!!   આમ તો,  માણસને માપવો શક્ય નથી, પણ કૃષ્ણભાઇ આ ગઝલમાં ફૂટપટ્ટી લઈ માણસને  માપી શક્યાં છે, એમ કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. 

     

    .

    માણસ જેવો માણસ મળશે : ડૉ. મહેશ રાવલ

    Friday, September 4th, 2009

     

    જ્યાં જોશો ત્યાં આગળ-પાછળ, માણસ જેવો માણસ મળશે.
    સપનાં વેચી રળતો અટકળ, માણસ જેવો માણસ મળશે.

    હોવાની મબલખ પીડા લઇ, નીકળે ઘરથી ઘરને ખાતર,
    મુઠ્ઠીમાં લઇ ચપટી અંજળ, માણસ જેવો માણસ મળશે.

    રસ્તો વત્તા પગલાં વત્તા અણધાર્યા જોખમનો ફડકો,
    ઉભડક શ્વાસે ઉભડક હરપળ, માણસ જેવો માણસ મળશે.

    માનવતા નેવે મૂકીને, રમખાણોમાં ઉઘડે આખો,
    ટાણે સાબિત થાતો વ્યંઢળ, માણસ જેવો માણસ મળશે.

    ધક્કા દેતો, ધક્કે ચડતો, ધક્કા જેવું હરતો – ફરતો,
    ધક્કે ધક્કે વધતો આગળ, માણસ જેવો માણસ મળશે.

    લીલ પીળી કળતર વચ્ચે, પરસેવે નીતરતો લથબથ,
    મરતાં મરતાં જીવતો કેવળ, માણસ જેવો માણસ મળશે.

    માથે ભમતો માણસનો ભય, આંખોમાં તરવરતો કાયમ,
    જાસાચિઠ્ઠીનો થઈ કાગળ, માણસ જેવો માણસ મળશે.

    - ડૉ. મહેશ રાવલ

    મહેશઅંકલનો પણ આજે જન્મદિન…. બસ ‘માણસ’ જેવો જ માણસ સૌ કોઈને અને તેમને પણ મળે ….  આપણા સૌ વતી જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…. !!

     

     . 

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME