Archive for the ‘માતા-પિતા’ Category

  • કલંક : ધર્મેશ ‘ડી’
  • આંધળી મા નો કાગળ : ઈન્દુલાલ ગાંધી
  • જીવી જવાશે : ભરત ભટ્ટ ‘પવન’
  • તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી
  • દેખતા દીકરાનો જવાબ : ઈન્દુલાલ ગાંધી
  • મા ! : રતિલાલ બી. સોલંકી
  • મા : ‘સપન’ કુરેશી
  • મા : મિરોસ્લાફ હોલુબ
  • યાદ આવી : આહમદ મકરાણી
  • રાહ જોવી : મિરોસ્લાફ હોલુબ


  • મા ! : રતિલાલ બી. સોલંકી

    Sunday, May 8th, 2011

    .

    ( પગભર ખોરડું )

    ,

    તું હતી તો ઘર ખરેખર ઘર હતું, મા !
    એક મીઠું આંગણે સરવર હતું, મા !

    ધોમધખતા તાપ સામે ઢાલ જેવું,
    એક માથે વાદળું ઝરમર હતું, મા !

    સાવ ખાલીખમ હતું પણ તું હતી તો,
    એમ લાગે ખોરડું પગભર હતું, મા !

    યાતના વચ્ચે મલકતું ને હરખતું,
    એ વદન હેતાળ ને મનહર હતું, મા !

    ફાયદા-નુકશાનનો હિસાબ શાનો,
    તારું બસ હોવાપણું સરભર હતું, મા !

    - રતિલાલ બી. સોલંકી

    .

    .

    મા વિનાનું ઘર ક્યારેય ઘર ન કહેવાય.  બસ, તેની હાજરી માત્ર જ અને ઘર ભર્યું ભર્યું  !  ઘર ખાલી થઇ જાય અને તેની ગેરહાજરી વર્તાય તે પહેલાં ‘મા’ નું હોવાપણું  ઉજવી લઇએ ?!!!

    .

    .

    .

    .

    મા : ‘સપન’ કુરેશી

    Sunday, May 8th, 2011

    .

    .

    મને યાદ આવે છે તમ હાજરી મા,
    ગયા છો ખરેખર થઈ ખાતરી મા.

    અમે હાથ ધરતાં રડ્યાં ભાઇ બન્ને,
    તમે બહુ કરાવી નહીં ચાકરી મા.

    તમારા જ હકમાં દુઆઓ કરે સૌ,
    તમે આખેરતની સફર આદરી મા.

    દુઆ છે બને ફૂલ તુરબતની મારી,
    પથારી તમે ખાકમાં પાથરી મા.

    સહન કેમ થાશે ‘સપન’થી જુદાઈ,
    કસોટી સબરની થશે આકરી મા.

    - ‘સપન’ કુરેશી

    .

    .

    ‘મા’  એટલે  હૂંફ અને સલામતીનું સરનામું.  એ જ્યારે ન હોય ત્યારે જ તેની ગેરહાજરી વર્તાય. બાકી તો  મમ્મી એટલે કોઇ પણ વાત કે વસ્તુ માટે taken for granted .  માતૃદેવો ભવની સંસ્કૃતિ તો રોજ સવારે વંદન કરવાનું સૂચવે છે.  આજનાં દિને વંદન કરવાનું ચૂકશો નહિં.  Happy Mother’s Day to all of you.

    .

    .

    .

    .

    તો, પપ્પા, હવે ફોન મૂકું ? : મનોહર ત્રિવેદી

    Sunday, June 20th, 2010

    dikri

    તો, પપ્પા, હવે ફોન મૂકું ?
    તમને  યે મોજ  જરી આવે  તે  થયું મને , STDની ડાળથી ટહૂકું !

    હૉસ્ટેલને ?  હૉસ્ટેલ તો ફાવે છે,  જેમ કે કાંટામાં સચવાતું ફૂલ ,
    તોય એ તો ઊઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ ;
    ફાગણના લીલાકુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું.
    તો, પપ્પા, હવે ફોન મૂકું ?

    મમ્મી,બા જલસામાં ? બાજુમાં ઊભી છે ? ના, ના, તો વાસણ છો માંજતી ,
    કે’જો   આ  દીકરી  યે તારાં  સૌ સપનાંઓ  રાત પડ્યે  નીંદરમાં  આંજતી ;
    સાચવજો, ભોળી છે,  ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂંકું.
    તો, પપ્પા, હવે ફોન મૂકું ?

    શું  લીધું ?  સ્કૂટરને ? ભારે   ઉતાવળા, શમ્ભુ  તો   કેતો’તો   ફ્રીજ ,
    કેવા છો જિદ્દી ? ને હપ્તા ને વ્યાજ ?  વળી ઘર આખ્ખું ઠાલવશે ખીજ ;
    ઝાઝી તો વાતુંનાં  ગાડાં   ભરાય :  કહું  હાઈકુમાં, એટલે  કે   ટૂંકું.
    તો, પપ્પા, હવે ફોન મૂકું ?

    - મનોહર ત્રિવેદી

    પિતા અને પુત્રીનાં અનોખા બંધનને ઉજાગર કરતી, મનોહરભાઇની આ ખૂબ જાણીતી રચનાને આજે તેમનાં જ અવાજમાં માણીશું.  દીકરી એટલે જ વ્હાલનો દરિયો પણ સમય વીતતાં જ તેને દાદી બની જતાં વાર નથી લાગતી.  આખાયે ગીતમાં બસ રુટિન વાતચીત જ છે, પણ  હોસ્ટેલમાં રહેતી દીકરીની સંવેદનાઓને આબાદ ઝીલી છે.  મારું બાળપણ યાદ કરું તો , મમ્મી કે અન્ય ન કહી શકે તેવું હું પપ્પાને દાદી બનીને  કહેતાં વાર ન’તી લગાડતી… કદાચ આજે પણ   !!   :)

    Happy Father’s Day to all !!

    ( વિડીયો સૌજન્ય :  પંકજ ત્રિવેદી )

    .

    જીવી જવાશે : ભરત ભટ્ટ ‘પવન’

    Sunday, May 9th, 2010

     

    mother-baby1 

    મા હશે તો સો વરસ જીવી જવાશે,
    અન્યથા વચ્ચે કશે અટકી જવાશે.

    ધ્યાનથી માનો ચહેરો જોઈ લેજે,
    સાર ગીતાનો તરત સમજી જવાશે

    ત્યાં જ કાશી, ત્યાં જ કાબા, ત્યાં જ વૈકુંઠ,
    એક ખોળામાં બધું પામી જવાશે.

    ગોદડીમાં સાડલા જો હોય એના,
    સોડ લેતાં સ્‍હેજમાં ઊંઘી જવાશે.

    ઠેસ વાગે સાઠ વર્ષે જો અચાનક,
    તો ય જોજો ‘ઓય મા’ બોલી જવાશે.

    - ભરત ભટ્ટ ‘પવન’

     

    વેદ, ઉપનિષદ અને ગીતાનો સાર – એટલે જ મા…  પણ, મા નામનો વેદ - ’મા’  ન હોય ત્યારે જ સમજાય.  બાકી સાઇઠ વર્ષે પણ, વાગે ત્યારે કે બિમાર પડીએ તો મા  જ યાદ આવે.   અને ત્યારે  એની સાડીઓથી બનેલી ગોદડી બાથમાં ભરવાનું રહે છે.  જોકે, ગૌરાંગભાઇ કહે છે એમ,  ” સોયમાં દોરાને બદલે બા હતી, ગોદડીમાં હૂંફ પણ સીવાઈ ગઈ”.   આપ સૌને માતૃદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 

     

    .

    યાદ આવી : આહમદ મકરાણી

    Monday, October 5th, 2009

     

    અચાનક ફરીથી જ મા યાદ આવી;
    બધાં યે દરદની દવા યાદ આવી.
     
    નહીંતર હતું સાવ અંધારું ઘરમાં;
    ધીમેથી સળગતી શમા યાદ આવી.
     
    ભીતરનો બગીચો જ ખીલી ગયો છે;
    વહેતી વસંતી હવા યાદ આવી.
     
    સહજ હાથ ઊંચા થયા બંદગીમાં;
    ફકીરોની જાણે દુઆ યાદ આવી.
     
    હું વરસોથી છૂટી ગયો છું છતાં યે;
    મને ધ્રૂજતી એ કમાં યાદ આવી.

    -  આહમદ મકરાણી

     

    આજે આદરણીય આહમદ મકરાણીનાં જન્મદિને તેમની એક ખૂબ જાણીતી ગઝલ…. !  આપણાં સૌ વતી મબલખ શુભેચ્છાઓ સહ… !!

     

     

    .

    કલંક : ધર્મેશ ‘ડી’

    Sunday, May 10th, 2009

     

    mother_child

     

    મારા ગર્ભના પોલાણમાં
    પ્રસરી રહ્યું છે
    વેરાન રણ

    લીલાછમ્મ થવા મથતાં
    મારા સ્ત્રીત્વને
    નિર્મૂળ કરી દે છે
    એનો ભૂખાળવો ઝંઝાવાત.

    પણ
    મને તો ગમે છે
    ભૂરાંભમ્મર ઝાંઝવા
    અને
    પ્રસવની પીડા પણ

    એથી જ
    અવતારું છું
    રોજ
    એકાદ-બે ઝાંઝવાં

    કલંકોને ધોતી રહું છું
    એ રીતે…

    - ધર્મેશ ‘ડી’

     

    માતૃત્વનાં અવસરને ઉજવતો દિન …. !!  કોઈએ કહ્યું છે, ” જનની જણ તો ભક્ત જણ કાં દાતા કાં શૂર, નહિંતર રે’જે વાંઝણી મત ગૂમાવીશ નૂર. ” બસ આવી જ કંઈક માર્મિક વાત ધર્મેશભાઈ ઉજાગર કરે છે.   ઝાંઝવાની જેમ જ સપૂત અવતરે પણ – વિશ્વમાં કોઇક જ શ્રેષ્ઠ બાળક હોય અને તે દરેક ‘મા’ પાસે હોય છે.   અને એ દરેક ‘મા’ ને આજનાં દિને પ્રણામ.

     

     

    .

    • Page 1 of 2
    • 1
    • 2
    • >
    This text will be replaced by the flash music player.
    Powered By Indic IME