Archive for the ‘માતા-પિતા’ Category
રાહ જોવી : મિરોસ્લાફ હોલુબ
Saturday, May 9th, 2009
અરવિંદ ભટ્ટ કહે છે,
” એક પીંછુ મોરનું શોધતાં શોધતાં,
છેક પહોંચી જવાયું છે ગોકુળમાં.” – થોડા સમય પહેલાં મા વિશે એક રચના મૂકેલી, પણ અનુવાદક વિશે જાણ ન હતી. અને તેને ” શોધતાં શોધતાં “ ગોકુળ એટલેકે આખી રચના જ મળી ….. ?!! ચેકોસ્લોવેકિયન કવિ મિરોસ્લાફ હોલુબ Dr. Miroslav Holub ની આ રચનાનો અનુવાદ હસમુખ પાઠકે કર્યો છે. તેમનું પ્રથમ કાવ્ય-પુસ્તક ‘ Day Duty’ હતું. તેઓ એક અનુવાદક અને નિબંધકાર પણ હતાં. તેમની રચનાઓનો લગભગ ૩૭ ભાષામાં અનુવાદ થયો છે. તેમના વિશે Ted Hughes કહેલું ”one of the half dozen most important poets writing anywhere.” …. !!! તેઓ એક વૈજ્ઞાનિક હતાં અને immunology ક્ષેત્રમાં તેમનું કાર્ય નોંધનીય છે.

( મિરોસ્લાફ હોલુબ )
જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે,
એની બધી આંગળીઓ ચગદાઈ ગયેલી
જગતનાં સ્વયંસંચાલિત બારણાઓમાં,
એના સઘળા વિચારો જાણે કે
જીવતાં ટાંકણીથી જડી દીધેલાં સગભૅ પતંગિયાં,
અને એના વાટવાનો અરીસો બતાવે
ક્યારનોય વહી ગયેલો કાળ, જ્યારે
ખુશીની કિકિયારીઓ સફરજન-વૃક્ષોમાં લંબાતી રહી હતી.
અને ઘરમાં રીલ અને દોરો એકબીજાંને ઘુસપુસ પૂછે :
આપણું શું થશે ?
જે રાહ જુએ છે તે હંમેંશા મા હોય છે,
અને હોય છે બીજી હજાર વસ્તુઓ જેમનાં ભાગ્યમાં હોય છે
દુર્નિવાર પતન.
જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.
નાની થતી, નાની થતી,
ઝાંખી થતી, ઝાંખી થતી,
સેકંડે સેકંડે
ત્યાં સુધી કે અંતે
ન કોઈ જ એને જુએ
- મિરોસ્લાફ હોલુબ
( અનુવાદક : હસમુખ પાઠક )
માની એક સીધી સાદી વ્યાખ્યા / વિભાવના………તે હંમેશાં રાહ જ જોતી હોય. દીકરાના ફોનની, દીકરાના મૅલની કે દીકરાનાં જમવાની…. !! જો પાછાં વળીને જોઇએ તો અને તો જ ? – નાની થતી, ઝાંખી થતી મા દેખાશે જ પણ તમે જ્યારે નથી જોઇ શકતાં એટલાં દૂર થઈ જાઓ કે જોવાનું છોડી દો ત્યારે પણ મા રાહ જ જોતી હોય….!!
.
મા : મિરોસ્લાફ હોલુબ
Wednesday, April 1st, 2009
જે રાહ જુએ છે તે હંમેશાં મા હોય છે.
નાની થતી, નાની થતી,
ઝાંખી થતી, ઝાંખી થતી,
સેકંડે સેકંડે
ત્યાં સુધી કે અંતે
ન કોઈ જ એને જુએ
- મિરોસ્લાફ હોલુબ
( અનુવાદક : ? )
માની એક સીધી સાદી વ્યાખ્યા………તે હંમેશાં રાહ જ જોતી હોય. દીકરાના ફોનની, દીકરાના મૅલની કે દીકરાનાં જમવાની…. !! જો પાછાં વળીને જોઇએ તો અને તો જ ? – નાની થતી, ઝાંખી થતી મા દેખાશે જ પણ તમે જ્યારે જોઇ પણ નથી શકતાં એટલાં દૂર થઈ જાઓ કે જોવાનું છોડી દો ત્યારે પણ મા રાહ જ જોતી હોય…. મને યાદ આવી ગયેલ એક રચના .
.
આંધળી મા નો કાગળ : ઈન્દુલાલ ગાંધી
Monday, December 8th, 2008
અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ ગામે, ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ,તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,રોવું મારે કેટલા દ્હાડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે,ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે,પાણી જેમ પઈસા વેરે.
હોટલનું ઝાઝું ખાઈશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,ગરીબની ઈ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર,
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર;
હવે નથી જીવવા આરો,આવ્યો ભીખ માગવા વારો.
- ઈન્દુલાલ ગાંધી
ઈન્દુલાલ ગાંધીનાં જન્મદિને તેમની બે પ્રખ્યાત રચના…. !! આ આંધળી મા ના કાગળે કેટલીય માની લાગણીઓને વાચા આપેલી અને તેમણે જ પછી દીકરાની મજબૂરી પિછાણીને દેખતા દીકરાનો જવાબ રચના પણ લખી.
દેખતા દીકરાનો જવાબ : ઈન્દુલાલ ગાંધી
Monday, December 8th, 2008
ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.
પાંચ વરસમાં પાઈ મળી નથી, એમ તું નાખતી ધા,
આવ્યો તે દિ’થી આ હોટલને ગણી, માડી વિનાના ‘મા’
બાંધી ફૂટપાયરી જેણે, રાખ્યો રંગ રાતનો એણે !
ભાણિયો તો માડી ! થાય ભેળો જે દિ’ મિલો બધી હોય બંધ,
એક જોડી મારાં લૂગડાંમા, એને, આવી અમીરીની ગંધ ?
ભાડે લાવી લૂગડાં મોંઘા, ખાતો ખારા દાળિયા સોંઘા.
દવાદારૂ આંહી આવે ન ઢૂંકડા, એવી છે કારમી વેઠ,
રાત ને દિવસ રળું તોયે મારું, ખાલી ને ખાલી પેટ,
રાતે આવે નીંદર રૂડી, મારી કને એટલી મૂડી.
જારને ઝાઝા જુહાર કે’જે, ઊડે આંહી મકાઈનો લોટ,
બેસવા પણ ઠેકાણું ના મળે, કૂબામાં તારે શી ખોટ ?
મુંબઈની મેડીયું મોટી, પાયામાંથી સાવ છે ખોટી.
ભીંસ વધીને ઠેલંઠેલા, રોજ પડે હડતાળ,
શે’રના કરતા ગામડામાં, મને દેખાય ઝાઝો માલ,
નથી જાવું દાડિયે તારે, દિવાળીએ આવવું મારે.
કાગળનું તારે કામ શું માડી ! વાવડ સાચા જાણ,
તારા અંધાપાની લાકડી થાવાના, મેં લીધા પચખાણ,
હવે નથી ગોઠતું માડી, વાંચી તારી આપદા કાળી.
- ઈન્દુલાલ ગાંધી
આંધળી માનો કાગળ વાંચી દેખતા દીકરાએ અનુભવેલ લાગણીઓને વાચા આપતી આ રચના ઈન્દુલાલ ગાંધીએ લખી. જમાનાને જાણેલ મા પેટના જણ્યા દીકરા પર પણ વિશ્વાસ ગુમાવી ચૂકેલ પણ દીકરો સાચી પરિસ્થિતિની જાણ કરતાં મા ને દિલાસો મળે છે. આ ગીત હેમંત ચૌહાણનાં સ્વરમાં સાંભળવા અહીં ક્લીક કરવું.
